Sun-Temple-Baanner

‘પ્રોફેશનલ એક્ટરને હું ક્લાકાર ગણતો જ નથી…’


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


‘પ્રોફેશનલ એક્ટરને હું ક્લાકાર ગણતો જ નથી…’


મલ્ટિપ્લેક્સ – ‘પ્રોફેશનલ એક્ટરને હું ક્લાકાર ગણતો જ નથી…’

Sandesh- Sanskar purti- 25 Oct 2015

મલ્ટિપ્લેક્સ

દુનિયાના સૌથી મહાન અભિનેતાઓમાં સ્થાન પામેલા માર્લોન બ્રાન્ડો બીજા એક્ટરો તો ઠીક, ખુદને પણ આર્ટિસ્ટ ગણતા નહોતા. તેમના હિસાબે પ્રેક્ષકોને ચોકકસ પ્રકારની અનુભૂતિ કરાવવી કે ‘ક્ષણને પકડવી’ એ કંઈ બહુ મહાન વાત નથી. ઈવન વેશ્યા પણ પોતાના ગ્રાહકને સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે છે!

* * * * *

‘પ્લેબોય’ મેગેઝિન હમણાં સમાચારોમાં ચમકયું હતું. દાયકાઓથી સ્ત્રીઓની કામુક તસવીરો છાપીને વિશ્વવિખ્યાત (કે વિશ્વકુખ્યાત) બની ગયેલાં આ મેગેઝિનની એડિટોરિયલ ટીમે હવે નક્કી કર્યું છે કે,સ્ત્રીઓના ન્યુડ ફોટોગ્રાફ્સ નહીં છાપવામાં આવે. ખેર, ‘પ્લેબોય’ એના ઈન્ટરવ્યુઝ માટે પણ ખૂબ જાણીતું છે. સાહિત્ય, રાજકારણ,સિનેમાથી લઈને જુદાં જુદાં કેટલાંય ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલી દુનિયાભરની સેલિબ્રિટીઝના અત્યંત વિસ્તૃત, ઊંડાણસભર અને ગંભીર મુલાકાતો ‘પ્લેબોય’ છાપતું આવ્યું છે. આજે દંતકથારૂપ અભિનેતા માર્લોન બ્રાન્ડોના ‘પ્લેબોય’ ઈન્ટરવ્યુ વિશે વાત કરવી છે.

માર્લોન બ્રાન્ડો (જન્મઃ ૧૯૨૪, મૃત્યુઃ ૨૦૦૪) મેથડ એકિટંગના બાપ ગણાય છે. ‘ધ ગોડફાધર’, ‘ઓન ધ વોટરફ્રન્ટ’, ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’, ‘લાસ્ટ ટેન્ગો ઈન પેરિસ’, ‘અપોકેલિપ્સ નાઉ’ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરીને એમણે દુનિયાના ઓલટાઈમ-ગ્રેટ એકટર્સની સૂચિમાં ય પાછું ટોચનું સ્થાન મેળવ્યું છે. સ્વભાવે ભયંકર અતરંગી. મિડિયા સાથે જરાય ન ગમે. પત્રકારોને મુલાકાત આપવાની વાત આવતાં જ ભડકી ઉઠે. એક ફોટોગ્રાફરને ધીબેડવા બ્રાન્ડોએ એની પાછળ રીતસર દોટ મૂકી હતી એવો કિસ્સોય બન્યો છે. તેથી જ ‘પ્લેબોય’ના જાન્યુઆરી ૧૯૭૯માં છપાયેલા આ ઈન્ટરવ્યુનું વિશેષ મહત્ત્વ છે. જો કે બ્રાન્ડોને મુલાકાત માટે મનાવવા આસાન નહોતા. લોરેન્સ ગ્રોબલ નામના પત્રકારને ઈન્ટરવ્યુ માટે હા પાડવામાં બ્રાન્ડોએ સત્તર મહિના કાઢી નાખ્યા હતા. કેટલીય વાર તારીખ પોસ્ટપોન કરી. આખરે બ્રાન્ડોએ પત્રકારને પોતાની માલિકીના ટાપુ પર તેડાવ્યા. બન્ને દસ દિવસ સુધી સતત વાતો કરતા રહૃાા. વચ્ચે વચ્ચે ખાણીપીણી કરે, ચેસ રમે, બોટિંગ કરવા ઉપડી જાય, વગેરે. આમાંથી જેને ઈન્ટરવ્યુ કહી શકાય એવી પાંચ જ સેશન થઈ. પ્રત્યેક સેશન બે કલાકથી છ કલાક સુધી ચાલતી. આ મટીરિયલમાંથી આખરે લોરેન્સે લાંબોલચ્ચ ઈન્ટરવ્યુ લખ્યો. એમાંથી કેટલાક અંશ અહીં પેશ છે. બ્રાન્ડોના વ્યકિતત્ત્વના કેટલાક ઈન્ટરેસ્ટિંગ અને વિરોધાભાસી શેડ્ઝ આમાં ઊપસ્યા છેઃ વાંચો બ્રાન્ડોના જ શબ્દોમાં…

