Sun-Temple-Baanner

આ વર્ષે કઈ ગુજરાતી ફિલ્મો જોશો?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


આ વર્ષે કઈ ગુજરાતી ફિલ્મો જોશો?


આ વર્ષે કઈ ગુજરાતી ફિલ્મો જોશો?

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 10 ફેબ્રુઆરી 2019

મલ્ટિપ્લેક્સ

જો વિષય વૈવિધ્યની વાત કરીએ તો 2019નું વર્ષ ગુજરાતી સિનેમા માટે ખાસ્સું પ્રોમિસિંગ દેખાઈ રહ્યું છે. પેશ છે આવી રહેલી કેટલીક ઇન્ટરેસ્ટિંગ ગુજરાતી ફિલ્મોનું એક ટીઝર.

* * * * *

ચાલો, ગુજરાતી સિનેમાની આ વર્ષની શરૂઆત તો ધમાકેદાર થઈ છે. થેન્ક્સ ટુ, ‘ચાલ જીવી લઈએ!’ વિપુલ મહેતાના ડિરેક્શનમાં બનેલી અને સિદ્ધાર્થ રાંદેરિયા-યશ સોની-આરોહી પટેલના અભિનયવાળી આ ફિલ્મ અત્યારે ન્યુઝમાં છે. આ વર્ષે બીજી એવી કઈ ગુજરાતી ફિલ્મો આવવાની છે જેની રાહ જોવાનું મન થાય? ચાલો, જોઈએ.

(1) હેલ્લારોઃ

કેટલું સરસ ટાઇટલ. હેલ્લારો એટલે મોજું. લાગણીનું મોજું, ઉર્જાનું મોજું, અભિવ્યક્તિનું મોજું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા અભિષેક શાહ આ ફિલ્મથી ફુલ-ફ્લેજ્ડ ડિરેક્ટર તરીકે પોતાની કરીઅરના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. ‘હેલ્લારો’ની કથા કચ્છમાં આકાર લે છે. ટુ બી પ્રિસાઇઝ, 1975ના કચ્છમાં. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે ‘હેલ્લારો’ સર્જાય છે! કથાના કેન્દ્રમાં બાર નાયિકાઓ છે અને સંગીત આ ફિલ્મનો હીરો છે. અલબત્ત, ફિલ્મમાં સંગીત ઉપરાંત એક મનુષ્ય નાયક પણ છે – જયેશ મોરે. પોલીસ ઓફિસર તરીકે ટાઇપકાસ્ટ થવાની લગભગ ધાર પર પહોંચી ચુકેલા જયેશ મોરે આમાં વરણાગી ઢોલી બન્યા છે.

આ ફિલ્મની સર્જનકથા કદાચ ફિલ્મ જેટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. અભિષેક શાહ કહે છે, ‘કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે. ત્યાંથી ત્રણ કિલોમીટરના અંતરે ઇન્ડિયા બ્રિજ છે. આમજનતા માટે ઇન્ડિયા બ્રિજથી આગળ જવાનું પ્રતિબંધિત છે. આ બ્રિજથી જમણી બાજુ અફાટ રણમાં અમે શૂટિંગ માટે પચીસ ઘરોનું રીતસર આખું ગામ ઊભું કર્યું હતું. ઘરના સેટ નહીં, પણ સાચુકલાં, આખેઆખાં ઘર. અમારે 1975ના સમયના કચ્છનો માહોલ ઊભો કરવો હતો. એટલે ભૂંગા અમુક પ્રકારના જ હોવા જોઈએ, આસપાસ ક્યાંય મોબાઇલ ટાવર દેખાતો ન હોવો જોઈએ, વગેરે.’

