મલ્ટિપ્લેકસ – સ્મિતા પાટીલને લાફો કેમ પડ્યો?
સંદેશ – સંસ્કાર પૂર્તિ – રવિવાર – ૧૬ ઓકટોબર ૨૦૧૬
૩૧ વર્ષના આયુષ્યમાં માણસ કેટલું પ્રદૃાન કરી શકે? સ્મિતા પાટીલ જેટલું… જો ઉપરવાળાએ એને ઠાંસી ઠાંસીને પ્રતિભા આપી હોય, યોગ્ય સમયે સાચી દિૃશા મળી ગઈ હોય અને જબરદૃસ્ત મહેનત કરવાની ક્ષમતા હોય, તો!
* * * * *
સ્મિતા પાટીલ જો જીવતાં હોત તો આવતી કાલે તેમણે ૬૧ વર્ષ પૂરાં કરીને બાસઠમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હોત. સ્મિતા પાટીલ ફકત ૩૧ વર્ષ જીવ્યાં. ૩૧ વર્ષ, ૧ મહિનો અને ૨૫ દિૃવસ, ટુ બી પ્રિસાઈઝ. માણસને કુદૃરતે ઠાંસી ઠાંસીને પ્રતિભા આપી હોય, એને યોગ્ય સમયે સાચી દિૃશા મળી ગઈ હોય અને એનામાં જબરદૃસ્ત મહેનત કરી શકવાની ક્ષમતા હોય તો આટલાં ટૂંકા જીવનમાં માણસ કેટલું જબરદૃસ્ત પ્રદૃાન કરી શકે છે તેનું ઉત્તમ ઉદૃાહરણ સ્મિતા પાટીલ છે.
સ્મિતા પાટીલ કન્સીવ થયાં ત્યારે એમનાં મા વિદ્યા પાટીલને બાળકની જરાય ઇચ્છા નહોતી. એમણે તાજો તાજો નર્સિગનો કોર્સ પૂરો કર્યો હતો અને એક દૃીકરી (સ્મિતાનાં મોટાં બહેન અનિતા)ને ઊછેરવાની જવાબદૃારી ઓલરેડી માથા પર હતી. રાજકારણમાં ખૂંપેલા પતિ શિવાજીરાવ પાટીલ (કે જે આગળ જતાં મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં સ્થાન પામેલા) ઘરખર્ચ માટે થોડાઘણા રુપિયા મોકલી આપતા, પણ એટલાથી પૂરું થતું નહોતું. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલતમાં બીજા બાળકને કેવી રીતે પેદૃા કરવું? સ્મિતા પાટીલ મોટાં થયાં પછી વિદ્યાતાઈએ એમને આ વાત શર કરેલી. આથી સ્મિતા ક્યારેક રીસાઈને ગુસ્સામાં એમને કહી દેતાં – ‘તુલા મા નકો હોતે ના.’ અર્થાત, મા, તને તો હું જોઈતી જ નહોતી, હું તો અણગમતી આવી છું!
જોકે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ભણતર પૂરું કર્યા પછી સ્મિતાએ દૃૂરદૃર્શન પર મરાઠીમાં સમાચાર વાંચવાનું શરુ કર્યું ત્યારે તેઓ સૌના ગમતાં ન્યુઝરીડર બની ગયાં હતાં. એ જમાનાના બ્લેક-એન્ડ-વ્હાઈટ ટેલીવિઝન પર પણ સ્મિતાની સ્ક્રીન પ્રેઝન્સ ગજબની લાગતી. એટલે જ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું ધ્યાન પણ આ પાણીદૃાર આંખોવાળી યુવતી તરફ ખેંચાયેલું. શ્યામ બેનેગલની પહેલી નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ ‘અંકુર (૧૯૭૩) રિલીઝ થઈ ચુકી હતી. શબાના આઝમીની પણ આ પહેલી ફિલ્મ. હવે શ્યામ બેનેગલ ફરી શબાનાને લઈને ‘નિશાંતની (૧૯૭૫) તૈયારી કરી રહ્યા હતા. આ ફિલ્મની સેકન્ડ લીડ તરીકે તેઓ સ્મિતાને લેવા માગતા હતા. સ્મિતાનાં મમ્મીપપ્પા તો તરત માની ગયાં, પણ સ્મિતા અવઢવમાં હતાં. વિદ્યાતાઈને ‘અંકુર ખાસ્સી ગમી હતી. તેમણે દૃીકરીને કહ્યું – સ્મિતા, તું ધડ્ દૃઈને ના ન પાડી દે. એક વાર ડિરેકટરને મળી તો જો!