– એકિટંગની ટેલેન્ટ વિશે કારણ વગર હો-હા કરી મૂકવામાં આવી છે. સચ્ચાઈ એ છે કે આપણે બધા જ એકટર છીએ. આપણે આખો દિવસ એકિટંગ કરતા હોઈએ છીએ. દિવસમાં અસંખ્ય વખત એવું બનતું હોય છે કે, મનમાં કંઈક ચાલતું હોય, ફીલ કશુંક જૂદુ થઈ રહૃાું હોય, પણ એ બધું સતત છુપાવીને વર્તન સાવ ત્રીજા પ્રકારનું કરતા હોઈએ ,આપણે કોઈને અપસેટ કરવા ન માગતા હોઈએ, કોઈને જાણીજોઈને અપસેટ કરવા માગતા હોઈએ. કાં મનમાં જે ધિક્કાર કે પ્રેમ કે ગુસ્સો કે ઈર્ષ્યાની લાગણી ફૂંફાડા મારે છે તે દેખાડવા માગતા ન હોઈએ અથવા તો સામેવાળાના અમુકતમુક વર્તાવથી મને કશો જ ફરક નથી જ પડતો એવું સાબિત કરવા માગતા હોઈએ. ‘કેમ છો?’ એવો ઔપચારિક સવાલ થાય એટલે આપણે ફટ કરતા બોલી નાખીએ, ‘મજામાં’. ટૂંકમાં માણસમાત્ર એકિટંગ કરતો હોય છે, હંમેશાં.

– અભિનયને પ્રોફેશન બનાવનારા અને અસલી જીવનમાં અભિનય કરનારા બાકીના લોકો વચ્ચે ફર્ક એટલો જ છે હોય કે, પ્રોફેશનલ એકટરો (વેલ, બધા તો નહીં, પણ અમુક પ્રોફેશનલ એકટરો) અભિનયકળા વિશે થોડુંક વધારે જાણતા હોય છે અને એમને અભિનય કરવાના પૈસા મળતા હોય છે. એકચ્યુઅલી, આ વાત પણ સાચી નથી. અસલી જીવનમાં અભિનય કરનારાઓને પણ એકિટંગ કરવાના પૈસા મળે જ છે. ઉદાહરણ તરીકે, તમારી બહુ જ રૂપાળી અને ચાર્મિંગ સેક્રેટરીને જરૂર ખબર હોય છે કે, પોતાને આ જોબ મળી છે એની પાછળ એના ચાર્મ અને સેકસ અપીલનો મોટો ફાળો છે. એ પોતાના રૂપનો ઉપભોગ કરવા દેે કે ન દે તે અલગ વાત છે. તમારો કોઈ જુનિયર બહુ જ મીઠડો અને રમૂજી હોય, તમને ખુશ રાખતો હોય, તમારાથી એ ખૂબ પ્રભાવિત છે એવું દેખાડયા કરતો હોય ત્યારે અંદરખાને એને ખબર હોય છે કે, પ્રમોશન મેળવવામાં એનો આ વર્તાવ કામ આવવાનો છે. સરકારો અને રાજકારણીઓનો પાવર-પ્લે પણ અભિનય જ છેને. હું પ્રોફેશનલ એકટરો અને અસલી જીવનમાં એકિટંગ કરનારા વચ્ચે કોઈ ભેદ જોતો નથી. પ્રોફેશનલ એકટરોને ક્ષણને પકડતા આવડતું હોય છે એમ કહેવાય છે પણ એવું તો વેશ્યાને પણ આવડતું હોય છે. એ એના ઘરાકને જાણે સ્વર્ગ મળી ગયું હોય તેવી અદભૂત અનુભૂતિ કરાવી શકે છે.

