Sun-Temple-Baanner

Sunday Story Tale’s – નઝમા પંડિત


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Sunday Story Tale’s – નઝમા પંડિત


શીર્ષક : નઝમા પંડિત

આગળ ગયેલ ઉમેદવાર ઈન્ટરવ્યું પતાવીને કેબિનમાંથી બહાર નીકળ્યો કે તરત જ રીસેપ્શન પર બેઠેલી છોકરીએ આગળનો નંબર અંદર મોકલવા થોડાક ઊંચા અવાજે કહ્યું, “હવે મિસ.નઝમા પંડિત અંદર જશે.”, અને એ વાક્ય બોલતી વખતે અચાનકથી એની ભ્રમરો અદ્ધર ઉંચકાયેલી જ રહી ગઈ – હા, નામ વાંચતા જ તો વળી ! અને માત્ર એણે જ નહીં, કોરીડોરમાં ઉભેલા બાકીના ચાર-પાંચ ઉમેદવારોએ પણ અલગ અલગ ભાવો દર્શાવી એ નામ પ્રત્યે પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.

એ બધાને અવગણીને નઝમા સડસડાટ કેબીનમાં દાખલ થઇ ગઈ. કારણકે એની માટે એ કંઈ પણ નવું ન હતું… ક્યાંક એનું નામ બોલાવું કે કહેવું, અને સામે વાળાનું આમ ચોંકી ઉઠવું એ બધું જ એનું માટે રોજનું હતું – એક આદત જેવું જ ! અને હમણાં કેબીનમાં પણ એ જ પરિસ્થિતિ થવાની છે એ વાતથી બખૂબી રીતે વાકેફ નઝમાએ થડકતા હૈયે કેબીનમાં પગ મુક્યો. આમ તો એની માટે આવા ઈન્ટરવ્યું પણ કોઈ નવી વાત ન હતી, પણ આજે એ એક જાણીતી કંપનીમાં પબ્લિક રીલેશન (પી.આર.) ડીપાર્ટમેન્ટમાં એક પોસ્ટ માટે ઈન્ટરવ્યું આપવા અમદાવાદ આવી હતી. અને તેથી એક અકથ્ય ગભરાટ તેને ઘેરી વળ્યો હતો !

“પ્લીઝ, હેવ અ સીટ.”, કહી સામે સુટબુટમાં તૈયાર થઇ બેઠા બે વરિષ્ઠ સાહેબમાંના એકે તેને બેસવા માટે કહ્યું. પોતાની જગ્યા લઇ, નઝમાએ પોતાનો સી.વી. તેમની સામે ધર્યો, અને પોતાનો ડર છુપાવવા ટેબલ નીચેથી બુરખાના કાપડ સાથે પોતાની આંગળીઓ રમાડવા માંડી.

સી.વી. નો ઉપરછલ્લો અભ્યાસ કરી લીધા બાદ એક જણે તેને ઉદ્દેશીને કહ્યું, “સો, મિસ.નઝમા પંડિત…”, બોલતા બોલતા એ ક્ષણભર અટક્યો અને એ સાથે બંનેનું ધ્યાન નામ પર ગયું, અને પહેલાએ બીજા તરફ જોતાં હળવેકથી કહ્યું, “આવું નામ ! આવું તો પહેલીવાર સાંભળ્યું, નહીં ?”

બીજાએ હકારમાં માથું હલાવ્યું, અને એ જોઈ નઝમાએ વચ્ચે ખોંખારો ખાધો અને કહ્યું,

“સર, જાણું છું, આવું નામ તમારી માટે એક કુતુહલથી કમ નથી ! પણ એની એક આખી અલગ કહાની છે. અને હાલ આપણે ઈન્ટરવ્યું પર ધ્યાન આપીએ એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.”, નઝમાએ ખુબ ચાલાકીથી છતાંય ક્યાંય તોછડાઈ ન વર્તાય એટલી વિનમ્રતાથી વાત વાળી. અને એ સાંભળી બીજો હસી પડ્યો અને બોલ્યો, “વેરી કલેવર ગર્લ ! આઈ એપ્રીશીયેટ ! લેટ્સ બીગીન ધ ઈન્ટરવ્યું.”

“તો આપ ગોધરાથી આવો છો?”, સી.વી. માંથી વાંચી પહેલાએ પૂછ્યું. પણ નઝમાને ખબર હતી કે આ પ્રશ્ન નથી, કારણકે કેટલાક પ્રશ્નો માત્ર વિધાન બનવા સર્જાયા હોય છે !

“આ પેલું ‘ગોધરાકાંડ’ વાળું ગોધરા જ ને…?”, બીજાએ ફરી મૂળ વાતથી ભટકી જતા પૂછ્યું.

“જી સર.”, નઝમાએ ટૂંકમાં જવાબ આપ્યો. પણ ખરું પૂછો તો એ અંદરથી રીતસરની સળગી રહી હતી. ‘સમજે છે શું બધાય… જયારે હોય ત્યારે હત્યાકાંડથી જ યાદ કરે છે. અને એટલું ઓછું હોય એમ દરેક ગોધરાવાસીને શંકાની નજરોથી જ જુએ, જાણે કે હત્યાકાંડમાં સૌથી સક્રિય ભાગ એણે જ ન ભજવ્યો હોય !’

આમ તો નઝમા માટે આ વાત પણ કોઈ નવી ન’તી. પણ જયારે જયારે એના શહેરનું નામ આમ – કોઈક બદનામીને કારણે – લેવાતું ત્યારે એના અંતરને એક અણદેખી ઝાંય લાગી જતી !

અને સામે વાળા બંને પણ જાણે નઝમના હાવભાવ સમજતા હોય એમ તેમણે વાતને મૂળ પાટે ચઢાવી અને ઈન્ટરવ્યું શરુ થયો.

બંનેએ ભેગા મળીને નઝમાને જાતજાતના અને કેટકેટલાય સવાલો પૂછ્યા. અને નઝમાએ પણ બને તેટલી સ્વસ્થતા દર્શાવી જવાબો આપ્યા. ઈન્ટરવ્યુંના અંતે બંને સાહેબો તેના જવાબોથી સંતુષ્ટ હોય એમ હસી રહ્યા હતા.

