મલ્ટિપ્લેક્સ – સંઘર્ષ, સત્ય અને મનોજ બાજપાઈ
Sandesh – Sanskar Purti – 20 Feb 2016
મલ્ટિપ્લેક્સ
જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનો ભેટો થઈ જવો અને અણીના સમયે સાચા માણસ તરફથી સાચી સલાહ મળવી – આ પ્રકારના સંયોગ ઊભા થવા માટે નસીબની જરૂર પડતી હોય છે. સદનસીબે મનોજ બાજપાઈને યુવાનીમાં ત્રણ ડિરેકટરો એવા મળ્યા જેમણે એમને કામ તો આપ્યું જ, પણ ખાસ તો એમના ધસમસતા જીવનપ્રવાહને સાચી દિશા ચીંધી, સાચી સલાહ આપી અને એમને સાચવી લીધા. આ ડિરેકટરો એટલે શેખર ક્પૂર, મહેશ ભટ્ટ અને રામગોપાલ વર્મા.
* * * * *
બિહારમાં બેલવા નામનું સાવ ખોબા જેવડું એક ગામડું. ગામ એટલું બધું પછાત કે અહીં નિશાળના નામે ઝૂંપડી જેવી જગ્યા. જેમાં ગામનાં બચ્ચાંઓને ધૂળ પર બેસાડીને થોડુંઘણું ભણાવવામાં આવે. ‘સત્યા’થી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ સુધીની કેટલીય ફિલ્મોમાં યાદગાર ભૂમિકઓ કરનાર અફલાતૂન અભિનેતા મનોજ બાજપાઈ આ ગામમાં જન્મ્યા છે ને ચાર ચોપડી સુધી આ નામ વગરની નિશાળમાં ભણ્યા છે. માણસની પ્રતિભા અને પેશન અને જીદ એને કયાંથી કયાં પહોંચાડી શકે છે. ક્દાચ નસીબનું પરિબળ ખરું, પણ એનો ક્રમ સાવ છેલ્લે આવે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનો ભેટો થઈ જવો અને અણીના સમયે સાચા માણસ તરફથી સાચી સલાહ મળવી – આ પ્રકારના સંયોગ ઊભા થવા માટે નસીબની જરૂર પડતી હોય છે. સદનસીબે મનોજ બાજપાઈને યુવાનીમાં ત્રણ ડિરેકટરો એવા મળ્યા જેમણે એમને કામ તો આપ્યું જ, પણ ખાસ તો એમના ધસમસતા જીવનપ્રવાહને સાચી દિશા ચીંધી, સાચી સલાહ આપી અને એમને સાચવી લીધા. આ ડિરેકટરો એટલે શેખર ક્પૂર, મહેશ ભટ્ટ અને રામગોપાલ વર્મા.
શેખર ક્પૂરઃ ‘પગ ભાંગશે તો પ્લાસ્ટર કરાવવાના પૈસા ય તમારી પાસે નથી’
મનોજ બાજપાઈએ ટીનેજર થયા પછી એક જ સપનું જોયું હતું, દિલ્હીની નેશનલ સ્કુલ ઓફ ડ્રામા (એનએસડી)માં એડમિશન લેવાનું. શા માટે? નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી જેવા ઊંચા દરજ્જાના એકટરોના ઈન્ટરવ્યૂ છાપાં-મેગેઝિનોમાં છપાતાં ત્યારે એમાં એનએસડીનો ઉલ્લેખ જરૂર થતો, એટલે. આથી બારમું ધોરણ ર્ક્યા પછી કોલેજ કરવા મનોજ બાજપાઈ દિલ્હી ગયા ને ભણતરની સાથે સાથે થિયેટર કરવા માંડયા. કમનસીબે એનએસડીએ એમને ચાર-ચાર વખત રિજેકટ ર્ક્યા. પહેલી બે વાર યોગ્યતા ઓછી પડી એટલા માટે. પછીની બે વાર તેઓ વધારે પડતા કવોલિફાઈડ હતા એટલા માટે! મનોજ બાજપાઈએ દિલ્હીની રંગભૂમિ પર મોટું નામ ગણાતા બેરી જોન સાથે ચાર કરતાંય વધારે વર્ષ કામ ર્ક્યું. તે અરસામાં શાહરુખ ખાન નામનો ઉત્સાહી યુવાન પણ બેરી જોનના ગ્રૂપમાં જોડાઈને નાટકો કરતો હતો. મનોજ બાજપાઈનું એનએસડીનું સપનું, સપનું જ રહી ગયું, પણ બેરી જોને આપેલી તાલીમને લીધે તેમનામાં રહેલો અભિનેતા ખૂબ ઘડાયો.
