Sun-Temple-Baanner

‘કયામત કે કયામત તક’નાં ત્રીસ વર્ષ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


‘કયામત કે કયામત તક’નાં ત્રીસ વર્ષ


‘કયામત કે કયામત તક’નાં ત્રીસ વર્ષ

સંદેશ – સંસ્કાર પૂર્તિ – 6 મે 2018

મલ્ટિપ્લેક્સ

આમિર ખાન- જુહી ચાવલાની ‘કયામત સે કયામત તક’ હિન્દી સિનેમાની એક લેન્ડમાર્ક ફિલ્મ છે. મારધાડથી ભરપૂર ફિલ્મોના દોરમાં રિલીઝ થઈને તરંગો સર્જનાર આ માસૂમ લવસ્ટોરીની નિર્માણકથા જાણવા જેવી છે.

* * * * *

‘હુ ઇઝ આમિર ખાન? આસ્ક ધ ગર્લ નેક્સ્ટ ડોર.’

ફિલ્મોના અઠંગ શોખીન એવા મુંબઈના સિનિયર વાચકોને આ શબ્દો કદાચ પરિચિત લાગશે. આ હતું ‘કયામત સે કયામત તક’ ફિલ્મની પબ્લિસિટી માટેનું પોસ્ટર, જે મુંબઈની રિક્ષાઓ પર ચોંટાડવામાં આવ્યું હતું! પોસ્ટર પર આમિરનો રૂપકડો ચહેરો નહોતો, માત્ર આ શબ્દો જ છપાયેલા હતા. ફિલ્મ રિલીઝ થઈ એની પહેલાં હરખપદૂડા આમિરે જાતે મુંબઈના બાંદરાથી જુહુ વિસ્તારમાં ફરીને રિક્ષાઓ પર આ પોસ્ટરો ચોંટાડ્યા હતા. એની સાથે ફિલ્મમાં એનો દોસ્તાર બનતો રાજ ઝુત્શી પણ હતો.

એ વખતે કોઈએ કલ્પના કરી હશે ખરી કે પોસ્ટર પર જેનો ચહેરો મૂકાયો નથી એવો આમિર ખાન નામનો આ છોકરડો ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ યુવા દિલોં કી ધડકન બની જશે અને સમયની સાથે એનું કદ એટલું બધું વધતું જશે કે એ માત્ર મેગાસ્ટાર જ નહીં, બલ્કે ‘ઓલમોસ્ટ લેજન્ડ’ની કક્ષાએ પહોંચી જશે! ‘કયામત કે કયામત તક’ ફિલ્મ 29 એપ્રિલ 1988ના રોજ રિલીઝ થઈ હતી. આજે એ વાતને આજે એકઝેક્ટલી 30 વર્ષ અને સાત દિવસ થયાં. 30 વર્ષ! માની શકાય છે? આ કોલમના તમારા પૈકીના કેટલાય વાચકો એ વખતે જન્મ્યા પણ નહોતા!

‘કયામત કે કયામત તક’થી આમિરની બોમ્બની જેમ ફૂટ્યો એ સાચું, પણ આ કંઈ એની પહેલી ફિલ્મ નહોતી. અભિનયની શરૂઆત તો એણે ગુજરાતી રંગભૂમિથી કરી હતી. પછી કેતન મહતાની ‘હોલી’ નામની એક એક્સપેરિમેન્ટલ ફિલ્મમાં કામ કરેલું, 1984માં. એ વખતે એની ઉંમર હતી 19 વર્ષ. ઇન ફેક્ટ ‘હોલી’નીય પહેલાં આમિરે ‘પેરેનોઇયા’ નામની ચાલીસ મિનિટની સાયલન્ટ ફિલ્મમાં અભિનય કર્યો હતો. આમિરના કાકા નાસિર હુસેન એટલે હિન્દી સિનેમાના મોટા ગજાના પ્રોડ્યુસર-ડિરેક્ટર. એમની ‘મંઝિલ મંઝિલ’ તેમજ ‘ઝબરદસ્ત’ નામની ફિલ્મોમાં આમિરે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. નાસિરસાહેબે એ જ વખતે પારખી લીધું હતું કે આ છોકરો પરફેક્શનવાળો માણસ છે. એની બાજનજરમાંથી ઝીણી ઝીણી કોઈ ડિટેલ ચુકાતી નથી0 નાસિર હુસેનને ખબર હતી કે આમિરને એક્ટિંગનો કીડો ઓલરેડી કરડી ચુક્યો છે, પણ જ્યારે જાવેદ અખ્તરે એમને કહ્યું કે નાસિરસાબ, આ તમારા ભત્રીજાને હીરો તરીકે લોન્ચ કરવા જેવો છે, ત્યારે એમણે મનોમન નક્કી કરી નાખ્યું કે બસ, મારી આગલી ફિલ્મનો હીરો આમિર જ હશે.

