Sun-Temple-Baanner

સંજય લીલા ભણસાલીની ક્રેડિટ-લીલા : મોરનો થનગાટ અને પનઘટ પર નંદલાલ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સંજય લીલા ભણસાલીની ક્રેડિટ-લીલા : મોરનો થનગાટ અને પનઘટ પર નંદલાલ


સંજય લીલા ભણસાલીની ક્રેડિટ-લીલા : મોરનો થનગાટ અને પનઘટ પર નંદલાલ

Sandesh – Sanskar Purti – 27 October 2013

મલ્ટિપ્લેક્સ

ઝવેરચંદ મેઘાણીના અમર ગીત સાથે એમનું નામ મૂકવાનું હોય જ. અહીં કોઈ જ તુમાખી કે બૌદ્ધિક બદમાશી કે દલીલબાજી માટે અવકાશ છે જ નહીં. વર્ષો પહેલાં ‘મોહે પનઘટ પે નંદલાલ…’ગીતના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને ક્રેડિટ અપાવવા માટે તેમના પૌત્રે લાંબી લડત આપવી પડી હતી.

* * * * *

કલાકાર માટે ખુદનો આગવો મિજાજ અને ધૂન હોવાં સારી વસ્તુ છે. પોતાના વિશિષ્ટ માનસિક વાતાવરણમાં રમમાણ હોવાને લીધે,આસપાસના માહોલથી કપાયેલો હોવાને કારણે એનાથી અમુક વસ્તુઓ ધ્યાન બહાર રહી જતી હોય તે બિલકુલ શકય છે. સ્વીકાર્ય પણ છે. આ એક વાત થઈ, પણ તુમાખીમાં રત રહીને મૂળભૂત ગરિમા કે સૌજન્યનો છેદ ઉડાડી દેવો તે તદ્દન જુદી વાત થઈ. સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ ‘રામ-લીલા’માં ‘મન મોર બની થનગાટ કરે’ જેવા અદ્ભુત ગીતનો પ્રયોગ કરે તે એમની કલાસૂઝ દર્શાવે છે, પણ આ અમર ગીતના રચયિતા ઝવેરચંદ મેઘાણીને ક્રેડિટ નથી અપાઈ તે સરતચૂક વિશે એકાધિક વખત ધ્યાન દોરવામાં આવ્યા પછી પણ આખી વાતને જો છેક સુધી ધરાર અવગણવામાં આવી હોત તો તે સંજય ભણસાલીની ક્રિયેટિવ બદમાશી ગણાઈ ગઈ હોત.

ઝવેરચંદ મેઘાણી

થેન્ક ગોડ આવું ન થયું. ફિલ્મની ઓપનિંગ ક્રેડિટમાં ઝવેરચંદ મેઘાણીની તસવીર સાથે ઋણસ્વીકાર કરવામાં આવશે તેવી ફિલ્મમેકર તરફથી ખાતરી આપવામાં આવી છે. ફિલ્મની મ્યુઝિક સીડી પર નામ મૂકાવાનું “ભુલ”થી રહી ગયું હશે તેવું માની લેવું પડે. ખરેખર તો ઝવેરચંદના પૌત્ર પિનાકી મેઘાણીએ લખેલો પત્ર છઠ્ઠી ઓકટોબરે મળ્યો તે પછી તરત જ સંજય ભણસાલી તરફથી ખુલાસો અને દિલગીરી બન્ને વ્યકત થઈ જવા જોઈતા હતા. એને બદલે અપેક્ષિત પ્રતિક્રિયા આવતાં બે અઠવાડિયાં વીતી ગયાં. દરમિયાન ગુજરાતી પ્રજા અને ગુજરાતી મિડીયા બન્નેનું પ્રેશર સંજય ભણસાલીએ અનુભવ્યું. ઝવેરચંદ મેઘાણીની ક્રેડિટ ગુપચાવી જવાની ચેષ્ટાનો કોઈ બચાવ ન હોઈ શકે. આ ગીત સાથે મેઘાણીનું નામ મૂકવાનું હોય જ. વાત પૂરી થઈ ગઈ. અહીં કોઈ જ તુમાખી કે બૌદ્ધિક આડોડાઈ કે ચતુરાઈભરી દલીલબાજી ન જોઈએ. સંજય ભણસાલી પોતાની ભુલ સુધારવામાં જેટલું વધારે મોડું કરત એટલા ગુજરાતી પ્રજાની નજરમાં તેઓ વધારે નીચે ઊતરતા જાત. ચાલો, તેમણે બાજી સંભાળી લીધી તે સારું થયું.બેટર લેટ ધેન નેવર.