– પ્રોફેશનલ એકટરને હું કલાકાર ગણતો જ નથી. મેં મારી જાતને કયારેય એકટર ગણ્યો નથી. એક પણ ફિલ્મ મને કલાકૃતિ લાગી નથી. હું ગાયકોને પણ કલાકાર ગણતો નથી. અમે સૌ કલાકાર બનવા માગતા લોકો છીએ. ‘કલાકાર’ એક જનરીક ટર્મ છે,એક લેબલ છે જે આપણે ગમે તેેને ચોંટાડી દઈએ છીએ. આપણે ક્રાફ્ટ (કુશળતા)ને કળા કહીએ છીએ અને ચતુરાઈને ક્રાફ્ટમાં ખપાવી દઈએ છીએ. ઈટ્સ ડિગસ્ટિંગ. અસલી કળામાં ભવ્યતા હોય, તેનામાં ઈતિહાસ બદલી નાખવાની તાકાત હોય. અમે લોકો કલાકાર નહીં, વેપારી છીએ. આર્ટ જેવું કશું છે જ નહીં દુનિયામાં. શેકસપિઅર અને પિકાસો અંતિમ આર્ટિસ્ટ હતા. એમના પછી કોઈ આર્ટિસ્ટ પાકયો જ નથી.

– (માર્લોન બ્રાન્ડો સ્વયં એક બ્રાન્ડ છે અને તમને એકિટંગ કરવાની તગડી ફી મળે છે તે વિશે પૂછાતા) શંુ તમે પૈસાને યોગ્યતા સાથે સાંકળો છો? મને એકિટંગ કરવી ગમે છે કે, કેમ એમ તમે પૂછો છો? લિસન, તમને બીજે કયાં એટલા પૈસા મળવાના છે કે,જેનાથી તમે આખેઆખો ટાપુ ખરીદી શકો અને ટેસથી બેઠા બેઠા વાતોના વડાં કરી શકો? હા, હું મારા કામને સિરીયસલી લઉં છું. તમે તમારાં કામમાં સારા નહીં હો તો ભૂખે મરવું પડે. હું મારા કામમાં સારો છું એટલે આવી લાઈફસ્ટાઈલ પરવડે છે અને ફેમિલી સાથે સમય વિતાવી શકું છું. બાકી નવથી પાંચની નોકરી હું ન કરી શકું. હું એ વિચાર માત્રથી કાંપી ઉઠું છું. રંગભૂમિ એટલે જ સિનેમા કરતાં અઘરૂ માધ્યમ છે. નાટક કરતા હો તો રોજેરોજ રિહર્સલમાં અને શો ટાઈમે હાજર થવું પડે.

– ફિલ્મોમાં અમુક દશ્યો એકટર-પ્રૂફ હોય છે. મતલબ, સીન પોતે જ એટલો સરસ હોય, ઉત્તમ રીતે લખાયો ને ડિઝાઈન થયો હોય કે એમાં એકટરે ઝાઝી ચંચુપાત કરવાની જરૂર જ ન પડે. હા, એકટર-પ્રૂફ ન હોય એવાં સીનમાં ખૂબ મજૂરી કરવી પડે. તો જ એ સીન ઉઠાવ આપે.

– લોકો મહાન લેખકો, મહાન ચિત્રકારો, મહાન વિચારકો, મહાન સર્જકો વિશે વાત કરતા હોય છે. પણ મહાન લેખક શું કહેવા માગે છે એે તો જ પૂરેપૂરૂ સમજાશે તો તમારા ખુદમાં એ કક્ષાનું ઉંડાણ અને સમજણ હશે.

– મને મિલીટરી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારે મારા ફાધર ગુસ્સાથી પાગલ થઈ ગયા હતા. એમની નજરમાં હું સાવ નાલાયક ને નઠારો છોકરો હતો. એમાંય મેં એકિટંગ સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે આભ તૂટી પડયુ હતું. એમની દષ્ટિએ હું એકટર બનવાના ધખારા રાખું એના કરતાં ખરાબ બીજું કશું ન હોઈ શકે પણ ધીમે ધીમે હું સફળ થયો, ચિક્કાર કમાવા લાગ્યો. મારા ફાધર માની નહોતા શકતા કે, મારા જેવો હોપલેસ છોકરો આટલું બધું કમાય છે. આ પૈસાનું શું કરવું એ જ એમને સમજાતું નહોતું.