બન્યું એવું કે, મનોજની એકાદ તસવીર બોબી બેદી નામના પ્રોડયુસરની ઓફિસમાં ફરતી ફરતી પહોંચી ગઈ. બોબી બેદી એ વખતે ‘બેન્ડિટ ક્વીન’ બનાવવાની તૈયારી કરી રહૃાા હતા. ડિરેકટર હતા શેખર ક્પૂર. મનોજની તસવીર પર નજર પડતાં શેખર કપૂરે કહ્યું: મુઝે ઈસ લડકે સે મિલના હૈ. તિગ્માંશુ ધૂલિયા તે વખતે ‘બેન્ડિટ કવીન’નું કાસ્ટિંગ સંભાળતા હતા. તિગ્માંશુ પોતાનું સ્કૂટર લઈને ઉપડયા. મનોજ બાજપાઈને મળીને ક્હેઃ શેખર ક્પૂર તમને મળવા માગે છે. મનોજ નારાજ થઈ ગયાઃ યાર, આવી મજાક સારી નહીં. માંડ માંડ એમના ગળે વાત ઊતરી. તેઓ શેખર ક્પૂરને મળ્યા. શેખરે એમને ફૂલનદેવીના પ્રેમી વિક્રમ મલ્લારના રોલમાં કસ્ટ કરી લીધા. આ રોલ જોકે પછી લાંબા વાળવાળા દેખાવડા નિર્મલ પાંડેને આપી દેવાયો. મનોજને ક્હી દેવામાં આવ્યું: ‘ સોરી,વિક્રમ મલ્લારના રોલ માટે હવે તારી જરૂર નથી’.
થોડા દિવસો પછી મનોજ પોતાના નાટક્ના શો માટે બહારગામ ગયા હતા. થિયેટરની ઓફિસની લેન્ડલાઈન પર તિગ્માંશુ ધુલિયાનો ફોન આવ્યોઃ મનોજ, તારો શો પૂરો થાય કે તાબડતોબ દિલ્હી માટે રવાના થઈ જા. માનસિંહના રોલ માટે નસીરુદ્દીન શાહે ના પાડી દીધી છે એટલે આ રોલ હવે તારે કરવાનો છે!
‘બન્ડિટ કવીન’ (૧૯૯૪)માં જબરદસ્ત પ્રતિભા ધરાવતા એકટરોનો શંભુમેળો ભરાયો હતો. ઓડિયન્સને હેબતાવી નાખે તેવી આ ફિલ્મ ભારતીય સિનેમા માટે સીમાચિહ્નરૂપ પુરવાર થઈ. શેખર ક્પૂરે એક દિવસ જુવાન એકટરોની ટોળકીને ક્હૃાું: ‘તમે બધા મુફલિસ જેવું જીવન જીવો છો. પગ ભાંગે તો પ્લાસ્ટર ક્રાવવાના ય પૈસા તમારી પાસે હોતા નથી. દિલ્હીમાં નાટકો કર્યાં કરશો તો ક્શું નહીં વળે. એકિટંગ જરૂર કરો પણ તેમાંથી બે પૈસા પણ મળવા જોઈએ. તે માટે તમારે મુંબઈ આવવું પડશે. દિલ્હી છોડો, મુંબઈ આવી જાઓ!’
શેખર ક્પૂરની આ વાત સૌના મનમાં ઘુમરાતી રહી. આ ચર્ચાના ચાર જ મહિના પછી મનોજ બાજપાઈ, તિગ્માંશુ ધૂલિયા અને બીજા કેટલાક છોકરાઓની આખી ગેંગ મુંબઈ આવી ગઈ… ફિલ્મલાઇનમાં નામ ક્માવા માટે.
