Sun-Temple-Baanner

કાસ્ટિંગના કસબી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાસ્ટિંગના કસબી


મલ્ટિપ્લેક્સ: કાસ્ટિંગના કસબી

Sandesh – Sanskar Purti – 3 April 2016

મલ્ટિપ્લેક્સ

કોઈ ફિલ્મ જોવાનો જલસો પડી જાય, ફિલ્મ ભરેલી-ભરેલી અને ટેકસચર્ડ લાગે, નાનામોટા બધા એકટરોએ દાદુ એકિટંગ કરી છે એવી ફીલિંગ આવે તો સમજી લેવાનું આ ફિલ્મના કાસ્ટિંગ ડિરેકટરે ખૂબ મહેનત કરી છે.

* * * * *

‘રોકસ્ટાર’ જોઈને, આનંદિત થઈને તમે થિયેટર બહાર નીકળો છો પછી કયાંય સુધી આ ફિલ્મ તમારા મનમાં ઘુમરાતી રહે છે. રણબીર કપૂરનું પર્ફોર્મન્સ, ઈમ્તિયાઝ અલીનું ડિરેકશન, એ.આર. રહેમાનનું સંગીત ને એ બધું તો અફલાતૂન છે જ, પણ એક કેરેકટર તમને રહી રહીને યાદ આવ્યા કરે છે. કોણ હતો પેલો કેન્ટીન-ઑનર જેના ગળા પર ટેલ્કમ પાઉડરના થથેડા દેખાતા હતા અને જે રણીબરને સમજાવે છે કે જ્યાં સુધી તને અસલી પીડાનો અનુભવ નહીં થાય ત્યાં સુધી તારી અંદર રહેલો કલાકાર જાગશે નહીં? અને પછી એ રણબીરનો મેનેજર બની જાય છે? કોણ હતો આ સુપર્બ એકટર?અગાઉ એને કયારેય એનો જોયો હોય એવું યાદ આવતું નથી.

આનંદ ગાંધીની ‘શિપ ઓફ થિસિયસ’ ફિલ્મમાં તમે નીરજ કાબીનો અભિનય જોયો હતો, જૈન સાધુના રોલમાં. તે પછી એક ‘ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી’નો અપવાદ બાદ કરતાં નીરજ કાબી બિગ સ્ક્રીન પરથી સદંતર અદશ્ય થઈ ગયા હતા. તમને થતું હતું કે આવો બ્રિલિયન્ટ અને નીવડેલો એકટર ફિલ્મોમાં જોવા ન મળે તે શી રીતે ચાલે. એકાએક તમે એમને ‘તલવાર’ ફિલ્મમાં સગી દીકરીની હત્યાના આરોપીના રોલમાં જુઓ છો અને તમને થાય છે કે, વાહ, આ ‘તલવાર’વાળા નીરજ કાબીને કયાંકથી પકડી લાવ્યા ખરા.

‘એરલિફ્ટ’નું એક કેરેકટર તમને એકદમ યાદ રહી ગયું છે. પેલો દૂધમાંથી પોરા કાઢયા કરતો સાઉથ ઈન્ડિયન લપીયો જેને બધું વાંકુ જ દેખાય છે અને જે અક્ષયકુમારના પ્રયત્નોને વખાણવાને બદલે સતત ટીકા કર્યા કરે છે. એ એકટરે પોતાનાં પાત્રને એટલું અસરકારક ઊપસાવેલું કે ફિલ્મ જોતી વખતે તમને થતું હતું કે પડદામાં ઘુસીને એક લાફો મારી દઉં ઉલ્લુના પઠ્ઠાને?

ઉપર ગણાવેલા ત્રણેય કેસમાં એક વાત કોમન છેઃ પરફેકટ કાસ્ટિંગ. ફિલ્મ માત્ર મેઈન હીરો-હિરોઈનથી બનતી નથી. આસપાસના નાનાં-મોટાં કિરદાર પણ એટલાં જ અગત્યનાં હોય છે. આપણે જેનું નામ પણ જાણતા ન હોઈએ એવા આ અજાણ્યા કે ઓછા જાણીતા એકટરો ફિલ્મમાં જુદા જુદા શેડ્ઝ ઉમેરે છે, ફિલ્મના કથાપ્રવાહને વધારે ગાઢ અને લેયર્ડ બનાવે છે તેમજ સમગ્રપણે ફિલ્મની અસરકારકતામાં નક્કર વધારો કરે છે. (બાય ધ વે, ‘રોકસ્ટાર’ના કેન્ટીન-ઑનરમાંથી મેનેજર બનેલા એકટરનું નામ કુમુદ મિશ્રા છે અને ‘એરલિફ્ટ’માં લપીયા મદ્રાસીનું પાત્ર ભજવનાર એકટર છે, પ્રકાશ બેલાવડી.) હિન્દી સિનેમા છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ટરેસ્ટિંગ તબક્કામાંથી પસાર થઈ રહૃાું છે. નવા નવા વિષયો પર મસ્તમજાની ફિલ્મો બની રહી છે અને હિટ પણ થઈ રહી છે. આ નવી બદલાયેલી સ્થિતિમાં પડદા પાછળના એક કસબીની ભુમિકા અત્યારે જેટલી મહત્ત્વની બની છે જેટલી અગાઉ કયારેય નહોતી બની.