નાસિર હુસેનનો ખુદના દીકર મન્સૂરે પણ ‘મંઝિલ મંઝિલ’ અને ‘જબરદસ્ત’ના મેકિંગ દરમિયાન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. અગાઉ ‘ઝમાને કો દખાને હૈ’ ફિલ્મની લાઇટિંગ ઇફેક્ટ્સ એણે સંભાળેલી. મનસૂરનો ઝુકાવ એક્ટિંગ તરફ નહીં, પણ ડિરેક્શન તરફ હતો. એણે ડિરેક્ટ કરેલી એક ટેલીફિલ્મ નાસિર હુસેનને ગમી ગયેલી. એમણે બીજો નિર્ણય એ લીધો કે ‘કયામત સે કયામત તક’થી હું એકલા આમિરને જ નહીં, મન્સૂરને પણ લોન્ચ કરીશ, ડિરેક્ટર તરીકે.

હિરોઈન તરીકે જુહી ચાવલા નામની એક નવી કન્યાને પસંદ કરવામાં આવી. જુહી 1984માં મિસ ઇન્ડિયા બનેલી. તે પછી 1986માં મુકુલ આનંદે એને ‘સલ્તનત’ નામની ફિલ્મમાં શશી કપૂરના બોમ્બે ડાઇંગ ફેમ સુપુત્ર કરણ કપૂર સામે હિરોઈન તરીકે લોન્ચ કરી હતી. ‘સલ્તનત’માં ધર્મેન્દ્ર, સની દેઓલ, શ્રીદેવી જેવાં ધરખમ કલાકારો હોવા છતાં ફ્લોપ થઈ હતી એટલે જુહી પર લોકોનું ખાસ ધ્યાન નહોતું પડ્યું. ઇન ફેક્ટ, બી. આર. ચોપરા એને સુપરડુપર હિટ (અને ઓરિજિનલ) ‘મહાભારત’ સિરીયલમાં દ્રોપદીના રોલમાં લેવા માગતા હતા. દરમિયાન ‘કયામત સે કયામત તક’ની ઓફર આવતાં જુહીએ સિરીયલને ના પાડી દીધી. દ્રોપદીની ભુમિકા પછી રૂપા ગાંગુલીએ અસરકારક રીતે નિભાવી.

સંગીતકાર તરીકે અગાઉ આર.ડી. બર્મનનું નામ વિચારાયું હતું, પણ મનસૂર ખાનની ઇચ્છા હતી કે આર.ડી.ને બદલે આનંદ-મિલિંદ નામના નવા છોકરાઓને ચાન્સ આપવામાં આવે. મનસૂરની પેલી ટેલી-ફિલ્મમાં આનંદ-મિલિંદે મ્યુઝિક આપ્યું હતું એટલે એમની ક્ષમતાથી મન્સૂર પરિચિત હતા. જેમની પાસે ગીતો ગવડાવવામાં આવ્યાં એ ઉદિત નારાયણ તેમજ અલકા યાજ્ઞિક પણ લગભગ નવાં જેવાં જ હતાં.

1980નો દાયકો હિન્દી સિનેમાનો અતિ નબળો સમયગાળો ગણાય છે. ફિલ્મોમાં મારામારી અને ધડાધડીનું પ્રમાણ જોરદાર વધી ગયું હતું. ફિલ્મસંગીત સાવ ખાડે ગયું હતું. એ વિડીયો કેસેટ્સનો જમાનો હતો. પાયરસીએ જોરદાર ઉપાડો લીધો હતો. લોકો પૈસા ખર્ચીને થિયેટરોમાં મામૂલી ફિલ્મો જોવા જવાને ઘરે જ વીસીઆર મગાવીને સાગમટે મનોરંજન મેળવી લેતા હતા. આવા માહોલમાં પ્રોડ્યુસર-રાઇટર નાસિર હુસેન એ વખતના ટ્રેન્ડથી સાવ વિપરીત જઈને તદ્દન નવા નિશાળિયાઓવાળી હલકીફુલકી, સોફ્ટ લવસ્ટોરી લઈને આવ્યા.

