Sun-Temple-Baanner

રામજી કી નિકલી સવારી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રામજી કી નિકલી સવારી


મલ્ટિપ્લેક્સ : રામજી કી નિકલી સવારી

Sandesh – Sanskaar Purti – 17 November 2013

મલ્ટિપ્લેક્સ

અતિ એનર્જેટિક અને અતિ ઉત્સાહી રણવીર સિંહ એવો એકટર છે,જેની પાસેથી મજબૂત ફિલ્મો અને તગડાં પરફોર્મન્સીસની અપેક્ષા રાખવાનું હંમેશાં મન થાય.

* * * * *

‘રામ-લીલા’ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મે ગુજરાતીઓનાં મન એક કરતાં વધારે કારણોસર ઊંચાં કરી નાખ્યાં હતાં ને ખાસ્સી નેગેટિવિટી ફેલાવી દીધી હતી તે સાચું, પણ એનો હીરો રણવીર સિંહ ભાવનાની બડો ઇન્ટરેસ્ટિંગ એક્ટર છે તે પણ એટલું જ સાચું. રણવીર મુંબઈના સમૃદ્ધ સિંધી પરિવારનું ફરજંદ છે અને એની અટક ભાવનાની છે. ભાવનાની જેવી સરનેમ કરતાં ‘સિંહ’નું પૂછડું વધારે ફિલ્મી ને પ્રભાવશાળી છે એટલે રણવીરે ખુદને કેવળ રણવીર સિંહ તરીકે પ્રસ્થાપિત કર્યો છે.

રણવીરની પર્સનાલિટી મર્દાના ખરી, પણ એનો ચહેરો કંઈ ટિપિકલ બોલિવૂડ સ્ટાર જેવો ચોકલેટી કે સોહામણો નથી. આમ છતાંય યશરાજ બેનરે એને ‘બેન્ડ બાજાં બારાત’ (૨૦૧૦)માં લીડ હીરો તરીકે લોન્ચ કર્યો હતો. આદિત્ય ચોપડાને રણવીરનું ઓડિશન પસંદ પડયું ને એને અનુષ્કા શર્માના હીરો તરીકે પસંદ કરી લીધો, પણ ફર્સ્ટ-ટાઇમ-ડિરેક્ટર મનીષ શર્માનું મન આ અજાણ્યા છોકરામાં ઠરતું નહોતું. રણવીરને પછીનાં બે અઠવાડિયાં દરમિયાન કેટલીય વાર બોલાવવામાં આવ્યો, એની પાસે ઈમોશનલ સીન કરાવવામાં આવ્યા, નચાવવામાં આવ્યો, બીજા એક્ટરો સાથે રીડિંગ કરાવવામાં આવ્યું, લુક ટેસ્ટ્સ લેવામાં આવ્યો. આખરે મનીષ શર્મા કન્વિન્સ થયા ખરા કે મતવાલા વેડિંગ પ્લાનરનો બિટ્ટુનો રોલ રણવીર નિભાવી જશે.

એવું જ થયું. રણવીરે પહેલા જ બોલમાં સિક્સર ફટકારી. વેલ, ઓલમોસ્ટ. પોતે માત્ર નાચગાના જ નહીં પણ અભિનય પણ કરી શકે છે તે રણવીરે પહેલી જ ફિલ્મમાં પુરવાર કરી દીધું. અસલી જીવનમાં રણવીર રહ્યો નખશિખ બાન્દ્રાબોય. એની સામે સૌથી મોટો પડકાર બોલચાલમાં દિલ્હીની લઢણ પકડવાનો હતો. મનીષ શર્મા રેકી કરવા દિલ્હી ગયા ત્યારે રણવીરને પોતાની સાથે લઈ ગયા હતા (રેકી એટલે શૂટિંગ શરૂ કરતાં પહેલાં કરવામાં આવતી લોકેશનની શોધખોળ). દિલ્હી યુનિવર્સિટીનાં છોકરાંઓ સાથે રણવીરે પુષ્કળ સમય વીતાવ્યો, દિલ્હીના જુવાનિયાઓ કઈ રીતે બોલેચાલે છે એનો અભ્યાસ કર્યો. સદ્ભાગ્યે, ‘બેન્ડ બાજાં બારાત’ના બિટ્ટુના કિરદાર જેવા જ એક યુવાન સાથે રણવીરની દોસ્તી થઈ ગઈ હતી. એ જ એનર્જી લેવલ, એવાં જ કપડાં, એવી જ ઢબછબ. રણવીરે પોતાનું પાત્ર દિલ્હીના આ અસલી લોંડાને ધ્યાનમાં રાખીને ઉપસાવ્યું.

‘રામ-લીલા’ના શૂટિંગ પહેલાં પણ રણવીર પોતાની કોસ્ચ્યૂમ ડિઝાઈનર મેક્ઝિમા બસુ સાથે ગુજરાતની એક કરતાં વધારે વખત મુલાકાત લઈ ગયો હતો. સ્થાનિક દુકાનોમાંથી કપડાં ખરીદ્યાં, જાતજાતનાં ઘરેણાં ને એક્સેસરીઝ ખરીદી, કચ્છી જુવાનિયાઓના ફોટા પાડયા, પાઘડી પહેરવાની રીતનો અભ્યાસ કર્યો, પણ રામના પાત્ર માટે રેફરન્સ પોઇન્ટ બનાવી શકાય એવો કોઈ કચ્છી માડુ એને મળ્યો નહીં. કદાચ ત્રણ ફિલ્મો (‘બેન્ડ બાજાં બારાત’,’લેડીઝ વર્સીસ રિકી બહલ’ અને લૂટેરે’)ના અનુભવ પછી આવી કોઈ જરૂરિયાત નહીં વર્તાઈ હોય. કદાચ અસલી જીવનમાં એ ખુદ રામ જેવો જ મસ્તમૌલા છે એટલે બહારથી પ્રેરણા શોધવાની જરૂર નહીં પડી હોય.

