Sun-Temple-Baanner

રહને કો ઘર નહીં, સોને કો બિસ્તર નહીં


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રહને કો ઘર નહીં, સોને કો બિસ્તર નહીં


રહને કો ઘર નહીં, સોને કો બિસ્તર નહીં

દિવ્ય ભાસ્કર – 16 ડિસેમ્બર 2018, રસરંગ પૂર્તિ

મલ્ટિપ્લેક્સ

‘હું ઘર છોડીને જઈ રહી છું. આપણા દીકરાને હું સાચવી નહીં શકું. એને તારે જ રાખવો પડશે…’

* * * * *

હોલિવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથે થોડા દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના 26 વર્ષીય દીકરા ટ્રે સાથેની પોતાની એક ખુશખુશાલ તસવીર શેર કરી હતી. સાથે લખ્યું કે , ‘મારી અને ટ્રેની વચ્ચે હંમેશા આવો મીઠો સંબંધ નહોતો. એની મા સાથે મારા ડિવોર્સ થયા પછી વર્ષો સુધી લાગણીના સ્તરે અમારે ખૂબ પીડા વેઠવી પડી હતી. ટ્રેને લાગતું રહ્યું કે મેં એની સાથે વિશ્વાસઘાત કર્યો છે, એને રઝળતો મૂકી દીધો છે. બહુ સંઘર્ષ કર્યા બાદ આજે અમારી વચ્ચે સુમેળભર્યો અને હૂંફાળો સંબંધ વિકસી શક્યો છે એ ઉપરવાળાના આશીર્વાદ છે.’

વિલ સ્મિથની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી વાંચીને એની એક અદભુત ફિલ્મ યાદ આવી ગઈ – ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’ (2006). ટાઇટલનો અર્થ થાય છે, સુખ માટેનો સંઘર્ષ અથવા સુખ માટેનો ઉદ્યમ. આ ફિલ્મમાં પણ પત્નીથી વિખૂટા પડી ગયેલા પુરુષ અને એના દીકરાની વાત છે. સત્યકથા પર આધારિત ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’ એક એવી હૃદયસ્પર્શી હોલિવૂડ ક્લાસિક છે, જે સતત, વર્ષો પછી પણ રિલેવન્ટ લાગવાની. આજે આ ફિલ્મ વિશે વિગતે વાત કરીએ.

ફિલ્મની સ્ટોરી એવી છે કે ક્રિસ ગાર્ડનર (વિલ સ્મિથ) નામનો એક આફિકન-અમેરિકન યુવાન પોતાની પત્ની લિન્ડા અને પાંચ વર્ષના દીકરા ક્રિસ્ટોફર સાથે સાન ફ્રાન્સિસ્કો શહેરમાં રહે છે. ક્રિસ આમ તો સ્માર્ટ, મહેનતુ અને પરિવારપ્રેમી માણસ છે, પણ કોઈ નબળી પળે એનાથી ખોટું બિઝનેસ ડિસીઝન લેવાઈ જાય છે. ડોક્ટરોને કામ આવે એવાં જથ્થાબંધ સ્કેનર મશીનો ખરીદીને એ ઘરમાં ખડકી તો દે છે, પણ આ મશીનના કોઈ લેવાલ મળતા નથી. પરિણામે ઘરમાં આર્થિક તંગી પેદા થઈ જાય છે. એકધારી નાણાભીડથી ત્રાસીને પત્ની એક દિવસ કહી દે છેઃ હું ઘર છોડીને જઈ રહી છું. આપણા દીકરાને હું સાચવી નહીં શકું, એને તારે જ રાખવો પડશે. ક્રિસ પણ જાણે છે કે પત્ની કરતાં પોતે બહેતર સિંગલ પેરેન્ટ પુરવાર થાય એમ છે. ઘરમાં હવે બાપ-દીકરો બે જ છે. દીકરા પ્રત્યેનું એનું કમિટમેન્ટ ગજબનું છે.

