Sun-Temple-Baanner

શું તમે હજુ સુધી ‘બ્લેક મિરર’ શો જોયો નથી?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


શું તમે હજુ સુધી ‘બ્લેક મિરર’ શો જોયો નથી?


શું તમે હજુ સુધી ‘બ્લેક મિરર’ શો જોયો નથી?

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ, રવિવાર – 11 નવેમ્બર 2018

મલ્ટિપ્લેક્સ

ટીવીના ઇતિહાસના સૌથી પ્રભાવશાળી, સૌથી મનોરંજક અને સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા ફિક્શન શોઝમાં ‘બ્લેક મિરર’નું નામ ભારે આદરથી લેવાય છે. આ શો જોતી વખતે ઓડિયન્સ કાંપી ઉઠે છે, હેરત અનુભવે છે અને ખાસ તો વિચારતા થઈ જાય છે. એવું તે શું છે આ સાયન્સ ફિક્શનમાં?

* * * * *

સમયચક્રને થોડુંક આગળ ઘુમાવો અને કલ્પના કરો કે તમે 2018માં નહીં, પણ 2028માં છો. સોશિયલ મિડીયાનું પ્રભુત્વ અત્યારે છે એના કરતાં અનેકગણું વધી ચુક્યું છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવાં માધ્યમો પર આજે આપણને ‘લાઇક’ મળે છે ત્યારે સારું લાગે છે, પણ દસકા પછી એવી સ્થિતિ આવી ગઈ છે કે તમને મળતી લાઇક્સ તમારું સોશિયલ સ્ટેટસ નિશ્ચિત કરે છે. સોશિયલ મિડીયા પર તમારું રેંકિંગ પાંચમાંથી સાડાચાર સ્ટાર જેટલું હોય, એટલે કે જો તમે ચિક્કાર લાઇક્સ, લોલ (એલ-ઓ-એલ, ખડખડાટ હાસ્ય સૂચવતી સંજ્ઞા) અને હાર્ટ આકારનાં સ્માઇલી મળતાં હોય, તો તમે રાજા. તમને બધું બેસ્ટ મળે. સામે પક્ષે, જો સોશિયલ મિડીયા પર તમારું રેંકિંગ ત્રણ સ્ટાર કરતાં ઓછું હોય તો જીવનમાં સંઘર્ષનો પાર ન રહે. તમે કેવા લોકો સાથે ઉઠ-બેસ કરી શકશો, કયા વિસ્તારમાં રહી શકશો, બેન્ક તમને કેટલી લોન આપશે, તમે સમાજમાં કેટલા આદરપાત્ર અને વિશ્વસનીય ગણાશો, ટૂંકમાં, તમે કઈ કક્ષાનું જીવન જીવશો તે સઘળું તમારા સોશિયલ મિડીયાના સંયુક્ત રેંકિંગના આધારે નક્કી થાય છે. સોશિયલ મિડીયા પર સમગ્ર માનવજાત એકબીજા સાથે કનેક્ટેડ છે. તમારે રોજેરોજ તમારા સંપર્કમાં આવતા જાણ્યા-અજાણ્યા તમામ લોકોને એકધારા જજ કરતા રહેવાનું છે અને એમની લાઇક્સ એકઠા કરતાં રહેવાનું છે. કઈ રીતે?

માનો કે તમે કોઈ રેસ્ટોરાંમાં બેઠા છો. વેઇટર ભૂલથી એકને બદલે બીજી આઇટસ પીરસી દે છે. તમને બહુ ગુસ્સો આવે છે, પણ જો તમે વેઇટરને ખખડાવશો તો એ ફટાક દઈને તમને એક સ્ટારનું રેંકિંગ આપી દેશે, પરિણામે તમારી એવરેજ ઘટી જશે. ક્રોધ વ્યક્ત કરવાને બદલે જો તમે એને અત્યંત પ્રેમથી કહેશો કે કશો વાંધો નહીં, માણસ માત્ર ભુલને પાત્ર, ડોન્ટ વરી. તો આનો સૂચિતાર્થ એ થયો કે ભાઈ વેઇટર, તેં ભલે લોચો માર્યો, પણ તોય હું તને પાંચમાંથી ચાર સ્ટાર આપીશ. બદલામાં તારે પણ મને કમસે કમ ચાર સ્ટાર આપવાના કે જેથી આપણા બેયની એવરેજ સુધરે. ટૂંકમાં, સર્વત્ર કૃત્રિમતાની બોલબાલા છે. હવે ધારો કે જેન્યુઇન સ્વભાવને કારણે તમે આવી કૃત્રિમતા આચરી શકતા નથી યા તો તમને આવી રેંકિંગ સિસ્ટમ સ્વીકાર્ય નથી, તો? તો સમાજ તમને એવો લબડધક્કે ચડાવશે ને તમારી હાલત એટલી દયનીય થઈ જશે કે…