એ છે કાસ્ટિંગ ડિરેકટર.

હીરો-હિરોઈન સહિતનાં મુખ્ય કલાકારોની પસંદગી ભલે પ્રોડયુસર-ડિરેકટર-બેનર કરે, પણ પૂરક પાત્રો માટે અભિનેતા-અભિનેત્રીઓ શોધવાની જવાબદારી બાકાયદા કાસ્ટિંગ ડિરેકટરને સોંપવામાં આવે છે. કોઈ ફિલ્મ જોવાનો જલસો પડી જાય, ફિલ્મ ભરેલી-ભરેલી અને ટેકસચર્ડ લાગે, નાનામોટા બધા એકટરોએ દાદુ એકિટંગ કરી છે એવી ફીલિંગ આવે તો સમજી લેવાનું આ ફિલ્મના કાસ્ટિંગ ડિરેકટરે ખૂબ મહેનત કરી છે.

આજે મુકેશ છાબરા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના કાસ્ટિંગ ડિરેકટર ગણાય છે. ફિલ્મની સફળતાના જશ માટે જેને ભાગીદાર ગણવામાં આવતા હોય, જાણીતી ફિલ્મી હસ્તીઓ પોતાના ઈન્ટરવ્યુઝમાં જેનાં નામનો આદરપૂર્વક ઉલ્લેખ કરતા હોય, અખબારો-મેગેઝિનોમાં જેની ખુદની મુલાકાતો છપાતી હોય એવું કદાચ મુકેશ છાબરા પહેલાંના કોઈ કાસ્ટિંગ ડિરેકટરના કેસમાં બન્યું નથી. અથવા એમ કહો કે, મુકેશ છાબરા પહેલાંના કોઈ કાસ્ટિંગ ડિરેકટરને આ પ્રકારનું સ્ટાર સ્ટેટસ મળ્યું નથી. ‘ચક દે ઈન્ડિયા’, ‘રોકસ્ટાર’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘કાઈપો…છે’, ‘ભૂતનાથ રિટર્ન્સ’, ‘હસી તો ફસી’, ‘ચેન્નાઈ એકસપ્રેસ’, ‘હાઈવે’, ‘તમાશા’ અને આગામી ‘દંગલ’ સહિતની કેટલીય ફિલ્મોમાં આ છત્રીસ વર્ષના યુવાને કાસ્ટિંગ કર્યું છે.

મુકેશ છાબરા મૂળ દિલ્હીના. ધ ચિલ્ડ્રન એજ્યુકેશન કંપની નામની સંસ્થામાં તેઓ બાળકો સાથે ખૂબ બધી વર્કશોપ્સ કરતા. દિલ્હીની રંગભૂમિમાં પણ એમના સારા કોન્ટેકટ્સ. આથી જ્યારે કોઈ ફિલ્મનું દિલ્હીનું શૂટિંગ ચાલતું હોય અને સ્થાનિક કલાકારોની કે ચાઈલ્ડ આર્ટિસ્ટની જરુર પડે ત્યારે મુકેશ છાબરાને યાદ કરવામાં આવતા. મુકેશ અમુક નામ સૂચવે, કોન્ટેકટ કરાવી આપે. કોઈએ સજેશન કર્યું કે ભાઈ, તું આમ છૂટક-છૂટક કામ કરવાને બદલે વ્યસ્થિત કાસ્ટિંગ એજન્સી કેમ ખોલતો નથી? મુકેશ છાબરાને વાતમાં દમ લાગ્યો. એમણે એજન્સી ખોલી ને કરીઅરની પદ્ધતિસર શરુઆત કરી. ‘લવ આજકલ’, ‘રંગ દે બસંતી’, ‘ચક દે ઈન્ડિયા’ એમની કાસ્ટિંગ ડિરેકટર તરીકેની પ્રારંભિક ફિલ્મો. તમને યાદ હોય તો આ ત્રણેય ફિલ્મોમાં દિલ્હીનું પશ્ચાદભૂ છે. સુશાંતસિંહ રાજપુત, રાજકુમાર રાવ, હુમા કુરેશી, રિચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરી વગેરેને ફિલ્મોમાં કામ અપાવનારા મુકેશ છાબરા જ.

