Sun-Temple-Baanner

‘મ્યુનિક’માં શું છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


‘મ્યુનિક’માં શું છે?


‘મ્યુનિક’માં શું છે?

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 ફેબ્રુઆરી 2019

મલ્ટિપ્લેક્સ

પુલવામામાં આપણા જવાનોનો જીવ લેનાર આતંકવાદી જૂથના એકેએક નરાધમને વીણી વીણીને મારી નાખવા જોઈએ એવો તીવ્ર રોષ જો તમારા મનમાં જાગ્યો હોય તો સ્ટીવન સ્પિલબર્ગની ‘મ્યુનિક’ ફિલ્મ જરૂર જોજો.

* * * * *

1972માં જર્મનીના મ્યુનિક શહેર એક એવા ઘટનાક્રમે આકાર લીધો જેણે આખી દુનિયામાં આઘાતના તરંગો ફેલાવી દીધા હતા. 36 વર્ષના લાંબા ગાળા બાદ જર્મની અતિપ્રતિષ્ઠિત ઓલિમ્પિકસ રમતોત્સવનું યજમાન બન્યું હતું. શાનદાર પ્રારંભ બાદ પહેલું અઠવાડિયું તો સરસ વીત્યું, પણ બીજા વીકમાં અકલ્પ્ય બનાવ બની ગયો. પાંચમી સપ્ટેમ્બર 1972ની વહેલી સવારે પેલેસ્ટાઇનના આતંકવાદીઓનું એક આખું ટોળું ખેલાડીઓને રહેવા માટે ઊભા કરવામાં આવેલા ઓલિમ્પિયાડમાં ઘૂસી ગયા. એમના નિશાના પર ઇઝરાયલના ખેલાડીઓ હતા. બે ઇઝરાયલી એથ્લેટ્સને તો આ નરાધમોએ ત્યાં જ ખતમ કરી નાખ્યા ને બીજા નવ ખેલાડીઓને બંદી બનાવ્યા. એમની ડિમાન્ડ હતી કે જો આ નવ ખેલાડીઓને જીવતા ભાળવા હોય તો ઇઝરાયલની જેલોમાં જે 234 પેલેસ્ટીનીઅનો ઉપરાંત બે જર્મન આતંકવાદીઓ પૂરાયેલા છે એમને છોડી મૂકવામાં આવે. વાટાઘાટ પડી ભાંગી. નવેનવ બંદીવાન ઇઝરાયલી ખેલાડીઓનો પણ ભોગ લેવાયો.

આવા ભયાનક હત્યાકાંડ પછી ઇઝરાયલની સરકારે શું કર્યું? પોતાના અગિયાર ખેલાડીઓને શોકાંજલિ આપીને હાથ પર હાથ ધરીને બેસી રહી? ના. લોખંડી જિગર ધરાવતાં ઇઝરાયલનાં તત્કાલીન મહિલા વડાંપ્રધાન ગોલ્ડા મીરે ગુપ્તચર સંસ્થા મોસાદના એજન્ટોની એક ટીમ બનાવીને આદેશ આપ્યોઃ તમે પેલેસ્ટાઇનમાં ઘુસો, આખી દુનિયામાં જ્યાં જરૂર પડે ત્યાં જાઓ… અને આપણા ખેલાડીઓની હત્યા કરનારા આતંકવાદીઓને વીણી વીણીને ખતમ કરી નાખો! મોસાદના એજન્ટોએ એક્ઝેક્ટલી એવું જ કર્યું. આજે જેના વિશે વાત કરવી છે એ સ્ટીવન સ્પિલબર્ગની ‘મ્યુનિક’ ફિલ્મ આ ઘટનાક્રમ પર આધારિત છે. તાજેતરમાં પુલવામામાં આપણા જવાનોની થયેલી નિર્દયી હત્યાના આઘાતમાંથી આપણે હજુ પૂરેપૂરા બહાર આવ્યા નથી. આક્રોશના આ માહોલ વચ્ચે કેવળ ‘મ્યુનિક’ ફિલ્મ વિશે જ ચર્ચા થઈ શકે.

