Sun-Temple-Baanner

બ્રેક કે બાદ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


બ્રેક કે બાદ


બ્રેક કે બાદ

સંદેશ – સંસ્કાર પૂર્તિ – 25 માર્ચ 2018

મલ્ટિપ્લેક્સ

* * * * *

રાની મુખર્જી સ્વ. યશ ચોપડાની પુત્રવધૂ છે અને આદિત્ય ચોપડા જેવા પાવરફુલ ફિલ્મમેકરની પત્ની છે એ વાત સાચી, પણ એની બાવીસ વર્ષની કરીઅરનો જશ કંઈ એકલા પતિદેવ કે સસુરજીને ન આપી દેવાય. જો એવું જ હોત તો દિયર ઉદય ચોપડા આજે મેગાસ્ટાર હોત. માણસમાં દમ હોય તો જ એ લાંબી મજલ કાપી શકે.

વીસ વર્ષ પહેલાં પહેલી વાર ‘કુછ કુછ હોતા હૈ’માં રંગે ઘઉંવર્ણી, કદમાં બટકી અને બેસી ગયેલા અવાજવાળી રાની મુખર્જી નામની છોકરીને જોઈને લાગ્યું નહોતું કે એ આટલી લાંબી મજલ કાપશે. શરૂઆતનાં વર્ષોમાં એ કાજોલની ગરીબડી કઝિન ગણાતી રહી, પણ પછી ‘હે રામ’, ‘સાથિયા’, ‘ચલતે ચલતે’, ‘યુવા’, ‘હમ તુમ’, ‘વીર-ઝારા’, ‘બ્લેક’, ‘બન્ટી ઔર બબલી’ જેવી ફિલ્મોમાં મસ્તમજાનાં રોલ કરીને એ બોલિવૂડમાં પોતાની સ્વતંત્ર અને મજબૂત ઓળખ ઊભી કરતી ગઈ. બે દિવસ પહેલાં એની સુડતાલીસમી ફિલ્મ ‘હિચકી’ રિલીઝ થઈ. રાની સ્વ. યશ ચોપડાની પુત્રવધૂ છે અને આદિત્ય ચોપડા જેવા પાવરફુલ ફિલ્મમેકર – સ્ટુડિયોના માલિકની પત્ની છે એ વાત સાચી, પણ એની બાવીસ વર્ષની કરીઅરનો જશ એકલા પતિદેવ કે એના ખાનદાનને ન આપી દેવાય. જો એવું જ હોત તો ઉદય ચોપડા આજે મેગાસ્ટાર હોત. યશ ચોપડા અને આદિત્ય ચોપડાએ ઉદયને ફિલ્મોમાં સેટ કરવા માટે શું શું નહીં કર્યું હોય, પણ ઉદય બોલિવૂડમાં ન ચાલ્યો તે ન જ ચાલ્યો. માણસમાં વિત્ત હોય તો જ એ લાંબી મજલ કાપી શકે.

‘હિચકી’ માટે રાની મુખર્જી કંઈ ફર્સ્ટ ચોઈસ નહોતી. આ ફિલ્મ બ્રેડ કોહેન નામના અસલી અમેરિકન મહાશયના જીવન પરથી બની છે. બ્રેડને ટુરેટ સિન્ડ્રોમ નામની રેર કહી શકાય એવી બીમારી છે. આ ન્યુરોસાઇકિએટ્રિક ડિસઓર્ડરનો ભોગ બનેલી વ્યક્તિ પોતાના ગળામાંથી નીકળતા અવાજ કે અમુક શારીરિક ચેષ્ટા પર અંકુશ રાખી શકતી નથી. જેમ છીંકને રોકી શકાતી નથી એમ ટુરેટ સિન્ડ્રોમવાળી વ્યક્તિ બોલતાં બોલતાં અચાનક વચ્ચે વચ્ચે હેડકી જેવા વિચિત્ર અવાજ કાઢ્યા રાખે. આ જોઈને સામેવાળાને હસવું આવે અથવા ખીજ ચડે એવું બને. હેડકી આ ડિસઓર્ડરનું એક લક્ષણ થયું. ટુરેટ સિન્ડ્રોમ લાગુ પડ્યો હોય એવા લોકોમાં આ સિવાય અવારનવાર આંખ મીંચકારવી, ખોંખારો ખાધા કરવો અથવા મોઢું વાંકુંચુંકું કરવું વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. બ્રેડ કોહેને હિંમત હાર્યા આ તકલીફનો મુકાબલો કર્યો. પોતાના મનોબળથી તેઓ અત્યંત સફળ શિક્ષક અને પછી મોટિવેશનલ સ્પીકર બન્યા. એમણે ‘ફ્રન્ટ ઓફ ધ ક્લાસઃ હાઉ ટુરેટ સિન્ડ્રોમ મેઇડ મી ધ ટીચર આઈ નેવર હેડ’ નામનું પુસ્તક લખ્યું. 2008માં હોલિવૂડમાં ‘ફ્રન્ટ ઓફ ધ ક્લાસ’ નામની ફિલ્મ પણ બની. તેના પરથી સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ હિન્દી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી અને એને ટાઇટલ આપ્યું, ‘હિંચકી’. (ડિરેક્ટરનું નામ વાંચીને કન્ફ્યુઝ ન થવું. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ અને ‘કપૂર એન્ડ સન્સ’ જેવી ફિલ્મોમાં ચમકનાર હેન્ડસમ હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા અલગ. ‘હિચકી’ના ડિરેક્ટર અને એની વચ્ચે એકસરખાં નામ-અટક સિવાય બીજો કોઈ સંબંધ નથી.)

સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના નામે ડિરેક્ટર તરીકે ‘વી આર ફેમિલી’ નામની એક ફ્લોપ ફિલ્મ બોલે છે. આઠ વર્ષ કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં કરીના, કાજોલ અને અર્જુન રામપાલ જેવાં કલાકારો હતાં. ‘હિચકી’ના ટુરેટ સિન્ડ્રોમથી પીડાતા શિક્ષકના રોલ માટે એણે સૌથી પહેલાં કોનો અપ્રોચ કર્યો હતો, કલ્પી શકો છો? ચુંબનપ્રસાદ ઇમરાન હાશ્મિનો! ઇમરાનને ‘હિચકી’ના વિષયમાં બહુ રસ પડ્યો. એણે કહ્યું કે હું ફિલ્મનો હીરો પણ બનીશ અને ફિલ્મ પ્રોડ્યુસ પણ કરીશ, પણ કોઈક કારણસર એ પ્રોજેક્ટમાંથી ખસી ગયો. ત્યાર બાદ આ વિષય અભિષેક બચ્ચનને સંભળાવવામાં આવ્યો, પણ એ પોદળામાં સાંઠીકડું ભરાવીને બેસી રહ્યો. ન એણે ફિલ્મ કરવાની હા પાડી, ન ના પાડી. બહુ રાહ જોયા પછીય કોઈ જવાબ ન આવ્યો એટલે સિદ્ધાર્થે આખરે આ વિષય આદિત્ય ચોપડાને સંભળાવ્યો. આદિત્ય કહેઃ મસ્ત સબ્જેક્ટ છે. હું તારી ફિલ્મ પ્રોડ્યુસ કરવા તૈયાર છું. શરત એટલી કે તારે ફિલ્મના મુખ્ય કિરદારનું જાતિ પરિવર્તન કરી નાખવું પડે. ટુરેટ સિન્ડ્રોમથી પુરુષ શિક્ષક નહીં મહિલા શિક્ષિકા પીડાતી હોય એવું બતાવવું પડે. બોલ, છે મંજૂર? સિદ્ધાર્થ કહેઃ ઓકે.

બસ, પછી શું. સ્ક્રિપ્ટ નવેસરથી લખવામાં આવી. કેન્દ્રીય પાત્રમાં નાયકની જગ્યાએ નાયિકા ગોઠવાઈ ગઈ. મેઇન રોલમાં આદિત્યએ પોતાની પત્નીને કાસ્ટ કરી. નવી નવી મમ્મી બનેલી રાનીને આમેય આદિત્ય ક્યારનો કહ્યા કરતો હતો કે ક્યાં સુધી બેબલી ખોળામાં લઈને બેસી રહીશ? તું અભિનેત્રી છો, તારે અભિનય કરવાનો હોય. બ્રેક કે બાદ ‘પુનરાગમન’ કરવા માટે રાની માટે આ પરફેક્ટ ફિલ્મ હતી. માત્ર 38 દિવસમાં ‘હિચકી’નું શૂટિંગ પૂરું કરી નાખવામાં આવ્યું. સવારે છ વાગે રાની ઘરેથી નીકળી જાય. બપોરે બાર-એક વાગે તો એને ફ્રી કરી દેવામાં આવે. સાઉથ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ (કે જ્યાં ફિલ્મ શૂટ થઈ છે)થી દે-માર કરતી રાની જુહુમાં આવેલા પોતાના ઘરે પહોંચે ત્યારે દીકરી આદિરાનો દિવસ હજુ તો શરૂ થઈ થયો હોય. (અદિરા એટલે આદિત્યનો ‘આદિ’ વત્તા રાનીનો ‘રા’. આ-દિ-રા. આ શબ્દનો એક અર્થ ગુણવાન, આદરપાત્ર એવો પણ થાય છે.)