અપોઈન્મેન્ટ ફિકસ થઈ. શબાના પહેલી વાર શ્યામને મળવા ગયેલાં ત્યારે ખાસ બ્યુટી પાર્લરમાં જઈને મેકઅપ કરાવી આવેલાં, પણ વીસ-એકવીસ વર્ષનાં સ્મિતા તો સાવ મામૂલી જીન્સ અને ઢીલુંઢાલું ટીશર્ટ ચડાવીને શ્યામને મળવા પહોંચી ગયેલાં. શ્યામબાબુના મનમાં એકચ્યુઅલી તે વખતે ‘નિશાંત’ ઉપરાંત ‘ચરણદૃાસ ચોર’ (૧૯૭૫) નામની બાળફિલ્મ પણ રમી રહી હતી. એમણે વિચાર્યું કે પહેલાં ‘ચરણદૃાસ ચોર’ બનાવીશ તો સ્મિતા માટે તે ‘નિશાંત’ની વર્કશોપ જેવું પણ થઈ જશે. છત્તીસગઢના ભિલાઈ પાસેના કોઈ ગામડામાં ‘ચરણદૃાસ ચોર’નું શુટિંગ કરવામાં આવ્યું હતું. શુટિંગ પૂરું થતાં જ હોમ-સિક થઈ ગયેલાં સ્મિતા પોતાના કમરામાં ભરાઈ જતાં ને જમવાનું પણ ત્યાં જ મગાવી લેતાં.
‘નિશાંત’માં સ્મિતા પાટીલે અત્યાચારી જમીનદૃારની માયાળુ પત્નીનો રોલ કર્યો હતો. રોલ નાનો હતો, પણ સ્મિતા સૌનું ધ્યાન ખેંચી શકવામાં કામિયાબ રહ્યાં. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘નિશાંત’નું સ્ક્રીિંનગ થયું હતું અને શ્યામ બેનેગલ પોતાની બન્ને હિરોઈનોને કાન (ફ્રાન્સ) લઈ ગયા હતા. વર્લ્ડ સિનેમાનું સ્મિતાનું આ પહેલું એકસપોઝર. ‘અંકુર’ અને ‘નિશાંત’ એ ફિલ્મો છે જેની સાથે હિન્દૃી ફિહ્લમ ઇન્ડસ્ટ્રીમાં આપણે જેને પેરેલલ સિનેમા યા તો આર્ટ સિનેમા કહીએ છીએ તેની નક્કર શરુઆત થઈ હતી. ત્યાર પછી આવી ‘મંથન’ (૧૯૭૬) જે ગુજરાતના ડેરી ઉદ્યોગ પર આધારિત હતી. શ્યામ બેનેગલ મૂળ શબાનાને લઈને આ ફિલ્મ બનાવવાના હતા, પણ શબાના ત્યાં સુધીમાં બિઝી સ્ટાર બની ચુક્યાં હતાં એટલે સ્મિતાને મુખ્ય નાયિકા તરીકે કાસ્ટ કર્યા. ગુજરાતી લહેકો શીખવવા માટે ખાસ કોચ રાખવામાં આવ્યો હતો.
એક વાર રાજકોટ નજીક એક ગામડામાં શુટિંગ હતું. રવિવારનો દિૃવસ હતો. ચાર-પાંચ સ્થાનિક મહિલાઓ દૃીવાલને ટેકે ધૂળમાં બેઠી હતી. સ્મિતા એમની પાસે જઈને માંડ્યાં ટોળટપ્પાં મારવાં. એવામાં કેટલાક સાઈકલસવાર કોલેજીયોનો શૂટિંગ જોવા આવ્યા. પૃચ્છા કરી – હિરોઈન ક્યાં છે? કોઈએ સ્મિતા તરફ આંગળી ચીંધીને કહ્યું – જો…. ત્યાં ટોળામાં લાલ સાડી પહેરીને બેઠી છેને એ! કોલેજિયનો માની ન શક્યા – ગપ્પાં ન મારો. હિરોઈન કોઈ દૃી’ આ રીતે ગામડાંનાં બૈરાં સાથે સાવ આમ ધૂળમાં થોડી બેસે?
‘ભુમિકા’ (૧૯૭૭) ફિલ્મ સ્મિતાને ખાસ્સી અઘરી પડી હતી. અગેન, આ ફિલ્મ પણ શ્યામબાબુ મૂળ શબાનાને લઈને બનાવવાના હતા, પણ તે મહારાષ્ટ્રીયન એકટ્રેસ હંસા વાડકરના જીવન પર આધારિત હોવાથી આ કિરદૃાર મરાઠી મુલગી સ્મિતા સહજ રીતે ભજવી શકશે એવું લાગતાં ડિરેકટરસાહેબે વિચાર બદલ્યો હતો. હંસા વાડકર પોતાની શરતો પર જીવનારી બિન્દૃાસ સ્ત્રી હતી, જેને લાગણી અને સલામતીની પણ ઝંખના છે. ‘ભુમિકાનું શુટિંગ ચાલી રહ્યું હતું તે દૃરમિયાન એક દિૃવસ અચાનક સ્મિતાનાં માતાજી વિદ્યાતાઈ પર શ્યામ બેનેગલનો ફોન આવ્યો – તાઈ, શુટિંગ તાડદેવમાં તમારા ઘરથી નજીક જ ચાલી રહ્યું છે. પ્લીઝ, થોડી વાર સેટ પર આવીને તમારી દૃીકરીને સમજાવશો?