‘મ્યુનિક’ રિલીઝ થઈ 2005માં, પણ અમેરિકન યહૂદી સ્પિલબર્ગના દિમાગમાં તો આ વિષય ક્યારનો ઘર કરી ગયો હતો. 1970ના દાયકામાં આતંકવાદ નામની આખી વસ્તુ આજે જેટલી છે એટલી કોમન નહોતી. પેલેસ્ટીનીઅન આતંકવાદીઓને વીણી વીણીને ઉડાવી દેવાના અત્યંત ગુપ્ત મિશનને ‘ઓપરેશન રેથ ઓફ ગોડ’ એવું નામ આપવામાં આવ્યું હતું. જ્યોર્જ જોનસ નામના લેખકે એના પરથી ‘વેન્જન્સ’ (બદલો) નામનું પુસ્તક લખ્યું. ‘મ્યુનિક’ ફિલ્મનો તે મુખ્ય આધાર. યુવલ અવિવ નામનો મોસાદનો ભૂતપૂર્વ એજન્ટ, કે જે પેલેસ્ટીનીઅન આતંકવાદીઓને ઉડાવી દેનાર ટીમનો લીડર હતો, એ લેખકનો મુખ્ય સોર્સ હતો. એણે શેર કરેલી અંદર કી બાતના આધારે આ પુસ્તક લખાયું છે.

‘વેન્જન્સ’ પુસ્તકના અધિકારો ખરીદ્યા બાદ સ્પિલબર્ગે કૂલ ચાર સ્ક્રિપ્ટરાઇટરોને સ્વતંત્રપણે પટકથા લખવાનું કામ સોંપ્યું. આ ચાર પૈકીના બે લેખકો જોડીમાં હતા. સ્પિલબર્ગે પછી એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મેં આ ફિલ્મ બનાવવાનું કેટલાંય વર્ષ સુધી ટાળ્યા કર્યું હતું, કેમ કે મને એક પણ સ્ક્રિપ્ટમાં મજા જ નહોતી આવતી. મેં મારા ફિલ્મી દોસ્તારો ને બીજા કેટલાય લોકો સાથે આ વિષય પર ચર્ચા કરી હતી, પણ મને સંતોષ થતો નહોતો. આખરે મેં અને મારા સ્ક્રિપ્ટરાઇટર ટોની કશનરે મન મક્કમ કરીને પ્રોજેક્ટ હાથ પર લીધો. વિષય ખરેખર અત્યંત સંવેદનશીલ અને વિવાદાસ્પદ હતો. સ્ક્રિપ્ટમાં કેટલાય સુધારાવધારા કર્યા અને નક્કી કર્યું કે આપણે એવી ફિલ્મ બનાવવી છે જે સંપૂર્ણપણે તટસ્થ હોય અને જેમાં કોઈની સાઇડ લેવામાં આવી ન હોય.’

ફાયનલ સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી ત્યારે જ નક્કી હતું કે યુવલ અવિવ પર આધારિત મોસાદના મુખ્ય એજન્ટ એન્વરનો રોલ એરિક બાના નામનો એક્ટર કરશે. ફિલ્મમાં ડેનિયલ ક્રેગનો પણ મહત્ત્વનો રોલ છે. ડેનિયલ ક્રેગ પછી લેટેસ્ટ જેમ્સ બોન્ડ તરીકે વર્લ્ડ ફેમસ થયો. સ્પિલબર્ગ મૂળ આ ફિલ્મ 2003-04માં શૂટ કરવા માગતા હતા, પણ ત્યાં જ એમને ખબર પડી કે ટોમ ક્રુઝની તારીખો મળે એમ છે. આથી ‘મ્યુનિક’ને પાછી અભેરાઈ પર ચડાવી દેવામાં આવી ને સ્પિલબર્ગે ટોમભાઈ સાથે મળીને ‘વોર ઓફ ધ વર્લ્ડઝ’ (2005) બનાવી નાખી.