આદિરા અત્યારે સવા વર્ષની થઈ. રાની હમણાં એક વિડીયો ઇન્ટરવ્યુમાં કહેતી હતી કે, ‘મારા જેવી નવી નવી વર્કિંગ મધર્સને ટેન્શન હોય કે હાય, હું કામ કરવા જઈશ તો મારા વગર છોકરું ઘરમાં કેવી રીતે રહેશે? સવારે ઉઠતાવેંત મારું મોઢું નહીં જુએ તો? રડી રડીને અડધું નહીં થઈ જાય? સાચું કહું, છોકરાંવને કશો ફર્ક પડતો નથી. ઘરમાં સાચવનાર લોકો હોય તો છોકરાંવ તરત માની ગેરહાજરી સાથે એડજસ્ટ થઈ જતાં હોય છે ને ટેસથી રમ્યાં કરતાં હોય છે. માત્ર મમ્મીઓને જ વધારે પડતી કલ્પનાઓ કરી કરીને હાયવોય કરવાની આદત હોય છે.’

‘હિચકી’માં રાની ટુરેટ સિન્ડ્રોમનો ભોગ બની છે, તો 2005માં રિલીઝ થયેલી સંજય ભણસાળીની ‘બ્લેક’ ફિલ્મમાં એ મૂક-બધિર-અંધ બની હતી. શારીરિક અક્ષમતાનું તત્ત્વ બન્ને ફિલ્મમાં છે. ‘બ્લેક’માં રાનીનો અભિનય આજની તારીખે પણ એની કરીઅરનો શ્રેષ્ઠતમ અભિનય છે. આ રોલ જ એવો જબરદસ્ત હતો કે એને ઝડપી લેવા અભિનેત્રીઓને એકબીજાનાં વાઢી નાખવાનું ઝનૂન ઉપડે, ‘મને આ કિરદાર માટે જરૂરી એવો અભિનય કરતાં આવડશે કે નહીં? એવા વિચારે કોઈ પણ કલાકાર ભયથી થરથર કાંપી ઉઠે. રાનીએ આ પાત્ર એટલી અસરકારકતાથી ભજવ્યું કે ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી સૌ મોંમાં આંગળાં નાખી ગયાં હતાં.

એક વાક રાની પોતાની મુલાકાતોમાં હંમેશાં દોહરાવે છે. એ કહે છે કે, ‘આમ તો હું મારી કોઈ પણ ફિલ્મ જોતી હોઉં ત્યારે મારા ખુદનાં પર્ફોર્મન્સમાંથી હજાર વાંધાવચકા કાઢતી હોઉં છું. મને થાય કે આ સીનને મેં આમ કરવાને બદલે આ રીતે કર્યો હોત તો વધુ સારું થાત, આ ડાયલોગ હું આમ બોલવાને બદલે આ રીતે બોલી શકી હોત, વગેરે… પણ ‘બ્લેક’ એક એવી ફિલ્મ છે જેના માટે મને લાગે કે બસ, આમાં જે છે તે પરફેક્ટ છે, હું આના કરતાં બહેતર અભિનય હું આજની તારીખે પણ ન કરી શકું. આ એક એવી ફિલ્મ છે જેનો એક પણ શોટ હું જુદી રીતે વિચારી શકતી નથી. આવો ચમત્કારિક તબક્કો આવતો હોય છે. સંજયસર પણ કહેતા હોય છે ‘બ્લેક’ બની ગઈ તે બની ગઈ, એ ફિલ્મ તેઓ આજે ન બનાવી શકે.’