સવારના સાત વાગે શૂટિંગ શરૂ થઈ શકે એ માટે મહિલા કલાકારોએ મધરાતે ત્રણેક વાગે ઊઠી જવું પડતું કે જેથી કોસ્ચ્યુમ પહેરી, કતારબદ્ધ છુંદણા સહિતનો મેકઅપ કરાવીને રેડી થઈ જવા માટે પૂરતો સમય મળી રહે. સેટથી ખાસ્સે દૂર જે જગ્યાએ યુનિટ માટે રહેવાનો પ્રબંધ કરવામાં આવ્યો ત્યાં રાતે ઘણી વાર લાઇટ જતી રહે. ક્યારેક પાણીના ટેંકરને આવવામાં વહેલા-મોડું થાય તો સવારે નાહવાના નામે નાહી નાખવું પડે. ક્યારેક કિચનમાં લોટ ખતમ થઈ જાય ને આખો દિવસ રોટલી વગર ચલાવી લેવું પડે!

‘રણના પ્રખર તાપ વચ્ચે લાગલગાટ શૂટિંગ ચાલે એટલે એક સાથે બબ્બે મહિલા કલાકારો બેભાન થઈ ગઈ હોય ને શૂટિંગ અટકી પડ્યું હોય એવુંય બન્યું છે. આટઆટલી તકલીફ હતી, પણ સૌનો સ્પિરિટ એટલો કમાલનો હતો કે કશી ફરિયાદ કર્યા વગર બધા નિષ્ઠાથી કામ કરતા રહ્યા. મને ખાતરી છે કે આ નિષ્ઠા અને પેશન ઓડિયન્સને સ્ક્રીન પર દેખાયા વગર નહીં રહે.’

અભિષેક શાહે સ્વતંત્રપણે આ ફિલ્મની કથા લખી છે અને પ્રતીક ગુપ્તાના સંગાથમાં સ્ક્રીનપ્લે લખ્યો છે. એડિશનલ સ્ક્રીનપ્લે, ડાયલોગ અને ગીત સુપર ટેલેન્ટેડ સૌમ્ય જોશીએ લખ્યા છે. મેહુલ સુરતીએ સંગીત તૈયાર કર્યું છે. ફિલ્મમાં ચાર ગરબા છે જેની કોરિયોગ્રાફી ‘ઢોલી તારો ઢોલ વાગે’ ફેમ અવોર્ડવિનિંગ જોડી સમીર અને અર્ષ તન્નાએ કરી છે. આયુષ પટેલ, અભિષેક શાહ, મિત જાની અને પ્રતીક ગુપ્તા ફિલ્મના સહનિર્માતાઓ છે. એમણે સ્થાપેલા બેનરનું નામ પણ ઇન્ટરેસ્ટિંગ છે – હરફનમૌલા ફિલ્મ્સ!

‘હું આ ફિલ્મ સાથે સતત દોઢેક વર્ષથી જીવું છું,’ અભિષેક ઉમેરે છે, ‘આખી ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ સહિત સંપૂર્ણપણે રેડી છે. લગભગ ઉનાળામાં ફિલ્મ રિલીઝ કરવાનો અમારો ઇરાદો છે. એની પહેલાં કદાચ અમુક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એનું સ્ક્રીનિંગ થઈ શકે.’

જે અફલાતૂન કચ્છી લોકકથા પરથી ‘હેલ્લારો’ બની છે એના પર ઘણા ફિલ્મમેકરોની નજર લાંબા સમયથી હતી, પણ પહેલો ઘા અભિષેક શાહ નામના આ રાણાએ મારી દીધો છે. ગુજરાતી સિનેમાના આંતરિક વર્તુળોમાં આ કલરફુલ અને વાઇબ્રન્ટ ફિલ્મ વિશે ઓલરેડી બહુ જ સરસ હવા બની ચુકી છે. સિન્ક સાઉન્ડમાં બનેલી અને ગુજરાતની ભાતીગળ સુગંધ ધરાવતી આ ફિલ્મ ખૂબ આશાસ્પદ છે એ તો નક્કી.