ગીતકારને ક્રેડિટ આપવાની બાબતમાં વિવાદ થયો હોય તેવો આ કંઈ પહેલો કિસ્સો નથી. તે અંતિમ પણ નથી જ હોવાનો.’રોકસ્ટાર’ ફિલ્મનાં અફલાતૂન ગીતોની સુપર સફળતાનું કારણ ફકત એ. આર. રહેમાન અને ગાયક મોહિત ચૌહાણ જ નથી, ગીતકાર ઈર્શાદ કામિલની ઉત્તમ લખાવટ પણ એટલી જ યશભાગી છે, પણ ‘રોકસ્ટાર’નું મ્યુઝિક આલબમ બહાર પડયું ત્યારે જેકેટ પરથી ઈર્શાદ કામિલનું નામ ગાયબ હતું. ઈર્શાદ રહ્યા માણસ. તળાવમાં રહીને મગર સાથે વેર ન કરાય તે ન્યાયે તેમણે ઊહાપોહ ન કર્યો. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી અને મ્યુઝિક કંપની ટી-સિરીઝે ‘આ તો ક્લેરિકલ મિસ્ટેક છે’ એમ કહીને હાથ ખંખેરી લીધા, પણ હા, સીડીનો બીજો બેચ બહાર પડયો ત્યારે ઈર્શાદ કામિલનું નામ માનભેર મુકાઈ ગયું હતું.

‘મોગલ-એ-આઝમ’ના અમર ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’ નો કિસ્સો જાણીતો છે. આ ગીત રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું. ૧૯૧૯માં રજૂ થયેલાં જૂના ગુજરાતી નાટક ‘છત્ર વિજય’માં આ હિન્દી ગીત મુકાયું હતું. ચાર દાયકા પછી ૧૯૬૦માં રિલીઝ થયેલી ‘મોગલ-એ-આઝમ’માં આ આખું ગીત બેઠ્ઠું વપરાયું હતું અને ગીતના રચયિતા તરીકે શકીલ બદાયૂનીનું નામ હતું! રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના મુંબઈસ્થિત પૌત્ર ડો. રાજ બ્રહ્મભટ્ટ, જે વિખ્યાત સેક્સોલોજિસ્ટ છે, તેઓ ‘સંદેશ’ સાથે આ વિશે વિગતે વાત કરતાં કહે છે, “એ જમાનામાં ટીવી-ઇન્ટરનેટ તો હતાં નહીં, માત્ર રેડિયો પર એનાં ગીતો સાંભળી શકાતાં. ‘મોગલ-એ-આઝમ’ રિલીઝ થઈ તેના થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના ‘ડોન’ અખબારમાં સૌથી પહેલી વાર છપાયું હતું કે શકીલ બદાયૂનીના નામે જે ગીત બોલે છે તે ‘મોહે પનઘટ પે…’ ગીત ખરેખર રઘુનાથ બહ્મભટ્ટનું છે. દાદા તે વખતે નડિયાદ રહેતા. વાત ઊડતી ઊડતી તેમની પાસે પહોંચી. મુંબઈ આવીને તેમણે ફિલ્મમેકર કે. આસિફનું ધ્યાન દોર્યું. દરમિયાન ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હતી. આસિફસાહેબે ‘દેખ લેંગે’ કહીને વાતને ટાળી દીધી. છ-આઠ મહિના વીતી ગયા. કોઈ નિવેડો આવ્યો નહીં એટલે મામલો ફિલ્મ રાઇટર્સ એસોસિયેશનમાં ગયો. દાદા પાસે પાક્કા પુરાવા હતા. તેમણે પોતાની આત્મકથા ‘સ્મરણમંજરી’માં પણ આ ગીત પોતે કેવી રીતે રચ્યું હતું તેનું વિગતે વર્ણન કર્યું હતું. એસોસિયેશનનો ચુકાદો આવ્યો. ગીતના સર્જક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જ છે તે પુરવાર થઈ ગયું. ફિલ્મની પ્રિન્ટ્સ અને સંગીતની રેકોર્ડ્સ બની ગઈ હોવાથી વધારે કંઈ થઈ શકે તેમ નથી તેમ કહેવામાં આવ્યં. દાદાને ૧૧૦૦ રૂપિયા કોમ્પેન્સેશનરૂપે ચૂકવવામાં આવ્યા, જે તેમણે સ્વીકાર્યા.”

