Sun-Temple-Baanner

મસાલા ઢોસાથી મર્ડર મિસ્ટરી સુધી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મસાલા ઢોસાથી મર્ડર મિસ્ટરી સુધી


મસાલા ઢોસાથી મર્ડર મિસ્ટરી સુધી

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ, રવિવાર – 21 ઓક્ટોબર 2018

મલ્ટિપ્લેક્સ

શારીરિક ક્ષતિ હોય, કોઈ સાઇકોલોજિકલ પ્રોબ્લેમ હોય અથવા બન્ને હોય તો પણ જીવન અટકી પડવું ન જોઈએ. આવી સમસ્યાઓને નાથી શકાય છે, એને અતિક્રમીને સફળ થઈ શકાય છે, ખુશ રહી શકાય છે. ‘અંધાધુન’ના ડિરેક્ટર શ્રીરામ રાઘવન આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.

* * * * *

એક યુવાન છે. નાનપણથી એ સ્ટેમરર છે એટલે કે બોલતી વખતે સખત થોથવાય છે. કોઈને કશુંક કહેતી વખતે જીભ ચોંટી જાય. અવાજ ગળામાં જ અટવાઈ જાય. મોઢું વિચિત્ર થઈ જાય. સ્કૂલમાં ટીચર સવાલ પૂછે ત્યારે એ ક્યારેય આંગળી ઊંચી ન કરે, કેમ કે જવાબ આવડતો હોય તો ય બોલવું કેવી રીતે? રેસ્ટોરાંમાં મસાલા ઢોસા ખાવાની ઇચ્છા હોય તો પણ વેઇટરને ઇડલી સાંભારનો ઓર્ડર આપે, કેમ કે એનાથી ‘મ’ અક્ષર ઉચ્ચારી શકાતો નથી. વેઇટર સામે ‘અમ્મ… અમ્મ… અમ્મ…. મસલા…. મસા…લા… મસાલા ઢોસા’ એવું ન કરવું પડે એટલા માટે ‘ઇડલી સાંભાર’ બોલી નાખે છે. ‘ઇડલી’ બોલવામાં એને ઓછી તકલીફ પડે છે. સ્કૂલમાં છોકરાઓની એની સતત મજાક ઉડાવતા. કોલેજમાંય લગભગ એવી જ હાલત. બોલવાની તકલીફને કારણે એણે લોકો સાથે ઓછું હળેમળે. એકલવાયો થઈને રહે.

ગ્રેજ્યુએટ થયા પછી એ ક્યાંક જાહેરાત વાંચે છે કે ‘સ્ટારડસ્ટ’ નામના ફિલ્મ મેગેઝિનમાં સબએડિટર- રિપોર્ટરની જગ્યા ભરવાની છે. યુવાન અપ્લાય કરે છે. એને નોકરી મળી તો જાય છે, પણ કમબખ્તી પછી શરૂ થાય છે. રિપોર્ટર તરીકે તમારે લોકોને સતત મળવું પડે, રૂબરૂમાં કે ફોન પર લાંબી વાતચીત કરવી પડે. જે માણસથી ‘મસાલા ઢોસા’ પણ બોલી શકાતું ન હોય એ ફિલ્ડવર્ક કે રિપોર્ટિંગ ક્યાંથી કરી શકવાનો. ચાર જ મહિનામાં એને એવું કહીને રજા આપી દેવામાં આવે છે કે ભાઈ, તું માણસ સારો છે, પણ પત્રકાર તરીકે નકામો છે.

સહેજે વિચાર આવે કે આ બાપડાનું લાઇફમાં પછી શું થયું હશે? બોલવાની તકલીફને કારણે બિચારો સાવ પાછળ રહી ગયો હશે, રાઇટ? ના. આ યુવાન આગળ જતાં સફળ ફિલ્મમેકર બને છે. હજુ હમણાં જ એની રોલરકોસ્ટર રાઇડ જેવા અજબગજબના ટ્વિસ્ટ્સ-ટર્ન્સ ધરાવતી ‘અંધાધુન’ નામની એવી અફલાતૂન ફિલ્મ રિલીઝ થઈ કે જોનારાઓના મોં કાં તો પહોળા થઈ ગયા અથવા એમની બોલતી બંધ થઈ ગઈ!

વાત થઈ રહી છે શ્રીરામ રાઘવનની. ‘એક હસીના થી’ (2004), ‘જોની ગદ્દાર’ (2007), ‘એજન્ટ વિનોદ’ (2012), ‘બદલાપુર’ (2015) અને ‘અંધાધુન’ (2018) જેવી એકએકથી ચડિયાતી ફિલ્મો (ઓકે, ‘એજન્ટ વિનોદ’ના અપવાદને બાદ કરી નાખો, બસ?) ડિરેક્ટ કરનારા શ્રીરામ રાઘવનનું નામ આજે બોલિવૂડના સૌથી ટેલેન્ટેડ અને સફળ ફિલ્મમેકર્સની સુચિમાં અધિકારપૂર્વક મૂકાય છે.

