સ્ટોરી છાપો… પછી ભલે જે થવું હોય તે થાય!
Sandesh – Sanskar Purti – January 21, 2018
મલ્ટિપ્લેક્સ
ફિલ્મનો સ્ટોરી-આઇડિયા સાંભળવો, અફલાતૂન કાસ્ટિંગ કરવું, તડામાર તૈયારીઓ આરંભવી, શૂટિંગ કરવું, પોસ્ટ પ્રોડક્શન પતાવવું અને આ રીતે ‘ધ પોસ્ટ’ જેવી વર્લ્ડ-કલાસ ફ્લ્મિ તૈયાર કરીને ધામધૂમથી રિલીઝ પણ કરી દેવી – આ આ બધું નવ જ મહિનાની અંદર શક્ય છે? જો તમે સ્ટીવન સ્પિલબર્ગ હો તો બિલકુલ શક્ય છે!
* * * * *
The Post- Steven Spielberg (center) with Meryk Streep and Tom Hanks
૯ ઓસ્કર એવોર્ડ્ઝ અને ૪૦ ઓસ્કર નોમિનેશન્સ.
હજુ થોડા દિવસો પહેલાં જ રિલીઝ થયેલી હોલિવૂડની ફ્લ્મિ ‘ધ પોસ્ટ’ તમે જોતા હો ત્યારે તમારા મનના એક ખૂણામાં આ આંકડા ઉછળકૂદ કર્યા કરે છે. મનના બેકગ્રાઉન્ડમાં ‘…એન્ડ ઓસ્કર ગોઝ ટુ’વાળી ઘોષણા પછી વાગતું પેલું ‘ઢેન્ટેંણેંએએએ….’ ટાઇપનું ભવ્ય સંગીત ગૂંજતું રહે તે પણ શકય છે. કારણ સાદું છે. ‘ધ પોસ્ટ’ના નાયક ટોમ હેન્ક્સ છે, નાયિકા મેરીલ સ્ટ્રીપ છે, ડિરેકટર સ્ટીવન સ્પિલબર્ગ છે અને હોલિવૂડનાં આ ત્રણેય મહારથીઓએ સાથે મળીને અત્યાર સુધીમાં ટોટલ નવ ઓસ્કર એવોર્ડ્ઝ ઘર ભેગાં કરી નાખ્યા છે. ત્રણ મેરિલના, બે ટોમ હેનક્સના અને બે સ્પિલબર્ગના. આ ઉપરાંત ત્રણેયના મળીને કુલ 40 ઓસ્કર નોમિનેશન્સ તો લટકામાં!
ઉત્તેજના તો ‘ધ પોસ્ટ’ની ઘોષણા થઈ ત્યારથી જ ફેલાવા માંડી હતી. સ્પિલબર્ગ અને ટોમ હેન્ક્સ અગાઉ ચાર ફ્લ્મિોમાં સાથે કામ કરી ચૂકયા હતા (‘સેવિંગ પ્રાઇવેટ રાયન’, ‘ધ ટર્મિનલ’, ‘કેચ મી ઇફ્ યુ કેન, ‘બ્રિજ ઓફ્ સ્પાઇઝ’), પણ સ્પિલબર્ગ અને મેરીલ સ્ટ્રીપે કયારેય સાથે કામ નહોતું કર્યું. તે જ પ્રમાણે ટોમ હેન્ક્સ અને મેરીલ સ્ટ્રીપ પણ કયારેય સ્ક્રીન પર સાથે દેખાયાં નહોતાં. સ્પિલબર્ગ-ટોમ-મેરીલનું ખતરનાક કોમ્બિનેશન જોઈને સિનેમાના રસિયાઓના થનગનાટનો પાર નહોતો રહૃાો. સૌથી મજાની વાત તો આ છેઃ ફ્લ્મિ અપેક્ષા અને હાઇપ બંનેને સરસ રીતે સંતોષે છે.
શું છે ‘ધ પોસ્ટ’માં? સૌથી પહેલાં તો ‘ધ પોસ્ટ’ એટલે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’, અમેરિકાના સૌથી સફ્ળ અને સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાંનું એક. આ ફ્લ્મિ સત્યઘટના પર આધારિત પોલિટિકલ-કમ-જર્નલિસ્ટિક ડ્રામા છે. પત્રકારત્વ કેન્દ્રમાં હોય એવી ‘સિટીઝન કેન’, ‘ધ ઇનસાઇડર’, ‘ઓલ ધ પ્રેસિડન્ટ્સ મેન’, ‘સ્પોટલાઇટ’ વગેરે જેવી ફ્લ્મિો આપણે અગાઉ જોઈ ચૂકયા છીએ. ‘ધ પોસ્ટ’માં પેન્ટાગોન પેપર્સ તરીકે કુખ્યાત થયેલા અને અમેરિકન સરકારે કરેલી ભયંકર ભૂલો, છબરડા અને જૂઠાણાં વિશે વટાણા વેરી નાખતા હજારો પાનાંમાં ફેલાયેલાં અત્યંત ખાનગી ડોકયુમેન્ટ્સ કેન્દ્રમાં છે.
૧૯૫૫થી ૧૯૭૫ સુધી ચાલેલું વિયેતનામ વોર અમેરિકાને બહુ મોંઘું પડયું હતું. આ યુદ્ધમાં ૫૮ હજાર કરતાં વધારે અમેરિકન સૈનિકોએ જીવ ખોયો હતો. જો અમેરિકા વટમાં રહૃાું ન હોત, પોતાને જ તમાચા મારીને ગાલ લાલ રાખવાની નીતિને વેળાસર તિલાંજલિ આપી દીધી હોત તો કેટલાય સૈનિકોનો જીવ બચી ગયો અને દેશની તિજોરીને ઘા પર ઘા ન પડ્યા હોત. અમેરિકન પ્રશાસને આ વર્ષોમાં જે કંઈ ગોબાચારી કરી હતી એનું વિગતે વર્ણન કરતા અતિ સંવેદનશીલ અને કોન્ફ્ડિેન્શિયલ ડોકયુમેન્ટ્સ સૌથી પહેલાં ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અને પછી ‘ઘ વોશિંગ્ટન પોસ્ટ’ના હાથમાં આવ્યા.
ફ્લ્મિની સ્ટોરી એવી છે કે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ની પ્રકાશક કેથરિન ગ્રેહામ (મેરીલ સ્ટ્રીપ) ધર્મસંકટમાં મૂકાઈ ગઈ છે. એ છાપાની માલિકણ ખરી, પણ એની પાસે નથી પત્રકારત્વનો મિજાજ કે નથી એવી કોઈ તાલીમ. એના પિતાજીએ આ છાપું શરૂ કરેલું અને એનો હસબન્ડ સસરાજીનો ઉત્તરાધિકારી બન્યો. કોઈક કારણસર હસબન્ડ આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો ને આખા છાપાની જવાબદારી કેથરિન પર આવી પડી. આત્મવિશ્વાસનો અભાવ હોવાથી કેથરિન મોટેભાગે તો આસપાસના પુરુષો જે કંઈ કહે એ પ્રમાણે કરતી રહે છે. આ પુરુષોમાં ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના બાહોશ એડિટર-ઇન-ચીફ્ બેન બ્રેડલી (ટોમ હેન્ક્સ) પણ આવી ગયા. હજુ હમણાં જ કેથરિને ઇનિશિયલ પબ્લિક ઓફ્રિંગ (આઇપીઓ) લાવીને કંપનીને આર્થિક રીતે પગભગ બનાવવાની તજવીજ કરી હતી ને ત્યાં પેન્ટાગોન પેપર્સની મોકાણ શરૂ થઈ.
કેથરિને નિર્ણય લેવાનો છે કે પેન્ટાગોન પેપર્સના આધારે તૈયાર થયેલા સનસનાટીપૂર્ણ અહેવાલ પોતાના છાપામાં છાપવો કે ન છાપવો? અહેવાલ છપાય તો અમેરિકામાં ધમાલ મચી જાય તે નિશ્ચિત છે. તત્કાલીન પ્રેસિડન્ટ નિક્સને ખાનગી સરકારી દસ્તાવેજોને જાહેર કરી નાખવાના ‘ગુના’ બદલ કાનૂની પગલાં ભરીને ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ને ઓલરેડી ચૂપ કરી નાખ્યું હતું. પત્રકારત્વનો ધર્મ કહે છે કે સરકારે કરેલી ગોબાચારીની વિગતો જનતા સામે આવવી જ જોઈએ, પણ ધારો કે કોર્ટમાં પહોંચી ચૂકેલા આ કેસનો ચુકાદો અખબારોની વિરુદ્ધ આવ્યો તો જેલભેગા થવંુ પડે ને કેથરિનની આખી કંપની પડી ભાંગે.
કેથરિન આખરે નીડર બનીને નિર્ણય લે છેઃ સ્ટોરી છાપો. પછી ભલે જે થવું હોય તે થાય! ફ્રન્ટ પેજ સ્ટોરી છપાય છે. અમેરિકાનાં બીજાં છાપાં પણ હિંમતભેર આ સ્ટોરીનું ફેલો-અપ કરીને જાણે કે કેથરિન અને બ્રેડલીની પડખે ઊભાં રહે છે. આખરે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છેઃ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’નું કૃત્ય ગેરકાનૂની નથી. એમણે જે કર્યું છે તે એમનો પત્રકારત્વસિદ્ધ અધિકાર છે. આ જ તો અખબારી સ્વાતંત્ર્ય છે! પેન્ટાગોન પેપર્સની સ્ટોરી ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ને એક જુદી જ ભ્રમણકક્ષામાં મૂકી દે છે. પછી તો બહુ જ વગોવાયેલું વોટરગેટ કૌભાંડ પણ આ જ અખબાર બહાર પાડે છે જેના પરિણામે પ્રેસિડન્ટ નિકસને રાજીનામું આપવું પડે છે.
આ ફ્લ્મિની કથા પાછળની કથા પણ ઇન્ટરેસ્ટિંગ છે. પોતે આવી કોઈ ફ્લ્મિ બનાવવાના છે એની હજુ ગયા ફેબ્રુઆરી સુધી સ્ટીવન સ્પિલબર્ગને કલ્પના સુદ્ધાં નહોતી. એક બાજુ એમની ‘રેડી પ્લેયર વન’ નામની સાયન્સ ફ્કિશનનું પોસ્ટ પ્રોડકશન ચાલી રહૃાું હતું (આ ફ્લ્મિ ૩૦ માર્ચે રિલીઝ થવાની છે) અને બીજી બાજુ તેમણે ‘ધ કિડનેપિંગ ઓફ્ એડગાર્ડો મોર્ટારા’ નામની આગામી ફ્લ્મિની તૈયારીઓ આંરંભી દીધી હતી. વાસ્તવમાં ‘ધ કિડનેપિંગ…’ની વાર્તા એમના મનમાં છ વર્ષથી ઘુમરાતી હતી, સ્ક્રિપ્ટિંગ પણ લગભગ પૂરું થઈ ગયું હતું. ફ્કત મુખ્ય કિરદાર માટે છ વર્ષના બાળકલાકારને ફાયનલાઈઝ કરવાનો બાકી હતો. સ્પિલબર્ગે લગભગ ત્રણ હજાર બાળકલાકારોનાં ઓડિશન્સની ટેપ જોઈ કાઢી, પણ એક પણ ટાબરિયો એમના મનમાં વસ્યો નહીં. આખી ફ્લ્મિ આ ચાઇલ્ડ આર્ટિસ્ટના ખભા પર ઊભી હોવાથી એની પસંદગીમાં બાંધછોડ કરવાનો સવાલ જ ઊભો થતો નહોતો.
શૂટિંગ શરૂ થવાને હવે થોડા અઠવાડિયા જ બાકી રહૃાા હતા. દરમિયાન સ્પિલબર્ગ પર એમના એજન્ટનો ફોન આવ્યોઃ હું તમને એક સ્ક્રિપ્ટ મોકલું છું. પેન્ટાગોન પેપર્સની થીમ છે, સરસ છે. સમય મળે ત્યારે નજર ફેરવી લેજો. માત્ર ધ્યાન અન્યત્ર પરોવવાના આશયથી સ્પિલબર્ગે સ્કિપ્ટ હાથમાં લીધી. વાંચતાની સાથે જ તેઓ ગેલમાં આવી ગયા. એમણે પોતાના કો-પ્રોડયૂસરને કહૃાું- હું ‘ધ કિડનેપિંગ…’નું શૂટિંગ કેન્સલ કરી રહૃાો છું અને એને બદલે રાતોરાત એક નવી ફ્લ્મિ પર કામકાજ શરૂ કરી રહૃાો છું… અને હા, આ ફ્લ્મિ કોઈપણ ભોગે આ જ વર્ષે (એટલે કે ૨૦૧૭માં જ) રિલીઝ થઈ જવી જોઈએ!
સ્પિલબર્ગની ઉત્તેજના સમજી શકાય એવી હતી. પેન્ટાગોન પેપર્સની વાર્તા આજના સમયમાં પણ પહેલાં એટલી જ, રાધર પહેલાં કરતાંય વધારે રિલેવન્ટ છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલ્લેઆમ મીડિયા સામે કિન્નાખોરી રાખે છે તે આખી દુનિયા જાણે છે. ફ્રીડમ ઓફ્ પ્રેસ પર આખી દુનિયામાં અવારનવાર ઘા થતા રહે છે. અલબત્ત, વાંકમાં માત્ર સત્તાધારીઓ જ નથી. મીડિયાની ખુદની વિશ્વસનીયતા પણ સતત ઝંખવાઈ રહી છે. પેઇડ મીડિયા (એટલે કે યોગ્યતા કે સચ્ચાઈની પરવા કર્યા વગર પૈસા લઈને કંઈપણ છાપી આપતું કે નાણાં લઈને સાચી માહિતી દબાવી દેતું ધંધાદારી મીડિયા)નો ઉપાડો વધી ગયો છે. જાણે પત્રકારત્વના પવિત્ર સિદ્ધાંતો અને આદર્શો જાણે ભૂતકાળની કે નકામી વાત હોય એવો માહોલ ઊભો થવા માંડ્યો છે. આવી સ્થિતિમાં આ ફ્લ્મિ કાળાડિબાંગ આકાશમાં ચમકતી વીજળી જેવી અસર ઊભી કરી શકે. સો મણનો સવાલ એ હતો કે શું ગણતરીના મહિનાઓમાં આવી મહત્ત્વના વિષય પર ફ્લ્મિ બનાવીને રિલીઝ કરવું પ્રેક્ટિકલી શક્ય છે?
સ્પિલબર્ગે પોતાની ટીમની મેરેથોન મિટિંગ બોલાવી. લાંબી ચર્ચાને અંતે તારણ નીકળ્યું કે જો યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે તો આ શકય છે!
ફ્લ્મિની લેખિકા લિઝ હાનાએ આ સ્ટોરી મેરીલ સ્ટ્રીપને ઓલરેડી સંભળાવી દીધી હતી. મેરીલ તૈયાર હતાં એટલે સ્ટીવન સ્પિલબર્ગને જાણે ગોળનું ગાડું મળી ગયું. એમણે પોતાના જુના સાથી ટોમ હેન્કસનો સંપર્ક કર્યો. એમણે ફ્ટાક કરતી હા પાડી દીધી. સ્ટીવન સ્પિલબર્ગના ડિરેકશનમાં મેરીલ સ્ટ્રિપ સાથે કામ કરવાની તક કેવી રીતે જતી કરાય?
સ્પિલબર્ગે બંને મુખ્ય કલાકારોને હોમવર્કના ભાગરૂપે આ બે પુસ્તકો પકડાવી દીધાં. એક તો સ્વર્ગસ્થ કેથરિન ગ્રેહામની આત્મકથા ‘પર્સનલ હિસ્ટરી’ અને બીજું બેન બ્રેડલીનું પુસ્તક ‘અ ગુડ લાઇફ્ઃ ન્યૂઝપેપરિંગ એન્ડ અધર એડવન્ચર્સ’. મેરિલે પોતાની રીતે પણ સારું એવું રિસર્ચ કર્યું. કેથરિનને આત્મકથા લખવામાં મદદ કરનાર એવલિન સ્મોલ નામની લેખિકા સાથે એમણે કેટલીય બેઠકો કરીને કેથરિન કેવી વ્યકિત હતી એ વિગતે જાણ્યું. ‘પર્સનલ હિસ્ટરી’નું ઓડિયો વર્ઝન પણ ઉપલબ્ધ હતું, જે મેરિલે રિવાઇન્ડ કરી કરીને કેટલીય વાર સાંભળ્યું.
સ્ક્રિપ્ટમાં સુધારાવધારા કરવાનું કામ શરૂ થયું. ૨૦૧૫ની ઓસ્કર સીઝનમાં ખૂબ ગાજેલી જર્નલિઝમના થીમવાળી ‘સ્પોટલાઇટ’ ફિલ્મના લેખક જોશ સિંગરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. સ્ટીવન સ્પિલબર્ગ એક વાતે બિલકુલ સ્પષ્ટ હતા કે મારે આ ફ્લ્મિને સસ્પેન્સ ડ્રામાની જેમ ટ્રીટ કરવી છે. ગુંડાની પાછળ પોલીસ પડી હોય ને જે રીતે દિલધડક દ્રશ્યો સર્જાય બસ એવી જ રીતે આ ફ્લ્મિમાં પત્રકારોની ચેઝ સિકવન્સ હોય એવી થ્રિલ ઊભી થવી જોઈએ.
ન્યૂયોર્કમાં જ એક જૂની બિલ્ડિંગમાં ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’નો સેટ ઊભો કરવામાં આવ્યો. હવે સિત્તેરના દાયકમાં પ્રેસમાં વપરાતા લિનોટાઇપ મશીનો શોધવાના હતા. ફ્લ્મિના પ્રોડકશન ડિઝાઈનર સાચુકલા મશીનો શોધવા માટે અડધું અમેરિકા ખૂંદી વળ્યા, પણ મશીન આખરે ન્યૂયોર્કમાંથી, જે જગ્યાએ સેટ લગાવવામાં આવ્યો હતો એનાથી છેટે ત્રીજી જ બિલ્ડિંગમાંથી મળી ગયાં. કાંખમાં છોકરું ને ગામમાં ઘમાઘમ તે આનું નામ!
પ્રિ-પ્રોડક્શનનું કામ બાર અઠવાડિયાં ચાલ્યું. ૩૦ મેએ શરૂ કરવામાં આવેલું શૂટિંગ માત્ર સાઠ જ દિવસમાં, જુલાઇની ૨૮ તારીખે, પૂરું પણ થઈ ગયું. ૬ નવેમ્બરે સાઉન્ડ મિકિંસગ સાથેનો ફયનલ કટ તૈયાર થયો ને અઠવાડિયા પછી, ૧૩ નવેમ્બરે ફ્લ્મિ અમેરિકાના લિમિટેડ થિયેટરોમાં રિલીઝ કરી દેવામાં આવી. એક વર્લ્ડ-કલાસ ફ્લ્મિનો આઇડિયા સાંભળવાથી શરૂ કરીને, ફ્લ્મિ બનાવીને રિલીઝ કરવામાં સ્પિલબર્ગે પૂરા નવ મહિના પણ ન લીધા!
મિડીયા અને સત્તાધારી વચ્ચેની તલવારબાજીમાં રસ પડતો હોય અથવા તો સ્પિલબર્ગ, ટોમ હેન્કસ કે મેરીલ સ્ટ્રીપ આ ત્રણેયના યા તો ત્રણમાંથી કોઈ એકના પણ ફેન હો તો ‘ધ પોસ્ટ’ જરૂર જોજો. જલસો પડશે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2018 )
Leave a Reply