Sun-Temple-Baanner

આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શું શું થયું?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શું શું થયું?


મલ્ટિપ્લેક્સ – આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં શું શું થયું?

Multiplex- Sanskaar Purti- 24 May 2015

મલ્ટિપ્લેક્સ

આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વૂડી એલનની ‘ઈરરેશનલ મેન’ અને નેટલી પોર્ટમેનની ‘અ ટેલ ઓફ ડાર્કનેસ’ જેવી કેટલીય ઈન્ટરેસ્ટિંગ ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. આગામી ઓસ્કર સિઝન સુધી આ ફિલ્મો દુનિયાભરમાં ગાજતી રહેવાની.

* * * * *

તો, ફ્રાન્સના એક રળિયામણા દરિયાઈ સ્થળે પૂરજોશમાં ચાલી રહેલો કાન ફિલ્મ ફેસ્ટિવલ આજે અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યો છે. સિનેમાના ક્ષેત્રમાં કાન ફિલ્મ ફેસ્ટિવલનો (સાચો ઉચ્ચાર કાન છે,કાન્સ કે કેન્સ નહીં) ખૂબ આદરપૂર્વક લેવાય છે. આ ફેસ્ટિવલના કોઈ પણ સ્તરે હિસ્સો બનવું, અહીં ફિલ્મ રજૂ થવી અને જાતજાતના એવોર્ડ જીતવા એ મોટા ગર્વની વાત ગણાય છે. અહીં પ્રદર્શિત થયેલી નવીનક્કોર ફિલ્મોમાંની કેટલીય હવે આગામી ઓસ્કર સીઝન સુધી દુનિયાભરમાં ગાજ્યા કરવાની.

વૂડી એલનની લેટેસ્ટ ફિલ્મ ‘ઇરરેશનલ મેન’ જોવા પડાપડી થઈ ગઈ હતી. નેચરલી. સ્ત્રી-પુરુષોના નાજુક સંબંધોને આડા-ઊભા-ત્રાંસા-ઊલટા દૃષ્ટિકોણથી પેશ કરતી વૂડીની ફિલ્મો જોવાની મજા જ કંઈક ઔર હોય છે. છેલ્લે વૂડીની મસ્તમજાની ‘બ્લૂ જાસ્મિન’ માટે કેટ બ્લેન્શેટને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો હતો. જોકે, તે પછીની ‘ટુ રોમ વિથ લવ’ અને ‘ફેડિંગ જિગોલો’ ખાસ સફળ નહોતી થઈ.

‘ઇરરેશનલ મેન’માં શું છે? આમાં જોકિવન ફિનિક્સ ફિલોસોફીનો પ્રોફેસર બન્યો છે. એક નાનકડા નગરની કોલેજમાં એની નિમણૂક થઈ છે. પ્રોફેસર હજુ કેમ્પસમાં પગ મૂકે તે પહેલાં જ એના વિશેની સાચી-ખોટી વાતો આખી કોલેજમાં ફેલાઈ ગઈ છે. એ દારૂડિયો છે, જુવાન સ્ટુડન્ટ્સ સાથે લફરાં કરતો ફરે છે, એની પત્ની પરપુરુષ સાથે ભાગી ગઈ છે, અફઘાનિસ્તાનમાં એની આંખ સામે એક દોસ્તના ફૂરચા ઊડી ગયા હતા ત્યારથી પ્રોફેસરનું થોડું ચસકી ગયું છે વગેરે. પ્રોફેસરની જે ઇમેજ પડી ગઈ છે તે સાવ ખોટીય નથી. જીવન શું છે, મૃત્યુ શું છે, પ્રેમ શું છે જેવા ભારેખમ ‘અસ્તિત્વવાદી સવાલો’ એને મૂંઝવી રહ્યા છે. એ કોઈકનું મર્ડર કરી નાખે છે અથવા તો મર્ડર કરવાના ખાલી વિચારો કરે છે. તે સાથે જ એની આંતરિક રૃંધામણ ચમત્કારિક રીતે દૂર થઈ જાય છે. એની સુષુપ્ત થઈ ગયેલી સેક્સ્યુઅલ અને ક્રિએટિવ શક્તિઓ ફૂંફાડા મારતી જાગી ઊઠે છે! વૂડી એલને આ ફિલ્મ બનાવી છે એટલે એમણે આ બધું મલાવી-મલાવીને પેશ કર્યું હશે એ તો નક્કી.

