Sun-Temple-Baanner

સોચો કભી ઐસા હો તો ક્યા હો…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સોચો કભી ઐસા હો તો ક્યા હો…


મલ્ટિપ્લેક્સ – સોચો કભી ઐસા હો તો ક્યા હો…

Sandesh – Ardh Saptahik Purti – 29 June 2014

મલ્ટિપ્લેક્સ

ધારો કે ૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં અમિતાભ બચ્ચનને ટક્કર આપવાનું કૌવત ધરાવતા એકમાત્ર સુપરસ્ટાર વિનોદ ખન્નાએ અણધારી નિવૃત્તિ ન લઈ લીધી હોત તો? ધારો કે ‘એક દૂજે કે લિએ’ની સુપરડુપર સફળતા પછી કમલ હાસને મુંબઈમાં સેટલ થઈને માત્ર અને માત્ર હિન્દી સિનેમા પર ફોકસ કર્યું હોત તો? તો બોલિવૂડનો સ્ક્રીન પ્લે કદાચ સાવ જુદી જ રીતે લખાયો હોત!

* * * * *

‘જો’ અને ‘તો’ દુનિયા બડી રોમાંચક હોય છે. જીવનમાં એકને બદલે બીજી ઘટના બને તો કેવળ આપણી જ નહીં, ક્યારેક બીજાઓના જીવનની ભૂગોળ પણ બદલાઈ જતી હોય છે. સહેજ અમથું કોમ્બિનેશન બદલાય ને કંઈકેટલીય જિંદગીના આકારોમાં ફેરફાર થઈ જતો હોય છે. અમિતાભ બચ્ચન આપણને સૌને પ્યારા છે. ૭૫ વર્ષના દાદાજીથી ૪૦ વર્ષના પુત્ર, ૧૦ વર્ષના પૌત્ર સુધીની જનરેશનને અમિતાભનું આકર્ષણ છે. આજે જ્યારે એમની અને એમના સમકાલીનોનો આખો કરિયરગ્રાફ આપણી આંખ સામે છે ત્યારે એક કલ્પના કરવાનું મન થાય છે.

ધારો કે ૧૯૮૦ના દાયકામાં અમિતાભ બચ્ચનને ટક્કર આપવાનું કૌવત ધરાવતા એકમાત્ર સુપરસ્ટાર વિનોદ ખન્નાએ અણધારી નિવૃત્તિ ન લઈ લીધી હોત તો? અને ધારો કે ‘એક દૂજે કે લિએ’ની સુપરડુપર સફળતા પછી કમલ હાસને મુંબઈમાં સેટલ થઈને માત્ર અને માત્ર હિન્દી સિનેમા પર ફોકસ કર્યું હોત તો? તો બોલિવૂડનો સ્ક્રીન પ્લે કદાચ સાવ જુદી જ રીતે લખાયો હોત!

વાતને વિગતે સમજવા સમયચક્રને ઊલટું ઘુમાવીને ૧૯૮૦ના વર્ષમાં પ્રવેશીએ. ૩૮ વર્ષના અમિતાભની કરિયર શિખર પર છે. તેઓ મેગાસ્ટાર તરીકે ક્યારના પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. આ વર્ષે એમની ચાર ફિલ્મો આવે છે- ‘દો ઔર દો પાંચ’,’રામ બલરામ’, ‘દોસ્તાના’ અને ‘શાન’. વિનોદ ખન્ના એમના કરતાં ચાર વર્ષ નાના. બચ્ચન સાથે એમણે ઘણી ફિલ્મો કરી છે અને કેટલીય વાર એવું બન્યું છે કે બચ્ચનને ટક્કર આપીને રીતસર માત કર્યા હોય. વિનોદ ખન્નાનો કરિશ્મા પણ ગજબનો છે. ઇન્ડસ્ટ્રીમાં બચ્ચનને હંફાવી શકે એવું કોઈ હોય તો એક વિનોદ ખન્ના જ છે, એવું સૌ કોઈ માને છે. ૧૯૮૦માં વિનોદ ખન્નાની બે સુપરહિટ ફિલ્મો તરખાટ મચાવે છે – ‘કુરબાની’ અને ‘ધ ર્બિંનગ ટ્રેન’. પુરુષો ‘કુરબાની’ની બિકીનિધારી ઝિનત પર ગાંડા ગાંડા થઈ ગયા છે, તો મહિલાઓ સુપર હેન્ડસમ વિનોદ ખન્નાની મર્દાના અપીલ પર ફિદા છે.

