Sun-Temple-Baanner

રિશી ક્પૂર… વર્ઝન ૩.૦!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રિશી ક્પૂર… વર્ઝન ૩.૦!


મલ્ટિપ્લેક્સ: રિશી ક્પૂર… વર્ઝન ૩.૦!

Sandesh – Sanskar Purti – 20 Mar 2016

મલ્ટિપ્લેક્સ

દાયકાઓ વીત્યા પછી પણ, એક કરતાં વધારે નવી પેઢીઓના ઉદય થયા પછી પણ, સતત બદલાતી સેન્સિબિલિટી વચ્ચે પણ એક કલાકાર પોતાનાં ક્રિયેટિવ ફિલ્ડમાં ટકી રહે, સતત રિલેવન્ટ રહે, સન્માનનીય રહે અને પોતાની જાતને સતત રી-ઈન્વેન્ટ કરીને કાર્યક્ષમતાનું વર્તુળ મોટું કરતો રહે, તો એના કરતાં વધારે મજાની વાત બીજી એકેય નથી.

* * * * *

દાયકાઓ વીત્યા પછી પણ, એક કરતાં વધારે નવી પેઢીઓના ઉદય થયા પછી પણ, સતત બદલાતી સેન્સિબિલિટી વચ્ચે પણ એક કલાકાર પોતાનાં ક્રિયેટિવ ફિલ્ડમાં ટકી રહે, સતત રિલેવન્ટ રહે, સન્માનનીય રહે અને પોતાની જાતને સતત રી-ઈન્વેન્ટ કરીને કાર્યક્ષમતાનું વર્તુળ મોટું કરતો રહે, તો એના કરતાં વધારે મજાની વાત બીજી એકેય નથી. ઉદાહરણ તરીકે, અમિતાભ બચ્ચન. જોકે, આજનો વિષય બચ્ચનસાહેબ નથી. આજે ‘કભી કભી’, ‘નસીબ’, ‘અમર અકબર એન્થની’, ‘કૂલી’ વગેરે જેવી ફિલ્મોમાં બિગ બી સાથે કામ કરી ચૂકેલા એમના સમકાલીન અભિનેતા રિશી કપૂરની વાત કરવી છે. સતત રિલેવન્ટ રહી શકવાની વાત રિશી કપૂરને પણ એટલી જ લાગુ પડે છે.

આજે ૬૩ વર્ષની ઉંમરેય રિશી કપૂર બોલિવૂડમાં એટલા ‘ઈન થિંગ’અને ‘હેપનિંગ’ છે કે, એમના નામે આખેઆખી ફિલ્મો બને છે. વેલ, ઓલમોસ્ટ. નિર્માતા કરણ જોહરે આ અઠવાડિયે રિલીઝ થયેલી પોતાની ફિલ્મનું ટાઈટલ ‘કપૂર એન્ડ સન્સ’ એટલા માટે રાખ્યું છે કે, રિશી કપૂરે એમાં કામ કર્યું છે. ખુદ રિશી પણ એવું માને છે કે, આ ફિલ્મનું ટાઈટલ એમના પરથી રાખવામાં આવ્યું છે. ૨૦૦૮માં રિશી કપૂરને મેઈન લીડમાં ચમકાવતી ‘ચિન્ટુજી’ નામની ફિલ્મ આવી હતી. ચિન્ટુ એમનું હુલામણું નામ છે. ‘કપૂર એન્ડ સન્સ’માં રિશીએ બાપનો નહીં પણ ૯૦ વર્ષના મસ્તીખોર દાદાનો રોલ કર્યો છે. એક્ટર, કરીઅરના પહેલા તબક્કામાં હીરો બને અને બીજા તબક્કામાં બાપનો રોલ કરતો હોય છે. રિશી આમાં દાદાજી બન્યા છે તે હિસાબે આ ફિલ્મને તેમની કારકિર્દીના ત્રીજા તબક્કાની શરૂઆત કહેવી જોઈએ!