આ વખતે કાન ફેસ્ટિવલમાં કદાચ સૌથી વધારે ઉત્સુકતા નેટલી પોર્ટમેને જગાડી હતી. આપણે નેટલીની ઓસ્કરવિનિંગ એક્ટિંગ ‘બ્લેક સ્વાન’ જેવી અદ્ભુત સાઇકોલોજિકલ થ્રિલરમાં જોઈ છે. નેટલીએ હવે પાંખો ફેલાવી છે. એણે ‘અ ટેલ ઓફ લવ એન્ડ ડાર્કનેસ’ બનાવીને ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ એણે લખી છે અને એક્ટિંગ પણ કરી છે. અમોસ ઓઝ નામના એક ઇઝરાયેલી લેખક-પત્રકારે ‘અ ટેલ ઓફ લવ એન્ડ ડાર્કનેસ’ નામના આત્મકથનાત્મક પુસ્તકમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના ઘર્ષણની વાતો લખી છે. ૨૮ ભાષાઓમાં અનુદિત થયેલા આ પુસ્તક પરથી નેટલીએ ફિલ્મ બનાવી છે, જેનું પ્રીમિયર કાન ફેસ્ટિવલમાં યોજાયું. અમોસ ઓઝે પુસ્તકમાં પોતાની દુખિયારી મા વિશે ઘણું લખ્યું છે. ૩૮ વર્ષની ઉંમરે એનું મોત થઈ ગયું હતું. આ રોલ નેટલીએ ખુદ કર્યો છે. પુસ્તકના લેખકની માફક નેટલી પણ મૂળ ઇઝરાયેલની છે. એણે આ આખી ફિલ્મ હિબ્રુ ભાષામાં બનાવી છે.

‘ધ લોબ્સ્ટર’ એક સાયન્સ ફિક્શન-કમ-કોમેડી છે (ડિરેક્ટરઃ યોર્ગોસ લેન્થીમોસ, એક્ટર કોલિન ફર્થ). જબરી થીમ છે આ ફિલ્મની. અહીં એક એવા સમાજની કલ્પના કરવામાં આવી છે જ્યાં એકલાં થઈ ગયેલાં સ્ત્રી-પુરુષોને એક ચોક્કસ જગ્યાએ મોકલી આપવામાં આવે છે. શરત એટલી કે ૪૫ દિવસમાં કોઈ પાર્ટનર શોધી લેવાનો. ધારો કે પાર્ટનર ન મળે તો માણસ જનાવર બની જાય અને પછી એને જંગલમાં મોકલી દેવામાં આવે!

ડિરેક્ટર વર્લ્ડ ફેમસ હોય અને એનો એક્ટર ઓસ્કર જીતીને બેઠો હોય તોય એનો અર્થ એવો નહીં કે ભેગા થઈને તેઓ હાઇક્લાસ ફિલ્મ જ બનાવે. આ વખતે ‘ધ સી ઓફ ટ્રીઝ’ના કેસમાં એવું જ બન્યું. ગસ વેન સેન્ટ એના ડિરેક્ટ છે અને ‘ડલાસ બાયર્સ ક્લબ’ તેમજ ‘ઇન્ટરસ્ટેલર’ ફેમ Matthew Mcconaughey એનો હીરો છે. ફિલ્મની કહાણી એવી છે કે જીવનથી ત્રાસી ગયેલો એક અમેરિકન આદમી આત્મહત્યા કરવા માગે છે. આથી એ ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ તરીકે જાણીતા જાપાનના જંગલમાં જાય છે. આ એવું ખતરનાક જંગલ છે કે એમાં એક વાર પગ મૂકનાર માણસ જીવતો પાછો આવી જ ન શકે. બન્યું એવું કે હીરોને જંગલમાં એક સ્થાનિક માણસ (કેન વેટેનેેબે) મળી જાય છે. એય અહીં જીવ ટૂંકાવવા જ આવ્યો છે, પણ એની હાલત એટલી બધી ખરાબ છે કે હીરો બધું ભૂલીને એની સારવાર કરવા લાગે છે. એકમેકના સંગાથમાં બન્નેને જીવન વિશેનું નવું બ્રહ્મજ્ઞાાન લાધે છે, નવી દૃષ્ટિ ખૂલે છે. હવે બેયને જંગલમાંથી જીવતા પાછા નીકળવું છે, કોઈ પણ હિસાબે.