બચ્ચન-ખન્નાની આ ફિલ્મોની અસર વચ્ચે ૫ જૂન, ૧૯૮૧ના શુક્રવારે, કમલ હાસન નામનો સાઉથ ઇન્ડિયન હીરો હિન્દી સ્ક્રીન પર ત્રાટકે છે. ‘એક દૂજે કે લિએ’નાં અફલાતૂન ગીતો અને ટ્રેજિક લવસ્ટોરી યંગસ્ટર્સ પર ભૂરકી છાંટે છે. ૧૯૮૧માં એક બાજુ કમલ હાસન નામના ૨૭ વર્ષના આ જુવાનિયાની ચારે બાજુ ચર્ચા છે તો બીજી બાજુ, અમિતાભ એ જ વર્ષે જક્કાસ ફિલ્મોની હારમાળા સર્જી દે છે- ‘લાવારિસ’, ‘નસીબ’, ‘સિલસિલા’, ‘યારાના’, ‘કાલિયા’ અને ‘બરસાત કી રાત’. આ તમામ ફિલ્મો એક જ વર્ષમાં રિલીઝ થાય છે! વિનોદ ખન્નાની માત્ર બે ફિલ્મો આવે છે – ‘એક ઔર એક ગ્યારહ’ અને બીજી ટીના મુનિમ સાથેની ‘ખુદા કસમ’. આ બેમાંથી એકેય ફિલ્મ આપણને યાદ નથી.

વિનોદ ખન્નાની ઉદાસીનતા ઇન્ડસ્ટ્રીને અને ચાહકોને એકસરખી અકળાવી રહી છે. “હું રિટાયર થવા માગું છું” એવી ચોંકાવનારી ઘોષણા એમણે વર્ષો પહેલાં કરી દીધી હતી. સુપર સક્સેસ, ગ્લેમરસ લાઇફસ્ટાઇલ, પૈસો, નામ અને સરસ મજાનો પરિવાર આ બધું એની પાસે છે, પણ એમના જીવને સંતોષ નથી. એમને એક જ બાબત માનસિક શાંતિ આપી શકે છે – ઓશો રજનીશનું સાંનિધ્ય. અમિતાભનો એકમાત્ર હરીફ ઇન્ડસ્ટ્રી અને ઘરબાર છોડીને પૂરાં પાંચ વર્ષ માટે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ જાય છે! કમલ હાસન એક પાવરહાઉસ પરફોર્મર છે, એ દક્ષિણ ભારત જાણતું હતું. ‘એક દૂજે કે લિએ’ પછી આખું ભારત પણ જાણવા લાગ્યું. સૌએ માની લીધું કે હિન્દી ફિલ્મોમાં અબ કમલ હાસન કી નીકલ પડી. એક વિકલ્પ હતો, આટલી સરસ શરૂઆત પછી સાઉથનું કામકાજ સમેટીને, બિસ્તરા-પોટલાં બાંધીને મુંબઈ સેટલ થઈ જવાનો, તમિલ ફિલ્મોની તુલનામાં અનેકગણું વધારે ઓડિયન્સ આપતી હિન્દી ફિલ્મોને પ્રાયોરિટી આપવાનો. બીજો વિકલ્પ હતો, દહીં-દૂધ બન્નેમાં પગ રાખવાનો. કમલ બીજો વિકલ્પ પસંદ કરે છે. ‘એક દૂજે કે લિએ’ પછીના દોઢ વર્ષમાં કમલની બે જ હિન્દી ફિલ્મો આવે છે – ‘સનમ તેરી કસમ’ અને પૂનમ ધિલ્લોન સાથેની ‘યે તો કમાલ હો ગયા’. આમાંની પહેલી ફિલ્મ હિટ થાય છે, એનાં ગીતો તો આજેય હિટ છે, પણ બીજી ફિલ્મ ફ્લોપ જાય છે. આ બે પિક્ચરની સામે કમલ દક્ષિણમાં કેટલી ફિલ્મો કરે છે? અગિયાર ફિલ્મો. મતલબ કે ૧૯૮૨માં કમલની કુલ ૧૩માંથી બે જ ફિલ્મો હિન્દી છે.