પંચાવન વર્ષીય શ્રીરામ રાઘવનની ફિલ્મો તો મજબૂત હોય જ છે, પણ એમની ખુદની જીવનકથા ય ઓછી ઇન્ટરેસ્ટિંગ નથી. શારીરિક ક્ષતિ હોય, કોઈ સાઇકોલોજિકલ પ્રોબ્લેમ હોય અથવા બન્ને હોય તો પણ જીવન અટકી પડવું ન જોઈએ. આવી સમસ્યાઓને નાથી શકાય છે, એને અતિક્રમીને સફળ થઈ શકાય છે, ખુશ રહી શકાય છે. હૃતિક રોશનને પણ એક્ઝેક્ટલી શ્રીરામ રાઘવન જેવી જ બોલતી વખતે થોથવાની સમસ્યા હતી. મુંબઈસ્થિત રમેશ દવે નામના વિખ્યાત સ્પીચ થેરપિસ્ટના માર્ગદર્શન હેઠળ એણે સારવાર લીધી હતી. પ્રચંડ મનોબળના જોરે એ આ સમસ્યામાથી બહાર આવી ગયો અને સુપરસ્ટાર બન્યો.

‘સ્ટારડસ્ટ’માંથી હકાલપટ્ટી થયા બાદ યુવાન શ્રીરામનું શું થયું? તેઓ એક ટ્રેડ મેગેઝિનમાં જોડાયા. ટ્રેડ મેગેઝિન એટલે કઈ ફિલ્મે કઈ ટેરેટરીમાં કેટલો બિઝનેસ કર્યો, કઈ કઈ નવી ફિલ્મોનાં મુહૂર્ત થયાં વગેરે જેવી માહિતી પીરસતું સામયિક. આ નવી નોકરીમાં બહુ બોલવાની જરૂર પડતી ન હોવાથી શ્રીરામને નિરાંત હતી. આ જ અરસામાં મુકુલ આનંદના પરિચયમાં આવવાનું થયું. સ્વર્ગસ્થ ડિરેક્ટર-પ્રોડ્યુસર મુકુલ આનંદના બાયોડેટામાં ઓરિજિનલ ‘અગ્નિપથ’, ‘હમ’, ‘ખદાગવાહ’, ‘દસ’ જેવી ફિલ્મો બોલે છે. શ્રીરામ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એમની ટીમમાં જોડાયા. શ્રીરામને એ વખતે ફિલ્મમેકિંગની એબીસીડીનો ‘એ’ પણ આવડતો નહોતો. શોટ શરૂ થતાં પહેલાં ક્લેપ આપવાનું કામ એમને સોંપી શકાતું નહીં, કેમ કે ક્લેપ આપતી વખતે ‘ફલાણું ફલાણું પ્રોડક્શન… સીન વન… ટેક ટુ’ એવું સડસડાટ બોલવું પડે, જે શ્રીરામથી થાય નહીં!

શ્રીરામને ધીમે ધીમે માનસિક સ્પષ્ટતા થઈ ગઈ હતી કે મારે ભવિષ્યમાં ફિલ્મમેકર જ બનવું છે. એક વાર મુકુલ આનંદે એમને કહ્યું કે જો દોસ્ત, તને આસિસ્ટન્ટ ડિરેક્ટરમાંથી ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બનતાં સાતેક વર્ષ લાગી જશે. એના કરતાં મારી સલાહ છે કે તું પુનાની એફટીઆઇઆઇ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા)માં એડમિશન લઈ લે. ત્યાંથી ત્રણ વર્ષનો કોર્સ કરીને ઇન્ડ્સ્ટ્રીમાં આવીશ તો તને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે વહેલો બ્રેક મળશે.

શ્રીરામના ગળે વાત ઉતરી ગઈ. એમણે એફટીઆઇઆઇમાં ડિરેક્શનનો કોર્સ કર્યો. એ વાત અલગ છે કે તે પછીય એમને પોતાની પહેલી ફિલ્મ બનાવતાં સાત નહીં સત્તર વર્ષ લાગ્યાં! 1987માં એફટીઆઇઆઇમાંથી બહાર આવ્યા પછી સૌથી પહેલાં તો એમણે ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઇઝેશન)માં બે વર્ષ નોકરી કરી. અહીં તેમને પબ્લિક સેફ્ટી અનાઉન્સમેન્ટ માટે નાની નાની ફિલ્મો બનાવવાનું કામ સોંપાયું હતું. ઇસરોમાં કામનું દબાણ ખાસ ન રહેતું એટલે અહીંની અદભુત લાઇબ્રેરીમાં તેઓ પુષ્કળ સમય પસાર કરતાં. વાંચનનો જબરદસ્ત શોખ શ્રીરામ રાઘવનને એક ફિલ્મમેકર તરીકે ખૂબ કામ આવ્યો છે.

