મા અંગે લખવાનું હોય તો હું શું લખું ? મા એ મા અને બીજા બધા વગડાના વા… એવું બધું ઘણું ઘણું લખી શકાય પરંતુ મને ક્યાં એવું ગોખેલું કે મોનોટોનસ લખવાનું ગમે છે… ? થોડા વર્ષો પહેલાં “વિચાર વલોણું” મેગેઝિનમા સૌંદર્ય વિષે લખવાનું બનેલું… ત્યારે સૌંદર્ય વિષે લખતાં લખતાં પણ મેં મા અને સંતાનના પ્રેમના સૌંદર્ય અંગે પણ લખાણ લખેલું… ! મેં આ સામયિકમાંના મારા લેખમાં “મા ના સૌંદર્ય” અંગે જે લખ્યુ હતું તે અત્રે ફરી ટાંકવુ મને ગમશે…
—-*—-
“ગ્રીષ્મની ધોમધખતી બપોરે એક વૃક્ષ નીચે એક દૃષ્ય જોઇને હું અને મારા સ્કૂટરની બ્રેક, બંને ચોંટી જ ગયેલા… લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે એક આદિવાસી મજૂર સ્ત્રી ખાડા ખોદતા ખોદતા બપોરના “બ્રેક”મા કદાચ ભોજન કર્યા બાદ આડા પડખે થયેલી અને થાકના લીધે ભરઊંઘમાં સૂતેલી. પહેરવેશમા ઘાઘરી, પોલકું અને ઓઢણી. ડાબા હાથનું ઓશિકું બનાવી જમણા હાથને આંખ પર ઓઢી મીઠી નીંદર માણતી આ શ્રમજીવિનીનું દોઢેક વર્ષનું અડધું પડધું નાગું છોકરું તેની પડખે પલાંઠી વાળી એક હાથ જમીન પર ખોડી, બીજા હાથે માનું પોલકું અધ્ધર કરી પોતાની ભૂખ ભાંગતુ હતું… ધૂળ ધમોયા મા-દીકરાના આ સાયુજ્યની નૈસર્ગિકતા આજે પણ મારાં બંધ પોપચાં પાછળ તાદ્રશ છે.
તે દિવસે મને પ્રથમ પ્રતીતિ થઇ કે ‘મા’ એ માત્ર એક શબ્દ કે વ્યક્તિ નહીં પરંતુ એક અવસ્થા છે, ઘટના છે. ગર્ભવતી સ્ત્રીને તમે કદી ધ્યાનથી નીરખી છે ? ભલે તે કાળી હોય કે સુંદર હોય, સ્થૂળ હોય કે પાતળી હોય પણ પોતાની અંદર પાંગરી રહેલા પિંડ પ્રત્યેની મમતાનું માધુર્ય તેના અંગેઅંગમા અને સવિશેષ તો તેની આંખ અને સ્મિતમા અવિરત છલક્યા જ કરતું હોય છે… ‘મા એક અનુભૂતિ છે, સંબંધ નહીં.”