‘રામ-લીલા’નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં સંજય ભણસાલીએ રણવીર અને દીપિકા સાથે ઘણાં વર્કશોપ કર્યા હતા. બન્ને અદાકારોને તેઓ સતત કહેતા રહ્યા હતા કે તમારી વચ્ચે ચુંબકીય કેમેસ્ટ્રી હોવી અત્યંત જરૂરી છે. રામ લીલા પ્રત્યે અને લીલા રામ પ્રત્યે જલદ શારીરિક આકર્ષણ ધરાવે છે. આ આકર્ષણ, આ આગ પડદા પર ઊભરશે તો જ વાત બનશે. સંજય ભણસાલીને ‘રામ-લીલા’ ફિલ્મનો આઈડિયા સૌથી પહેલી વાર ‘ખામોશી’ (૧૯૯૬)ના શૂટિંગ દરમિયાન આવ્યો હતો. જોકે ‘ખામોશી’ પછી એમણે બનાવી ‘હમ દિલ દે ચૂકે સનમ’. એમાંય ગુજરાતી માહોલ હતો એટલે ‘રામ-લીલા’ માટે વચ્ચે થોડાં વર્ષો જવા દીધાં.

‘રામ-લીલા’ને કારણે રણવીર સિંહે અનુરાગ કશ્યપની ‘બોમ્બે વેલ્વેટ’ નામની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ગુમાવવી પડી છે. સાઠના દાયકાના મુંબઈની વાત કરતી આ ફિલ્મ માટે અનુરાગની ફર્સ્ટ ચોઈસ રણવીર હતો, પણ ‘રામ-લીલા’ સાથે એનું શૂટિંગ શેડયુલ ટકરાતું હતું એટલે ભારે હૈયે ‘બોમ્બે વેલ્વેટ’ છોડવી પડી. ખરું-ખોટું રામ જાણે, પણ ઓફિશિયલ વર્ઝન તો આ જ છે. રણવીર સિંહવાળો રોલ હવે રણબીર કપૂર કરી રહ્યો છે. મુંબઈના ફિલ્મસિટી સ્ટુડિયોમાં ‘રામ-લીલા’નું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે રણબીર કપૂર સેટ પર હાય-હેલો કરવા આવેલો. તે વખતે ‘બોમ્બે વેલ્વેટ’ વિશે રણબીર અને રણવીર વચ્ચે ખાસ્સી ચર્ચા પણ થઈ હતી. અંદરખાને બળતરા થતી હોય તો અલગ વાત છે, બાકી બહારથી તો રણવીર સિંહ એવું દેખાડે છે કે એના રિપ્લેસમેન્ટમાં કોઈ આલતુફાલતુ એક્ટર નહીં, પણ રણબીર કપૂર આવ્યો છે તે વાતનો એને સંતોષ છે.

જોકે, રણવીરે પણ એક પ્રોજેક્ટમાં રણબીર કપૂરને રિપ્લેસ કર્યો જ છેને. ઝોયા અખ્તર પોતાની આગામી ફિલ્મમાં કઝિન્સ રણબીર કપૂર અને કરીના કપૂરને ભાઈ-બહેન તરીકે કાસ્ટ કરવા માગતી હતી, પણ મેળ ન પડયો. આ બેના સ્થાને હવે રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા ગોઠવાઈ ગયાં છે. પ્રિયંકાને બહેન બનાવવાનું કોઈ હીરોને ગમે નહીં, પણ એવું વિચારીને સાંત્વન લેવાનું કે ‘જોશ’ફિલ્મમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય સગાં ભાઈ-બહેન બન્યાં જ હતાંને. રણવીરની ઔર બે ફિલ્મો આવી રહી છે, બન્ને યશરાજ બેનરની છે. ‘ગુંડે’ના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર છે અને સહ-ગુંડો બન્યો છે, અર્જુન કપૂર. બીજી છે ‘કિલ દિલ’. એના ડિરેક્ટર શાદ અલી છે અને રણવીરની હિરોઈન છે, પરીણિતી ચોપડા.

રણવીર સિંહ અચ્છો પરફોર્મર છે. ‘લૂટેરે’ ભલે ચાલી નહીં, પણ આ ફિલ્મમાં એણે પોતાની ઇમેજ અને પર્સનાલિટીથી વિરુદ્ધ રોલ બખૂબીથી નિભાવ્યો હતો. રણવીર એવો અદાકાર છે, જેની પાસેથી મજબૂત ફિલ્મોની અપેક્ષા રાખવાનું મન થાય. રણવીર સિંહ, રણબીર કપૂર, સુશાંત સિંહ રાજપૂત, આયુષ્યમાન ખુરાના, આદિત્ય રોય કપૂર… બોલિવૂડની લેટેસ્ટ જનરેશનના આ તમામ જુવાનિયા માત્ર સ્ટાર નથી, પણ અચ્છા પરફોર્મર્સ પણ છે એ દિલને ટાઢક થાય એવી હકીકત છે. થ્રી ચિયર્સ ટુ જનરેશન-એક્સ!

શો-સ્ટોપર

હજુય કેટલું બધું કરવાનું બાકી છે. વધારે સારી ફિલ્મો, વધારે સારા રોલ્સ. આજે હું જે પોઝિશન પર છું એનાથી ખુશ જરૂર છું, પણ સંતુષ્ટ નથી.

– દીપિકા પદુકોણ

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.