Sun-Temple-Baanner

સૂર અને તાલ… અલગ છે!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સૂર અને તાલ… અલગ છે!


સૂર અને તાલ… અલગ છે!

દિવ્ય ભાસ્કર – રવિવાર પૂર્તિ – 14 ઓક્ટોબર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

બે હાઈ -હાઈ પ્રોફાઈલ શોઝ આજકાલ ટીવી સ્ક્રીન પર રમઝટ બોલાવી રહ્યા છે – ઝી પર ‘સારેગામાપા’ અને કલર્સ પર ‘બિગ બોસ’. ‘બિગ બોસ’માં આ વખતે 33 ટકા સ્પર્ધકો ગુજરાતી છે! ઈટીવી પર ‘લોકગાયક ગુજરાત’ની સિઝન-ટુ પણ જમાવટ કરી કરી રહી છે.

* * * * *

તો, ‘બિગ બોસ’ સિઝન સિક્સનું ભવ્ય આગમન થઈ ચુક્યું છે. સલમાન ખાન એકધારો કહ્યા કરે છે કે આ ‘અલગ છે’, પણ ફિક્સ્ડ ફોર્મેટ ધરાવતો રિયાલિટી શો થઈ થઈને કેટલો અલગ થઈ શકે? હા, આ વખતે પંદર ર્સ્પધકો ઉપરાંત અન્ય સજીવો પણ ઘરમાં છે. જેમ કે, ધૂળેટી રમીને નાહ્યા-ધોયા વગર સીધો ઘરમાં આવી ગયો હોય એવો ખૂબસૂરત મલ્ટિકલર્ડ પોપટ અને મોટા માછલીઘરમાં તરતી રહેલી માછલીઓ. માછલીઓ તો ચુપચાપ ચકરાવા મારતી રહે છે, પણ ઈરિટેટિંગ પોપટભાઈને મ્યુટનું બટન દાબીને ચુપ કરી દેવા જેવો છે. જો પ્રાણીઓનો આઈડિયા ઓડિયન્સને ગમી ગયો તો આવતી સિઝનમાં બિગ બોસ હાઉસમાં કૂતરાં અને બિલ્લી આવી જવાનાં. એમાંય ધારો કે વોડાફોન સ્પોન્સર હોય તો એની એડ્સમાં દેખાતું પેલું કદરુપા મોઢાવાળું ‘પગ’ જાતિનું કૂતરું ભવિષ્યમાં એન્ટ્રી મારી શકે છે!

બીજી તરત ધ્યાન ખેંચાય એવી વાત એ છે કે આ વખતે ‘અલગ છે’ પંચલાઈન ઉપરાંત ત્રેંત્રીસ ટકા સ્પર્ધકો પણ ગુજરાતી છે. મતલબ કે પંદરમાંથી પાંચ! ઉર્વશી ધોળકિયા (ડોમિનેટિંગ), આશ્કા ગોરડિયા (સ્વીટ), કોમેડિયન વ્રજેશ હીરજી (ખૂબ આત્મસભાન, અસહજ અને લાઉડ) અને પારસણ ડેલનાઝ આ ચારેય ટીવી પર અવારનવાર દેખાતા રહેતા અદાકારો છે. ડેલનાઝ અને વ્રજેશને આપણે વચ્ચે વચ્ચે બિગ સ્ક્રીન પર પણ જોઈએ છીએ. પાંચમી ગુજરાતી સ્પર્ધક કરિશ્મા કોટક લંડનમાં ઉછરેલી અને સાતેક વર્ષથી મુંબઈમાં સક્રિય થયેલી મોડલ છે. એ કિંગફિશરનાં બિકીનીનાં કેટેલોગ જેવાં કેલેન્ડરમાં ચમકી ચુકી છે, જે તેની અત્યાર સુધીની સૌથી મોટી ‘સિદ્ધિ’ છે. ભ્રષ્ટાચાર-વિરોધી કાર્ટૂન્સ બનાવીને અચાનક ખૂબ બધી પબ્લિસિટી મેળવી લેનાર કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીની માત્ર અટક ગુજરાતી છે. મૂળ ઉત્તર પ્રદેશના આ દાઢીધારી યુવાનને ગુજરાત સાથે કશી લેવાદેવા નથી.