વિદ્યાતાઈ ગયાં. ‘તુમ્હારે બીના જી ના લગે ઘર મેં’ ગીત ફિલ્માવાઈ રહ્યું હતું, જેમાં સ્મિતાએ થોડા કામુક કહી શકાય એવા લટકા-ઝટકા કરવાના હતા. સ્મિતા હઠે ભરાયેલાં કે આવી મુવમેન્ટ્સ તો હું નહીં જ કરું. વિદ્યાતાઈએ એમને કહ્યું – જો બેટા, તું તારી મરજીથી આ લાઈનમાં આવી છો. તારો રોલ દેવીનો હોય કે વેશ્યાનો, એકિટંગ કરતી વખતે તારી નિષ્ઠામાં સહેજ પણ ફર્ક પડવો ન જોઈએ. આટલું કહીને વિદ્યાતાઈ નીકળી ગયાં. થોડી કલાકો પછી શ્યામ બેનેગલનો પાછો ફોન આવ્યો – તાઈ, તમારી સમજાવટ કામ કરી ગઈ. સ્મિતાએ પરફેકટ શોટ આપ્યા છે. થેન્ક્યુ સો મચ!
‘ભુમિકા’ના જ બીજા એક શોટમાં સ્મિતાએ આઘાતથી સ્તબ્ધ થઈ જવાના એકસપ્રેશન આપવાના હતા. કોણ જાણે કેમ, એમનાથી ધાર્યા હાવભાવ ચહેરા પર આવતા જ નહોતા. એમણે કંટાળીને શ્યામ બેનેગલને કહી દૃીધું – સોરી, મારાથી આ નહીં જ થાય. શ્યામબાબુએ તોડ કાઢ્યો. એમણે સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાનીને કાનમાં કહ્યું – તું કેમેરા ચાલુ કરીને સ્મિતાના ફેસ પર ફોકસ કર, હું કંઈક કરું છું. આટલું કહીને શ્યામ બેનેગલ સ્મિતા પાસે ગયા અને એમના ગાલ પર જોરથી લાફો ઠોકી દૃીધો. સ્મિતા હેબતાઈ ગયાં! એમનો આ ચહેરો કેમેરામાં કંડારાઈ ગયો. શ્યામ બેનેગલે આનંદૃથી ચિલ્લાયા – કટ… કટ! બસ, મારે આ જ એકસપ્રેશન જોઈતા હતા!
સ્મિતાએ પછી ત્રણેક દિૃવસ સુધી તેમણે શ્યામ બેનેગલ સાથે વાત નહોતી કરી! જોકે પછી તે વર્ષે આ જ ફિલ્મ માટે સ્મિતાને બેસ્ટ એકટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો ને એ તદ્દન જ જુદૃી ભ્રમણકક્ષામાં મૂકાઈ ગયાં. અભિનય જ પોતાના માટે યોગ્ય ક્ષેત્ર છે અને મારે આ જ લાઈનમાં આગળ વધવાનું છે તે વાત સ્મિતાને ‘ભુમિકા’ પછી પૂરેપૂરી સમજાઈ.
એક પછી એક ફિલ્મો આવતી ગઈ. ‘મંડી’ (૧૯૮૩)માં શબાનાએ વેશ્યાવાડો ચલાવતી મેડમનો રોલ કર્યો, જ્યારે સ્મિતાએ ‘સ્ટાર-વેશ્યાનો કિરદૃાર નિભાવ્યો. શબાના ટ્રેઇન્ડ એકટ્રેસ અને પરફેકશનિસ્ટ હતાં, રાધર, છે. સામે પક્ષે, સ્મિતાએ અભિનયની કયારેય વિધિવત તાલીમ લીધી નહોતી એટલે તેઓ સ્પોન્ટેનિયસ અને ડિરેકટર્સ એકટ્રેસ હતાં. જોકે એમણે શબાનાના સંદૃર્ભમાં ક્યારેય લઘુતાગ્રંથિ અનુભવી નહોતી. તેમનો કોન્ફિડન્સ ગજબનો હતો. સામાન્ય સંજોગોમાં સાવ સાધારણ દેખાતાં સ્મિતા કેમરા ઓન થતાં સાવ જુદૃી જ સ્ત્રી બની જતાં.
કોણ જાણે કેમ સ્મિતાને હંમેશાં લાગતું કે પોતે લાંબું નહીં જીવે. એમનો અંદેશો સાચો પડ્યો. દૃીકરા પ્રતીકને જન્મ આપ્યા બાદૃ કોમ્પ્લીકેશન્સ થયાં ને બે જ વીક પછી, ૧૩ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ એમનું અવસાન થયું. સ્મિતાની આયુષ્યરેખા જો લાંબી હોત તો કોણ જાણે કેવા કેવા ચમત્કારો સર્જ્યા હોત. ‘નિશાંત’, ‘ભુમિકા’, ‘મંડી’ વગેરે જેવી સ્મિતાની આખેઆખી ઉત્તમ ફિલ્મો યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે. આવતી કાલે એમના બર્થડે પર આમાંનું કશુંક જોજો અને મનોમન એમને વિશ કરજો.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2016 )
Leave a Reply