Sun-Temple-Baanner

તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તાળાં કેમ લાગ્યાં?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તાળાં કેમ લાગ્યાં?


તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તાળાં કેમ લાગ્યાં?

સંદેશ – સંસ્કાર પૂર્તિ – 27 મે 2018

મલ્ટિપ્લેક્સ

તમિળ નિર્માતાઓને એવી કે કઈ સમસ્યા નડી ગઈ કે તેમણે 48 દિવસ માટે આખી તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હડતાળ પર ઉતારી દીધી ? આ સ્ટ્રાઇકનું ધાર્યું પરિણામ આવ્યું ખરું? તમિળ જેવી અત્યંત વિકસિત અને સધ્ધર ઇન્ડસ્ટ્રીને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોની કે અન્ય કોઈ પણ પ્રકારની મોનોપોલી યા તો પોલિટિક્સ પાટા પરથી નીચે ઉતારી શકતી હોય, તો હજુ તો ઊગીને ઊભી થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તો કેટલું બધું સંભાળવું પડે!

* * * * *

48 દિવસ! આટલા બધા દિવસ સુધી આખેઆખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ રહે એ કેવું? તામિલનાડુ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (ટીએફપીસી)એ ઘોષિત કર્યું હતું કે પહેલી માર્ચથી અનિયતકાલીન સમય માટે આખી ઇન્ડસ્ટ્રી હડતાળ પર ઉતરશે. થિયેટરોમાં એક પણ નવી તમિળ ફિલ્મ રિલીઝ નહીં થાય, એક પણ તમિળ ફિલ્મનું શૂટિંગ, પોસ્ટ પ્રોડકશન કે પ્રમોશન નહીં થાય. જ્યાં સુધી સમસ્યાનો નિવેડો આવશે નહીં ત્યાં સુધી આ સ્થિતિ યથાવત રહેશે. આ સ્થિતિ એટલે કઈ સ્થિતિ? તમિળ નિર્માતાઓ એવી તો કઈ વિકરાળ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતા કે કે સાત-સાત વીક સુધી બહું કામકાજ ઠપ્પ કરી દેવામાં આવ્યું? વિશેષ રસ પડે એવી વાત એ છ કે મામલો માત્ર તમિળ ઇન્ડસ્ટ્રી પૂરતો જ સીમિત નહોતો રહ્યો, બલકે તેલુગુ, કન્નડ અને મલયાલમ ઇન્ડસ્ટ્રી પણ થોડા સમય માટે હડતાળમાં જોડાઈ હતી. એવું તે શું બન્યું કે આખેઆખી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક જ સૂરમાં ‘હમ સાથ સાથ હૈ’ ગીત ગાવા લાગી હતી?

સ્ટ્રાઇકને કારણે પરિસ્થિતિમાં શું જમીન-આસમાનનો ફરક પડ્યો ખરો? ઓર એક સવાલઃ સાઉથમાં જે થવું હોય તે થાય, આપણે એટલે કે હિન્દી અને ગુજરાતી ફિલ્મો સાથે સંબંધ ધરાવનારાઓએ શા માટે એમાં રસ લેવો જોઈએ?

તમિળ ભારતની સૌથી વિકસિત ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઓમાંની એક છે. રજનીકાંત, કમલ હાસન, મણિરત્નમ, એ.આર. રહેમાન જેવાં મોટાં માથાં તમિળ ઇન્ડસ્ટ્રીના સદસ્યો છે. સમસ્યાનું મુખ્ય કારણ નિર્માતાઓ અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે પડી ગયેલી મડાગાંઠ છે. આગળ વધતા પહેલાં આ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર એટલે શું તે સમજી લેવું પડે.

આ જમાનો ડિજિટલ ટેકનોલોજીનો છે. આજે આપણે ઘરમાં લેપટોપ ખોલીને, પલંગ પર લાંબા થઈને ઇન્ટરનેટ પર ફિલ્મો જોઈએ, ડીવીડી કે પેનડ્રાઇવ ઇન્સર્ટ કરીને ફિલ્મો જોઈએ કે યુટ્યુબ-નેટફ્લિક્સ-એમેઝોન પ્રાઇમ જેવાં માધ્યમો પર ફિલ્મો કે શોઝ જોઈએ – આ બધું ડિજિટલ ટેકનોલોજીનો પ્રતાપ છે. આપણે મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન ખાતાં ખાતાં ફિલ્મ જોઈએ છીએ તે પણ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ છે. સિનેમાઘરમાં ફિલ્મ દેખાડવાની પરંપરાગત રીત એટલે પ્રોજેક્ટરમાં કચકડાની ફિલ્મ-પટ્ટી (રીલ) ચડાવીને સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ ઊપસાવવાં. પરંપરાગત પ્રોજેક્ટરો પ્રમાણમાં સસ્તાં હોય, એનું મેન્ટેનન્સ પણ સોંઘું હોય. એની સામે જોકે પ્રિન્ટનો ખર્ચ ખાસ્સો મોટો હોય. પછી ડિજિટલ ટેકનોલોજી આવી. પડદા પર દેખાતાં દશ્યોની ક્વોલિટી તો અફલાતૂન બની જ, પણ તે સિવાય ડિજિટલ ટેકનોલોજીના ઘણા ફાયદા હતા.