બિગ બોસે ડેલનાઝ અને એના ભૂતપૂર્વ એક્ટર પતિ રાજીવ પૉલને પાછાં એક ઘરમાં બંધ કરી દીધાં છે. આ બન્ને હજુ થોડા મહિનાઓ પહેલાં જ ડિવોર્સ લઈને છૂટાં પડ્યાં છે. શું બન્નેને એકબીજાની હાજરીની જાણ બિગ બોસ હાઉસમાં આવ્યા પછી જ થઈ? કહી શકાતું નથી. આ સિઝનમાં ડેલનાઝ-રાજીવનો ‘ટ્રેક’ સંભવત: સૌથી ઈન્ટરેસ્ટિંગ પૂરવાર થવાનો. શરત એટલી જ કે તે સ્ક્રિપ્ટેડ હોવો ન જોઈએ. નવજોતસિંહ સિધ્ધુ હંમેશ મુજબ ફુલ ફોર્મમાં છે. તમામ સ્પર્ધકોમાં હેર સ્ટાઈલિસ્ટ સપના સાચા અર્થમાં ‘અલગ છે’. એણે આવતાવેંત તોફાન મચાવવાનું શ‚ કરી દીધું છે.

‘બિગ બોસ’ના સંદર્ભમાં ઓડિયન્સમાં હંમેશાં બે સ્પષ્ટ ભાગ પડી જાય છે. એક વર્ગને આ શો અત્યંત વાહિયાત લાગે છે, જ્યારે બીજા વર્ગને આ શોમાં ઝીલાતું હ્યુમન બિહેવિયર અને માઈન્ડ ગેમ્સ જોવાની બહુ મજા પડે છે. આ થઈ કલર્સ ચેનલની વાત. ઝી ટીવી પર, બીજી બાજુ, એક ઓર જુનો ને જાણીતો ટેલેન્ટ શરુ થયો છે, ‘સારેગામાપા’, જે 17 વર્ષ દરમિયાન કંઈકેટલીય સિઝનમાંથી પસાર થયા પછી પણ મજા કરાવે છે. થોડા અરસા પહેલાં મુંબઈની એક ફાઈવસ્ટાર હોટલમાં આ શોનું ધમાકેદાર લોન્ચિંગ થયું ત્યારે નિર્ણાયકો અને નિર્ણાયકો એક વાત સતત ભાર દઈને કરતા રહ્યા: આ વખતની સિઝન કંઈકેટલાય સરપ્રાઈઝીસથી ભરપુર છે અને બીજા મ્યુઝિકલ શોઝ કરતાં ‘સારેગામાપા 2012’ સાચા અર્થમાં ‘હટ કે’ પૂરવાર થવાનો છે.

વેલ, સવાલ ફરી પાછો એ જ પેદા થાય કે આ પ્રકારના મ્યુઝિકલ ફોર્મેટમાં તમે કરી કરીને કેટલું અલગ કરી શકો? ઓડિશન રાઉન્ડ્સમાં એ જ બધું હતું – સ્થળ પર ઉમટી પડેલો માનવ મહેરામણ, હો-હો ને દેકારા, સિલેક્ટ થયેલા સ્પર્ધકોની કૂદાકૂદી, રિજેક્ટ થયેલા યુવકયુવતીઓનાં આસું અને ઉધામા, સાથે આવેલાં મા-બાપના ક્વોટ્સ, સ્પધર્કો ઘરમાં રિયાઝ કરી રહ્યા હોય એવી ક્લિપ્સ, ચક્રમ જેવા સ્પર્ધકોની ઠઠ્ઠા મશ્કરી વગેરે. ‘સારેગામાપા’ હોય કે ‘ઈન્ડિયન આઈડલ’ કે બીજો કોઈ ટેલેન્ટ શો… ઓડિશન રાઉન્ડ્સનાં આ વિઝ્યુઅલ્સ (અને એડિટિંગ પેટર્ન પણ) એટલા બધા સરખા હોય છે કે એક શોનાં દશ્યોને બીજા શોમાં આરામથી ચિપકાવી શકાય.

‘સારેગામાપા’માં જોકે એક મુદ્દો શ‚આતથી ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. દેશભરનાં 13 શહેરોમાં યોજાયેલાં ઓડિશન રાઉન્ડ્સમાં ચારેય નિર્ણાયકો (શંકર મહાદેવન, સાજિદ, વાજિદ અને ‘ઈન્ડિયન ઓશન’ બેન્ડના લીડ વોકલિસ્ટ રાહુલ રામ) સ્પર્ધકોને સતત એક સલાહ આપી રહ્યા છે કે મહેરબાની કરીને વર્સેટાઈલ બનવાના ધખારા છોડી દેજો. તમને જે પ્રકારનાં ગીત સૌથી સારી રીતે ગાતાં આવડે છે એને જ છેક સુધી વળગી રહેજો. આ મજાની વાત છે. અત્યાર સુધી એવું હતું કે સ્પર્ધક જો રોમેન્ટિક ફિલ્મી સોંગ, અઘરી ક્લાસિકલ રચના, લોકગીત, કવ્વાલી, મસ્તીભયુર્ર્ વેસ્ટર્ન શૈલીનું ગીત આ બધું જ ઉત્તમ રીતે ગાઈ શકે તો જ જજલોકોને સંતોષનો ઓડકાર આવતો. અલબત્ત, સિંગર જો તમામ શૈલીનાં ગીતો ગાઈ શકતો હોય તો એ સારું જ છે, પણ જડતાપૂર્વક એવો આગ્ર્ાહ રાખવાની જ‚ર હોતી નથી.