ફિલ્મનો વિષય ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. લોકોને અપેક્ષાય ખૂબ હતી, પણ ફિલ્મ એટલી બધી બોરિંગ નીકળી કે એના બન્ને સ્ક્રીનિંગ વખતે ઓડિયન્સે હુરિયો બોલાવ્યો!

આ વખતે કાન ફેસ્ટિવલમાં ભારતની બે ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. એક છે, ‘મસાન’. અંગ્રેજી ટાઇટલ છે, ‘ફ્લાય અવે સોલો’. નીરજ ઘાયવાન એના ડિરેક્ટર છે. જો અનુરાગ કશ્યપે પ્રોડયુસ કરેલી ‘શોર્ટ્સ’ જોઈ હશે (એમાં પાંચ શોર્ટ ફિલ્મોનું ઝૂમખું હતું), તો શક્ય છે કે ‘શોર’ નામની ટચુકડી ફિલ્મ તમને કદાચ હજુ યાદ હોય. ‘શોર’ નીરજ ઘાયવાને ડિરેક્ટ કરેલી. આ સિવાય એણે ‘ધ એપિફેની’ નામની શોર્ટ ફિલ્મ બનાવી છે, જે ઓનલાઇન રિલીઝ કરવામાં આવી હતી. અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘અગ્લી’માં નીરજે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ‘મસાન’ મૂળ તો શોર્ટ ફિલ્મ જ હતી, પણ અનુરાગ કશ્યપને એમાં રસ પડયો એટલે એણે, એઝ અ પ્રોડયુસર નીરજ પાસે એના પરથી ફુલલેન્થ ફીચર ફિલ્મ બનાવડાવી.

‘મસાન’ (ગુજરાતીમાં કહીએ તો, મસાણ) બનારસમાં આકાર લે છે, જેમાં ચાર મુખ્ય પાત્રો છે.બનારસના સ્મશાનમાં એક દલિત તરુણ કામ કરે છે. એને એક સવર્ણ છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. છોકરીના પિતાની ભૂમિકા સંજય મિશ્રાએ ભજવી છે. આ સિવાય ફિલ્મમાં એક નાનકડો અનાથ છોકરો છે અને રિચા ચઢ્ઢા પણ છે, જે કશાક છીનાળામાં ફસાઈ ગઈ છે. આ ચારેય કિરદારો એકમેકના સંપર્ક આવે છે અને કહાણી ધીમે ધીમે આગળ વધે છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી બીજી ભારતીય ફિલ્મ છે, ‘ધ ફોર્થ ડિરેક્શન’. વર્યમ સિંહ સંધુ નામના લેખકે લખેલી બે ટૂંકી વાર્તાઓ ‘ચૌથી કૂટ’ અને ‘આઈ એમ ફીલિંગ ફાઇન નાઉ’ પરથી ગુરવિન્દર સિંહ નામના ડિરેક્ટરે આ પંજાબી ફિલ્મ બનાવી છે. એક કંવલજિતને બાદ કરતાં એમાં એકેય કલાકાર જાણીતો નથી. ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તે પછીના તનાવયુક્ત પંજાબમાં ફિલ્મ આકાર લે છે. બને છે એવું કે બે હિન્દુ દોસ્તો અમૃતસર જતી ટ્રેન ચૂકી જાય છે. એ શીખ માણસની પણ એ જ હાલત થઈ છે. ત્રણેય બીજી એક ખાલી ટ્રેનમાં ચડી જાય છે. અહીં તેઓ એકલા નથી. ગાર્ડે બીજા બે શીખ યુવાનોને પણ ડબામાં ચડાવી દીધા છે. હિન્દુ અને શીખો વચ્ચે ઓલરેડી કોમી તણાવ ફેલાયેલો છે એવા માહોલમાં આ પાંચ અજાણ્યા પુરુષો એકમેકને શંકાની નજરે જોયા કરે છે. ફિલ્મ આગળ વધતી જાય છે તેમ તેમ બીજા ફણગા ફૂટતા જાય છે.