(2) 47, ધનસુખ ભવનઃ

ફિલ્મ લાઇનમાં જો સૌથી ખોટી રીતે વપરાતો અને ચવાઈને ચુથ્થો થઈ ગયેલો કોઈ શબ્દ હોય તો તે છે, ‘હટ કે’! બધા કશુંક ‘હટ કે’ જ કરવા માગતા હોય છે. સિનેમાદેવની કૃપાથી ગુજરાતી પડદે સાવ સાચા અને જેન્યુઇન અર્થમાં એક ‘હટ કે’ ફિલ્મ આવી રહી છે. અત્યારે કથા કે ટેકનિકલ વિગતો વધારે આપી નહીં શકાય, પણ એટલું જાણી લો કે ’47, ઘનસુખ ભવન’ એક સુપરનેચરલ સસ્પેન્સ ફિલ્મ છે. ન્યુ વેવ ગુજરાતી સિનેમાની આ સંભવતઃ પહેલી સુપરનેચરલ ફિલ્મ હોવાની. અલબત્ત, જે ‘હટ કે’ તત્ત્વની વાત થઈ રહી છે એને ફિલ્મના સુપરનેચરલ હોવા સાથે કોઈ સંબંધ નથી!

‘આ ફિલ્મ અમે આ વર્ષે ચોમાસામાં એટલે સમજોને કે જુલાઈ-ઓગસ્ટમાં રિલીઝ કરવા માગીએ છીએ,’ ફિલ્મના રાઇટર-ડિરેક્ટર-એડિટર નૈતિક રાવલ કહે છે, ‘ફિલ્મમાં ત્રણ જ પુરુષ પાત્રો છે, જે ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર ભજવી રહ્યા છે.’

ખૂબ બધી વર્કશોપ્સ પછી ફિલ્મનું શૂટિંગ આજથી જ શરૂ થઈ રહ્યું છે. નૈતિક રાવલના બાયોડેટામાં ઓલરેડી બે ગુજરાતી ફિલ્મો બોલે છે – ‘ચાર’ (2011) અને મલ્ટિપલ અવોર્ડવિનિંગ ‘જે પણ કહીશ એ સાચું જ કહીશ’ (2016). ફિઝીયોથેરાપીનું ભણેલા અને મુંબઈમાં સ્થાયી થઈને કેટલીક હિન્દી સિરિયલો સાથે સંકળાઈ ચુકેલા નૈતિક રાવલ પોતાના જ નામની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. ફિલ્મી દુનિયા અને ફિલ્મમેકિંગમાં રસ ધરાવનારાઓએ આ ચેનલ પર લટાર મારવા જેવી છે.

(3) મૃગતૃષ્ણાઃ

ચાર ટાબરિયાં છે. એક નદીના કિનારે વસેલાં રળિયામણા ગામમાં તેઓ રહે છે. એમના મનમાં સતત કુતૂહલ કૂદાકૂદ કરતું હોય છે કે નદીના સામા કિનારે શું હશે? ક્યારેક તો સામા કાંઠે જવું જ છે. આ એમનું સપનું છે. પોતાનું સપનું સાકાર કરવા માટે તેઓ શું શું કરે છે? ત્યાં ગયા પછી એમને શું જોવા મળે છે?

આ છે ‘મૃગતૃષ્ણા’ ફિલ્મની સીધી-સરળ વનલાઇન. પંદર-પંદર વર્ષથી આ ફિલ્મના આઇડિયા સાથે જીવી રહેલા રાઇટર-ડિરેક્ટર ડો. દર્શન અશ્વિન ત્રિવેદી કહે છે, ‘સપાટી પર ફિલ્મનું નરેટિવ ભલે સાદું લાગે, પણ એમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી ઘણી સંજ્ઞાઓ અને પ્રતીકો વણાયેલાં છે. આ સંજ્ઞા ઉકેલવાનું કામ ઓડિયન્સે જાતે કરવાનું છે. એક ફિલ્મમેકર તરીકે મેં કશુંય સ્પૂન-ફીડિગ કર્યું નથી.’