“…જે પણ હશે એ તમને પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. થેંક યુ ફોર કમિંગ.”, કહેતાં પહેલાએ ઈન્ટરવ્યુની સમાપ્તિ કરી. નઝમા હસતે ચેહરે કેબિનમાંથી બહાર આવી. અને એનું એ હાસ્ય જોઈ બે ઉમેદવારોએ અંદરોઅંદર ગુસપુસ પણ કરી લીધી, “જો, જો કેવીક હસતી આવે છે… આની જોબ પાક્કી સમજ.”, “અલ્યા છોકરી છે, એટલે કોઈ પણ બાંધછોડ તો કરે જ ને…”, અને એમના એ કટાક્ષ નઝમાના હાસ્ય નીચે કચડાઈ ગયા.

લીફ્ટમાં થઇ એ નીચે સરકી. અને એ ઊંચા દરજ્જાની કહી શકાય એવી પ્રાયવેટ સેક્ટરની કંપનીની બહુમાળી ઈમારતમાંથી બહાર આવી. રસ્તો ક્રોસ કરી સામેના ફૂટપાથ પર આવી ઉભી રહી, અને ઘડિયાળમાં સમય નોંધી ફૂટપાથ પર ચાલવા માંડી. ‘હાશ, ઈન્ટરવ્યું તો સારો રહ્યો, હવે જલ્દીથી આ નોકરી પાક્કી થાય તો પપ્પાને પણ ‘દીકરીએ ધાર્યું તે કરી બતાવ્યું’ – નો આનંદ થાય.’

ચાલતા ચાલતા તેણે ફરી સમય જોયો. હજી બસ પકડવામાં ઘણી વાર હતી. ત્યાં સુધી ક્યાંક તો સમય પસાર કરવો જ રહ્યો. પણ આ શું ? એની છઠ ઇન્દ્રિય એને એમ કેમ સુચવી રહી છે કે ક્યાંક કશી ગરબડ છે ! જાણે કે કોઈક એનો પીછો કરી રહ્યો છે ! અને એણે ઓચિંતા જ પાછળ વળીને જોયું, અને ખરેખર કોઈક એની પાછળ આવી રહ્યું હતું. એ કોઈક એટલે ઈન્ટરવ્યું લેનાર પહેલા સાહેબશ્રી !

“મિસ.પંડિત આઈ મસ્ટ ટેલ યુ, તમે ઘણું ઝડપી ચાલો છો.”, ચાલીને પણ હાંફી જતા હોય એમ ઊંડા શ્વાસ ખેંચતા, હસતા હસતા તેમણે કહ્યું.

“પણ તમારે આટલે સુધી શાથી આવવું પડ્યું સર ?”, નઝમાએ સાહજીકતાથી પૂછ્યું.

“મિસ.પંડિત શંકા અને જીજ્ઞાસાની દવા હજી સુધી શોધાઈ જ ક્યાં છે !”

“મતલબ ?”

“મતલબ એમ કે, મને તમારી માટેની જીજ્ઞાસા અહીં સુધી ખેંચી આવી છે !”

મજબુત શરીર બાંધો, આંખે ચશ્માં, અને માથે ધોળિયા વાળ ધરાવતા, એના પિતાની ઉંમરના આ વ્યક્તિને વળી એનામાં શી જીજ્ઞાસા ઉપજી હશે ?, વિચાર કરતા તે ‘સર’ ને આશ્ચર્યથી જોઈ રહી હતી. અને એ જોઈ તેમણે નઝમાની આંખો સામે ચપટી વગાડી તેને તન્દ્રામાંથી જગાવતા હોય એમ બોલ્યા, “ક્યાં ખોવાઈ ગયા, મિસ.પંડિત !”

“સર, મને આપના કહેવાનો અર્થ હજી પણ નથી સમજાતો.”, તેણે ભોંઠપ અનુભવતા કહ્યું.

“હાહાહા… હું તો આપના નામની પાછળની કહાની જાણવા ઉત્સુક હતો. આઈ હોપ, તમને એ કહેવામાં વાંધો નહીં હોય !”

“પણ સર…”, કહેતાં અચકાતાં તેણે ફરી એક વખત ઘડિયાળ જોયું, અને એ જોતાં જ પેલા સાહેબ બોલી ઉઠ્યા,

“ઓહ કમ ઓન મિસ. પંડિત ! આપ મને આમ જિજ્ઞાસાના મધદરિયે મુકીને ન જ જઈ શકો. અને આપને મોડું થતું હશે તો આપને ઘરે પંહોચાડવાની વ્યવસ્થા હું જાતે કરીશ. પણ મારું આ કુતુહલ નહીં શમે તો કોણ જાણે કેટલા દિવસ મને નિરાંતે ઊંઘ પણ નહીં આવે. આપણે નજીકના કોફી હાઉસમાં જઈ વાત કરીએ. પ્લીઝ…!”, એકી શ્વાસે બોલતા રહી તેમણે નઝમાને આગ્રહના વરસાદમાં ભીંજવી મૂકી. અને થોડાક ખચકાટ છતાં નઝમા તેમના આગ્રહને માન આપી વાત કરવા સંમત થઇ.

ફૂટપાથ પર લગોલગ ચાલતા બંનેએ થોડુક અંતર કાપ્યું, અને નજીકના કોફીહાઉસમાં પ્રવેશ લીધો. ખૂણામાં, બારી પાસેનું એક ટેબલ પસંદ કરી બંને ત્યાં ગોઠવાયા. લગભગ અડધા ઉપરનું કોફી હાઉસ નવજુવાન યુગલોથી ઉભરાતું હતું, અને એમની વચ્ચે આ બેલડી કંઇક જુદી જ ભાસતી હતી. તરત બીજી મીનીટે વેઈટરે આવીને મેનું કાર્ડ મુક્યું, અને ઓર્ડરની રાહ જોતા ઉભો રહ્યો. બંનેએ પરસ્પર સંતલસ કરી, કોલ્ડ કોફી અને સેન્ડવીચીસનો ઓર્ડર આપ્યો. થોડીક શાંત ક્ષણો વીત્યા સુધીમાં વેઈટર ઓર્ડર મૂકી ચાલ્યો ગયો. બંને વચ્ચેનું મૌન હજી પણ યથાવત હતું. કારણકે વાતનો દોર ક્યાંથી સાધવો, એ પણ સેલોટેપનો ખોવાયેલો છેડો શોધવા જેવું કઠીન કામ છે !