જનતામાં જેનાં નામનો ગજબનો ક્રેઝ ફાટી નીકળ્યો હોય ને વર્ષો સુધી એકધારો ટકી રહૃાો હોય એવું રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન તેમજ ખાન-ત્રિપુટીના કેસમાં બન્યું, પણ રિશી કપૂરે આ પ્રકારની જાહોજલાલી કયારેય ન જોઈ. સિત્તેર-એંસી-નેેવુંના દાયકામાં રિશી કપૂર રોમેન્ટિક હીરો તરીકે સફળ અને લોકપ્રિય જરૂર હતા, પણ ઓડિયન્સ કંઈ એમની પાછળ પાગલ નહોતું. આ પ્રકારના હીરોની શેલ્ફ-લાઈફ પૂરી થાય એટલે સામાન્ય સંજોગોમાં એ હાંસિયામાં ધકેલાઈ જાય, નિવૃત્ત થઈ જાય, ભુલાવા માંડે અથવા બહુ બહુ તો હીરો-હીરોઈનના બાપના રોલમાં જોવા મળે. રિશી કપૂરના કેસમાં એવું ન બન્યું. હીરોગીરી પૂરી કરી લીધા પછીની એમની બીજી ઈનિંગ્સ તો ખાસ્સી રોમાંચક અને રસપ્રદ પુરવાર થઈ છે. ‘દો દુની ચાર’ (૨૦૧૦)માં રિશી કપૂરે એક મધ્યમવર્ગીય સ્કૂલટીચરના રોલમાં આપેલું અફલાતૂન પર્ફોમન્સ જોઈને સૌને સુખદ આંચકો લાગ્યો હતો. ‘અગ્ન્પિથ’ (૨૦૧૨)ની રિમેકમાં તો એમણે સગીર વયની છોકરીઓને વેશ્યાવ્યવસાયમાં ધકેલી દેતા ઘટિયા દલાલનો રોલ કર્યો હતો. ચોકલેટી હીરો તરીકે આખી કરીઅર ઊભી કરનારા રિશી કપૂર કયારેક આવા ઘૃણાસ્પદ કિરદારમાં જોવા મળશે એવી કલ્પનાય કોણે કરી હોય. આ રોલ માટે હા પડાવવામાં પ્રોડયુસર કરણ જોહર અને ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ ખૂબ મહેનત કરવી પડી હતી. બહુ મોટું જોખમ હતું આ. રિશી કપૂર સખત ટેન્શનમાં હતા કે, આવા રોલમાં હું કન્વિન્સિંગ નહીં લાગું તો જબરી નામોશી થશે. એવું ન બન્યું.’અગ્ન્પિથ’માં મેઈન હીરો હ્ય્તિક રોશન કરતાંય કદાચ વધારે વખાણ રિશી કપૂરના થયા! સો વાતની એક વાત એ છે કે, રિશી કપૂર કરીઅરના પહેલા દાવમાં માત્ર ચોકલેટી હીરો હતા, પણ બીજા દાવમાં તેઓ અભિનેતા તરીકે નિખરી રહ્યા છે.

‘અરે, અગાઉ મેં રંગબેરંગી જરસી પહેરીને હીરોઈન સાથે ગીતો ગાવા સિવાય બીજું કર્યું શું હતું? કયારેક સ્વિત્ઝરલેન્ડમાં ગીતડાં ગાયાં તો કયારેક ઊટીમાં. મને અદાકારી કરવાનો ખરેખરો મોકો તો હવે મળ્યો છે.’ આવું ખુદ રિશી કપૂર પોતાના કેટલાય ઈન્ટરવ્યુમાં કેટલીય વાર દોહરાવી ચૂકયા છે. અભિનેતા તરીકેની બીજી (અને ત્રીજી!) ઈનિંગ્સમાં બીજી એક સરસ વાત એ પણ બની છે કે, નિર્માતાઓ હવે એમને રિપીટ કરે છે. આવું અગાઉ નહોતું બનતું. ત્રેવીસ વર્ષ પહેલાં, ૧૯૯૩માં, એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં રિશી કપૂરે કેવા બખાળા કાઢયા હતા તે સાંભળોઃ ‘ઈન્ડસ્ટ્રીમાં એક્શન ફિલ્મોનો યુગ આવ્યો તોય હું ટકી ગયો, હિટ પર હિટ ફિલ્મો આપતો રહ્યો, છતાંય મારા નિર્માતાઓ મને રિપીટ કરતા નથી! બીજાઓની શું વાત કરું, મારા પોતાના ફાધર રાજ કપૂરે ‘બોબી’ પછીની ત્રણ ફિલ્મોમાં મને ન લીધો. ચોથી ‘પ્રેમરોગ’ બનાવી ત્યારે છેક મને યાદ કર્યો. ‘નગીના’ સુપરહિટ ફિલ્મ હતી, પણ એની સિકવલ ‘નિગાહેં’માં મને લેવામાં ન આવ્યો. મારી જગ્યાએ સની દેઓલને લીધો. ‘ચાંદની’ સુપરહિટ થઈ પછી યશ ચોપડાએ ‘લમ્હેં’ બનાવી, પણ તેમાં મને ન લીધો. અનિલ કપૂરને લીધો. આવાં તો કેટલાંય ઉદાહરણ છે. મને ખરેખર સમજાતું નથી કે, મારી સાથે આવું શું કામ થાય છે?’