‘રેવા’ પછી નર્મદા નદી પુનઃ આન, બાન અને શાન સાથે ગુજરાતી પડદા પર ‘મૃગતૃષ્ણા’માં પેશ થશે. ફિલ્મનું શૂટિંગ હાંફેશ્વર નજીક થયું છે. વડોદરાથી બે કલાક અને બોડેલીથી એક કલાકના અંતરે આવેલા હાંફેશ્વરની એક તરફ મધ્ય પ્રદેશ છે, બીજી બાજુ મહારાષ્ટ્ર છે અને ત્રીજી બાજુ ગુજરાત. જેમણે ‘મૃગતૃષ્ણા’ના રફ કટ્સ અથવા વર્ક-ઇન-પ્રોગ્રેસ વર્ઝન જોયા છે તેઓ ફિલ્મની વિઝ્યુઅલ અપીલ અને સિનેમેટિક લેંગ્વેજથી ખાસ્સા પ્રભાવિત થયા છે. પહેલી નજરે તમને કદાચ એવું પણ લાગી શકે કે આ ફિલ્મ ગુજરાતમાં નહીં, કેરળમાં શૂટ થઈ છે!

ટેલિવિઝન, રેડિયો, થિયેટર સાથે વીસ કરતાંય વધારે વર્ષોથી સંકળાયેલા અને અમદાવાદ સ્થિત માઇકા (મિડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ મેનેજમેન્ટ)માં ફેકલ્ટી તરીકે સક્રિય એવા ડો. દર્શન ત્રિવેદી ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ ફેમ નીલા ટેલીફિલ્મ્સમાં તાજા તાજા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જોડાયા છે. ભૂતકાળમાં શોર્ટ ફિલ્મ્સ બનાવી ચુકેલા દર્શનની આ પહેલી ફુલ-લેન્થ ફિચર ફિલ્મ છે.

‘એકચ્યુઅલી, ‘મૃગતૃષ્ણા’ ટ્રિલોજીનો પહેલો ભાગ છે,’ તેઓ કહે છે, ‘બીજો ભાગ ક્ચ્છમાં આકાર લેશે. એનું ટાઇટલ છે, ‘યાયાવર’. એનો પહેલો ડ્રાફ્ટ પણ લખાઈ ગયો છે. ત્રીજી ફિલ્મનું લોકાલ હજુ નક્કી થવાનું બાકી છે. આ ત્રણ ફિલ્મોના ઝુમખાને મેં ‘ઇલ્યુઝન ટ્રિલોજી’ એવું નામ આપ્યું છે. હું ‘મૃગતૃષ્ણા’ને કે ટ્રિલોજીની બાકીની ફિલ્મોને ગુજરાતી, અર્બન કે નોન-અર્બન કે એવું કોઈ જ લેબલ આપવા માગતો નથી. આ ઇન્ડિયન સિનેમા છે, જેમાં હું ભારતીય દર્શન અને મૂલ્યોને કેપ્ચર કરવાની કોશિશ કરવા માગું છું.’

‘મૃગતૃષ્ણા’ 2019ના ઉત્તરાર્ધમાં રિલીઝ થશે. એની પહેલાં સંભવતઃ તે નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સની યાત્રા કરી ચુકી હશે. ડો. દર્શન અશ્વિન ત્રિવેદી કહે છે, ‘હું બીજું કશું જ ન કરું ને માત્ર આ ઇલ્યુઝન ટ્રિલોજી બનાવું તો પણ એક ફિલ્મમેકર તરીકેની મારી યાત્રા સાર્થક થઈ ગણાશે!’

ના, 2019ની મોસ્ટ પ્રોમિસિંગ ગુજરાતી ફિલ્મોની વાત અહીં પૂરી થતી નથી. સુપરહિટ ‘લવની ભવાઈ’ પછી સંદીપ પટેલ હવે શું બનાવવામાં બિઝી બિઝી છે? અભિષેક જૈન, કૃષ્ણદેવ યાજ્ઞિક, નીરવ બારોટ? વિજયગિરિ ‘પ્રેમજી’ બાવા ચુલબુલી આરોહી પટેલ સાથે પેલી જે મસ્તમજાની ફિલ્મ બનાવી રહ્યા છે એનું શું સ્ટેટસ છે? મલ્હારસાહેબ, સોરી, મલ્હાર ઠાકર આ વર્ષે શું લઈને આવવાના છે? આ અને આ સિવાયની બીજી કેટલીય વાતો આવતા રવિવારે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.