“સો, મિસ.પંડિત, મારે તમને મૂળ બે સવાલ પૂછવા છે.”, કોલ્ડ કોફીના મગમાં ચમચી હલાવતાં રહી, સરે વાતની શરૂઆત કરી.

“સ્યોર સર. અને આપનો પહેલો પ્રશ્ન આપે મને રસ્તામાં જ જણાવી દીધો છે.”, નઝમાએ હસતાં રહી કહ્યું. સરથી પણ એના હાસ્યમાં સાથ પુરાવી દેવાયો. ક્ષણભર પહેલાનું ગંભીર લાગતું વાતાવરણ એકદમથી હળવાશથી ભર્યું થઇ ગયું એનું કારણ કદાચ નઝમાનું હાસ્ય જ હશે !

“તો સર, જેમ મેં તમને અગાઉ કહ્યું એમ, મારા નામ પાછળ પણ એક આખી કહાની છે. જેને એક આદિ, મધ્ય, અને અંત એમ ત્રણ ભાગ છે – જેમ એક વાર્તાને હોય છે બસ એમ જ…”, કહેતાં તેણે કોફી મગ ફરતે પોતાની આંગળીઓ વીંટાળી અને કોફીનો એક ઘૂંટ ભર્યો. – હા, ઘૂંટ, કારણકે ચુસ્કી તો ચાની જ હોય ને ! – અને વાત આગળ ચલાવી. અને જે રીતે એણે વાતની શરૂઆત કરી હતી એ પરથી જ સરે નક્કી કરી લીધું કે એને વચ્ચે ખલેલ ન પંહોચાડતા, એની વાત કાન માંડીને શબ્દશઃ સાંભળવી !

“વાત આજથી સોળેક વર્ષ પહેલાની છે. સાલ ૨૦૦૨, જયારે ગોધરા કાંડ થયો હતો, એ સાલની – એ જ સમયની ! અલબત્ત એ મારી કહાનીનો મધ્ય ભાગ કહી શકાય.

તમને માંડીને વાત કરું, મારો જન્મ ‘૯૫ની સાલમાં ગોધરાના એક મુસ્લિમ પરિવાર – ‘શેખ’ કુટુંબમાં થયો હતો. મારા કુટુંબમાં હું – નઝમા શેખ, મારા અમ્મી – અબ્બુ અને મારાથી બે વર્ષ મોટો એક ભાઈ હતો. અબ્બા વેપારી હતા, અને અમ્મી ઘરે જ રેહતા. શાળાએ જવા જેટલી ઉંમર થતા હું અને મારો ભાઈ, બંને જોડે શાળાએ જતા થયા. એમ તો અમે બધી જ રીતે સુખી કહી શકાય એવી પરિસ્થિતિમાં જીવતા હતા. અને સમાજમાં માન, મોભો પણ ખરો. પણ ક્યારેક અબ્બુને મારા શાળાએ જવા વિષે અન્યો પાસેથી સાંભળવું પડતું. કોણ જાણે કેમ, કેટલાક તત્વોને કન્યાઓને શાળાએ મોકલવા સામે વિરોધ હતો. પણ મારા અબ્બુએ ખુદાના નેક બંદા હતા. એમણે ક્યારેક મારા અને ભાઈજાનના ઉછેરમાં લેશમાત્રનો ભેદ નહોતો આણ્યો !

ઉપરથી જયારે એમણે અમ્મી પાસેથી મારા સંગીતના શોખ વિષે જાણ્યું ત્યારે મને એમાં આગળ વધારવાનું નક્કી કર્યું. અમ્મી જાણતી કે હું ક્યારેક અમસ્તા જ શાળાની કવિતાઓ, રેડીયો પર આવતા ગીતો, અને અન્ય નઝ્મો ગણગણતી રેહતી. અને એ વાત જાણ્યા બાદ અબ્બુએ મને સંગીતની અને સાથે સિતારની તાલીમ આપવાનું ગોઠવ્યું. એ માટે અમારા જ શહેરના એક ‘માસ્ટરજી’ને ઘરે આવવા માટે મનાવ્યા. અને બસ, ત્યારથી જ મારી જીંદગીમાં સંગીતનો ખરા અર્થમાં પ્રવેશ થયો !

સવારની શાળા બાદ, બપોરે મૌલવી સાહેબ મને અને ભાઈજાનને કુરાનની આયતો વંચાવતા, સમજાવતા. અને એમના જતાં જ સાંજે માસ્ટરજી સિતાર સાથે ઘરે આવી પંહોચતા. મને આયતના સુર (લ્હેકો) અને સિતારના તાર વચ્ચે કોઈ ભેદ નહોતો લાગતો. મારી માટે એ બંને સંગીત હતાં. પણ મેં અવારનવાર મૌલવી સાહેબને અબ્બાની સામે માસ્ટરજી વિષે ઓછું બોલતા સાંભળ્યા હતા, અને ક્યારેક તો તેઓ, ‘છોકરીને આટલું પ્રોત્સાહન આપવું યોગ્ય નથી !’, કહી અબ્બુને જરાક વધારે પડતા જ આકરા વેણ પણ કહી દેતાં.

