ગાળ, સેક્સ અને ‘ન્યુ નૉર્મલ’
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 3- May 2-2-
મલ્ટિપ્લેક્સ
ગંદામાં ગંદી ગાળો હવે મેઇનસ્ટ્રીમ મનોરંજનનો ભાગ છે. ક્રમશઃ અર્ધ અને પૂર્ણ નગ્નતા પણ મેઇનસ્ટ્રીમ બનતી જવાની.
* * * * *
વીરુ ઉર્ફ ધર્મેન્દ્ર ગુસ્સાથી ફાટફાટ થઈ રહ્યો છે. જો એનું ચાલે તો એ ગબ્બરસિંહને જીવતો ચીરી નાખે, પણ એ લાચાર છે. આથી પોતાનો લાવા જેવો ક્રોધ તે આ રીતે વ્યક્ત કરે છેઃ
‘કૂત્તે… કમીને… મૈં તેરા ખૂન પી જાઉંગા…’
બસ, આટલું જ. આજથી 45 વર્ષ પહેલાં આવેલી ‘શોલે’ ફિલ્મનો આ સીન છે. અગાઉ હિન્દી ફિલ્મોમાં પુરુષો સખ્ખત મારપીટ કરતા હોય તો પણ એમના ક્રોધની શાબ્દિક અભિવ્યક્તિ કૂત્તે, કમીને, હરામી અને ગંદી નાલી કે કીડે પર અટકી જતી. ઇવન સડકછાપ ટપોરીઓના મોઢેથી ગાળ ન નીકળતી. આજે આપણે આ ફિલ્મો જોઈએ ત્યારે થાય કે આહા, કેવા સંસ્કારી પુરુષો છે!
…અને પછી તમે કમ્પ્યુટર કે મોબાઇલ પર ભારતના સૌથી લોકપ્રિય યુટ્યુર્સમાં સ્થાન પામતા કૅરી મિનાટી, આશીષ ચંચલાની કે બીબી કી વાઇન્સ (ભુવન બામ)નો કોઈ પણ વિડીયો ચાલુ કરો છો. અહીં ત્રિઅક્ષરી, ચતુરાક્ષરી કે પંચાક્ષરી ગાળોનો મુશળધાર વરસાદ વરસે છે. વાતે-વાતે ને વાક્યે-વાક્યે મા-બહેનની ગાળો, પ્રાંત-પ્રાંતની ગાળો, જિંદગીમાં ક્યારેય સાંભળી ન હોય તેવી અવનવી, ગ્રાફિકલ ને ‘ક્રિયેટિવ’ ગાળોની અહીં રેલમછેમ છે. એક સમય હતો જ્યારે ફિલ્મમાં જરાક અમથો અભદ્ર શબ્દપ્રયોગ થયો હોય તો પબ્લિક અને મિડીયા ‘અશ્લીલ… અશ્લીલ’ કરીને કાગારોળ મચાવી મૂકતાં. તે ‘ઑફલાઇન’ મનોરંજનનો યુગ હતો. આજના ઓનલાઇન કોન્ટેન્ટની ડિક્શનરીમાં ‘અશ્લીલ’ કે ‘બીભત્સ’ જેવા શબ્દો જ નથી. યુટ્યુબની ચેનલો હોય, સ્ટેન્ડ-અપ કોમેડી હોય કે ‘પાતાળલોક’ અને ‘મિરઝાપુર’ જેવા વેબ શોઝ હોય, અહીં બધું જ બોલી શકાય છે, બધું જ દેખાડી શકાય છે. અહીં બધું જ સ્વીકાર્ય છે. અભદ્રતા, અસંસ્કાર.. એ વળી શું? એક સમયે જે સાંભળીને શાલીન લોકોના કાનમાંથી કીડા ખરી પડતા હતા તે ગંદામાં ગંદી ગાળો હવે મેઇનસ્ટ્રીમ મનોરંજનનો ભાગ છે. આ ગાળો સાંભળીને હવે કોઈના પેટનું પાણી પણ હલતું નથી. ગાળો હવે ‘ન્યુ નૉર્મલ’ છે!