મહેશ ભટ્ટઃ ‘મુંબઈ છોડતો નહીં… આ શહેર તને ખૂબ બધું આપશે’
એવું તો હતું નહીં કે ટ્રેનમાંથી બહાર નીક્ળીને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ પર પગ મૂક્તાં જ સામે સ્વાગત કરવા માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ડિરેકટરો-પ્રોડયુસરો હારતોરા તેમજ ફિલ્મની ઓફરો લઈને તૈયાર ઊભા હોય. મુંબઈમાં સ્ટ્રગલ શરૂ થઈ. ઘોલકી જેવડી ઓરડીમાં પાંચ-સાત જણા સાથે સાંક્ડમોક્ડ રહેવાનું, કામની શોધમાં એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો ચક્કર મારવાના, કાસ્ટિંગ ડિરેકટરો અને બીજા લાગતા-વળગતાઓને પોતાના ફોટોગ્રાફ્સ આપવાના (જે મોટે ભાગે ક્ચરાટોપલીમાં પધરાવી દેવામાં આવતા). દિલ્હીમાં વર્ષો સુધી રંગભૂમિ કરી હતી તે વાતનું મુંબઈની ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં કેઈ મૂલ્ય નહોતું. એમ તો દિલ્હીમાં હતા તે અરસામાં હંસલ મહેતાની ‘ક્લાકાર’ નામની એક સિરિયલ પણ કરી હતી. (આ જ હંસલ મહેતાએ ડિરેકટ કરેલી અને મનોજ બાજપાઈને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘અલીગઢ’ નામની ફિલ્મ ૨૬ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ.) આખરે મુંબઈની કોઈ પ્રોડકશન કંપનીની એક ટીવી સિરિયલમાં નાનો રોલ મળ્યો. પરેલમાં કેઈક જગ્યાએ શૂટિંગ હતું. મનોજ બાજપાઈએ શોટ આપ્યો. તે સાથે જ ડિરેકટર, કેમેરામેન, ચીફ આસિસ્ટન્ટ ડિરેકટર વગેરે વચ્ચે ગુસપુસ શરૂ થઈ ગઈ. થોડી વાર પછી થર્ડ કે ફોર્થ આસિસ્ટન્ટ ડિરેકટરે મનોજ બાજપાઈ પાસે આવીને ક્હૃાું: એક કામ કરો, કોસ્ચ્યુમ ઊતારી નાખો. કાલથી શૂટિંગમાં આવવાની જરૂર નથી. તમારુંએ કામ કોઈને ગમ્યું નથી.
આત્મવિશ્વાસ તોડી નાખે એવી આ ઘટનાઓ બનતી રહી, પણ કોઈ પણ ભોગે ટકી રહેવાનું હતું. આખરે મહેશ ભટ્ટની ‘સ્વાભિમાન’ (૧૯૯૫) નામની સિરિયલમાં માંડ દસ એપિસોડ ચાલે એવો રોલ મળ્યો. એક જ એપિસોડ જોઈને મહેશ ભટ્ટ કૌવત પારખી ગયા. એક દિવસ પોતાની જગ્યા પરથી ઊભા થઈને મનોજ બાજપાઈ પાસે આવી, એમના ખભે હાથ મૂકીને હાજર રહેલા દસ-પંદર લોકોને ક્હેઃ ‘યે જો આદમી હૈ… બહોત બડા એકટર હૈે.’ પછી મનોજ બાજપાઈને ક્હેઃ ‘તારા ચહેરા પરથી લાગે છે કે તું હતાશ થઈ રહૃાો છે, પણ તું હિંમત હારીને આ શહેર છોડતો નહીં. આ શહેર તને ખૂબ બધું આપવાનું છે.’
દૂરદર્શન પર ટેલિકસ્ટ થઈ રહેલી ‘સ્વાભિમાન’ સિરિયલમાં મનોજ બાજપાઈનું પાત્ર જમાવટ કરતું ગયું. જે રોલ દસ એપિસોડમાં પૂરો થઈ જવાનો હતો તે અઢીસો સુધી લંબાયો. એક એપિસોડમાં એકિટંગ કરવાના પંદરસો રૂપિયા મળતા હતા. હવે રિક્ષા બાંધતી વખતે ભાડાની ચિંતા ન કરવી પડે એટલું સુખ તો મળી જ ગયું હતું.
મહેશ ભટ્ટના પેલા શબ્દોએ મનોજ બાજપાઈને ટકી રહેવાનું બળ આપ્યું હતું. આત્મસન્માન પર લગાતાર ઘા પડી રહૃાા હોય અને આત્મવિશ્વાસ સાવ તળિયે પહોંચી ગયો હોય એવા સંજોગોમાં જેના પ્રત્યે ખૂબ આદર હોય એવી વ્યકિત તરફથી શાબાશીના બે બોલ સાંભળવા મળે, તો દુભાયેલા માણસ માટે તે સંજીવનીનું કમ કરતા હોય છે.
રામગોપાલ વર્માઃ ડોન્ટ ડુ ધિસ ફિલ્મ!