સોનુ નિગમ તેમજ ‘છય્યા છય્યા’ ફેમ સુખવિન્દર સિંહ બન્ને વર્ષોથી તદ્દન અલગ અલગ પ્રકારનાં ગીતો ગાય છે અને બન્ને સફળ છે, બન્ને પોપ્યુલર છે. કવિતા સેઠ અને નંદિની શ્રીકરે શ્રેયા ઘોષલ જેવાં સોફ્ટ રોમેન્ટિક ગીતો ગાવાની કશી જ‚ર નથી. એ ભલે અનુક્રમે ‘ઈકતારા’ (વેક અપ સિડ) અને ‘ક્યું.. રુઠે મોસે મોહન’ (રા.વન) ગાય. પોતાના વર્તુળમાં રહીને કવિતા અને નંદિની શ્રેષ્ઠ ગીતો આપી શકે છે. શ્રેયા કદાચ આ ગીતો આટલી અસરકારક રીતે નહીં ગાઈ શકે. ‘સારેગામાપા’ની લેટેસ્ટ સિઝન જો સ્પર્ધકો અને દર્શકોના મનમાં આ એક વાત અસરકારક રીતે ઉતારી શકશે તો પણ એ પૂરતું ગણાશે. જોઈએ, સિઝન આગળ વધતી જાય તેમ બીજાં ક્યાં નવાં સરપ્રાઈઝ દર્શકો સામે આવે છે.

મ્યુઝિકલ શોની વાત ચાલી રહી છે તો ઈટીવી ગુજરાતી ચેનલ પર પ્રસારિત થઈ રહેલા સુંદર શો ‘લોકગાયક ગુજરાત’ (શનિ-રવિ, સાજે 7.30 વાગે)ની વાત પણ કરી લેવી જોઈએ. શોની આ બીજી સિઝન છે. ગુજરાતના ખૂણેખૂણેમાંથી અને ઈવન મુંબઈમાંથી તગડા સ્પર્ધકોને પસંદ કરીને લાઈવ ઓડિયન્સ સામે પેશ કરવામાં આવ્યા છે. ગુજરાતની ધરતીની સોડમ પ્રસરાવતી ભાતીગળ ગાયનશૈલી, અવાજની વિશિષ્ટ ખનક, અનુભવી સાજીંદાઓ દ્વારા પીરસાતું લાઈવ મ્યુઝિક… આ બધું એટલું અસરકારક હોય છે કે પોતાના ડ્રોઈંગ‚મમાં ટીવી સામે બેેઠેલો દર્શક પણ રણઝણી ઉઠે. બિહારીભાઈ ગઢવી, વત્સલા પાટિલ અને પંકજ ભટ્ટ શોના કાબેલ નિર્ણાયકો છે. ‘લોકગાયક ગુજરાત’નો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે શોના એન્કર, કીર્તિદાન ગઢવી. ગુજરાતનાં લોકસંગીત વિશેનું એમનું જ્ઞાન તેમજ સ્પર્ધકો-નિર્ણાયકો સાથેનું એમનું ઈન્ટરેક્શન ખરેખર મજાનું હોય છે. અફ કોર્સ, ‘સારેગામાપા’ કે ‘સૂરક્ષેત્ર’ જેવા શોઝ જેવી ટેક્નિકલ ભવ્યતાની અપેક્ષા ‘લોકગાયક ગુજરાત’ પાસેથી ન જ રાખવાની હોય, પણ ડાયરાના કાર્યક્રમોને એન્જોય કરી શકતા દર્શકોએ આ શોને મિસ કરવા જેવો નથી. એ હાલો…

શો-સ્ટોપર

શ્રીદેવી સાથેનું મારું સમીકરણ સુમેળભયુ છે. હું શ્રીદેવીને એટલું માન આપવાની કોશિશ કરું છું જેટલું મિસ્ટર બોની કપૂરની પત્નીને મળવું જોઈએ. કોઈ ફેમિલી પિક્ચર પરફેક્ટ હોતું નથી.

– અર્જુન કપૂર (બોની કપૂરની પ્રથમ પત્ની મોનાનો એકટર-પુત્ર)

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2012 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.