યશ ચોપડાએ ‘ચાંદની’ પછી ‘લમ્હેં’માં રિશીને રિપીટ ન કર્યા તેથી તેઓ એટલા બધા અપસેટ થઈ ગયા હતા કે, તેમણે લગભગ સોગન ખાઈ લીધા હતા કે યશરાજ બેનરમાં ફરી કયારેય કામ નહીં કરું. ઈન ફેકટ, યશ ચોપડા એમને પછી ‘પરંપરા’ અને ‘ડર’માં લેવા માગતા હતા, પણ રિશીએ હા ન જ પાડી.

‘જુઓ, યશરાજ બેનરે મને ‘પરંપરા’ની ઓફર આપી હતી, પણ એ તો અનિલ કપૂર ફિલ્મમાંથી નીકળી ગયો તે પછી,’ રિશી કપૂર ત્રેવીસ વર્ષ પહેલાંના પેલા ઈન્ટરવ્યુમાં કહે છે, ‘મેં એટલા માટે ના પાડી કે મારે હીરોના બાપનો રોલ નહોતો કરવો. ઓડિયન્સ મને હીરો તરીકે સ્વીકારતા તો મારે શા માટે જાણી જોઈને કરીઅર જોખમમાં મૂકવી જોઈએ? બીજું, મને ‘ડર’ ઓફર કરવામાં આવી ત્યારે યશ ચોપડાના આસિસ્ટન્ટ નરેશ મલ્હોત્રા ફિલ્મ ડિરેકટ કરશે એવી વાત હતી. મારી સામે હીરો અને વિલન એમ બન્ને વિકલ્પો મૂકવામાં આવ્યા હતા. હીરોના રોલમાં ઝાઝો દમ નહોતો ને વિલન હું બનવા માગતો નહોતો. મારા નેગેટિવ રોલવાળી’ખોજ’ નામની ફિલ્મ ફ્લોપ થઈ ચૂકી હતી એટલે મારે ફરી વાર આ પ્રકારનું રિસ્ક નહોતું લેવું.’

‘ડર’ના વિલનનો રોલ શાહરુખ ખાને કર્યો ને અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટરી. બાય ધ વે, ‘નિર્માતાઓ મને એમની ફિલ્મોમાં બીજી વાર લેતા નથી’ એવી રિશી કપૂરની ફરિયાદ હવે અપ્રસ્તુત બની ગઈ છે, કેમ કે કરણ જોહરે એમને ‘અગ્ન્પિથ’ પછી તરત ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (૨૦૧૨)માં અને હવે ‘કપૂર એન્ડ સન્સ’માં રિપીટ કર્યા.

રિશી કપૂર આ તબક્કે બોલિવૂડમાં હોટ પ્રોપર્ટી ગણાય છે, પણ એમનો સન રણબીર બાપડો છેલ્લાં કેટલાંક વર્ષોથી ઠંડો પડી ગયો છે. રિશી એક તાજી મુલાકાતમાં કહે છે, ‘જુઓ, રણબીરની છેલ્લી ફિલ્મ ‘તમાશા’ને વિરોધાભાષી પ્રતિક્રિયા મળી છે. અમુક લોકોને તે ખૂબ ગમી, અમુકને જરાય ન ગમી, પણ રણબીરની એકિટંગ સૌએ એકઅવાજે વખાણી. હું એવું તો નહીં કહું કે ‘તમાશા’ પછી રણબીરની માર્કેટ પાછી પહેલાંની માફક ગરમ થઈ ગઈ છે, પણ ‘બોમ્બે વેલ્વેટ’ પછી એ જે રીતે નીચે ગબડી રહ્યો હતો તેના પર બ્રેક જરૂર લાગી છે. મારા હિસાબે લોકો એને ‘યે જવાની હૈ દીવાની’ પ્રકારની હળવી રોમેન્ટિક ફિલ્મોમાં જોવા માગે છે. પર્સનલી, મને રણબીરની ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ અને ‘રોકેટ સિંહ’ જોવાની બહુ મજા આવી હતી. હું તો ઈચ્છું છું કે, રણબીર ‘હમ કિસીસે કમ નહીં’ અને ‘દૂસરા આદમી’ પ્રકારની ફિલ્મો કરે ને જરા મેચ્યોર થાય પછી ‘ચાંદની’ ટાઈપની ફિલ્મો કરે. અલબત્ત, પોતે કેવી ફિલ્મો કરવી છે એનો સંપૂર્ણ નિર્ણય રણબીરે જાતે કરવાનો છે.’