રોમિયો એન્ડ જુલિયેટ, હીર-રાંઝા અને લૈલા-મજનુ કુળની આ કથામાં એકબીજાની સામે યુદ્ધે ચડેલા બે પરિવારોની વાત છે. ઊગીને ઊભા થતાં એમનાં સંતાનો દુશ્મનાવટ રાખવાને બદલે એકબીજાના પ્રેમમાં પડે છે અને પછી ન થવાનું થાય છે. એક તબક્કે નાસિરસાહેબને ટેન્શન થવા માંડેલું કે લોકોએ ‘એક દૂજે કે લિયે’માં ઓલરેડી પ્રેમીઓને મરતાં જોયા છે. શું તમને ફરી પાછો દુખદ અંત જોવો ગમશે? એના કરતાં પ્રેમીઓને એન્ડમાં જીવતાં રાખીને પરણાવી દઈએ તો? મન્સૂર, એની બહેન નુઝહત અને આમિરે વિરોધ કર્યો. એમનું કહેવું હતું કે ના, જે છે તે બરાબર છે. એન્ડમાં હીરો-હિરોઈન મરશે તો એમને ઓડિયન્સની સહાનુભૂતિ મળશે. વાત દુશ્મનાવટથી શરૂ થાય છે અને આઘાતજનક મૃત્યુ પર પૂરી થાય છે એટલે ફિલ્મનું ટાઇટલ શરૂઆતમાં ‘નફરત કે વારિસ’ રાખવામાં આવ્યું હતું. પછી તે બદલીને ‘કયામત સે કયામત તક’ કરવામાં આવ્યું.

એપ્રિલ 1988ના છેલ્લા શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ. ઓડિયન્સને જલસો પડી ગયો. હિંસાથી ખદબદતી અને કચરા જેવાં ગીતસંગીત ધરાવતી ફિલ્મોથી કંટાળેલા પ્રેક્ષકોને સુખદ ચેન્જ મળ્યો. આમિર ખાન નામનો સુપર ક્યુટ ચોકલેટી છોકરો અને માસૂમ ચહેરાવાળી અતિ મીઠડી જુહી ચાવલા નામની કન્યા એમને સખ્ખત ગમી ગયાં. ખાસ કરીને ટીનેજરો અને યુવાનો આ નવાં હીરો-હિરોઈન પાછળ ગાંડા થયા. અમુક ડિસ્ટ્રીબ્યુટરોએ સ્કીમ કાઢેલી કે જો તમે એક સાથે આઠ કે એનાથી વધારે ટિકિટ ખરીદશો તો આમિર ખાન અને જુહી ચાવલાનું પોસ્ટર ભેટમાં આપવામાં આવશે. આથી આમિર-જુહીનું પોસ્ટર મેળવવા કોલેજિયનોનાં ટોળેટોળાં થિયેટરોમાં ઊભરાતાં.

ફિલ્મનાં ગીતોએ તરખાટ મચાવ્યો. એમાંય ‘પાપા કહતે હૈ બડા નામ કરેગા’ સાંભળીને યંગ ઓડિયન્સને લાગતું કે ઓહો, આ તો મારી જ વાત! ‘ગઝબ કા હૈ દિન સોચો જરા… યે દીવાનાપન દેખો જરા’ હોય, ‘અકેલે હૈં તો ક્યા ગમ હૈં… ચાહે તો હમારે બસ મેં ક્યા નહીં’ હોય કે ‘અય મેરે હમસફર… એક જરા ઇંતઝાર’ હોય… ફિલ્મના બધ્ધેબધ્ધાં ગીત સુપરડુપર હિટ પૂરવાર થયાં. ઇવન આજની તારીખે પણ આપણને આ બધાં ગીતો ખૂબ વહાલાં લાગે છે. એ તો આપણને પાછળથી ખબર પડી છે કે ‘અકેલે હૈં તો ક્યા ગમ હૈ’ ગીત વાસ્તવમાં નકલ છે. ધ શેડોઝ નામના બ્રિટીશ ઇન્સ્ટ્રુમેન્ટલ રોક-બેન્ડે કંપોઝ કરેલા ‘રીટર્ન ટુ એલામો’ (1977) નામની ટ્યુનની આ ગીતમાં બેઠી ઉઠાંતરી કરવામાં આવી છે. પણ હવે શું થઈ શકે! ખેર.