‘બ્લેક’નો આઇડિયા સંજય ભણસાળીને એમની સૌથી પહેલી ફિલ્મ ‘ખામોશી – ધ મ્યુઝિકલ’ (1996)ના મેકિંગ દરમિયાન જ આવી ગયો હતો. તેઓ ‘ખામોશી’ પછી તરત જ ‘બ્લેક’ બનાવવા માગતા હતા, પણ ‘ખામોશી’ બોક્સઓફિસ પર ન ચાલી એટલે ‘બ્લેક’ અભેરાઈ પર ચડી ગઈ. સદભાગ્યે ‘ખામોશી’ પછીની બન્ને ફિલ્મો ‘હમ દિલ દે ચુકે સનમ’ (1999) અને ‘દેવદાસ’ (2002) હિટ થઈ એટલે સંજય ભણસાળીમાં હિંમત આવી. ગીત-સંગીત-નૃત્ય અને રંગોથી લથપથ ફિલ્મો બનાવવા ટેવાયેલા આ ફિલ્મમેકરે પોતાની શૈલી અને ઓળખથી બિલકુલ હટ કે કહી શકાય એવી ‘બ્લેક’ બનાવી.

અમિતાભ બચ્ચને ‘બ્લેક’ માટે એક પણ પૈસો ચાર્જ કર્યો નહોતો, કેમ કે, તેમણે ખુદ કહ્યું છે એમ, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાની તક મળવી એ જ એમના માટે મોટી વાત હતી. રાની મુખર્જીના બાળપણના પાત્ર માટે આલિયા ભટ્ટે ઓડિશન આપ્યું હતું તે તમે જાણો છો? આલિયા ઓડિશનમાં પાસ ન થઈ, પણ આયેશા કપૂર નામની કિશોરી મેદાન મારી ગઈ. રણબીર કપૂર અને સોનમ કપૂર બન્ને ‘બ્લેક’ દરમિયાન સંજય ભણસાલીના આસિસ્ટન્ટ્સ તરીકે કામ કરતાં કરતાં ફિલ્મમેકિંગની એબીસીડી શીખી રહ્યાં હતાં. ‘સાંવરિયા’ (2007) દ્વારા લોન્ચ કરતાં પહેલાં સંજય ભણસાલી આ બન્ને નવાંનિશાળીઓને તૈયાર કરવા માગતા હતા. ‘બ્લેક’ના કલાકારોને જે-તે દિવસના સીન વિશે બ્રિફ કરવાની જવાબદારી સોનમને સોંપવામાં આવી હતી, જ્યારે રણબીર કપૂરનું કામ નાનકડી આયેશાને ટ્રેનિંગ આપવાનું હતું. હેલન કેલરના જીવન અને ‘ધ મિરેકલ વર્કર’ (1962) નામની ફિલ્મ પરથી પ્રેરિત 0બ્લેક0 કમર્શિયલી હિટ થઈ. એના પર અવોર્ડઝનો વરસાદ વરસ્યો. ઇવન તુર્કીશ ભાષામાં એની રીમેક બની. એક અભિનેત્રી તરીકે રાની મુખર્જી પોતાની કરીઅરના શિખર પર પહોંચી.

‘બ્લેક’માં અમિતાભ બચ્ચન ટીચર હતા, રાની એમની સ્ટુડન્ટ હતી. ‘બ્લેક’ પછી તેર વર્ષે આવેલી ‘હિચકી’માં રાની ટીચર બની છે. એક વર્તુળ જાણે કે પૂરું થયું. ‘હિચકી’ જો બોક્સઓફિસ પર ઠીકઠાક કમાણી કરી શકશે તો એનો અર્થ એ થયો કે ઓડિયન્સને આજેય ચાલીસ વર્ષની રાનીને જોવામાં રસ છે અને રાની કોઈ પણ હીરોના સપોર્ટ વગર એકલા હાથે આખી ફિલ્મનો ભાર પોતાના ખભે ઊંચકી શકે છે. રાની મુર્ખર્જી જેવી સિનિયર અને વર્સેટાઈલ એક્ટ્રેસ હિન્દી ફિલ્મોમાં સક્રિય રહે તે સારું જ છે. જો આવું થયું તો દર વર્ષે-દોઢ વર્ષે રાનીની એક નવી ફિલ્મ આવી જ સમજો. જો ઓડિયન્સ ન રુઝ્યું તો રમાડવા માટે આદિરા તો છે જ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.