પણ મને તો જાણે એ બધાની કોઈ પડી જ નહોતી. મને તો બસ મજા પડતી હતી, સિતાર પર પોતાની આંગળીઓ રમાડવાની ! અને માસ્ટરજી પણ મારી આવડત કે પછી મારા સ્વભાવને કારણે મારી પર રીઝ્યા હતા. જાણે પોતાની જ દીકરીને શીખવતા હોય એમ પ્રેમ નીતર્યા શબ્દો વડે મને સિતારના પાઠ સમજાવતા. અને ક્યારેક અબ્બાને મજાકમાં કહેતાં પણ ખરા, ‘મિયાં, આ તો ઘરે પ્રભુએ દિકરો દીધો છે, પણ હવે આવી ફૂલ જેવી દીકરીની રહેમત પણ ખુદા બક્ષે તો બસ, પછી આ જીંદગી પાસે બીજું કંઈ નથી જોઈતું.’, અને બદલામાં અબ્બા ‘આમીન’ કહી તેમની દુઆ કબુલ થવાની દુઆ માંગતા !

ખુબ જ થોડા વખતમાં અબ્બુ અને માસ્ટરજીની દોસ્તીનો રંગ જામ્યો હતો. તેઓ ક્યારેક અમારા ઘરે ભોજન પણ લેતાં. અને મને આજે પણ યાદ છે, તેઓ નિયમિત પણે કહેતાં કે, ‘બધાએ સંગીત શીખવું જોઈએ. કારણકે સંગીતમાં એ તાકત છે જે નાત-જાત, ઊંચ-નીચ, ધરમ-મઝહબ, ના બધા જ ભેદ ભુંસી શકે છે !’

હું મારા જીવનનો શ્રેષ્ઠ સમય જીવી રહી હતી, અલબત્ત ત્યારે તો એટલી કંઈ ખાસ સમજ નહોતી પડતી, પણ આજે પણ માનસપટ પર એ દિવસોની આછી – પાતળી ઝાંખી ઉઠે છે ત્યારે ચેહરા પર એક સ્મિત ફરકી જાય છે !

હું ભણવામાં પણ એટલી જ આગળ હતી જેટલી સંગીતમાં ! સંગીતમાં ખુબ ઓછા સમયમાં ઘણા પાઠ શીખ્યા હતા, અને લગભગ એક જ મહિનામાં સરસ્વતી વંદના સિતારના સુરો સાથે કંઠસ્થ કરી હતી ! મૌલવી સાહેબ અવારનવાર એ બધું – એમના મુતાબિક ‘અનર્થ’ – અટકાવવાની વાતો કરતા. અને એ વાત હવે એમણે ઘર બહાર પણ પંહોચાડી હતી, જેથી અબ્બુ પર દબાણ લાવી શકાય.

આમ તો અબ્બુ પણ મચક આપે તેવા ન હતા, અને એ બધું એમ જ અનિશ્ચિત સમય સુધી ચાલ્યા જ કરતું… પણ ! પણ એ સમયમાં સંસદ પર આતંકવાદી હુમલો થયો – તારીખ ૧૩ ડીસેમ્બર ૨૦૦૧. આમ તો એ ઘટના સાથે અમારો કોઈ સીધો સંબંધ ન હતો, પણ સાર્વજનિક ઘટનાઓ દરેકના જીવન પર છાપ છોડી જ જતી હોય છે !

એ સમયમાં બધે જ વાતાવરણ તંગ રહેતું. બીજી તરફ મૌલવી સાહેબ અને અન્યોએ દબાણ વધાર્યું હતું. એવી નાજુક સ્થિતિમાં માસ્ટરજીને ઘરે આવવામાં પણ તકલીફ પડતી, પણ છતાંય એ અચૂક આવી પંહોચતા. પણ હવે અમે ખુબ ઓછો રીયાઝ કરતા. મોટા ભાગનો સમય તેઓ અબ્બુ સાથે ચર્ચાઓ કરવામાં જ વિતાવી દેતા. તેઓ કહેતાં, ‘ભારતે ભલે પોતાની ખરાબ આંગળી વાઢી મૂકી હોય, પણ આજની તારીખ સુધી એ ઉધાઈની જીવાતોએ આ દેશને કોતરવાનું મુક્યું નથી. અને મિયાં, હું તો કહું છું, એવાઓને સાથ આપવો જેટલો ગુનો છે એટલો જ ગુનો એમની પર પડદા ઢાંકવાનો છે ! આપણા ધરમ અને મઝહબથી પણ ઉપર આપણો રાષ્ટ્રધર્મ છે !’ અબ્બુ પણ તેમની સાથે સંમત થતા, અને એમની ચર્ચાઓ લાંબા સમય સુધી ચાલ્યા કરતી.

એ ઘટનાને અંદાજે બે મહિના ઉપર કંઇક સમય વીત્યો હશે, ત્યારે અબ્બાને કેટલાક ‘લોકો’ મળવા આવ્યા હતા. અબ્બા કહેતાં કે એ બધા પણ એમની જેમ જ ખુદાના બંદાઓ છે, પણ બસ થોડીક કટ્ટર વિચારધારા ધરાવે છે. એમણે ન જાણે અબ્બા સાથે એવી તો શું વાતો કરી, કે અબ્બા એ મુલાકાત બાદ ખોવાયેલા રહેવા લાગ્યા ! એમનું કોઈ વાતમાં ચિત્ત ચોંટતું નહીં. માસ્ટરજી સાથે પણ ચર્ચાઓ કરતી વખતે તર્ક-વિતર્કો કરતા કરતા અટકી પડતા. એમના મુંજવણભર્યા વર્તનને લઈને એક દિવસે માસ્ટરજીએ કેટકેટલુંય પૂછ્યું હતું, અને તેમણે કહ્યું હતું કે, ‘પ્રશ્ન મારો છે, માટે મને જ એનો નિર્ણય કરવા દો.’

એ વાતના એક અઠવાડિયા બાદ, એક સાંજે હું અને અબ્બુ માસ્ટરજીને વળાવવા નજીકના પાનના ગલ્લા સુધી ગયા હતા. ત્યાં એમણે પોતાની વાત માંડીને કરતાં કહ્યું હતું કે, ‘માસ્ટરજી, ઘણાંય સમયથી મને અંદેશો હતો કે નક્કી કંઇક અયોગ્ય થવા જઈ રહ્યું છે. પણ આટલું મોટું અનર્થ ! આવું તો મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું !’

‘અરે મિયાં, જરાક ખુલીને વાત કરો ને.’, મોંમાં પાન મુકતા માસ્ટરજીએ અબ્બુને પૂછ્યું હતું.

‘માસ્ટરજી, મને તો હવે આ જીંદગી પાસે વધારે તો શું અપેક્ષા હોય ! પણ જયારે બીવી બચ્ચાઓ વિશે વિચારું છું ત્યારે હૈયું કંપી જાય છે. ક્યારેક લાગે છે આ બધું જ મિથ્યા છે, અલબત્ત હું એ મિથ્યા કરી શકું… પણ હિંમત નથી થતી !’

પણ અબ્બુ પોતાની વાત માંડીને કહે એ પહેલા જ ત્યાં ખુલ્લી તલવારો સાથે કટ્ટરપંથીઓનું ટોળું આવી પંહોચ્યુ ! હું તો હબક ખાઈને અબ્બાની પાછળ લપાઈ ગઈ, અને જેટલું સંભળાયું એટલું સાંભળતી રહી. આજે પણ ક્યારેક એ ઘટના એક દુસ્વપ્ન બનીને રાત્રે ઊંઘ ઉડાવી જાય છે !

‘મિયાં, આપકો કિતની બાર સમજાયા થા, ઇસ દુસરે મઝહબ કે આદમી સે દુરી બનાયે રખિયે !’, તેમાંના એકે કહ્યું.

‘…ઔર તો ઔર, આપને હમારા સાથ દેને સે ભી ઇનકાર કર દિયા !’, બીજાએ એમાં સુર પુરવતા કહ્યું.

‘દેખિયે જનાબ, આપ જો ચાહતે થે વો ઠીક નહીં હૈ. ઔર મેં તો કહેતાં હું આપ ભી ઉસ રાહ સે વાપસ મુડ જાયે યહી બહેતર હોગા.’, અબ્બાએ નમ્રતાથી એમને જવાબ વાળ્યો હતો. માસ્ટરજી એ આખી વાતમાં કંઈ સમજતા ન હતા, માટે એમની મુંજવણનો કોઈ પાર નહોતો !

‘તમે બધા આ શું વાત કરો છો? અને આ બધા ખુલ્લી તલવારો સાથે કેમ ફરી રહ્યા છે…? આ બધું ચાલી શું રહ્યું છે !?’, માસ્ટરજીએ સવાલોનો વરસાદ કરી નાંખ્યો. અને સામે જવાબમાં અબ્બુએ તેમને ઇશારાથી શાંત રહેવા જણાવી, ટોળાને ઉદ્દેશીને કહ્યું, ‘દેખિયે, યું બીચ ચૌરાહે પે બાત કરના ઠીક નહીં હૈ. ઘર ચલિયે, ઇત્મીનાન સે બાત કરતે હૈ.’

‘ઘર? કોનસા ઘર મિયાં? જબસે હમને જાના કી તુમ હમારે ખિલાફ આવાજ ઉઠાને કી સોચ રહે હો તભી હમને તુમ્હે સબક સીખના તય કર લિયા થા ! વૈસે ભી બહોત વક્ત સે તુમ્હારે પર નિકલ આયે થે… અભી તુમ્હારે ઘર સે હી આ રહે હૈ, તુમ્હારે પર કૂતર કર !, કહી તેણે એક લોહી ભીની તલવાર અબ્બુને બતાવી !

‘…ઔર અબ ઇસ ‘માસ્ટર’ કી બારી હૈ !’, કહેતાં બીજા એક વ્યક્તિએ માસ્ટરજીનો જીવ લેવા પોતાની તલવાર ઉગામી ! પણ એની તલવાર હવામાં જ અદ્ધર રહી ગઈ, કારણકે તરત જ પાછળથી નજીકની મસ્જીદમાંથી અઝાનનો અવાજ દોરાઈ આવતો હતો ! અને અઝાન એટલે ખુદાનો પૈગામ ! માટે આખેઆખું ટોળું અસમંજસમાં હતું કે અઝાનનો સમય વીતી જવા દેવો કે પછી પોતાનું કામ ચાલુ જ રાખવું !

ઘડીના છઠા ભાગમાં એ આખી ઘટના બની ગઈ. અબ્બાએ એ લોહી ભીની તલવાર પરથી શું અનુમાન કર્યું એ તો મને ખબર નથી, પણ જેટલી ઝડપથી એ ઘટના બની એથી પણ ઝડપથી અબ્બાએ એક નિર્ણય લીધો – જેના થકી મારી આખી જીંદગીએ પડખું બદલ્યું. ટોળું અસમંજસમાં શું નિર્ણય લેવો એની ચર્ચાએ ચડ્યું હતું ત્યારે અબ્બાએ લાગ જોઈ માસ્ટરજીને ઇશારાથી મને સાથે લઈને ત્યાંથી સરકી જવા કહ્યું ! અને મને આજે પણ યાદ છે, માસ્ટરજી મને ખોળામાં ઊંચકીને જીવ પર આવીને દોડ્યા હતા !

એ બાદ ચોકમાં શું થયું એની તો મને ઘણા સમય બાદ ખબર પડી હતી, પણ એ પછી માસ્ટરજી અને મારી સાથે શું થયું એ વાતની હું સાક્ષી રહી છું ! તરત જ મને માસ્ટરજી પોતાના ઘરે લઇ ગયા હતા. અને ખુબ જ ગભરાહટમાં તેમણે તેમના પત્નીને આખી વાત કહી સંભળાવી. પણ ત્યાં સુધીમાં તો એ ટોળું તેમના ઘરે આવી, બારણા તૂટી પડે એ હદ સુધી બારણા પછાડવા માંડ્યું. અને એ જોઈ માસ્ટરજીની પત્નીએ પોતાના ગળામાં પહેરેલ મંગલસૂત્ર ઉતારીને માસ્ટરજીના હાથમાં સોંપતા કહ્યું, ’તમે નિશ્ચિંત થઈને જાઓ – ભાગી જાઓ ! અન્ય કોઈની અમાનત જોડે લાવ્યા છો તો એને સાચવવી એ આપણો ધર્મ છે.’, કહેતાં તેમણે મને ચૂમી હતી. અને ઘરના પાછળના રસ્તેથી અમને ભગાવી મુક્યા હતા !

ક્ષણનો પણ વિલંબ કર્યા વિના માસ્ટરજીએ મને લઈને બસસ્ટેન્ડ તરફ દોટ મૂકી હતી. અને જે બસ પહેલી દેખાઈ એનું પાટિયું પણ વાંચ્યા વિના અમે શહેર છોડી ચાલ્યા ગયા. અમે જે બસ પકડી હતી એ અમને સુરેન્દ્રનગર લઇ ગઈ. અને ત્યાં અમે હોટલમાં રાત્રી રોકાણ કર્યું. એ રાત્રે અમારા બંનેની આંખોમાં ઊંઘ નહોતી. હજી પણ અમારા થડકતા હૈયા એકમેકને પૂછી રહ્યા હતા, શું એ બધું જે બની રહ્યું હતું એ સ્વપ્ન હતું કે હકીકત !

માંડ અમે એ રાત પસાર કરી, અને સવારે દેશભરમાં આગની જ્વાળાની વેગે પ્રસરી રહેલા સમાચાર અમને પણ મળ્યા ! એ સમાચાર હતા, ગોધરાકાંડના !

હજી તો માંડ અમે આગલી સાંજે અમારા જીવનમાં આવેલા ઓચિંતા બદલાવથી ઊગરીએ એ પહેલા તો હૈયું હચમચાવી જાય એવો હત્યાકાંડ થઇ ગયો – અમારા પોતાના જ શહેરમાં !

અને એટલું ઓછું હોય તેમ નજીકના જ સમયમાં અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યા. અને એવા સમયમાં સુરેન્દ્રનગર છોડીને બહાર નીકળવાનો વિચાર જ તમને મુર્ખ ઠરાવી દે ! લગભગ એક મહિનો અમે સુરેન્દ્રનગર હોટલમાં જ રોકાયા. એ સમય દરમ્યાન માસ્ટરજીની પત્નીએ આપેલું મંગલસૂત્ર જ અમારા જીવન નિર્વાહનું માધ્યમ બન્યું હતું !

સમય પંખી બની ઉડતું જતું હતું. અને જોતજોતામાં એ ઘટનાને પણ ત્રણ મહિના વીતી ગયા. એ સમગ્ર સમયગાળામાં ગુજરાત આખામાં અરાજકતા ફેલાયેલી હતી. અને ધીરે ધીરે માહોલ શાંત થતા, અમે ગોધરા પરત ફરવાનો નિર્ણય કર્યો.

ગોધરા આવી સૌ પ્રથમ અમે માસ્ટરજીના ઘરે પંહોચ્યા. પણ ત્યાં અમારું સ્વાગત કરવા પણ કોઈ નહોતું, કે નહોતું કોઈ એવું જેની આંખોમાં અમને જોઇને ઉત્સાહ દેખાય ! કારણકે એ માટે ઘર, અને ઘરના સભ્યો પણ તો હોવા ઘટે ને !

માસ્ટરજીનું ઘર એ ઘર નહીં પણ એક ખંડેર લાગતું હતું. એ હત્યાકાંડ થતા તો થઇ ગયો, પણ પાછળથી આખુ શહેર પણ દંગા-ફસાદોમાં સપડાયું હતું ! હત્યા કરનારાઓએ ના સ્ત્રી જોઈ, ના પુરુષ, ના જાત જોઈ, ના ધરમ ! મારનારને ક્યાં કોઈ ધરમ હોય જ છે ! એ બાદ અમને મારા મહોલ્લાના પણ સમાચાર મળ્યા, ત્યારે જાણવા મળ્યું કે એ સાંજે, ચૌરાહા પર જ એ લોકોએ અબ્બુને… અને સાથે મારા આખા કુટુંબને…. !”, કહેતાં નઝમા એકાએક અટકી. એની ગાલ પરથી એક આંસુ વહીને તેની કોફીના મગમાં ‘ટપ્પ’ દઈને પડ્યું.

સર પણ નઝમાનું વર્ણન થકી જાણે સમગ્ર ઘટના આંખે દેખી રહ્યા હોય એમ અસ્વસ્થ થઇ ઉઠ્યા. નઝમાએ થોડીવાર મગ તરફ નિષ્પલક તાકી રહી ફરી આગળ ચલાવ્યું.

“અને બીજા જ દિવસે અમે ગોધરા હમેશાં માટે છોડી દીધું, અને અમદાવાદ આવી સ્થાયી થવાનો નિર્ણય લીધો. એ ઘટના બાદ મેં નોંધ્યું હતું કે, માસ્ટરજીને જેટલો આઘાત પોતાના સ્વજન ગુમાવવાનો લાગ્યો હતો, એથી પણ વિશેષ આઘત તેઓ મારી તરફ જોઈ રેહતા ત્યારે લાગતો ! અવારનવાર મેં એમની વહેતી આંખો જોઈ હતી, અને એક વાર તો મેં હિમ્મત કરીને તેમના આંસુ પણ પોતાની નાનકડી આંગળીઓ વડે લુછયા હતા, અને કોઈક અજ્ઞાત શક્તિએ જ મારી પાસેથી ત્યારે કહેવડાવ્યું હતું, ‘હવે બીજા કોઈ નથી તો શું થયું… આપણે બંને તો છીએ જ ને !’, અને એ સાંભળતા જ તેમણે મને છાતીસરસી ચાંપીને ચુમ્મીઓથી નવડાવી દીધી હતી. મને આજે પણ એ વાતની નવાઈ લાગે છે કે હું એ સમયે એવું શાથી બોલી હોઈશ, પણ હવે સમજાય છે કે એ હત્યાકાંડ થકી મારું બાળપણ જ મારાથી છીનવાઈ ચુક્યું હતું… હું ખુબ જ ઝડપથી મોટી થઇ ચુકી હતી !

અમદાવાદ આવ્યા બાદ પણ બધું નોર્મલ થતાં ઠીકઠીક સમય વીત્યો. ત્યારબાદ માસ્ટરજીએ ફરીથી મારું ભણતર શરુ કરાવ્યું… અને જોડે મને પોતાનું નામ પણ આપ્યું – નઝમા પંડિત ! અમદાવાદમાં આવી તેઓએ સિતારવાદનના વર્ગો લેવા શરુ કર્યા. એમાં હું પણ એમની એક શિષ્યા હતી. ગોધરાના માસ્ટરજી અહીં પોતાને ‘પંડિતજી’ તરીકે ઓળખાવતા, અને મને એમની દીકરી તરીકે ! અને એ પાક ઇન્સાન ક્યારે મારી માટે ‘માસ્ટરજી’ માંથી ‘પપ્પા’ બન્યા એ તો મને પણ ખબર નથી !

તેમણે મને મારી લાયકાતથી વધારે શીક્ષણ આપ્યું છે,એ પણ મારી મરજી મુજબનું. પોતાની તરફથી તેમણે મને શાસ્ત્રીય સંગીતની ભેટ આપી છે, જેની ગુરુદક્ષીણા હું કોઈ જન્મારે ચૂકવી શકું તેમ નથી ! અને માત્ર એટલું જ નહીં, તેમણે મારા ઉછેર દરમ્યાન ક્યારેય મારી સાથે ધરમ અને મઝહબમાં કોઈ ભેદ હોય એવું વર્તન નથી કર્યું. આજની તારીખે પણ હું સવારે મંદિરે જતી હોઉં છું અને દિવસમાં પાંચ વખત નમાઝ પણ પઢતી હોઉં છું ! એ પંડિતના ઘરની ખીંટીએ તેમની જનોઈની બાજુમાં મારો બુરખો પણ લટકતો હોય છે ! અને એમના ઘરમાં કુરાન અને ગીતા બંને જોડે વંચાતી હોય છે !

આજે એ હત્યાકાંડને તો વર્ષો વીતી ગયા, પણ એ ઘટના સાથે આજે પણ ‘સાપ ચાલ્યો ગયો અને લીસોટા રહી ગયા’, જેવો ઘાટ છે. એ હત્યાકાંડ થકી મારા જીવનમાં જે સમૂળગુ પરિવર્તન આવ્યું, એ ‘સારું’ જ હશે, આટલા સારા ઉછેર બાદ એને ખરાબ કહેતાં મારી જીભ પણ કેમ ઉપડે !

પણ લગભગ છેલ્લા એક વર્ષ અગાઉ અમે અમદાવાદ છોડી ફરી ગોધરા સ્થાયી થયા છીએ. પપ્પાની તબિયત હવે ક્યારેક નાદુરસ્ત રહેતી હોય છે, અને તેમની પણ ઘણી ઈચ્છા હતી કે તેમનો છેલ્લો સમય તેઓ તેમના પોતાના શહેરમાં વિતાવે.”

નઝમાએ પોતાની વાત પૂરી કરી, અને કોફીના ઘૂંટ ભરવા માંડી. એ જોઈ સાહેબથી વાતાવરણને હળવું બનાવવા નાનકડી મજાક કરતા ન રહેવાયું, અને તેઓ બોલ્યા, “મિસ.પંડિત, તમારા આંસુ પડ્યા છે એ કોફીમાં… મીઠાશની જગ્યા ખારાશે લઇ લીધી હશે.”

“સર, અબ્બુની યાદમાં આવી કેટલીય ખારી કોફી પૂરી કરી છે… હવે તો આદત છે આ ખારાશની !”

સાહેબની મજાક તેમના પુરતી જ સીમિત રહી ગઈ. અને બદલામાં નઝમાએ એક જ વાક્યમાં પોતાના પિતા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી દીધી.

“સર, જાણું છું કે ગોધરાનું નામ હવે કઈ હદ સુધી વગોવાઇ ચુક્યું છે… અને એની મને ખીજ પણ એટલી જ ચડે છે. પણ સાથે સાથે મનના એક ખૂણે એક ઈચ્છા એવી પણ છે કે, મારે જીવનમાં કંઇક એવું કરવું છે, જેના થકી ભલે માત્ર થોડાક જ લોકો ગોધરાને હત્યાકાંડથી નહીં, પણ મારા નામથી ઓળખે !”

“આશા રાખું છું કે આપની એ ઈચ્છા પણ જલ્દી જ પૂરી થાય. એન્ડ આઈ મસ્ટ ટેલ યુ, મિસ.પંડિત… આપની કહાની ખરેખર રોચક તો છે ! પણ…”

“પણ શું સર?”

“તમને કે તમારા પિતાજીને આ ઘટના બાદ કેટકેટલાય પ્રશ્નોનો સામનો કરવો પડતો હશે નહીં !?”

“જાણું છું, આ તમારો બીજો પ્રશ્ન નહીં જ હોય ! છતાંય તમને એક આડ પ્રશ્નની છુટ !”, કહેતાં નઝમા હસી, અને એના પરથી સાહેબે અનુમાન કર્યું કે પોતે નઝમાને જેટલી પોચી માની હતી, તેટલી એ નરમ મિજાજી પણ નહોતી. એણે ખુબ જ ઓછી ક્ષણોમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી હતી.

તેણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું, “હા સર, તમારી વાત બરાબર છે. અમારે લગભગ દરરોજ આવા કેટલાય પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો… અને આજે પણ કરીએ જ છીએ. અને એક સમયે હું પોતે કંટાળી ગઈ હતી લોકોને જવાબ આપતા આપતા, અને એ વખતે મને પપ્પાએ સમજાવી હતી કે, ‘નઝમા, દીકરી હું મારા કૃત્યની બડાઈ હાંકવા માટે નથી કહેતો, પણ જો આપણી આ વાતથી નેકીનો સંદેશ આગળ વધતો હોય તો આપણે દરેકને વાત કરવી જોઈએ. અને આપણે ક્યાં કોઈનું કંઈ ખોટું કર્યું છે જો કહેતાં ડરવું જોઈએ ! અને તું, હું અને તારા અબ્બુ… કોઈ જુના ઋણાનુબંધથી જોડાયેલા હોઈશું… અને આપણું ઉદાહરણ તો એ વાતની સાબિતી છે કે, હિન્દુ-મુસ્લિમ વચ્ચે, દંગા-ફ્સાદો કે લવ-જેહાદ જ નહીં, પણ આવા માનવતાના સંબંધો પણ અસ્તિત્વમાં છે… અને આપણને તો એ વાતનો ગર્વ હોવો જોઈએ !”

નઝમાની વાત સાંભળી સાહેબના ચેહરા પર એક અલગ જ નુર રમતું હતું, તેઓ ઉત્સાહમાં આવી બોલી ઉઠ્યા, “એક્સીલન્ટ મિસ.પંડિત ! ધન્ય છે તમારા પિતાજી. આવા મહાનુભાવની સાથે ક્યારેક રૂબરૂ મુલાકાત ગોઠવાય તો ઔર મજા પડે !”

“સ્યોર સર. એ માટે ક્યારેક આવો ગોધરા. અમને પણ તમારી મહેમાનનવાજી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.”, કહેતાં નઝમાએ પોતાનો યજમાનભાવ પ્રગટ કર્યો.

થોડીક વાર સર કંઇક વિચારોમાં ગર્ત હોય એમ બેસી રહ્યા. દરમ્યાન નઝમાએ કોફી પૂરી કરી, અને સેન્ડવીચ ખાવી શરુ કરી. અને સાથે સાથે વચ્ચેથી એ સરને પ્રશ્નાર્થ નજરોથી જોઈ રેહતી.

“શું…?”, એની નજરોનો પ્રશ્ન વાંચી જતા હોય એમ સરે પૂછ્યું.

“એ તો મારે તમને પૂછવું જોઈએ… તમારો બીજો પ્રશ્ન ? એ શું છે ?”

“ઓહ યસ, યસ… હું એ વિષે જ વિચારતો હતો.”, કહેતાં સરે પોતાની પીઠ સીધી કરી વ્યવસ્થિત બેઠક લેતા ગંભીરભાવે કહ્યું, “મિસ.પંડિત, આપ તો જાણો જ છો, કંપનીમાં પબ્લિક રીલેશન ડીપાર્ટમેન્ટમાં (પી.આર.) વેકેન્સી પડી છે – જે માટેનો તમે ઈન્ટરવ્યું પણ આપ્યો. પણ તમને નથી લાગતું કે તમારા નામ, ભૂતકાળ અને અન્ય બાબતો થકી કંપનીની ઈમેજને ફરક પડી શકે !

ભલે દરેક ક્લાઈન્ટ તમારા વિષે આદિથી અંત સુધી ન જાણતો હોય, અને કદાચ એથી કરીને જ તેને આપ વિષે, કંપની વિષે ગેરસમજ થાય પણ ખરી ! અને સામાન્ય રીતે અમે આ પ્રશ્ન દરેક ઉમેદવારને ઈન્ટરવ્યું દરમ્યાન જ પૂછતા હોઈએ છીએ, કે ‘તમે આ પોસ્ટ માટે અન્યો કરતા અલગ શી રીતે છો ?’ પણ તમારી પૂરી વાત જાણ્યા બાદ તમને એ પ્રશ્ન કરવો પણ કે કેમ એ વિષે હજી પણ અસમંજસમાં જ છું !”, કહેતાં તેમણે પોતાની વાત પૂરી કરી, કોફી લીધી.

“સર, તમારી વાત ન સમજી શકું એટલી નાદાન પણ હું નથી ! જાણું છું, અને સમજુ પણ છું કે આપ શું કહેવા માંગો છો… અને રહી વાત પ્રશ્નની, તો આપે મને પ્રશ્ન કહ્યો જ છે તો મારે હવે એનો જવાબ પણ આપવો જ જોઈએ. મારે તમને માત્ર એટલું જ કહેવું છે કે, જો વ્યક્તિનું નામ, દેખાવ, કે ભૂતકાળ જોઈ તમે આ નોકરી આપવાના હોવ તો મને આ નોકરી ન ‘જ’ આપતા, અને જો વ્યક્તિનો સી.વી અને એની આવડત જોઈ નોકરી આપવાના હોવ, તો આ નોકરી મને ‘જ’ આપજો !”, કહેતાં એ ઉભી થઇ, અને ટેબલ છોડી કોફી માટે આભાર વ્યક્ત કરતી ચાલી ગઈ !

સર હજી પણ આભા બની સામેની ખાલી ખુરશી તરફ જોઈ રહ્યા હતા. તેમણે નઝમાને ધારી હતી તેનાથી તદ્દન વિરુધ પ્રકૃતિની એ હતી ! તેમણે ધાર્યું હતું કે તેમના બીજા પ્રશ્નના ઉત્તરમાં એ આજીજી કરવા માંડશે, અને પોતાને એ નોકરી અપાવવા માટે કન્વીન્સ કરશે. પણ એથી વિરુધ તેણે પોતાના આત્મવિશ્વાસ પર જ દાવ ખેલ્યો. જેટલી એ સ્વાભિમાની હતી તેટલી જ ખુદ્દાર પણ !!

વાતને એકાદ અઠવાડિયું વીત્યું હશે ત્યાં જ નઝમાના નામે એક પોસ્ટ દ્વારા કાગળ આવ્યો. અંદર લખ્યું હતું,

‘નોકરી મેળવવા માટે અભિનંદન ! તમારા જેવા આત્મવિશ્વાસુ વ્યક્તિ સાથે કામ કરવાની અમને પણ મજા પડશે. વેલકમ ટુ ધ ફેમીલી, મિસ.નઝમા પંડિત !’, અને આ પત્ર નઝમાએ તેના પિતાને વાંચી સંભળાવ્યા બાદ તેમના આશીર્વાદ લીધા, અને તેના પિતાએ કહ્યું,

“ખુબ ઉંચાઈઓ પ્રાપ્ત કરો દિકરા. અને મારું અને તમારા અબ્બુનું નામ આમ જ રોશન કરતા રહો !”

અને બદલામાં નઝમાએ પિતાને હરખથી ભેટી પડતા કહ્યું, “આમીન !”

– Mitra ❤

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.