ક્રિસને શેરબજાર માટે કામ કરતી કોઈ કંપનીમાં નોકરી મળે છે. છ મહિના વગર પગારે ટ્રેઈની તરીકે કામ કરવાનું ને પછી જો સિલેક્ટ થાય તો પગાર શરુ. આ કામની સાથે સાથે પેલાં સ્કેનર મશીનો પણ વેચવાનાં છે. બાપડો એટલો બધો સંઘર્ષ કરે છે કે જોઈને દયા આવી જાય. નવી નવી અણધારી તકલીફો ઊભી થતી જ જાય છે. એક તરફ એણે ઘર ખાલી કરવાનું છે ને બીજી બાજુ સરકારી નોટિસ દ્વારા જાણ થાય છે કે એનું બેન્ક અકાઉન્ટ સફાચટ કરી નાખવામાં આવ્યું છે. શા માટે? એણે ઈન્કમ ટેક્સ ભર્યો નહોતો, એટલે.

દીકરા સાથે રસ્તા પર આવી ગયો ત્યારે એના ખિસ્સામાં માત્ર ૩૦ ડોલર છે. બાપ-દીકરાએ સબવે સ્ટેશનના રેસ્ટરુમમાં રાત વીતાવવી પડે છે. રોજ દિવસે પોતે ઓફિસમાં કામ કરતો હોય, દીકરો બેબીસેટિંગમાં હોય, પણ રાત ક્યાં વીતાવવી? ક્રિસને ખબર પડે છે કોઈ ચર્ચમાં આશરો મળી શકે છે. અહીં જગ્યા બહુ જ મર્યાદિત છે એટલે બેઘર લોકોની રીતસર લાઈન લાગે છે. આથી સાંજે પાંચ વાગે જેવું ઓફિસનું કામ પૂરું થાય કે ક્રિસ બાપડો દોટ મૂકીને દીકરા સાથે લાઈનમાં ઊભો રહી જાય.

આ બધાની વચ્ચે ધોળાં હાથી જેવાં પેલાં સ્કેનર મશીનોનો પણ નિકાલ કરતાં જવાનો છે. ક્રિસ માટે આશાનું કિરણ આ નોકરી જ છે. જોકે એની સાથે બીજા અઢાર ટ્રેઈની કામ કરે છે. આ બધામાંથી કોઈ એકને જ જોબ મળવાની છે. ક્રિસ જાણે છે કે મારે કોઈ પણ ભોગે બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું છે, યેનકેન પ્રકારેણ કંપની માટે નવા ક્લાયન્ટ્સ ઊભા કરવાના છે. આટઆટલી હાડમારી છે, પણ ક્રિસનો જુસ્સો બુલંદ છે. એ કોઈની સામે ભુલેચુકેય દુખડા રડતો નથી. ઓફિસમાં કોઈને અંદેશો સુધ્ધાં નથી એ કેવી દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.

આખરે ટ્રેનિંગ પિરિયડ પૂરો થયા બાદ ક્રિસને એનો મેનેજર કહે છે કે અરે વાહ! તું આજે નવું શર્ટ પહેરીને આવ્યો છેને કંઈ. કાલે પણ આ જ શર્ટ પહેરજે કારણ કે ઓગણીસ ટ્રેઈનીઓમાંથી ફુલટાઈમ જોબ માટે તને પસંદ કરવામાં આવ્યો છે. ક્રિસને છાતી ફાડીને રડવાનું મન થાય છે, પણ આંસુને એ મહામહેનતે આંખોમાં દબાવી રાખે છે. અંધારી કાળી ટનલનો છેડો આવી ગયો છે. હવે ફક્ત સુખી થવાનું છે.

બેબીસીટીંગમાંથી એ દીકરાને તેડી લાવે છે. બાપ-દીકરો હસતા-ખેલતા વાતો કરતા આગળ વધે છે ને અહીં ફિલ્મ પૂરી થાય છે. છેલ્લે સ્ક્રીન પર લખાણ ઝબકે છે કે આગળ જતાં ક્રિસ ગાર્ડનર ખૂબ સફળતા પામીને મલ્ટિ-મિલિયન ડોલર બ્રોકરેજ ફર્મનો માલિક બને છે.