મૂળ ભારતીય, પણ મન-વચન-કર્મથી પૂરેપૂરા બ્રિટિશ એવા આસિફ કાપડિયાની ‘એમી’ નામની ડોક્યુમેન્ટરી પણ આ વખતે કાન ફેસ્ટિવલમાં રજૂ થઈ. ઘણા સમીક્ષકોના મતે આસિફ કાપડિયા દુનિયાના શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકરોમાંના એક છે. આસિફે કેટલીક અઘરી-અઘરી અને એવોર્ડવિનિંગ ફીચર ફિલ્મો બનાવી છે. એમની પહેલી ફીચર ફિલ્મ ‘ધ વોરિયર’માં ઇરફાનની મુખ્ય ભૂમિકા હતી. ૨૦૦૧માં આ ફિલ્મ આવેલી ત્યારે ઇરફાનની એક તગડા અદાકાર તરીકે ઓળખ ઊભી થવાની હજુ બાકી હતી. મુંબઈના એનસીપીએમાં સ્ક્રીનિંગ પછી આસિફ કાપડિયાને મળવાનું બન્યું હતું. “પણ ‘ધ વોરિયર’ રેગ્યુલર ફિલ્મ જ છે,” આસિફે તે વખતે કહેલું, “તમે એને ઓફબીટ કે આર્ટ ફિલ્મ શા માટે ગણો છો?”

‘એમી’ ડોક્યુમેન્ટરીમાં આસિફે વિવાદાસ્પદ સિંગર-સોંગ રાઇટર એમી વાઇનહાઉસના જૂના વીડિયો અને ફૂટેજના આધારે એનું જીવન કેપ્ચર કરવાની કોશિશ કરી છે. ૨૭ વર્ષની કાચી ઉંમરે આ ટેલેન્ટેડ આર્ટિસ્ટનું આલ્કોહોલ પોઇઝનિંગને કારણે અપમૃત્યુ થયું હતું. એમીના પિતા મિચ વાઇનહાઉસે આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં હકીકતોને તોડીમરોડીને પેશ કરવામાં આવી છે. ઓડિયન્સે અને સમીક્ષકોએ જોકે ‘એમી’ને ખૂબ વખાણી છે.

કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ અને ક્લોઝિંગ ફિલ્મનંુ વિશેષ મહત્ત્વ હોય છે. તેરમી મેએ કાન ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ ‘સ્ટેન્ડિંગ ટોલ’ નામની ફ્રેન્ચ ફિલ્મથી થયો હતો. આમાં જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમની વાત છે. એક યુવતીએ પોતાના માસૂમ દીકરાને તરછોડી દીધો છે, જે પછી કોર્ટના આદેશના આધારે જુદા જુદા જુવેનાઇલ હોમમાં મોટો થતો જાય છે. એના ઉછેરમાં સામાજિક કાર્યકરો પણ ભાગ ભજવે છે. આજે ફેસ્ટિવલના અંતિમ દિવસે ક્લોઝિંગ ફિલ્મ તરીકે ‘આઇસ એન્ડ ધ સ્કાય’ નામની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ થવાનું છે, જેમાં ગ્લોબલ ર્વોિંમગ વિશે ચિંતા થઈ છે. ૨૦૦૫માં ઓસ્કરવિનિંગ ‘માર્ચ ઓફ ધ પેંગવિન્સ’ નામની ડોક્યુમેન્ટરી બનાવનાર લુક જેકવેટે ‘આઇસ એન્ડ ધ સ્કાય’ બનાવી છે.

આ અને આના સિવાય પણ અફકોર્સ, બીજી કેટલીય મજાની ફિલ્મો આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડાઈ, જે આપણાં નજદીકી સિનેમાઘરોમાં યા તો મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રાટકે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.

શો-સ્ટોપર

એક તબક્કે હું પ્રેમથી એટલો બધો નિર્ભાન્ત થઈ ગયો હતો કે મારાથી કૂતરાં પણ સહન થતાં નહોતાં. મને થતું કે આપણે ખાવાનું આપીએ માત્ર એટલા સારું જ આ સ્વાર્થી કૂતરાં પૂંછડી પટપટાવીને પ્રેમનું નાટક કરે છે.

– ઇરફાન

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.