‘સૌથી પહેલાં તો જે ફિલ્મ માટે કાસ્ટિંગ કરવાનું હોય તેની સ્ક્રિપ્ટ હું વાંચી જાઉં,’ મુકેશ છાબરા એક મેગેઝિન ઈન્ટરવ્યુમાં કહે છે,

‘ડિરેકટર પણ મને બ્રિફ આપે કે પોતાને ક્યા ટાઈપના એકટરોની જરુર છે. હું ઓડિશન ગોઠવું ત્યારે મનોમન સ્પષ્ટ હોઉં કે મારે એકટરોમાં એકઝેક્ટ્લી શું જોઈએ છે. હું એમનામાં જે-તે કેરેકટર શોધવાનો પ્રયત્ન કરું, એના વર્તન-વ્યવહાર, ભાષા, જુદી જુદી સિચ્યુએશનમાં રિએકટ કરવાની રીત વગેરે પરથી જજ કરું કે ફિલ્મમાં જે કેરેકટર માટે વરણી કરવાની છે એના માઈન્ડસેટ સાથે આ આર્ટિસ્ટનો મેળ પડે છે કે કેમ. હું પહેલાં કેરેકટરને ધ્યાનમાં રાખું છું, પછી આર્ટિસ્ટને.’

લેખની શરુઆતમાં આપણે ‘એરલિફ્ટ’ની વાત કરી. આ ફિલ્મ ઉપરાંત ‘સ્પેશિયલ છબ્બીસ’, ‘બેબી’, ‘દશ્યમ’ વગેરે ફિલ્મોનું કાસ્ટિંગ વિકી સિદાના નામના કાસ્ટિંગ ડિરેકટરે કર્યું છે, તો શ્રુતિ મહાજનના બાયોડેટામાં ‘બાજીરાવ મસ્તાની’, ‘જય ગંગાજલ’ અને’કી એન્ડ કા’ જેવી ફિલ્મો બોલે છે. ‘બાજીરાવ મસ્તાની’ માટે સંજય લીલા ભણસાલીએ શ્રુતિને બ્રિફ આપી હતી કે આ ફિલ્મમાં મહારાષ્ટ્રિયન બેકગ્રાઉન્ડ છે એટલે મરાઠી એકટરોનાં બને એટલા વધારે ઓડિશન લેવાં. મરાઠી બ્રાહ્મણનો દેખાવ પાછો બીજા લોકો કરતાં સહેજ જુદો હોય. એમના ફીચર્સ શાર્પ હોય, ચહેરા પર એક પ્રકારનું તેજ હોય. કાસ્ટિંગ ચાલી રહૃાું હતું તે દરમિયાન ખબર પડી કે તન્વી આઝમી મૂળ મહારાષ્ટ્રિયન છે. ‘રામ-લીલા’માં સુપ્રિયા પાઠકનું દમામદાર પાત્ર હતું લગભગ એવું જ સ્ટ્રોન્ગ કેરેકટર ‘બાજીરાવ-મસ્તાની’માં પણ હતું. તન્વી આઝમી તેમાં પરફેકટ ફિટ થઈ ગયાં. બાજીરાવના નાના ભાઈના રોલમાં વૈભવ નામના મરાઠી એક્ટરને લેવામાં આવ્યો. મિલિંદ સોમણ અને મહેશ માંજરેકર પણ મહારાષ્ટ્રિયન જ છેને.

અતુલ મોંગિયા નામના કાસ્ટિંગ ડિરેકટરે ‘મસાન’, ‘કોર્ટ’, ‘અગ્લી’ અને ‘કિલ્લા’ જેવી ફિલ્મો માટે કામ કર્યું છે. એમના કહેવા પ્રમાણે ૨૦૧૫માં કેટલાક સરસ મરાઠી કલાકારો હિન્દી ફિલ્મોમાં ચમકયા હતા. ‘અગ્લી’માં ગિરીશ કુલકર્ણીને જુઓ. ‘કિલ્લા’માં અમૃતા સુભાષને જુઓ.