મજા જુઓ. ફિલ્મનું ટાઇટલ ‘મ્યુનિક’ છે, પણ જર્મનીના આ શહેરમાં એક પણ સીનનું શૂટિંગ થયું નથી. મોટા ભાગના સીન હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન બન્ને ભયંકર ઉતાવળમાં કરવામાં આવ્યાં હતાં. સ્પિલબર્ગે પોતાની ટીમને કહી રાખ્યું હતું કે જો આપણે ક્રિસમસ પહેલાં ફિલ્મ રિલીઝ કરી શકીશું તો જ આગામી ઓસ્કરની રેસમાં સામેલ થઈ શકીશું. ટીમના મુખ્ય માથાંઓએ ભેગા મળીને નક્કી કર્યું કે માલ્ટા અને હંગેરીના બાર વીકના શેડ્યુલ દરમિયાન માત્ર શૂટિંગ જ નહીં, એડિટિંગ પણ સમાંતરે પતાવતાં જવું પડશે. એટલે માનો કે સોમવારે જે સીન શૂટ થયો હોય તે બે દિવસમાં એડિટ થઈને સ્પિલબર્ગ પાસે આવી જાય. તેઓ પોતાના તરફથી સુધારાવધારા સૂચવે. પછી ફાયનલ એડિટેડ સીનની બે કોપી બને. એક કોપી બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક માટે મોકલવામાં આવે ને બીજી સાઉન્ડ ઇફેક્ટ્સ માટે તાત્કાલિક રવાના કરવામાં આવે. આમ એક સાથે અનેક ઘોડા પર સવાર થઈને સ્પિલબર્ગ અને એમની ટીમે સઘળું કામકાજ પતાવ્યું. શૂટિંગ પૂરું થયું એના બે જ વીકમાં આખી ફિલ્મનો ફર્સ્ટ કટ રેડી હતો!

ફિલ્મ રિલીઝ થઈ. પ્રતિક્રિયાઓ તદ્દન સામસામા છેડાની મળી. એક મોટો વર્ગ સ્ટીવન સ્પિલબર્ગ પર નવેસરથી ફિદા થઈ ગયો, તો ઇઝરાયલની સરકાર અને જમણેરી ઝોક ધરાવતા ઇરાઝરાયલ-તરફી જુથે સ્પિલબર્ગ પર ટીકાનો વરસાદ વરસાવી દીધો. શા માટે? ફિલ્મમાં પેલેસ્ટીનીઅન આંતકવાદીઓને મારવા નીકળેલા મોસાદના એજન્ટ્સની નૈતિક ગડમથલ દેખાડવામાં આવી છેઃ શું આ અમે બરાબર કરી રહ્યા છીએ? ફિલ્મનો સૂર એવો છે કે ઇઝરાયલની સરકારે ચુન ચુન કે બદલા લેવાની જરૂર જ નહોતી. આતંકવાદીઓ સાથે જેવા સાથે તેવા થવા જઈએ તો સરવાળે વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે સૌનું નુક્સાન જ થવાનું છે. ‘મ્યુનિક’ ફિલ્મના વિરોધનું મુખ્ય કારણ આઇડિયોલોજિકલ હતું. જેમને ફિલ્મ ગમી નથી એમનું માનવું હતું કે આ ફિલ્મ આડકતરી રીતે આપણને એવું કહે છે કે પેલેસ્ટાઇનના આતંકવાદીઓ અને ઇઝરાયલના એજન્ટો વચ્ચે તાત્ત્વિક રીતે ઝાઝો ફરક નથી. બન્ને કામ તો માણસોને મારવાનું જ કરે છેને. સ્પિલબર્ગ આંતકવાદીઓને સાથે મોસાદના એજન્ટોની સરખામણી કરી જ શી રીતે શકે? સ્પિલબર્ગે જોકે આ આખી દલીલ કે ટીકાને વજૂદ વગરની ગણી હતી.