– ફિલ્મ રિવ્યુઅર જો ખરેખર સારો હોય તો એના રિવ્યુ વાંચીને એકટરને કે ઈવન ડિરેકટર વગેરેને ખૂબ બધું નવું શીખવાનું મળે છે. ખરાબ રિવ્યુઝમાંથી કશું જ શીખવા મળતું નથી. જેમ કે, પૌલીન કાઈલ એકદમ તીવ્રતાથી પેશનથી રિવ્યુ લખે છે. એમનાં માટે રિવ્યુ લખવો એક ભરપૂર અનુભવ છે. તમે પૌલીન સાથે સહમત થાઓ કે ન થાઓ, પણ એમનાં રિવ્યુ વાંચવાનું ગમે તો ખરું જ. ટેલેન્ટેડ રિવ્યુઅર લખાણમાં પોતાની જાતને ખુલ્લી કરતો હોય છે, એક કલાકારની જેમ.

– અમુક એકટરોને ઈમ્પ્રોવાઈઝ કરવું સહેજ પણ ગમતું નથી જેમ કે, લોરેન્સ ઓલિવિયર. (એમની ગણના પણ દુનિયાના મહાન એકટરોમાં થાય છે.) એની મુવમેન્ટ્સ, લાઈન્સ બધું જ પહેલેથી નક્કી થયેલું હોય. બિલ્ડિંગ બનાવતા પહેલાં આર્કિટેકચર પ્લાન બનાવતા હોય છે. લોરેન્સ ઓલિવિયર પણ પોતાના રોલને એક આર્કિટેકટની માફક અપ્રોચ કરે છે.

– ચાર્લી ચેપ્લિને ‘અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ’ નામની ફિલ્મ ડિરેકટ કરી હતી અને એમાં મને એક રોલ આપ્યો હતો. સ્ક્રિપ્ટના રિડીંગ માટે મને લંડન તેડાવેલો. મને એટલો બધો જેટલેગ હતો કે ચાર્લી ચેપ્લિન નરેશન આપી રહૃાા હતા ત્યારે હું રીતસર નસકોરાં બોલાવવા માંડેલો! ધેટ વોઝ ટેરીબલ. આ ફિલ્મ માટે મારી પસંદગી જ ખોટી હતી. ચાર્લી ચેપ્લિને ડિરેકટ કરવાની જરૂર જ નહોતી. એ બહુ સેડિસ્ટિક માણસ હતા. લોકોને ત્રાસ આપવામાં એમને બહુ આનંદ મળતો. પોતાના સગા દીકરા (સિડની ચેપ્લિન)નું એ સેટ પર સૌની હાજરીમાં ભયંકર અપમાન કરી નાખતા. એક વાર મારી સાથે પણ આ રીતે વર્તવાની કોશિશ કરી હતી. બન્યંુ એવું કે હું કંઈક સેટ પર સહેજ મોડો પહોંચ્યો ને ચાર્લી ચેપ્લિન મને ખખડાવવા માંડયાં હું ઉકળી ઉઠયો. મેં સંભળાવી દીધું કે આજ પછી કયારેય મારી સાથે આ રીતે વાત કરવાની ગુસ્તાખી ન કરતા. એ માણસ કોઈને ડિરેકશન આપી શકે એમ હતો જ નહીં. કદાચ જુવાનીમાં સારા ડિરેકટર બની શકયા હોત. હી વોઝ અ રીમાર્કેબલ ટેલેન્ટ બટ અ મોન્સ્ટર ઓફ અ મેન.

– મોટા ભાગે એકટર પોતે જ ખુદને ડિરેકટ કરતો હોય છે.

– વૂડી એલન સાથે મારે અંગત પરિચય નહોતો, પણ મને એ માણસ બહુ ગમે છે. એમની ‘ઍની હૉલ’ ફિલ્મમાં મને જલસો પડી ગયો હતો.

– (સ્ત્રીઓ સાથેના સંબંધોના સંદર્ભમાં) હું ગિલ્ટની ભાવનાથી કયારેય પીડાતો નથી. અપરાધીભાવ સાવ નકામી લાગણી છે,એનાથી કશો ફાયદો થતો નથી. હા, અંતરાત્મા સ્વસ્થ જરૂર હોવો જોઈએ.

શો-સ્ટોપર

બ્રાન્ડો જાણતા હતા કે પોતે ગ્રેટેસ્ટ એકટર છે પણ આ વાતના ગુમાનમાં એ જીવતા નહોતા. એક કલાકાર તરીકે હું માર્લોન બ્રાન્ડોની તુલના પિકાસો સાથે કરું છું.

– જેક નિકલસન

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2015 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.