ફિલ્મ જો હવે ધ્યાનથી જોશો તો તમને ઘણા પરિચિત ચહેરા દેખાશે. જેમ કે, એક સીનમાં કેટલાક ગુંડા જુહીની છેડતી કરવાની કોશિશ કરે છે. આ ગુંડાઓમાં એક મકરંદ દેશપાંડે છે, એક યતિન કાર્યેકર છે (જેને આપણે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ જેવી કેટલીય હિન્દી ફિલ્મો ઉપરાંત હમણાં ‘રેવા’માં પણ જોયા) અને એક આમિરનો નાનો ભાઈ ફૈઝલ ખાન છે! ‘પાપા કહતે હૈ’ ગીતના એક શોટમાં આમિરની પૂર્વપત્ની રીના દેખાય છે. ફિલ્મમાં આમિરનો બાળપણનો રોલ એના ભાણિયા ઇમરાન ખાને કર્યો છે. મન્સૂર ખાનની બીજી ‘જો જીતા વહી સિકંદર’માં પણ ઇમરાન બાળ-આમિર બન્યો હતો. ઇમરાનને વર્ષો પછી આમિરે પોતાના બેનર હેઠળ બનેલી ‘દિલ્હી બેલી’માં હીરો તરીકે લોન્ચ કર્યો.

‘ક્યામત સે કયામત તક’ ફિલ્મે ઘણાં ટ્રેન્ડ પેદા કર્યા. એક તો હિન્દી ફિલ્મોમાં રોમાન્સ અને મધુર ગીતસંગીત પાછા આવ્યાં. ભવિષ્યની કેટલીય લવસ્ટોરીના પાયા નખાયા. ટાઇટલનું શોર્ટ ફોર્મ ક્યુએસક્યુટી ખૂબ પોપ્યુલર બન્યું એટલે આવા ચોટડુક ટૂંકા શીર્ષકો વાપરવાની ફેશન શરૂ થઈ. ઉદાહરણ તરીકે, ડીડીએલજે (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે), કેએનપીએચ (કહો ના પ્યાર હૈ) વગેરે. ફિલ્મમાં રાજપૂત કન્યા બનેલી જુહી પોતાના માટે ‘મૈં’ નહીં પણ ‘હમ’ વિશેષણનો ઉપયોગ કરે છે. આ છટાની પણ પછી ઘણી ફિલ્મોમાં કોપી થઈ.

‘કયામત સે કયામત તક’ ઓડિયન્સ અને સમીક્ષકો સૌએ એકઅવાજે વધાવી લીધી. બોક્સઓફિસ પર એણે પાંચ કરોડ રૂપિયાનો ‘તોતિંગ’ બિઝનેસ કર્યો. આ ત્રીસ વર્ષ પહેલાંનો આંકડો છે એટલે સમજોને કે આજના ધારાધોરણ પ્રમાણે આ ફિલ્મ હંડ્રેડ કરોડ ક્લબમાં શામેલ થઈ ગઈ કહેવાય. 1988માં સૌથી વધારે કમાણી અનિલ કપૂર-માધુરી દીક્ષિતની ‘તેઝાબે’ કરી હતી, બીજા નંબર પર ક્ષેત્રસંન્યાસ લઈને પાછા ફિલ્મોમાં સક્રિય થયેલા અમિતાભ બચ્ચનની ‘શહેનશાહ’ અને ત્રીજા નંબર પર ક્યુએસક્યુટી. ફિલ્મની નિર્માણપ્રકિયાની વાત કરતું ‘કયામત સે કયામત તકઃ ધ ફિલ્મ ધેટ રિવાઇવ્ડ હિન્દી સિનેમા’ નામનું પુસ્તક પણ લખાયું છે (લેખક ગૌતમ ચિંતામણિ).

‘ક્યામત સે કયામત તક’ ફરી એક વાર જોજો. તમારું બાળપણ અથવા જુવાની પાછાં તાજાં થઈ જશે. જો યુવાન વાચકોએ હજુ સુધી એકેય વાર આ ફિલ્મ જોઈ ન હોય તો એમણે તે ખાસ જોવી જોઈએ. આમિર ખાનની એક અભિનેતા તરીકેની યાત્રા અને પડાવો સમજવા હોય તો એની સફરનું પહેલું પગલું ધ્યાનપૂર્વક જોવું જોઈએ, ખરું?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year May, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.