નવી ટેકનોલોજી આવી એટલે સ્વાભાવિકપણે જ કચકડાની પટ્ટી અને ખર્રર્રર્ર અવાજ કરતાં પ્રોજેક્ટરો આઉટ-ઓફ-ડેટ થવાં માંડ્યાં. સમયની સાથે ચાલવા માટે થિયેટરના માલિકોએ નવી ટેકનોલોજીને અનુરૂપ મોંઘાદાટ ઉપકરણો વસાવવા પડે. ડિજિટલ ઇક્વિપમેન્ટ્સનું મેન્ટેનન્સ ખર્ચાળ હોય. વળી થોડા થોડા સમયે તે અપડેટ કરાવતા રહેવું પડે. અલબત્ત, પરંપરાગત પ્રિન્ટની તુલનામાં ડિજિટલ પ્રિન્ટ સસ્તી હોય. કચકડાની પરંપરાગત એક પ્રિન્ટ માટે લગભગ 60 હજાર રૂપિયા ખર્ચવા પડતા. તેની સામે એક ડિજિટલ પ્રિન્ટનો સરેરાશ ખર્ચ 15થી 20 હજાર જેટલો થાય. ખેર, પ્રિન્ટ પરંપરાગત હોય કે ડિજિટલ – તેનો ખર્ચ પ્રોડ્યુસરોએ ઉપાડવાનો હોય, પણ ફિલ્મ દેખાડવા માટેનાં ઉપકરણો વસાવવાની જવાબદારી સિનેમાઘરના માલિકોની રહે.

સિનેમાઘરના માલિકો કહેઃ નવી ડિજિટલ ટેકનોલોજી માટે જરૂરી એવાં મોંઘાદાટ મશીનો વસાવવા માટે જે તોતિંગ ભંડોળ જોઈએ તે અમે ક્યાંથી લાવીએ? વળી, માત્ર મશીનો વસાવી લેવાથી વાત ક્યાં વાત પૂરી થાય છે0 આ ડિજિટલ મશીનો ચલાવતાં અને અપડેટ કરતાં પણ આવડવું જોઈએને! વળી, અમે ડિજિટલ ટેકનોલોજીમાં આવડું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરીએ, પણ એનો ફાયદો (ફિલ્મની પ્રિન્ટનો ખર્ચ ઘટીને ત્રીજા-ચોથા ભાગનો થઈ જતો હોવાથી) પ્રોડ્યુસરોને થાય તે કેવું?

ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર (ડીએસપી)ની એન્ટ્રી અહીં થાય છે. આ પ્રોવાઇડરો કહે, ડોન્ટ વરી. ફાયનાન્સની જવાબદારી અમારી. થિયેટરોમાં ડિજિટલ ઉપકરણો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઊભું કરી આપીશું. નિર્માતાઓને જે ટેક્નિકલ સર્વિસ જોઈએ તે પણ અમે પૂરી પાડીશું. બદલામાં તમારે (પ્રોડ્યુસરોએ અને સિનેમાઘરના માલિકોએ સાથે મળીને) અમને વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી (વીપીએફ) ચૂકવી દેવાની.

આમ જોવા જઈએ તો આ નિર્માતાઓ, થિયેટરઓનરો, ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો અને દશર્કો બધા માટે વિન-વિન સિચ્યુએશન કહેવાય. નિર્માતાઓનો પ્રિન્ટનો ખર્ચ ખાસ્સો ઘટ્યો અને તેથી તેમના માટે એક સાથે અનેક સ્ક્રીન પર એકસાથે ફિલ્મ રિલીઝ કરવાનું આસાન બન્યું, થિયેટરના માલિકોને અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજી મળી, ઓડિયન્સને ઉત્તમ મૂવી-વોચિંગ એક્સિપિરિયન્સ મળ્યો અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરને એમની ફી મળી. આ વ્યવસ્થા અમલમાં મૂકાઈ અને છેલ્લાં દસેક વર્ષમાં ધીમે ધીમે કચકડાની પટ્ટીવાળાં પ્રોજેક્ટરોની જગ્યાએ ડિજિટલ ઇક્વિપમેન્ટ્સ ગોઠવાતાં ગયાં. મલ્ટિપ્લેક્સ કલ્ચર અને સિનેમાની ડિજિટલ ટેકનોલોજી બન્નેનો સાથે સાથે વિકાસ થયો.