ગાળ બોલવી જેમના માટે કોઈ ઈશ્યુ જ નથી તેવા આ યુટ્યુબર્સ અને સ્ટેન્ડ-અપ કોમેડીઅન્સ આજના સ્ટાર્સ છે, રોલ મોડલ છે. તેમને દેશ-વિદેશમાં શોઝ માટે, હાઇ પ્રોફાઇલ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે આમંત્રણો મળે છે. ભુવન બામ જેવો યુટ્યુબર ગ્લોસી અંગ્રેજી મૅગેઝિનોનાં કવરપેજ પર ચમકે છે. વિશ્વકક્ષાના ફિલ્મી હસ્તીઓના ઇન્ટરવ્યુ કરતાં અનુપમા ચોપડા અને રાજીવ મસંદ જેવાં ટોચનાં એન્ટરટેઇનમેન્ટ જર્નલિસ્ટ્સ ભુવન બામને પણ એટલા જ માનપાન આપે છે ને શોખથી એમની લાંબી મુલાકાતો લઈ પોતાની ચેનલો પર અપલોડ છે. ટોચના યુટ્યુબર્સના વિડીયોઝને લાખો-કરોડો વ્યુઝ મળે છે એટલે શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સ સુધ્ધાં પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા આ યુટ્યુબર્સની ચેનલો પર હોંશે હોંશે પહોંચી જાય છે. જુદી જુદી કંપનીઓ સૌથી પોપ્યુલર યુટ્યુબર્સ સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લાખો રૂપિયાની ડીલ કરે છે. આ બધા માત્ર યુટ્યુબર કે સ્ટેન્ડ-અપ કોમેડીઅન નથી, તેઓ ‘ઇન્ફ્લુઅર્સ’ પણ છે, તેઓ લોકોનો અભિપ્રાય ઘડે છે, ઑડિયન્સ પર તેમના કોન્ટેન્ટનો પ્રભાવ પડે છે. સહજપણે પણ અતીશય ગાળો બોલતા સફળ યુટ્યુબર્સ અને સ્ટેન્ડ-અપ કોમેડીઅનનું સેલિબ્રિટી હોવું તે આજનું ‘ન્યુ નૉર્મલ’ છે.
હજુ થોડાં વર્ષ પહેલાં સુધી હીરો અને હિરોઈન સ્ક્રીન પર ચુંબન કરતાં તો હોબાળો મચી જતો. છાપાં-મૅગેઝિનોમાં દિવસોના દિવસો સુધી તેની ચર્ચા થતી. પાંચ-દસ સેકન્ડનો એક કિસિંગ સીન જાણે લોહચુંબકની જેમ પ્રેક્ષકોને ખેંચી લાવવાનો હોય તેમ ફિલ્મમેકરો આ દશ્ય ફરતે પુષ્કળ હાઇપ ઊભી કરતા. આજે નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, મેક્સપ્લેયર જેવા ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર મૂકાતા ઇન્ડિયન વેબ શોઝમાં સેક્સનાં દશ્યોની ભરમાર હોય છે. ચુંબન ભૂલી જાઓ, હવે સંભોગસૂચક દશ્યો પણ કૉમન બની રહ્યાં છે. સેક્સનાં ઉત્કટ દશ્યો હવે ‘ન્યુ નૉર્મલ’ છે.
જે પશ્ચિમની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં થાય છે તે વહેલામોડું આપણે ત્યાં થવાનું જ છે. હોલિવુડની ફિલ્મોમાં ‘એફ-વર્ડ’ છૂટથી બોલાતો જોઈને એક સમયે આપણે ત્યાં લોકોને હેરત થતી. ખાસ હીરો-હિરોઈનને છૂટથી રોમાન્સ કરતાં જોવા લોકો ફોરેનની ફિલ્મો જોતાં. અમુક અપવાદને બાદ કરતાં આજનાં આપણા લગભગ તમામ હીરો-હિરોઈનોને સ્ક્રીન પર કિસિંગથી માંડીને માપસરનો રોમાન્સ કરવામાં કશો છોછ નથી. નગ્નતાના મામલામાં, અફ કોર્સ, ડિજિટલ કોન્ટેન્ટ ઘણું આગળ છે. આજે ‘સેક્રેડ ગેમ્સ’ જેવા ભારતીય શોમાં નાયિકા કૅમેરા સામે પોતાનાં સ્તનોને સંપૂર્ણપણે નિર્વસ્ત્ર કરી શકે છે. થોડો સમય જવા દો. નાની અને મોટી સ્ક્રીન પર ક્રમશઃ અર્ધ નગ્નતા અને પૂર્ણ નગ્નતા પણ ‘ન્યુ નૉર્મલ’ ગણાવા લાગશે.
પરિવર્તનોને રોકી શકાતાં નથી. નૈતિકતાની ફૂટપટ્ટી, મનોરંજનની વ્યાખ્યા, શું સ્વીકાર્ય છે ને શું અસ્વીકાર્ય છે એના માપદંડો, શૉક વેલ્યુની તીવ્રતા – આ બધું જ સમયની સાથે બદલાય છે. આપણે ફક્ત સ્વીકારી લેવું પડે છે. સારું કે નરસું બધું જ મને-કમને સ્વીકારી લેવું તે પણ કદાચ ‘ન્યુ નૉર્મલ’નું જ એક સ્વરૂપ છે!
– Shishir Ramavat
Leave a Reply