અભિનયપ્રતિભાના મામલામાં રણબીર પોતાના કરતાં સવાયો સાબિત થયો છે એવું રિશી ભારે ગર્વથી સ્વીકારે છે. બોલિવૂડમાં એક છાપ એવી છે કે, રણબીર પાસે જે સ્ક્રિપ્ટ્સ આવે છે તે બધી રિશી કપૂર ધ્યાનથી જોઈ જાય છે, પોતાનો ફેંસલો સંભળાવે છે ને તે પછી જ રણબીર ‘હા’ કે ‘ના’નો નિર્ણય લે છે.

‘સાવ ખોટું,’ રિશી કપૂર કહે છે, ‘હું એનો બાપ છું, સેક્રેટરી નહીં. હા, જો કહેવું જ હોય તો તમે મને એનો ફાયનાન્સ મિનિસ્ટર કહી શકો. પૈસાના મામલામાં રણબીર સાવ બાઘ્ઘો છે એટલે એની ફાયનાન્સની બાબતો પર હું ચાંપતી નજર રાખું છું, એના કોન્ટ્રેકટ્સ ધ્યાનથી જોઈ જાઉં છું. બસ આટલંુ જ, આનાથી વધારે બીજું કશું નહીં.’

રણબીરપુરાણ ચાલતું હોય ને કેટરિના કૈફ સાથેના એના સંબંધની વાત ન ઉખળે એવું શી રીતે બને. તો શું છે રણબીર-કેટરિનાનું રિલેશનશિપ સ્ટેટસ? બેય હજુ સાથે છે કે પછી તેમનું ખરેખર બ્રેકઅપ થઈ ગયું છે?

‘સૌને આ જ જાણવામાં રસ છે!’ કહીને રિશી કપૂર એક કિસ્સો સંભળાવે છે, ‘થોેડા સમય પહેલાં મને દિલ્હીની એક ટોચની કોલેજમાંથી સિનેમા વિશે લેકચર આપવાનું આમંત્રણ મળ્યું. મેં તો જોરદાર તૈયારી કરી, આંકડા ભેગા કર્યા, જરૂરી ઈન્ફર્મેશન એકઠી કરી… ને પછી હું કોલેજના યંગસ્ટર્સ સામે બોલવા ઊભો થયો ત્યારે એમણે મને કયો સવાલ કર્યો? આ જ – રણબીર-કેટરિનાનું શું થયું? બોલો! મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને થયું, ઈન્ડિયાના સૌથી તેજસ્વી સ્ટુડન્ટ્સમાં આ લોકોની ગણના થાય છે, પણ એમને ય ગોસિપમાં જ રસ છે! મને જોકે હવે આ પ્રકારના સવાલોની આદત પડી ગઈ છે. મેં ત્યારે મારી રીતે ગોળ-ગોળ જવાબ આપી દીધો. મારા જમાનામાં હું નીતુ સાથે લિવ-ઈન રિલેશનશિપ બાંધવાનું વિચારી પણ શકત નહીં, પણ આજે જમાનો બદલાઈ ગયો છે. જો હું સમયની સાથે નહીં ચાલું તો મારા દીકરા સાથેનું કનેક્શન ગુમાવી બેસીશ…’

બદલાતા સમયની સાથે તાલ મિલાવવા માણસે માત્ર કરીઅરને જ નહીં, પણ અંગત જિંદગી અને સૌથી નિકટતમ સંબંધોનાં સ્વરૂપને પણ નવેસરથી ડિફાઈન કરતાં રહેવું પડે છે!

શો-સ્ટોપર

ઓડિયન્સ બદલાઈ ગયું છે. અગાઉ લોકો ફિલ્મસ્ટાર્સને અહોભાવથી જોતા. આજે તેઓ સ્ટારની બાજુમાં બેસશે, એની સાથે વન-ટુ-વન લેવલ પર વાતચીત કરશે, એના ખભે હાથ મૂકીને સાથે સેલ્ફી પડાવશે. ફિલ્મી હીરોને ભગવાનની જેમ પૂજવાનો જમાનો હવે ગયો.

– અભિષેક બચ્ચન

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.