પછીનું વર્ષ. વિનોદ ખન્નાનું ઓશોગમન થઈ ગયું છે એટલે બચ્ચનબાબુને મોકળું મેદાન મળી ગયું છે. ૧૯૮૨માં તેઓ અડધો ડઝન ફિલ્મોનો ખડકલો કરી દે છે- ‘સત્તે પે સત્તા’, ‘બેમિસાલ’, ‘દેશપ્રેમી’, ‘નમકહલાલ’, ‘ખુદ્દાર’ અને ‘શક્તિ’. આમાંની મોટાભાગની ફિલ્મો હિટ છે.

૧૯૮૩. કમલ હાસનને દક્ષિણની ફિલ્મોથી છેડો નથી જ ફાડવો. આ વષે એમની કુલ ૮ ફિલ્મો રિલીઝ થાય છે, જેમાંથી બે જ હિન્દી છે – ‘ઝરા સી જિંદગી’ અને ‘સદમા’. ફિલ્મ ગમે તેટલી સારી હોય પણ બોક્સઓફિસ પર ધમાલ ન મચાવે ત્યાં સુધી એ ઝળકતી નથી. ‘સદમા’ના કેસમાં એવું જ થયું. મતલબ કે ‘એક દૂજે કે લિએ’નાં અઢી વર્ષ પછી પણ કમલ હસનના બાયોડેટામાં સાધારણ ‘સનમ તેરી કસમ’ને બાદ કરતાં એક પણ હરખાઈ જવાય એવી સુપરહિટ ફિલ્મ ઉમેરાતી નથી. બોલિવૂડ અને કમલ હાસનની કુંડળી મળતી નથી કાં તો હિન્દી ફિલ્મમેકરોને આટલા ટેલેન્ટેડ એક્ટરનો વ્યવસ્થિત ઉપયોગ કરવા આવડયો નહીં અથવા કમલની હિન્દી સિનેમામાં કમાલ કરી બતાવવાની મહત્ત્વાકાંક્ષા ઓછી પડી. કદાચ આ બન્ને વાત સાચી છે. ૧૯૮૩માં અમિતાભની ચાર ફિલ્મો આવે છે- ‘નાસ્તિક’, ‘મહાન’, ‘પુકાર’ અને ‘કુલી’. અમિતાભની લોકપ્રિયતા કેટલી ખતરનાક છે એનો પાક્કો અંદાજ ‘કુલી’ના અકસ્માત પછી સૌને મળી જાય છે.

૧૯૮૪માં કમલ હાસનની ચાર ફિલ્મો આવે છે – ‘એક નઈ પહેલી’, ‘યાદગાર’, ‘રાજતિલક’ અને ‘કરિશ્મા’. ફરી પાછી એ જ જૂની કહાણી. આ વર્ષે પણ કમલ હાસન ન કશો કરિશ્મા કરી શક્યા કે ન યાદગાર ફિલ્મ આપી શક્યા. ૧૯૮૫માં ‘ગિરફ્તાર’માં કમલ – બચ્ચન – રજનીકાંતની ત્રિપુટી છે. ‘સાગર’ અફલાતૂન ફિલ્મ હતી, પણ અગેન, બોક્સઓફિસ પર ન ચાલી. ‘દેખ કે પ્યાર તુમ્હારા’નામની ફાલતુ ફિલ્મ પણ આ જ વર્ષે આવી ગઈ. કમલ કંટાળી ગયા. હિન્દી ફિલ્મોમાં ધાર્યું પરિણામ આવતું નહોતું એટલે તેમણે મુંબઈમાં ખોટાં હવાતિયાં મારવાનું બંધ કરીને દક્ષિણ પર જ સંપૂર્ણપણે ધ્યાન એકાગ્ર કરવાનું નક્કી કર્યું. ૧૯૮૨થી ૧૯૮૫ દરમિયાન કમલ હાસનની કુલ ૩૭ ફિલ્મોમાંથી ૧૧ ફિલ્મો હિન્દી હતી. પછી આ આંકડો શૂન્ય થઈ ગયો. પછી છેક બાર વર્ષે, ૧૯૯૭માં ‘ચાચી ૪૨૦’ કરી. વચ્ચે એક ‘પુષ્પક’ આવી ગઈ, પણ એ મૂંગી ફિલ્મ હતી.

નિરાશા બચ્ચનના નસીબમાં પણ લખાયેલી હતી. ૧૯૮૪થી ૧૯૮૭માં તેમણે રાજકારણ અજમાવી જોયું, પણ બોર્ફોર્સનો ડાઘ લઈને પાછા ફરવું પડયું. આ બાજુ ઓશોનો પાંચ વર્ષ સત્સંગ કરીને ૪૧ વર્ષના વિનોદ ખન્નાએ ઇન્ડસ્ટ્રીમાં પુનરાગમન કર્યું. ૧૯૮૭માં આવેલી ‘ઇન્સાફ’ એમની કમબેક ફિલ્મ બની, જે હિટ થઈ. ૧૯૮૮માં બિગ બીએ ‘શહેનશાહ’થી કમબેક કર્યું. તે પછી બચ્ચનની ભયાનક ખરાબ (‘ગંગા જમુના સરસ્વતી’, ‘તુફાન’, ‘જાદુગર’) અને ખન્નાની ઠીકઠાક ફિલ્મો (‘દયાવાન’, ‘રિહાઈ’, ‘ચાંદની’, ‘બટવારા’ વગેરે) આવતી રહી. જોકે, હવે સ્પર્ધાનું તત્ત્વ રહ્યું નહોતું, કેમ કે પેઢી બદલાઈ ચૂકી હતી.

૧૯૮૩માં અનિલ કપૂર અને જેકી શ્રોફ બન્નેની ગ્રાન્ડ એન્ટ્રી થઈ ચૂકી હતી. અનિલ કપૂરની ‘વોહ સાત દિન’ અને જેકી શ્રોફની ‘હીરો’ આ વર્ષે રિલીઝ થઈ. ૧૯૮૮માં એક ક્યૂટ ક્યૂટ ચોકલેટી હીરોએ ઇન્ડસ્ટ્રીમાં તોફાન મચાવ્યું. એ નવાનિશાળિયાનું નામ હતું, આમિર ખાન (‘કયામત સે કયામત તક’). પછીનાં વર્ષે ઔર એક જુવાનિયાએ ઇન્ડસ્ટ્રીમાં ઉપાડો લીધો – સલમાન ખાન (‘મૈંને પ્યાર કિયા’). એ બન્ને ઠરીઠામ થઈ રહ્યા ત્યાં શાહરુખ નામના ત્રીજા ખાને એન્ટ્રી મારી (‘દીવાના’, ૧૯૯૨). આ નવી જનરેશનના હીરો હતા, જે ભવિષ્યમાં સુપરસ્ટાર બનવાના હતા.

ફરી પાછા મૂળ વાત પર પાછા ફરીએ. અમિતાભ નસીબના બળિયા છે એ તો નક્કી. વિનોદ ખન્ના અને કમલ હાસને બોલિવૂડ પરથી ફોકસ દૂર ન થવા દેવાના નિર્ણય લીધા હોત તો આ બન્ને જણા અમિતાભના અત્યંત સમાંતર શક્તિશાળી પાવર સેન્ટર તરીકે ઊભર્યા હોત એ તો નક્કી. ખેર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાનું કોઈ ગણિત નથી. આખો મામલો ‘જો’ અને ‘તો’નો છે… અને ક્યારેક ‘જો-તો’ની સાપસીડી રમવાની મોજ પડે છે!

શો-સ્ટોપર

“તુમ્હારા બાપ અપને ગુરુ કે સાથ ભાગ ગયા…” – હું રજનીશ પાસે જતો રહ્યો ત્યારે સૌ મારા દીકરાઓને આવું કહીને ટોન્ટ મારતા હતા. મારા વિશે લોકો કંઈ પણ બોલે, મને ફરક નહોતો પડતો, પણ મારા દીકરાઓની તકલીફ મને અકળાવતી હતી.

– વિનોદ ખન્ના

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.