‘અસુર’: ડેડલી દૈત્યકથા
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 5 એપ્રિલ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
રહસ્ય, રોમાંચ, હિંસા અને પૌરાણિક સંદર્ભોથી છલોછલ ‘અસુર’ વેબ શો કેવો છે?
* * * * *
‘બેટા, મોટો થઈને તું શું બનીશ?’
એક ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ દસેક વર્ષના છોકરાને પ્રશ્ન પૂછે છે. છોકરાનો ચહેરો સપાટ છે. સપાટ અને બરફમાં દટાયેલા ખંજર જેવો ઠંડો. એ સામેની વ્યક્તિને જોતો નથી, બલકે એની તરફ ત્રાટક કરે છે.
‘અસુર,’ પાંપણ પટપટાવ્યા વગર છોકરો જવાબ આપે છે.
‘હેં?’ ડૉક્ટર ફરી પૂછે છે, ‘શું બનવું છે તારે?’
‘અસુર.’
અસુર એટલે દાનવ, દૈત્ય. છોકરો અસુર બનવા માગે છે, કેમ કે બનારસી બ્રાહ્મણ પિતાએ એના મનમાં આ શબ્દ કોતરી નાખ્યો છે. નફરતથી, ક્રોધથી. છોકરાના જન્મ સાથે જ એની મા મૃત્યુ પામી હતી. બાપ માને છે કે આ છોકરો જ પોતાની પત્નીને ભરખી ગયો છે. છોકરામાં અસાધારણ શક્તિઓ છે. એ જાડા થોથા જેવા પુસ્તકનાં પાનાં ફેરવીને ગણતરીની મિનિટોમાં સઘળું લખાણ પામી શકે છે, એટલું જ નહીં, યાદ પર રાખી શકે છે. પિતા માને છે કે આ બધાં અસુરી લક્ષણો છે. સગા સંતાનની માનસિકતા પર સતત કુઠરાઘાત કરતા રહેતા પિતાએ દીકરાના અસુરીપણાનો ભોગ બનવું પડે છે. પુખ્ત થતાં પહેલાં જ છોકરો એવા એવા કાંડ કરે છે કે…
આ છે વૂટ સિલેક્ટ નામના ડિજિટલ પ્લેટફૉર્મ પર મૂકાયેલી નવીનક્કોર વેબ સિરીઝ ‘અસુર’ની કથાનું આરંભબિંદુ. આ ખતરનાક છોકરો મોટો થઈને કેવા કારનામા કરે છે? એને કોણ કેવી રીતે કાબૂમાં લે છે? આ પ્રશ્નોના ઉત્તરમાં ‘અસુર’ના આઠ એપિસોડની કથા સમાયેલી છે. કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે બાકીની દુનિયા ભલે ઠપ્પ થઈ ગઈ હોય, પણ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, વૂટ વગેરે જેવાં ડિજિટલ પ્લેટફૉર્મ્સ જોરદાર ફૉર્મમાં છે. લૉકડાઉન થઈને ઘરમાં પૂરાયેલા લોકો બીજું કરેય શું, આંકરાતિયાના માફક દિવસ-રાત ડિજિટલ મનોરંજન ઓહિયા કર્યા સિવાય? ‘અસુર’ જેવા સાઇકોલોજિકલ ક્રાઇમ શો પ્રેક્ષકો સામે મૂકવા માટે આના કરતાં વધારે બહેતર સમય બીજો કોઈ હોઈ શક્યો ન હોત. મજાની વાત એ છે કે શો સરસ બન્યો છે. તમે એક વાર જોવાનું શરૂ કરો એટલે પૂરો કર્યે જ છૂટકો કરો એટલો રસપ્રદ. આમેય પ્રેક્ષક બિન્જ વૉચ કરવા માટે મજબૂર થઈ જાય એવા ચોટડૂક હોવું તે એપિસોડિક ડિજિટલ શોની પૂર્વશરત છે.