ઇઝરાયલની સરકારે કહ્યું કે ફિલ્મમાં મોસાદની કામગીરીનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે તે સાવ ખોટું છે. અસલમાં જે ઘટનાઓ બની હતી તે આ ફિલ્મમાં દેખાડાય છે તેના કરતાં સાવ જુદી હતી. ઇઝરાયલી સત્તાવાળાઓએ ઘોષણા કરી કે મોસાદમાં યુવલ અવિવ (કે જેના ઇનપુટ્સના આધારે ‘વેન્જન્સ’ પુસ્તક લખાયું હતું) નામનો કોઈ માણસ ક્યારેય હતો જ નહીં! યુવલે બચાવ કરતાં કહ્યું કે સત્તાવાળાઓએ કાયદેસર રીતે નનૈયો ભણવો જ પડે, આમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. એક તબક્કે ઇઝરાયલ સરકારના પ્રવક્તાએ છેક ત્યાં સુધી કહી દીધું કે સ્પિલબર્ગને કહો કે એ ડાયનોસોરની ફિલ્મો જ બનાવે, આ પ્રકારના વિષયને અડવાની ગુસ્તાખી ન કરે!

‘ન્યુઝવીક’ મેગેઝિને લખ્યું કે મોસાદે પેલેસ્ટીનીઅન આતંકવાદીઓનો વીણી વીણીને મારી નાખ્યા એ વાતમાં ઝાઝો દમ નથી. વાસ્તવમાં મ્યુનિક હત્યાકાંડને અંજામ આપનારા મોટા ભાગના અસલી આતંકવાદીઓ હાથમાં આવ્યા જ નહોતા. જે લોકોને આતંકવાદી ગણીને મારી નખાયા હતા એમને મ્યુનિક હત્યાકાંડ સાથે કોઈ લેવાદેવા નહોતી. એમ તો ફિલ્મની છેલ્લી પાંચ મિનિટ દરમિયાન એવું સ્વીકારવામાં પણ આવ્યું છે કે મોસાદે જે આતંકવાદીઓને ઠાર માર્યા એ પૈકીના તમામ મ્યુનિક હત્યાકાંડમાં સીધા સંડોવાયેલા નહોતા. એવું પણ કહેવાયું કે અસલિયતમાં મોસાદની કોઈ એક નહીં પણ ઘણી બધી ટુકડીઓને આતંકવાદીઓની પાછળ છોડવામાં આવી હતી. વળી, મોરોક્કોમાં એક શૂટઆઉટ દરમિયાન વેઇટર તરીકે કામ કરતો એક નિર્દોષ માણસ મરી ગયો હતો એ ઘટનાનો ફિલ્મમાં કોઈ ઉલ્લેખ જ નથી એની સામે પણ ઘણાને વાંધો પડ્યો.

ખેર, વિરોધો ને વિવાદો તો થવાના જ. ‘મ્યુનિક’ ફિલ્મે કમાણી કરી ખરી, પણ સ્પિલબર્ગની અન્ય ફિલ્મોની માફક તે બોક્સઓફિસ પર ધમાલ ન મચાવી શકી. ખેર, કમાણીના આંકડા અલગ વસ્તુ છે, પણ આ ફિલ્મ સ્પિલબર્ગની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક ગણાય છે. એને પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાઃ બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, એડિટિંગ અને સ્કોર (સંગીત). આ અફલાતૂન એક્શન થ્રિલર આખેઆખી યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે. પુલવામામાં આપણા જવાનોનો જીવ લેનાર આતંકવાદી જૂથના એકેએક નરાધમને વીણી વીણીને મારી નાખવા જોઈએ એવો તીવ્ર રોષ જો તમારા મનમાં જાગ્યો હોય તો ફિલ્મ જરૂર જોજો.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.