ક્યુબ, યુએફઓ, સ્ક્રેબલ, રિઅલ ઇમેજ, પીએક્સડી વગેરે ભારતના ફિલ્મોદ્યોગમાં ઓપરેટ કરતા મુખ્ય ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો છે. (આ નામો આપણે ફિલ્મ શરૂ થાય તેની પહેલાં ‘નંબરીયા’ પડે એમાં વાંચીએ છીએ.) તમિળ પ્રોડ્યુસરોનો વાંધો આ પ્રોવાઇડરો સામે જ હતો. તમિળનાડુમાં ક્યુબ, યુએફઓ અને પીએક્સડી મુખ્ય ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો છે. તમિળ પ્રોડ્યુસરોની ફરિયાદ હતી કે આ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો પોતાની મોનોપોલીનો ગેરલાભ ઉઠાવવા લાગ્યા છે, દાદાગીરી કરવા લાગ્યા છે. ધીમે ધીમે કરતાં તેઓ એટલા પાવરફુલ બની ગયા છે કે અમને (એટલે કે નિર્માતાઓને), થિયેટરના માલિકોને અને લગભગ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાની આંગળીએ નચાવી રહ્યા છે!

નિર્માતાઓની મુખ્ય માંગણી શું હતી? તેમનું કહેવું હતું કે આ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો અમારી પાસેથી અને થિયેટરના માલિકો પાસેથી સંયુક્તપણે જે વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી વસૂલ કરે છે (સ્ક્રીન દીઠ સરેરાશ 20 હજાર રૂપિયા) તે ભયંકર વધારે છે. આ ફીનું ડિંડવાણું જોઈએ જ નહીં. બીજું, એ પ્રોવાઇડરોએ આ ફિલ્ડમાં એન્ટ્રી કરી ત્યારે એવું કહ્યું હતું કે અમે થિયેટરોમાં ડિજિટલ ટેકનોલોજી માટે જરૂરી હોય તે ઉપકરણો ગોઠવીશું અને એક વાર અમારું ઇન્વેસ્ટમેન્ટ સરભર થઈ જશે એટલે તે મશીનો પર થિયેટરોની માલિકી થઈ જશે. આપણે કાર માટે બેંકમાંથી લોન લઈએ એટલે ટેક્નિકલી કાર પર બેન્કનો અધિકાર રહે, પણ ત્રણ-ચાર વર્ષે લોનના તમામ હપ્તા ભરાઈ જાય એટલે કારની સંપૂર્ણ માલિકી આપણી થઈ જાય, એમ.

ગરબડ કે અસ્પષ્ટતા અહીં જ છે. ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોએ સામી દલીલ કરી કે આવી કોઈ વાત જ નહોતી. તમે ઉબર કે ઓલાની ટેક્સીમાં બસ્સો વાર મુસાફરી કરો એટલે કંઈ ટેક્સી તમારી ન થઈ જાય. અમે તો ડિજિટલ ઇક્વિપ્મેન્ટ્સ તમને માત્ર વાપરવા માટે આપ્યાં હતાં! એમની બીજી પ્રતિદલીલ એવી છે કે જો તમે આખી ફિલ્મનું બજેટ ધ્યાનમાં લો તો એમાં અમારી વર્ચ્યુઅલ પ્રિન્ટ ફીનો ભાગ ત્રણ ટકા જેટલો માંડ થાય. આવડો અમથો હિસ્સો પ્રોડ્યુસરોને ભારે પડે છે? જો કોસ્ટ-કટિંગ કરવું જ હોય તો તમે હીરો-હિરોઈનને અને સ્ટાર-ડિરેક્ટરોને જે કરોડો રૂપિયાની ફી ચૂકવો છે તેમાં કેમ કાપ મૂકતા નથી? વળી, તામિલનાડુની બહાર ભારતનાં અન્ય રાજ્યોમાં કે વિદેશમાં તમિળ ફિલ્મો રિલીઝ થાય ત્યાં આ લોકોને વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી ચુકવવામાં કશો વાંધો આવતો નથી. એમને માત્ર તામિલનાડુમાં જ વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી પોસાતી નથી. આ કઈ ટાઇપનું લોજિક છે? આજે દુનિયા ડિજિટલ બની રહી છે ત્યારે આ નિર્માતાઓ ઊંધાં પગલાં ભરીને પાછા જૂનવાણી એનેલોગ યુગમાં જવા માગે છે? ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોનો એક તર્ક એવો પણ હતો કે નિર્માતાઓ લોકો ખરેખર તો ડિજિટલ સર્વિસ પૂરી પાડનારા નવા ખેલાડીઓને ઘૂસાડવા માગે છે એટલે આ બધાં નાટક કરે છે?