દરમિયાન શ્રીરામે એફટીઆઇઆઇના ફાયનલ યરમાં બનાવેલી ‘ધ એઇટ કોલમ અફેર’ નામની ડિપ્લોમા ફિલ્મને નેશનલ અવોર્ડ મળ્યો. આ ફિલ્મનું એડિટિંગ એમના બેચમેટ રાજકુમાર હિરાણીએ કરેલું! (યુટ્યુબ પર અડધી કલાકની આ ફિલ્મ અવેલેબલ છે.) આવો પ્રતિષ્ઠિત અવોર્ડ મળવાથી શ્રીરામને પાછી ચાનક ચડી. ઇસરોમાં રાજીનામું આપીને તેઓ મુંબઈ પહોંચી ગયા. એ વીસીઆર-વીસીડીનો જમાનો હતો. શ્રીરામને એક વિડીયો મેગેઝિન માટે સિરીયલ કિલર રામન રાઘવ પર ફિલ્મ બનાવવાનું કામ મળ્યું. આ વિડીયો ફિલ્મ મર્યાદિત વર્તુળમાં ઠીક ઠીક વખણાઈ. પછી સ્ટ્રગલ શરૂ થઈ. પ્રોજેક્ટ્સ મળતા ખરા, પણ કોઈને કોઈ કારણસર વાત અટકી પડતી. શ્રીરામના સગા ભાઈ શ્રીધર રાઘવન એ વખતે ‘સીઆઇડી’ અને ‘આહટ’ જેવી સિરીયલો લખતા હતા. કડકી આવી જાય ત્યારે શ્રીરામ પણ અમુક એપિસોડ્સ લખી નાખતા ને ડિરેક્ટ પણ કરતા. આ સિલસિલો ત્રણચાર વર્ષ ચાલ્યો. દરમિયાન અનુરાગ કશ્યપ સાથે દોસ્તી થઈ. અનુરાગ એ વખતે રામગોપાલ વર્માને આસિસ્ટ કરી રહ્યા હતા. એકવાર અનુરાગે ફોન કરીને શ્રીરામને કહ્યું કે મેં તારી ‘રામન રાઘવ’ની વિડીયો કેસેટ રામુને જોવા આપી છે. રામુને ફિલ્મ ગમી. શ્રીરામને મળવા બોલાવ્યા અને કહ્યું કે સિરીયલો સમય બગાડવાને બદલે તું ફિલ્મો કેમ કરતો નથી? આખરે રામુએ એમને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે બ્રેક આપ્યો.

એ ફિલ્મ હતી, સૈફ અલી ખાન અને ઉર્મિલા માંતોડકરને ચમકાવતી ‘એક હસીના થી’. વર્ષ, 2004.

એક ફિલ્મમેકર તરીકેની તેમની સફળ યાત્રાની આ રીતે શરૂઆત થઈ. શ્રીરામ રાઘવન ત્યારે 41 વર્ષના હતા અને હજુય બોલતી વખતે થોથવાતા હતા! પણ આ ફિલ્મની પ્રોસેસ દરમિયાન જાણે ચમત્કાર થયો. એમનું થોથવાનાનું સાવ બંધ થઈ ગયું. આજે તમે એમના ઇન્ટરવ્યુઝના વિડીયો જુઓ તો કલ્પના પણ ન થાય કે એક સમયે આ માણસ થોથવાયા વગર ‘મસાલા ઢોસા’ પણ બોલી શકતો નહોતો!

શ્રીરામ રાઘવન અસલી જીવનમાં આશ્ચર્ય થાય એટલા સીધા-સરળ માણસ છે. એમની ફિલ્મો જોઈને આપણને નવાઈ લાગે કે આવા સિમ્પલ માણસને આવા હિંસક અને અતરંગી આઇડિયા કેવી રીતે આવતા હશે! શ્રીરામ રાઘવને એક જગ્યાએ કહેલું કે ગુસ્તાવ ફ્લોબર્ટ નામના ફ્રેન્ચ નવલકથાકારનું એક વાક્ય એમની પર્સનાલિટીને એકદમ બંધ બેસે છે. ગુસ્તાવે લખ્યું છે કે, ક્રિયેટિવ વ્યક્તિએ રોજિંદી જિંદગીમાં સીધા-સરળ અને સામાન્ય રહેવું, કે જેથી પોતાનાં સર્જનોમાં એ હિંસક અને ઓરિજિનલ બની શકે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.