અગાઉ નોંધ્યું તેમ આ સત્યકથા છે. ક્રિસ ગાર્ડનર નામની સાચુકલી વ્યક્તિએ એક મેગેઝિનને પોતાની સંઘર્ષકથા વર્ણવતો ઈન્ટરવ્યુ આપ્યો હતો. એને સારો પ્રતિસાદ મળ્યો એટલે એમણે ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’ નામનું આત્મકથનાત્મક પુસ્તક લખ્યું, જે બેસ્ટસેલર સાબિત થયું. ક્રિસ ગાર્ડનરને વિચાર આવ્યો કે મારી કહાણીમાં લોકોના હૃદયને સ્પર્શી જાય એવું તત્ત્વ છે તો એના પરથી હોલિવૂડની ફિલ્મ બનવી જોઈએ. પુસ્તકના રાઈટ્સ બીજા કોઈને વેચવાની માથાકૂટ કરવાને બદલે ક્રિસ ગાર્ડનર ખુદ અસોસિયેટ પ્રોડ્યુસર બની ગયા.

મેઈન હીરો વિલ સ્મિથ પણ ફિલ્મના અનેક પ્રોડ્યુસરોમાંનો એક હતો. ક્રિસને ચિંતા હતી કે વિલ જેવો હથોડાછાપ ફિલ્મો કરનારો એકશન હીરો આવું સંવેદનશીલ કિરદાર કેવી રીતે નિભાવી શકશે? આ ચિંતા કંઈ સાવ પાયા વગરની નહોતી. વિલ સ્મિથની ફકત ‘મેન ઈન બ્લેક’ જેવી ફિલ્મો જોનારા આજે પણ ‘ધ પરસ્યુટ ઓફ હેપીનેસ’માં એનું અનોખું રુપ જોઈને ચકિત થઈ જાય છે. ક્રિસના દીકરાની ભુમિકામાં વિલ સ્મિથે પોતાની બીજી પત્નીથી થયેલા સગા દીકરા જેડનને કાસ્ટ કર્યો. ઈવન ડિરેક્ટરની પસંદગી પણ વિલ સ્મિથે જ કરી. ગેબ્રિયલ મુચીનો નામના ઈટાલિયન ડિરેક્ટરની સૌથી મોટી કઠણાઈ એ હતી કે એને સરખું ઈંગ્લિશ બોલતા આવડતું નહોતું. પોતાના વિચારો અને વિઝન વ્યક્ત કરવામાં એને ફાંફાં પડતાં હતા. આવા આદમીને કેપ્ટન-ઓફ-ધ-શિપ બનાવતાં બીજા પ્રોડ્યુસરો કેવી રીતે રાજી થાય? પણ વિલ સ્મિથે સૌને કન્વિન્સ કરી લીધા.

સામાન્ય રીતે આપણે પડદા પર દુખિયારી અબળા નારીની દર્દભરી કહાણીઓ જોવા ટેવાયેલા છીએ, પણ અહીં એક પુરુષની વાત છે, જે સિંગલ પેરેન્ટ છે અને પોતાના દીકરાની સુખસુવિધા માટે અપાર સંઘર્ષ કરે છે. વિલ સ્મિથે જે રીતે ક્રિસનો સંઘર્ષ પેશ કર્યો છે તે હૃદય ભીંજવી દે એવો છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં ક્રિસ ખુદ કયારેય પીલુડાં પાડતો નથી. નથી એ ગમને ભુલાવવા દારુ ઢીંચીને ધમાલ કરતો કે નથી પલાયનવાદી બની કોઈના પર દોષારોપણ કરતો. એ ફક્ત પાગલની જેમ મહેનત કરે છે, પોતાની ખુમારી અને જુસ્સો સતત ટકાવી રાખે છે અને આખરે વિજેતા સાબિત થાય છે. વિલ સ્મિથનો નક્કર અભિનય ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ ભુમિકા માટે એને બેસ્ટ એકટર કેટેગરીમાં ઓસ્કર અને ગોલ્ડન ગ્લોબ બન્ને અવોર્ડ્ઝનાં નોમિનેશન્સ મળ્યાં હતાં.

ગજબની મોટિવેશનલ ક્વોલિટી છે આ ફિલ્મમાં. અંગત સંબંધોમાં કે કરીઅરમાં સંઘર્ષ કરી કરીને મન થાકી ગયું હોય ત્યારે આ ફિલ્મ અથવા એનું સ્મરણ એક પ્રકારની તાકાતનો અનુભવ કરાવશે. જરુર જોજો, જો હજુ સુધી ન જોઈ હોય તો.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Dec, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.