નેટફ્લિક્સ પર ઉપલબ્ધ સુપરડુપર બ્રિટીશ શો ‘બ્લેક મિરર’ના ‘નોઝડાઇવ’ નામના એપિસોડનો આ કેન્દ્રિય વિચાર છે. એકબીજાને જજ કરીને સામસામું રેંકિંગ કરવાનું આજની તારીખે ઓલરેડી શરૂ થઈ ચુક્યું છે. જો તમે ઉબર કેબ સર્વિસનો ઉપયોગ કરતા હશો તો જાણતા હશો કે એકલા તમે જ ટેક્સી ડ્રાઇવરને માર્કસ (એટલે કે સ્ટાર) આપતા નથી, એ પણ તમે સ્ટાર આપે છે. એના આધારે ઉબરવાળા નક્કી કરે છે કે તમે ‘સારા મુસાફર’ છો કે કેમ. ટેક્સીવાળાનું રેંકિંગ સારું હશે તો ઉબરવાળા એને વધારે મહેનતાણું ચુકવશે અને જો તમારું રેંકિંગ સારું હશે તો તમને કેટલીક વધારાની સર્વિસ પૂરી પાડશે! ટૂંકમાં, ‘બ્લેક મિરર’ના પેલા એપિસોડમાં જે કાલ્પનિક સ્થિતિ દેખાડી છે એનાં મૂળિયાં વર્તમાન વાસ્તવિકતામાં દટાયેલાં છે.

‘બ્લેક મિરર’ શોની આ જ ખાસિયત એને અસાધારણ બનાવે છે. આપણે ટેકનોલોજી પર માત્ર ડિપેન્ડન્ટ નહીં, એના ગુલામ બનતા જઈએ છીએ. ભવિષ્યમાં આ બધાનું શું પરિણામ આવશે? વાત ક્યાં જઈને અટકશે? ‘બ્લેક મિરર’ ટેકનોલોજી વિકસાવનારા અને વાપરનારા બન્નેને ચેતવણી આપે છે કે, સાવધાન! જો અત્યારથી જાગૃત નહીં થઈ જાઓ ને ખોટા કેફમાં રહેશો તો ભવિષ્યમાં ટેકનોલોજી તમે કલ્પના પણ કરી નહીં હોય એવી ભયાનક સમસ્યાઓ પેદા કરશે. ક્રાઇમ, પ્રાઇવસી, સંબંધો, મનોરંજન, રોબોટ જવાં મશીનો સાથેનો આપણો સંબંધ, પોલિટિક્સ વગેરે ભવિષ્યમાં કેવી કેવી રંગછટા ધારણ કરી શકે છે એનું મોટા ભાગે ભયાવહ છતાંય રોમાંચક ચિત્ર ‘બ્લેક મિરર’ અત્યંત મનોરંજક રીતે આપણી સામે પેશ કરે છે.