સુપરડુપર હિટ ‘રંગીલા’ પછી રામગોપાલ વર્મા ‘દૌડ’ (૧૯૯૭) બનાવી રહૃાા હતા. એમાં પરેશ રાવલના મળતિયાનો ટચૂક્ડો રોલ કરવાના મનોજ બાજપાઈને પાંત્રીસ હજાર રુપિયા મળે તેમ હતા. રામગોપાલ વર્માની ઓફિસમાં એમને મળવાનું થયું ત્યારે રામુજીએ પૂછ્યું: અગાઉ તે શું કામ ર્ક્યુંં છે? મનોજે ક્હ્યું: સર, મેં ‘બેન્ડિટ કવીન’ કરી છે. રામુ ક્હેઃ ‘બેન્ડિટ કવીન’ તો મેં જોઈ છે. એમાં કયો રોલ તેં ર્ક્યો હતો? મનોજ ક્હેઃ માનસિંહનો. રામુજી ચમકી ગયા. ક્હેઃ ડોન્ટ ટેલ મી! ‘બેન્ડિટ કવીન’ મેં કમસે કમ પાંચ વાર જોઈ હશે. તું તો બિલકુલ માનસિંહ જેવો દેખાતો નથી. મનોજ ક્હેઃ સર, મેં એ રોલ માટે ખૂબ મહેતન કરી હતી, મારો લૂક ચેન્જ ર્ક્યો હતો. રામુજી હવે ઉત્તેજીત થઈ ચુકયા હતા. ક્હેઃ ડોન્ટ ડુ ધિસ ફિલ્મ! તારે ‘દૌડ’ કરવાની કોઈ જરુર નથી. હું તારી સાથે બીજી ફિલ્મ બનાવીશ. હું બધું જ કેન્સલ કરી નાખું છું ને હમણાં જ નવી ફિલ્મ અનાઉન્સ કરી દઉં છું!
મનોજ બાજપાઈના મનમાં ફાળ પડી. ધારો કે રામુજી આ જે બીજી ફિલ્મની વાત કરે છે તે ન બને તો મને અત્યારે જે પાંત્રીસ હજાર રુપિયા મળવાના હતા એ તો ગયા જ ને? મનોજ ક્હેઃ સર, પ્લીઝ, મુઝે ‘દૌડ’ કરને દીજિયે!
આખરે ‘દૌડ’ બની અને રામગોપાલ વર્મા જે ફિલ્મ બનાવવા માટે એકસાઈટ થઈ ગયા હતા તે પણ બની. તે ફિલ્મ એટલે ‘સત્યા’ (૧૯૯૮), જેમાં મનોજ બાજપાઈએ ભીખુ મ્હાત્રેની અવિસ્મરણીય ભૂમિકા ભજવી. જાણે પ્રચંડ વિસ્ફોટ થયો હોય તેમ મનોજ બાજપાઈ નામના આ બિહારી એકટરની પ્રતિભા આ ફિલ્મમાં ઊછળીને બહાર આવી. સુપરહિટ ‘સત્યા’એ એમને બોલિવૂડમાં નિશ્ચિત સ્થાન અપાવ્યું અને એમનું જીવન હંમેશ માટે પલટી નાખ્યું.
રામગોપાલ વર્મા જેવા સુપર ટેલેન્ટેડ ડિરેકટર પાસે ઝવેરી જેવી પારખુ નજર હોય છે, જે હીરો ઢંકાયેલો હોય તોય એની ચમક ઓળખી લે છે. એ અલગ વાત છે કે, આગળ જતાં રામુ અને મનોજ બાજપાઈ વચ્ચે બોલવાના સંબંધ પણ નહોતા રહૃાા. બન્ને વચ્ચે થયેલા મનદુખનું કરણ રામુજીની અતિ બદનામ થઈ ચૂકેલી ‘રામગોપાલ વર્મા કી આગ’ હતી. રામુજી મનોજ બાજપાઈને સાંભાનો રોલ આપવા માગતા હતા, જ્યારે મનોજની ઈચ્છા વીરુનું કિરદાર કરવાની હતી. ખેર, હવે બન્ને વચ્ચે પેચ-અપ થઈ ચૂકયું છે. ભવિષ્યમાં ક્દાચ બન્ને નવેસરથી સાથે કમ કરેય ખરા. ટચવૂડ.
શો-સ્ટોપર
‘કિક’માં મેં ખલનાયકનું જે પાત્ર ભજવ્યું હતું તેની પ્રેરણા મને ‘અક્સ’માં મનોજ બાજપાઈનાં પર્ફોર્મન્સ પરથી મળી હતી.
– નવાઝુદ્દીન સિદ્દીકી
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply