Sun-Temple-Baanner

આંધી ઓસ્કરની!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


આંધી ઓસ્કરની!


આંધી ઓસ્કરની!

સંદેશ – સંસ્કાર પૂર્તિ – 11 ફેબ્રુઆરી 2018 માટે

મલ્ટિપ્લેક્સ

આ વખતની ઓસ્કરની રેસમાં બેસ્ટ પિક્ચરનું નોમિનેશન મેળવનારી ફિલ્મોમાં ઇતિહાસપુરુષથી અર્ધમાનવ સુધીનું અને માથાભારે મા-દીકરીથી લઈને ગે લવર્સના પ્રેમસંબંધ સુધીનું ભરપૂર વૈવિધ્ય છે.

* * * * *

ઓસ્કર સિઝન મસ્ત જામી ચુકી છે. ચોથી માર્ચે ઝાકઝમાળભર્યા ફંક્શનમાં ઢેન્ટેણેએએએ… કરતા વિજેતાઓનાં નામ અનાઉન્સ થાય તે પહેલાં આદર્શ રીતે તો સિનેમાલવરોએ ખૂબ ગાજેલી તમામ ઓસ્કર મૂવીઝ જોઈ કાઢવી જોઈએ. આવું દર વખતે પ્રેક્ટિકલી હંમેશાં શક્ય બનતું નથી એનું એક કારણ એ પણ હોય છે કે અમુક ઓસ્કર મુવીઝ ભારતમાં રિલીઝ જ થઈ હોતી નથી. ખેર, આજે આપણે આ વખતની બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં સ્થાન પામેલી ફિલ્મોની ઝલક મેળવીએ. કુલ નવમાંથી બે ફિલ્મો – ‘ધ પોસ્ટ’ અને ‘ડાર્કેસ્ટ અવર’ (અનુક્રમે બે અને છ નોમિનેશન્સ) વિશે આપણે આ કોલમમાં અગાઉ વિસ્તારથી વાત કરી ચુક્યા છીએ. આજે બાકીની ફિલ્મોનો વારો.

ધ શેપ ઓફ વોટર :

આ ઓસ્કર સિઝનમાં સૌથી વધારે નોમિનેશન્સ મેળવનાર કોઈ ફિલ્મ હોય તો એ છે, ‘ધ શેપ ઓફ વોટર’. બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટર, સપોર્ટિંગ એક્ટ્રેસ, ઓરિજિનલ સ્ક્રીનપ્લે સહિતની તેર-તેર કેટેગરીમાં તેણે નામ નોંધાવ્યું છે. મસ્ત સ્ટોરી છે ‘ધ શેપ ઓફ વોટર’ની. આને તમે ફેન્ટસી ફિલ્મ પણ કહી શકો અને લવસ્ટોરી પણ કહી શકો.

એલિસા (સેલી હોકિન્સ) નામની એક મૂંગી યુવતી છે. 1960ના દાયકામાં અમેરિકન સરકારની એક ગુપ્ત લેબોરેટરીમાં એ ટોઇલેટ-બાથરૂમ ચોખ્ખાં રાખનાર સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. એલિસાને ખબર પડે છે કે લેબોરેટરીની એક ટાંકીમાં એક ઉભયજીવી હ્યુમનોઇડને દુનિયાથી છુપાવીને રાખવામાં આવ્યો છે. હ્યુમનોઇડ એટલે અર્ધમાનવ અથવા માણસ જેવો દેખાતો જીવ. ઉભયજીવી એટલે જે પાણી અને જમીન એમ બન્ને જગ્યાએ રહી શકે તે. ઉત્સુક એલિસા ગુપચુપ આ અર્ધમાનવને મળતી રહે છે. બન્ને વચ્ચે મૈત્રીભર્યો હૂંફાળો સંબંધ વિકસે છે. એલિસાને સૌથી વધારે એ વાત ગમે છે કે આ અર્ધમાનવ એને જેવી છે એવી સ્વીકારે છે. એલિકા ખોડખાંપણવાળી છે, મૂંગી છે એ વાતનું એને કોઈ મહત્ત્વ નથી.

અમેરિકન સરકાર સ્પેસ સાયન્સમાં બીજા દેશો કરતાં આગળ નીકળી જવા ઘાંઘી બની છે એટલે લેબોરેટરીના સાહેબો સ્પેસ સાયન્સને લગતા કેટલાક ખતરનાક અખતરા આ અર્ધમાનવ પર કરવા માગે છે. એમાં એનો જીવ જઈ શકે છે. એલિસા અર્ધમાનવનો જીવ બચાવીને એને નજીકની કોઈ કેનાલમાં વહાવી દેવા માગે છે. બસ, પછી બન્ને છાવણી વચ્ચે ધમાચકડી મચે છે. ફિલ્મના હેપી એન્ડમાં જાલિમ જમાના સામે પ્રેમની જીત થાય છે ને એલિસા અને અર્ધમાનવ ખાઈ-પીને મોજ કરે છે.

આ હ્યદયસ્પર્શી ફિલ્મનું માત્ર ટ્રેલર જોઈને જ જો જલસો પડી જતો હોય તો વિચારો કે આખેઆખી ફિલ્મ જોવાની કેવી મોજ પડશે.

ફેન્ટમ થ્રેડઃ

ટાઇટલમાં ‘ફેન્ટમ’ શબ્દ છે એટલે આ પેલા બુકાનીધારી સુપરહીરોની ફિલ્મ હશે એવું ભુલેચુકેય ન માનવું. હા, આ ફિલ્મના મુખ્ય અભિનેતા ડેનિયલ ડે-લેવિસને સિનેમાજગતમાં સૌ કોઈ જરુર સુપર એક્ટર તરીકે જરૂર સ્વીકારે છે. પૃથ્વીના પટ પર આ એક જ એવો એભિનેતા છે જેણે ત્રણ-ત્રણ વખત બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી લીધો હોય. આ ફિલ્મનું મહત્ત્વ એટલા માટે પણ છે કે ડેનિયલ ડે-લેવિસે ‘ફેન્ટમ થ્રેડ’ પછી એક્ટર તરીકે ક્ષેત્રસંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. આમ, ટેક્નિકલી ડેનિયલ ડે-લેવિસની અભિનેતા તરીકેની આ અંતિમ ફિલ્મ છે.

શું છે ‘ફેન્ટમ થ્રેડ’માં? 1950ના દાયકાનું લંડન છે. બ્રિટીશ હાઇ સોસાયટીમાં રેનોલ્ડ્ઝ વૂડકોક નામના ફેશન ડિઝાઇનરની ભારે બોલબાલા છે. કોઈ પણ જિનીયસ માણસની માફક રેનોલ્ડ્ઝ પણ તરંગી છે. સામેની વ્યક્તિ પર આધિપત્ય જમાવવાનો એમનો સ્વભાવ છે. એની બહેન એનું રોજિંદુ કામકાજ સંભાળે છે. રેનોલ્ડ્ઝના જીવનમાં આલ્મા નામની એના કરતાં ઉંમરમાં ઘણી નાની એવી યુવતી આવે છે. આલ્મા આમ તો વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી, પણ હવે એ રેનોલ્ડ્ઝની ‘મ્યુઝ’ એટલે કે પ્રેરણામૂર્તિ બની ગઈ છે. કોઈપણ ટિપિકલ પ્રેમસંબંધની જેમ શરૂઆતમાં બન્ને વચ્ચે બધું સરસ ચાલે છે, પણ પછી ચણભણ એટલી વધે છે કે પરિસ્થિતિ વિસ્ફોટક બની જાય છે. ખેર, આખરે બન્નેને ભાન થાય છે કે આપણી વચ્ચે ભલે ગમે તેટલી તૂ-તૂ-મૈં-મૈં થાય, પણ આપણો એકબીજા પ્રત્યેનો મૂળભૂત પ્રેમ એટલો મજબૂત છે કે આપણે કોઈ પણ કટોકટીને પહોંચી વળીશું.

‘ફેન્ટમ થ્રેડ’ ભલે અમુક લોકોને ધીમી લાગતી હોય, પણ ઓસ્કરની રેસમાં એ ખાસ્સી આગળ છે. એને છ નોમિનેશન્સ મળ્યાં છે- બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટર, સપોર્ટિંગ એક્ટ્રેસ (લેસ્લી મેનવિલ, જે બહેનનું કિરદાર નિભાવે છે), ઓરિજીનલ સ્કોર અને કોસ્ચ્યુમ ડિઝાઇન. ડેનિયલ ડે-લેવિસને ચોથો ઓસ્કર જીતવાની શક્યતા આમ તો પાંખી છે, કેમ કે ‘ડાર્કેસ્ટ અવર’માં ગેરી ઓલ્ડમેને વધારે મોટી કમાલ કરી છે. છતાંય અવોર્ડ્ઝના મામલામાં… યુ નેવર નો!

લેડી બર્ડઃ

‘બર્ડમેન’ (2014) નામની અફલાતૂન ઓસ્કર મૂવી આપણા મનમાં એવી ને એવી તાજી છે ત્યાં આ વખતે ‘લેડી બર્ડ’ ઓસ્કરની રેસમાં ઉતરી છે. આ ફિલ્મમાં એક માથાભારે ટીનેજ છોકરી (સેર્શો રોનાન) અને ખાસ કરીને એની મા વચ્ચેના વણસી ગયેલા સંબંધની વાત છે. છોકરીનું ખરું નામ તો ક્રિસ્ટીન છે, પણ વિદ્રોહના ભાગરુપે એ ખુદને લેડી બર્ડ કહીને બોલાવે છે. જુવાની ફૂટી રહી હોય એવી ઉંમરે અમરિકન સમાજમાં, કે ફોર ધેટ મેટર, કોઈ પણ મુક્ત સમાજમાં, છોકરાછોકરીઓ એક રિલેશનશિપમાંથી બીજી રિલેશનશિપમાં ભુસકા મારતા રહેતાં હોય છે. લેડી બર્ડનું પણ એવું જ છે. ખૂબ બધું બને છે એની લાઇફમાં. અઢારમા વર્ષે કાયદેસર રીતે ‘પુખ્ત’ બનતાં જ એ ઘર છોડીને ન્યુ યોર્ક જતી રહે છે. અહીં એના હાથમાં મમ્મીએ લખેલા કેટલાક પત્રો હાથ લાગે છે. એને ભાન થાય છે કે જે માને હું નિષ્ઠુર કે વધારે પડતી કડક ગણતી હતી એ મા વાસ્તવમાં કેટલી સંવેદનશીલ છે. આખરે છોકરીમાં મોડી તો મોડી પણ ડહાપણની દાઢ ફૂટે છે અને સૌ સારા વાનાં થાય છે.

‘લેડી બર્ડ’, ટૂંકમાં, એક સરસ મજાની, અસરકારક કમિંગ-ઓફ-એજ ફિલ્મ છે. તરુણાવસ્થામાં માણસ લાગણીઓના ચડાવઉતારમાંથી પસાર થતો હોય છે અને જિંદગી નામનો હોબાળો સમજવા માટે મથામણ કરતો હોય છે જે આ ફિલ્મમાં સરસ રીતે ઝીલાયું છે. એટલેસ્તો એને પાંચ નોમિનેશન્સ મળ્યાં છે- બેસ્ટ પિક્ચર, એક્ટ્રેસ (સેર્શો રોનાન), સપોર્ટિંગ એક્ટ્રેસ (લોરી મેટકાફ, જેણે માનો રોલ કર્યો છે), બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ડિરેક્ટર.

ગેટ આઉટઃ

હોરર ફિલ્મોને નીચી નજરે જોનારાઓ જાણી લે કે આ વખતે ચાર ઓસ્કર નોમિનેશન જીતીને બેઠેલી ‘ગેટ આઉટ’ એક ડરામણી ફિલ્મ છે અને અન્ય અવોર્ડ ફંકશન્સમાં તે ઓલરેડી ખૂબ ગાજી ચુકી છે. ક્રિસ નામનો એક શ્યામ અમેરિકન યુવાન છે (ડેનિયલ કલુયા). એક વાર એ એની ગોરી ગર્લફ્રેન્ડ રોઝ સાથે એના હોલિડે હોમ પર રજા ગાળવા જાય છે. સાવ અંતરિયાળ વિસ્તારમાં આવેલાં આ ઘરે રોઝનાં મમ્મીપપ્પા અને ભાઈ પણ આવ્યાં છે. ઘરની રખેવાળી કરનારા ત્રણેક માણસો (જે ત્રણેય બ્લેક છે) ક્રિસને કોણ જાણે કેમ ભારે અજીબ લાગે છે. રોઝના હિપ્નોથેરપિસ્ટ પપ્પા પણ કંઈક ને કંઈક અજીબોગરીબ હરકતો કર્યા કરે છે. છળી ઉઠાય એવી ભેદભરમથી ભરપૂર ઘટનાઓનો સિલસિલો ચાલતો રહે જાય છે. ક્રિસ આ ઘટનાઓના તાણાવાણાં ગૂંચવાતો જાય છે અને પછી…

વેલ, પછી શું થયું તે આપણે સ્ક્રીન પર જોઈ લઈશું. આ ફિલ્મની મજા એ છે કે તે માત્ર ડરામણી ફિલ્મ નથી. તેમાં હોરર એલિમેન્ટ્સની સાથે અમેરિકન સમાજ વિશે પણ સમાજમાં જોવા મળતી અસામાનતા વિશે ટિપ્પણીઓ પણ થઈ છે. ક્રિસનો રોલ કરનાર ડેનિયલ કલુયા ઓસ્કરની બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ગેટ આઉટને મળેલાં અન્ય ત્રણ નોમિનેશન્સ છે બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર અને ઓરિજિનલ સ્ક્રીનપ્લે.

કોલ મી બાય યોર નેમઃ

મૂળ તો આ આન્દ્રે એસીમેન નામના ઇટાલિયન-અમેરિકન લેખકની અવોર્ડવિનિંગ નવલકથા છે. એમાં નાયિક-નાયિકા નહીં, પણ બે નાયક છે. એક છે સત્તર વર્ષનો ઇટાલિયન ટીનેજર, ઇલિયો (ટિમોથી ચેલેમેટ). એક વાર એના ઘરે એના પપ્પાનો અમેરિકન આસિસ્ટન્ટ ઓલિવર (આર્મી હેમર) થોડાં અઠવાડિયાં માટે રહેવા આવે છે. ઓલિવર ચોવીસ વર્ષનો છે. ઘરે કોઈ વિદેશી મહેમાન બનીને આવ્યું હોય એટલે દેખીતું છે કે એની સારી રીતે આગતાસ્વાગતા કરવામાં આવે. ટીનેજર છોકરો ઓલિવરને બધે હેરવેફેરવે છે અને ક્રમશઃ બન્ને વચ્ચે રોમેન્ટિક સંબંધ વિકસે છે. ઓલિવરનું અસાઇન્મેન્ટ પૂરું થતાં એ અમેરિકા પાછો જતો રહે છે. થોડા મહિના પછી ઇલિયોને એ ફોન કરીને કહે છે કે ઇલિયો, આપણે વચ્ચે જે કંઈ બન્યું એમાંનું હું કશું જ ભુલ્યો નથી, પણ સાંભળ, મારું એક છોકરી સાથે નક્કી થઈ ગયું છે અને થોડા સમય પછી અમે લગ્ન કરી લેવાનાં છીએ. આમેય આ એક એવો સંબંધ હતો જેનું કોઈ ભવિષ્ય ન હોઈ શકે. આ ફોન-કોલ પર ફિલ્મ પૂરી થાય છે.

આમ તો આ એક ગે લવસ્ટોરી છે, પણ પહેલાં રાઇટરે અને પછી ડિરેક્ટર-એક્ટરોએ એટલી સંવેદનશીલતાથી પ્રેમસંબંધને પેશ કર્યો છે કે મેઇનસ્ટ્રીમ સર્કીટમાં ચારેકોર આ ફિલ્મની વાહ વાહ થઈ રહી છે. આપણે ત્યાં હિન્દી ફિલ્મોમાં ભલે હોમોસેક્સ્યુઅલ પાત્રોની મજાક કરવામાં આવતી હોય, પણ વર્લ્ડ સિનેમામાં ગે રિલેશનશિપ્સને સમભાવપૂર્વક જોવું અને પૂરેપૂરી ગરિમા જાળવીને જજમેન્ટલ બન્યા વગર પેશ કરવું એ એક પોલિટિકલી કરેક્ટ પગલું ગણવામાં આવે છે. તેથી જ ઓલરેડી ઘણા અવોર્ડ્ઝ જીતી ચુકેલી આ ફિલ્મને આ વખતના ઓસ્કરમાં ત્રણ કેટેગરીમાં નોમિનેશન્સ મળ્યાં છે – બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ઓરિજિનલ સોંગ.

આ સિવાય આઠ ઓસ્કર નોમિનેશન્સ મેળવનાર ‘ડનકર્ક’ વિશે આપણે અગાઉ અછડતી વાતો કરી છે એટલે એને રહેવા દઈએ. તોય સાત નોમિનેશન્સ મેળવનાર ‘થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ, મિસૂરી’ (કેવું ટાઇટલ છે, કાં?) બાકી રહી ગઈ. તેના વિશે ફરી ક્યારેક.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Feb, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.