કેવી કેવી થીમ ને કેવી કેવી વાર્તાઓ. ધારો કે આપણા સપનાં, આપણું જાગૃત અને અર્ધજાગૃત મન અને આપણા આત્માની ડિજિટલ કોપી થઈ શકતી હોય તો? આપણા ‘માંહ્યલા’ને કોઈ સર્વરમાં સ્ટોર કરી શકાતો હોય તો‘? ‘વ્હાઇટ ક્રિસમસ’ નામના એપિસોડની વાર્તા આ પ્રશ્નની આસપાસ ગૂંથાઈ છે. એમાં જોન નામનો માણસ પોતાના કોન્શિયસનેસને, એટલે કે એના માંહ્યલાના એક ઈંડા આકારના મોડ્યુલમાં કેદ કરે છે કે જેથી છ મહિનાના સમયગાળામાં થયેલા અનુભવોને માત્ર એ એક મિનિટમાં ‘પામી’ શકે! એક સ્ત્રીનો પતિ મૃત્યુ પામે છે. સ્ત્રી દુખી દુખી છે. પતિ વગર એ જીવી શકે એમ નથી. એક દિવસ એના ઘરે કુરિયરમાં મોટું બોક્સ આવે છે, જેમાં આબેહૂબ એના પતિ જેવો દેખાતો, વાતો કરી શકતો, હસતો, રમતો, સેક્સ સુધ્ધાં કરી શકતો યંત્રમાનવ નીકળે છે! શું વધારે યોગ્ય છે – વાસ્તવિકતા સ્વીકારીને, મૃતકને અલવિદા કહીને એના વગર જીવતાં શીખી લેવાનું‘? કે પછી, કે એના કહ્યાગરા ક્લોન જેવા યંત્રમાનવના સથવારામાં જૂઠની જિંદગી જીવવાની? ‘બી રાઇટ બેક’ નામના એપિસોડની આ થીમ છે. ‘ધ વાલ્ડો મોમેન્ટ’માં એક કાર્ટૂન કેરેક્ટર દેશના વડાપ્રધાન (યા તો પ્રેસિડેન્ટ) તરીકે ચુંટણી લડે છે!

એવું નથી કે ‘બ્લેક મિરર’માં ટેકનોલોજીનાં નેગેટિવ પાસાં પર જ ફોકસ કરવામાં આવ્યું છે. ‘સેન જુનિપેરો’ નામના એક મસ્તમજાના ફીલ-ગુડ એપિસોડમાં ડિજિટલ આફ્ટર-લાઇફ (મૃત્યુ પછીના જીવનની) વાત થઈ છે. વૃદ્ધ માણસ સામે વિકલ્પ છે કે એણે હવે મરવાના વાંકે જીવવું છે કે પછી, પસંદગીપૂર્વક મૃત્યુ પામીને, આફ્ટર-લાઇફ સોફ્ટવેરની મદદથી પોતાનો યુવાન ડિજિટલ અવતાર ધારણ કરી, પ્રિય પાત્રના સંગાથમાં મૃત્યુ પછીનું એક્સેટન્ડેડ ડિજિટલ જીવન જીવવું છે? ‘સેન જુનિપેરો’ એ એક સાવ સાચુકલા લાગતા ડિજિટલ શહેરનું નામ છે, જેમાં બધા આવા ડિજિટલ અવતારો જ વસે છે! દિમાગ ચકરાવી નાખે એવી અદભુત આ કલ્પના છે.

પીટર બ્રૂક્સે ક્રિયેટ કરેલા અને અફલાતૂન પ્રોડક્શન વેલ્યુ ધરાવતા ‘બ્લેક મિરર’ શોની અત્યાર સુધીમાં ચાર સિઝન ટેલિકાસ્ટ થઈ ચુકી છે. ચાર સિઝન મળીને સરરાશ પોણી-પોણી કલાકના ટોટલ ઓગણીસ એપિસોડ્સ છે. આ સળંગ ધારાવાહિક નથી. દરેક એપિસોડની વાર્તા જુદી, પ્રત્યેક એપિસોડના કલાકાર-કસબીઓ અલગ. મતલબ કે તમે આ એપિસોડ્સ આડાઅવળા ક્રમમાં પણ જોઈ શકો છો.

જો તમે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સથી પરિચિત હો, તમને યુટ્યુબ પર વિડીયો જોવા ગમતા હોય અને છતાંય જો હજુ સુધી તમે ‘બ્લેક મિરર’ શો જોયો ન હોય તો તમને ફટ્ છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Nov, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.