ના, વાત અહીં પૂરી થતી નથી. ૨૦૦૪માં ‘મોગલ-એ-આઝમ’ સંપૂર્ણપણે કલરમાં રૂપાંતરિત કરીને નવેસરથી રિલીઝ કરવાની વાત આવી. નિર્માતા બોની કપૂર આ પ્રોજેક્ટ સાથે સંકળાયા હતા. નવી આવૃત્તિમાં મૂળ કવિની ક્રેડિટ ઉમેરાઈ જવી જોઈએ તેવી અપેક્ષા વંશજોને સ્વાભાવિકપણે રહે જ. ડો. રાજ બ્રહ્મભટ્ટે બોની કપૂરનો સંપર્ક કર્યો ત્યારે ફિલ્મ રિલીઝ થવાના બે-ત્રણ દિવસની જ વાર હતી. ડો. બ્રહ્મભટ્ટે સ્પષ્ટપણે કહ્યું કે હું કંઈ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લાવવાનો નથી, મને આર્થિક વળતરની પણ અપેક્ષા નથી, હું ફક્ત મારા દાદાને ક્રેડિટ મળે એટલું જ ઇચ્છું છું. બોની કપૂરે તરત પારખી લીધું કે ડો. બ્રહ્મભટ્ટનો કોઈ બદઈરાદો નથી. ‘ઈરોઝ’માં પ્રીમિયર યોજાયો તેના પાસ પણ ડોક્ટરને મોકલાવ્યા, પણ પ્રિન્ટમાં હવે કોઈ પણ પ્રકારના ફેરફાર માટે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ક્રેડિટની સમસ્યા એમની એમ રહી. ઓન-પેપર ગીત હજુ પણ શકીલ બદાયૂનીના નામે જ બોલતું હતું!

પછી શરૂ થઈ દાદાને એમનો જશ અપાવવાની પૌત્રની લડાઈ, જે દોઢેક વર્ષ ચાલી. અત્યારે જેમ ઝવેરચંદ મેઘાણીના કિસ્સામાં બની રહ્યું છે તેમ આ કિસ્સામાં પણ ગુજરાતી-હિન્દી-મરાઠી મીડિયાએ સારું એવું કવરેજ આપ્યું. ‘મોગલ-એ-આઝમ’ની ઓરિજિનલ ટીમમાંથી હવે ત્રણ જ લોકો હવે જીવિત હતા – સંગીતકાર નૌશાદ, લતા મંગેશકર અને દિલીપકુમાર. ડો. બ્રહ્મભટ્ટ નૌશાદને મળ્યા. બીમાર અવસ્થાનું કારણ હોય કે બીજું કંઈ પણ કારણ હોય, પણ નૌશાદ તરફથી ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. મામલો ફરી પાછો ફિલ્મ રાઇટર્સ એસોસિયેશન પાસે ગયો. એક તરફ ડો. રાજ બ્રહ્મભટ્ટ હતા, સામે શકીલસાહેબના દીકરા હતા. નવી ‘મોગલ-એ-આઝમ’ના પ્રોજેક્ટ મેનેજર દીપેશ સાલગિયા પણ આખા કેસમાં ઈન્વોલ્વ્ડ હતા.