‘તલવાર’માં કલાકારોની પ્રાદેશિક્તાનો સરસ ઉપયોગ ક્રવામાં આવ્યો છે. આ ફિલ્મના કાસ્ટિંગ ડિરેકટર હની ત્રેહન છે. ફિલ્મ સત્યઘટના પર આધારિત હોય એટલે કાસ્ટિંગ ઓર પેચીદું બની જાય. ફિલ્મનો સૂત્રધાર કહી શકાય એવા ઈન્વેસ્ટિગેટિવ ઓફિસરનું મુખ્ય કિરદાર એવા એકટરને આપવું જોઈએ જેનાથી ઓડિયન્સ ઓલરેડી પરિચિત હોય. તેથી આ રોલમાં ઈરફાન જેવા જાણીતા એકટરને લેવામાં આવ્યા. મિસ્ટર એન્ડ મિસિસ તલવારના રોલનું કાસ્ટિંગ બહુ લાંબું ચાલ્યું હતું. નીરજ કાબી હા પાડશે કે નહીં તે નક્કી નહોતું, પણ ફિલ્મની દમદાર સ્ક્રિપ્ટ વાંચીને તેઓ તૈયાર થઈ ગયા. એમની પત્નીના રોલમાં કોંકણા સેન શર્માનું નામ સૂઝ્યું. મધુ ત્રેહને એને ફોન પર જ ફિલ્મની વાર્તા સંભળાવી હતી. કોંકણાએ હા પાડી. સૌથી છેલ્લું કાસ્ટિંગ કોંકણાનું થયું, શૂટિંગ શરુ થયું એના ત્રણ દિવસ પહેલાં.

‘તલવાર’માં પોલીસ ઓફિસરો, વકીલો, સરકારી ઓફિસરો વગેેરેની જમઘટ છે. મધુ ત્રેહન ઈચ્છતા હતા કે આ બધા લોકો દેશના અલગ અલગ પ્રાંતના લોકો લાગવા જોઈએ. આથી ઈરફાનના મેન્ટરની ભુમિકામાં સાઉથ ઈન્ડિયન એકટરને લેવામાં આવ્યો. ફોરેન્સિક એકસપર્ટ તમિલીઅન છે. ઈન્વેસ્ટિગેટર અતુલ કુમારના રોલ પૉલ નામના એકટરને આપ્યો જે પાક્કો બિહારી છે. આ બધાં ફિલ્મનાં ચાવીરુપ પાત્રો છે.

‘અગાઉ કાસ્ટિંગ ડિરેકટર જેવું કશું હતું જ નહીં, પણ આજની તારીખે મુંબઈમાં સેંકડોની સંખ્યામાં કાસ્ટિંગ ડિરેકટરો કામ કરી રહૃાા છે,’ હની ત્રેહને એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘પ્રત્યેક કાસ્ટિંગ ડિરેકટરને પાછા બબ્બે-ત્રણત્રણ આસિસ્ટન્ટ્સ હોય. ફિલ્મોના કાસ્ટિંગ ડિપાર્ટમેન્ટને લીધે કેટલા બધા લોકોને કામ મળ્યું છે. આમાંના કેટલાય એફટીઆઈઆઈ, એનએસડી અને પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટયુટ્સમાં આવ્યા હોય છે. આ એક સરસ ચેન્જ આવ્યો છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં.’

ચેન્જ તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આવ્યો છે. છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન આપણે કેટલીક જલસો પડે એવી ગુજરાતી ફિલ્મો જોઈ. નબળી ફિલ્મો પણ ઘણી આવી. આજની તારીખે ગુજરાતમાં બની રહેલી ગુજરાતી ફિલ્મોનો આંકડો ત્રીસ કરતાંય વધારે છે! એકાએક ટેલેન્ટેડ ગુજરાતી યંગસ્ટર્સ અને સિનિયર કલાકારોની ડિમાન્ડ નીકળી છે. ગુજરાતી સિનેમામાં કાસ્ટિંગની પ્રક્રિયાની શી સ્થિતિ છે? આ વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કાસ્ટિંગ ડિરેકટર નંબર વન અભિષેક શાહના મોઢે જ સાંભળવા જેવી છે. આવતા રવિવારે.

શો-સ્ટોપર

પ્રેમ વિશે મારા મનમાં કોઈ ફૂલગુલાબી ખ્યાલો નથી. મને સમજાઈ ગયું છે કે આપણે રોમેન્ટિક કોેમેડી ફિલ્મોમાં જે કંઈ જોઈએ છીએ એમાંનું કશું જ રિઅલ લાઈફમાં બનતું હોતું નથી.

– અનુષ્કા શર્મા

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Apr, 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.