બનારસથી શરૂ થયેલી ‘અસુર’ની કથા તરત દસેક વર્ષ કૂદાવીને અમેરિકા શિફ્ટ થાય છે. ક્રમશઃ મુખ્ય પાત્રો એક પછી એક ઇન્ટ્રોડ્યુસ થવા લાગે છે. સુંદર પત્ની અને રૂપકડી દીકરી સાથે રહેતા નિખિલ (વરૂણ સોબતી), જે એફબીઆઈમાં ફોરેન્સિક સાયન્સ ભણાવવાનું કામ કરે છે, એને સમયાંતરે મેસેજ મળતા રહે છે. આ સંદેશામાં ચોક્કસ લોકેશન દેખાડતાં કો-ઓર્ડિનેટ્સ હોય છે. તમામ લોકેશન ભારતનાં છે અને દરેક જગ્યાથી લાશ મળી આવે છે. નિખિલ અગાઉ સીબીઆઇમાં કામ કરતો હતો, પણ પોતાના સિનિયર ધનંજય (અરશદ વારસી) સાથે અણબનાવ થયા પછી એ અમેરિકા જતો રહ્યો હતો. એફબીઆઈના એના કામમાં હવે આમેય કોઈ રોમાંચ રહ્યો નહોતો એટલે એ ભારત પાછો આવીને પુનઃ સીબીઆઇ જોઇન કરી લે છે, પેલા ખતરનાક સિરિયલ કિલરની શોધ કરવા.
પછી શ્વાસ અધ્ધર કરી દે, જોતાં તકલીફ થઈ જાય એવી ઘટનાઓ બનતી રહે છે. ઓની સેને ડિરેક્ટ કરેલા ‘અસુર’ શોના ત્રણ લેખકોની ટીમમાં ભાવનગરી નિરેન ભટ્ટ (‘બે યાર’થી લઈને ‘બાલા’ સુધીની કેટલીય ફિલ્મોના લેખક અને ‘વાલમ આવોને’ જેવાં ઢગલાબંધ ગીતોનાં સર્જક) પણ છે. આ શોનો પ્લસ પૉઇન્ટ એ છે કે એની સ્ટોરીલાઇનમાં ભારતના પૌરાણિક સંદર્ભો અને રૂપકોને આકર્ષક રીતે વણી લેવામાં આવ્યા છે. રહસ્ય, રોમાંચ, ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ અને ઉત્તમ અભિનયનું આ શોમાં સરસ કોમ્બિનેશન થયું છે. સાચ્ચે, અરશદ વારસીને ચક્રમ જેવા કૉમેડીને બદલે, ફોર અ ચેન્જ, એક ઇન્ટેલિજન્ટ અને માથાફરેલ સીબીઆઇ ઑફિસરના રોલમાં જોવાની ખરેખર મજા આવે છે. શોનો માઇનસ પૉઇન્ટ એ છે કે પાછલા એપિસોડ્સ, શરૂઆતના એપિસોડ્સ જેટલા દમદાર નથી. ક્યારેક પકડ છૂટી જતી હોય એવુંય લાગે. એક તબક્કા પછી અસુરના અતિ શુદ્ધ હિન્દી ડાયલોગ્સ સહેજ બનાવટી લાગવા માંડે છે. આ બધી ક્ષતિઓ સહિત પણ ‘અસુર’ એક સ્તરીય શો તો ખરો જ.
બાય ધ વે, શું પહેલી સિઝનમાં મુખ્ય અસુરની એન્ટ્રી હજુ થઈ જ નથી? આ સવાલનો જવાબ આપણને બીજી સિઝનમાં મળશે. અત્યારે સૌથી મહત્ત્વનો સવાલ તો આ છેઃ શું ‘અસુર’ જોવાય? જવાબ છેઃ ચોક્કસ જોવાય.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2020 )
Leave a Reply