“મારી પાસે ૧૯૨૦થી લઈને અત્યાર સુધીનાં છાપાં-મેગેઝિનોનાં કટિંગ્સ, મૂળ ગુજરાતી નાટકમાં વપરાયેલાં ગીતનાં રેકોર્ડિંગની નકલ વગેરે મળીને જે ડોક્યુમેન્ટ્સ હતાં તેનું વજન કમસે કમ વીસ કિલો જેટલું હતું!” ડો. બ્રહ્મભટ્ટ હસી પડે છે, “ફિલ્મ એસોસિયેશનની ટીમમાં ડો. અચલા નાગર હતાં, જે તે વખતે એસોસિયેશનનાં પ્રેસિડન્ટ પણ હતાં. ‘બાગબાન’ ફિલ્મ એમણે લખી છે. એસોસિયેશનની ટીમમાં કવિ પ્રદીપનાં પુત્રી ઉપરાંત એક ૮૪ વર્ષના સજ્જન પણ હતા. યોગાનુયોગે અગાઉ મારા દાદા ખુદ આ કેસ લડી રહ્યા હતા ત્યારે એસોસિયેશનની જે ટીમ બની હતી તેમાં પણ આ વયોવૃદ્ધ આદમી હિસ્સો હતા. તેમને કિસ્સો યાદ હતો. એમણે તરત કહ્યું કે આ કેસનો ચુકાદો તો એક વાર ઓલરેડી આવી ચૂક્યો છે. એસોસિયેશનના રેકોર્ડમાંથી પણ એની નોંધ નીકળી. ‘મોહે પનઘટ પે…’ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ છે તે ફરી એક વાર પુરવાર થયું. ધારો કે પુરવાર થયું ન હોત તો મારા દાદાના નામ માટે હું આખી જિંદગી લડયો હોત. મારા પછી મારા દીકરાએ અને પૌત્રે લડાઈ આગળ વધારી હોત. મને બરાબર યાદ છે, ડો. અચલા નાગરની આંખોમાં તે દિવસે આંસુ હતાં. તેમણે કહ્યું કે કોઈ માણસે પોતાના દાદાના આત્મસન્માન માટે આટલી મહેનત કરી હોય તેવું મેં અગાઉ જોયું નથી! ”

થોડા અરસા પછી નવી ‘મોગલ-એ-આઝમ’ની ટીમ તરફથી ફિલ્મના કેલેન્ડર ઉપરાંત એક ખૂબસૂરત સોવેનિયર પ્રકાશિત કરવામાં આવ્યું. તેમાં સાદર નોંધ લેવાઈ કે, ‘મોહે પનઘટ પે નંદલાલ…’ ગીતના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ છે. ફિલ્મની નવી ડીવીડી તેમજ મ્યુઝિક આલબમના કવર પર કવિનું નામ માનભેર મુકાયં. ૪૫ વર્ષ પછી ગીતને વિધિવત્ ઓળખ મળી. દાદાની ગરિમા માટે શરૂ થયેલી લડાઈમાં આખરે પૌત્રની જીત થઈ!

‘મન મોર બની થનગાટ કરે…’ના કિસ્સામાં પ્રશ્ન જલદી ઉકેલાઈ ગયો તે સારું થયું. મ્યુઝિક આલબમના જેકેટ પર ગીતના નામ પછી કૌંસમાં જ્યાં ‘ટ્રેડિશનલ’ લખાયું છે ત્યાં મેઘાણીનાં નામનું સ્ટીકર મૂકવાનો આઈડિયા અવ્યવહારુ લાગતું હોય તો ભવિષ્યમાં બહાર પડનારી સીડીની તમામ બૅચમાં મેઘાણીનું નામ પ્રિન્ટમાં છપાઈ જવું જોઈએ. ફિલ્મ રિલીઝ કરવાનો દિવસ નજીક આવતો જશે તેમ તેમ સંજય ભણસાલી પ્રિન્ટ મીડિયા અને ટીવી ચેનલોને ખૂબ બધા ઈન્ટરવ્યુઝ આપવાના. આમાંની કમ સે કમ અમુક મુલાકાતોમાં જો તેઓ ઝવેરચંદ મેઘાણીનો માનભેર ઉલ્લેખ કરશે તો સમજી લેવાનું કે એક સમયે ઉત્તમ કલાકાર તરીકે આપણે જેમને પોંખેલા એ સંજય લીલા ભણસાલીનો માંહ્યલો હજુ સંપૂર્ણપણે કરપ્ટ થયો નથી.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.