સામસામા બેસીને ખૂબ ચર્ચાઓ થઈ. ગરમાગરમી થઈ, પણ ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરો ન માન્યા તે ન જ માન્યા. અગાઉ નોંધ્યું તેમ, પહેલી માર્ચથી તામિલનાડુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટ્રાઇક શરૂ થઈ ને પછી અન્ય સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઓએ પોતાનો સર્પોટ જાહેર કર્યો. તમિળનાડુ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલે (ટીએફપીસી) અન્ય મુદ્દાઓ પણ સામેલ કરી દીધા હતા. જેમ કે, થિયેટરના માલિકોએ ટિકિટોના દર ઓછા અને ફ્લેક્સિબલ કરવા, ઓનલાઇન બુકિંગ ઘટાડવું, અમુક સિંગલ સ્ક્રીન થિયેટરવાળા ખૂબ ગોબાચારી કરતા હોવાથી તમામ કામકાજ કમ્પ્યુટર પર જ કરવું, વગેરે.

દિવસો વીત્યા, અઠવાડિયાં વીત્યા, મહિનો પસાર થઈ ગયો. અરે, 14 એપ્રિલે તામિલનાડુનું નવું વર્ષ પણ પસાર થઈ ગયું. 45 નવી તમિળ ફિલ્મો રિલીઝ માટે કતારમાં ખડી હતી, પણ થિયેટરોમાં માત્ર જૂની ફિલ્મો અને તમિળ સિવાયની ભાષાઓની ફિલ્મો ચાલતી રહી. તમિળ નવા વર્ષની આસપાસ કોઈ નવી ફિલ્મ રિલીઝ ન થાય એવું તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું. શટ-ડાઉનને કારણે તમિળ ઇન્ડસ્ટ્રીને રોજના છ કરોડ રૂપિયાનું નુક્સાન થતું હતું. કેટલાય લોકો કામકાજ વગર નવરા બેઠા હતા. આખરે સરકારે આ મામલામાં ઝંપલાવવું પડ્યું.

મિટીંગોના કંઈકેટલાય દોર પછી સર્વસહમતીથી એવું નક્કી કરવામાં આવ્યું કે ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોને ચુકવવી પડતી વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી, ફિલ્મના લાઇફટાઇમ રન માટે, 20 હજારથી ઘટાડીને 10 હજાર કરવી. આ ઉપરાંત, બોક્સઓફિસ પર સંપૂર્ણપણે પારદર્શિતા જાળવવી, ટિકિટનું વેચાણ કમ્પ્યુટર દ્વારા જ કરવું, ટિકિટના ભાવ ફ્લેક્સિબલ રાખવા અને ઓનલાઇન બુકિંગના ચાર્જિસ ઓછા કરવા. સ્ટ્રાઇકનો અંત આવ્યો અને 20 એપ્રિલથી નવી તમિળ ફિલ્મો રિલીઝ થવી શરૂ થઈ. શૂટિંગ, પોસ્ટ-પ્રોડક્શન, પ્રમોશન વગેરે પણ પુનઃ શરૂ થયાં.

સ્ટ્રાઇક પૂરી થઈ એટલે 48 દિવસના ફિલ્મી ઉપવાસ પછી તમિળ પ્રજા ભૂખી ડાંસ થઈને થિયેટરોમાં ઉમટી પડી હશે, ખરું? ના, એવું ન થયું. સ્ટ્રાઇકની સમાપ્તિ પછી થિયેટરોમાં ફૂટ-ફોલ્સ એટલું સાધારણ છે કે નિર્માતાઓ નવેસરથી ટેન્શનમાં આવી ગયા છે. આવું કેમ બન્યું? લોકો ફિલ્મો મિસ કરવાને બદલે અન્ય માધ્યમો તરફ વળી ગયા કે શું? સ્ટ્રાઇકને કારણે સરવાળે તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ભલું થયું કે નહીં? આનો પાક્કો જવાબ મળતા છ મહિના લાગી જશે. સરકાર પણ આટલા સમયગાળામાં નવાં ધારાધોરણો ઘડી કાઢશે.

કલ્પના કરો. તમિળ જેવી અત્યંત વિકસિત અને સધ્ધર ઇન્ડસ્ટ્રીને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડરોની કે અન્ય કોઈ પણ પ્રકારની મોનોપોલી યા તો પોલિટિક્સ પાટા પરથી નીચે ઉતારી શકતી હોય, તો હજુ તો ઊગીને ઊભી થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તો કેટલું બધું સંભાળવું પડે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.