—-*—-
આજે પણ મારે મા વિષે જે કંઇ કહેવાનું છે તે પણ અલગ જ છે. મા વિષે જે કંઇ કહેવાયું હોય છે તેનાથી મારે સાવ વિપરિત વાત કરવાની છે… બધા કહે છે કે મા મમતાની દેવી છે… મા એટલે વ્હાલનો ઘૂઘવતો દરિયો… મા એટલે સાક્ષાત દેવીનો અવતાર… વગેરે… વગેરે… માફ કરજો પરંતુ… મારી મા આમાનું કાંઇ નહોતી… !!! વાંચકો મને મારવાનો નિર્ણય લેતા પહેલાં મને પુરો સાંભળી તો લો ! તમે બધાએ હંમેશાં જે કાંઇ વાંચ્યું છે તેનાથી એક બાળક તરીકેનો મારો અંગત અનુભવ થોડો વિપરિત હોય તો હું એમા શું કરું ? તમે કદી એવું સાંભળ્યું છે કે એક મા પોતાની તમામ મમતાને પોતાના હ્રદયમા ધરબીને પોતાના સુકુમાર, ગુલાબી ગુલાબી ગાલવાળા છોકરાને રબ્બરના વરસાદી ચપ્પલથી બેરહેમ રીતે મારતી હોય… અને તેમાં પણ એણે બાળકને રડવાની અને ચીસો પાડવાની પણ સખ્ત મનાઇ કરી હોય ? “ચુપ… ખબરદાર મોઢામાથી સહેજેય અવાજ કાઢ્યો છે તો…” આ છે મારી ક્રુર મા અને તેની ક્રુરતના પ્રસંગને વર્ણવીને મારે મારી માને, દૂનિયા માની જે છબી જોવા માંગે છે તે છબી ઉપસાવવી છે…
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે પિતાજીને ક્વાર્ટર મળ્યું ન હોવાથી રેલવે સ્ટેશનના પાટાની સામે આવેલી “ફુલઝર” સોસાયટીમાં અમે ભાડે મકાનમા રહેતા. આડોશ પાડોશમા વિવિધ જ્ઞાતિઓના વિવિધ રંગી લોકોના માળા. જેના મકાનમા રહેતા એ મકાન માલિક મોચી, સોસાયટીની બે લાઇનો તો જાણે દરજીઓની જાગીર જ જોઇ લો… અમારું મકાન સોસાયટીની છેલ્લી લાઇનમા આવેલું અને સામે એક વોંકળો . . અમારી સોસાયટી અને વોંકળા વચ્ચે “મફતિયું પરું”… વોંકળાના કાંઠે જમીન પર કોઇ જાતના હક્ક વિના જમીન વાળી ને બેલાના બનાવેલાં મકાનો એટલે આ “મફતિયુ પરું”… આ મફતિયા પરામા દરજી, સુથાર, કોળી જેવી જ્ઞાતિના શ્રમજીવીઓ રોજ સાંજે ઘરે આવીને નિરાંતનો શ્વાસ લેતા. મારી મા, આવા પાડોશમાં રેલવેવાળા સાહેબના ઘરેથી હોવાના નાતે આગવું સ્થાન ધરાવતી. એટલા વિસ્તારમાં એની વાત સૌ ધ્યાનથી સંભળતા અને માનતા પણ ખરા. આમ એક નાનકડા ગામડાની એક અગ્રણી મહિલા અને તે પણ મેટ્રિક પાસ એવી મારી માને પોતાના હોદ્દાને અનુસાર માપદંડ સ્થાપિત કરવા જ રહ્યા અને અધૂરામાં પુરૂં એક મામલતદાર અને ગાંઘીવાદી વિચારધારા ધરાવતા બાપની ગર્વિષ્ટ દીકરી “સરોજબહેન” એ મારી મા…
અમારી સોસાયટી અને “મફતિયા પરા” વચ્ચેની શેરીમાં ઉનાળાના બળબળતા બપોરે ફેરિયાઓની વણઝાર ઉમટે… તેમનું ટાર્ગેટ હોય “ભલી ભોળી” ગૃહિણીઓ… બપોરના ઠામ વાસણ પતે પછીના થોડા જ સમયમા બંગડીવાળા, રમકડાવાળા, ડુંગળી વાળા, લસણવાળા પોતપોતાના આગવા લહેકામાં પોતાના માલની બડાઇ અને સેલ્સમેનશીપ કરતા કરતા પસાર થાય. એકાદી ગૃહિણી જો જોઇતી વસ્તુ માટે રેંકડીવાળાને ઉભો રાખે એટલે પત્યું… આજુબાજુની એ વખતની “નવરી” અને અત્યારની “પરવારીને ફ્રી” સ્ત્રીઓનું ટોળું જામે… કોઇની કાખે તો કોઇની આંગળીએ છોકરાં હોય અને થાગડથીગડ પણ રંગબેરંગી કપડાંવાળી ગ્રામીણ મહીલાઓનું ટોળું રેંકડીને ઘેરી વળે… એક દિવસ આવા જ એક ટોળામા મારી માની સાડીનો છેડો પકડીને હું પણ કુતુહલવશ જોડાયો… રેકડી હતી લસ્સ્સ્સ્સણ… . ની !
ગ્રામીણ મહિલાઓના આ ટોળામા મારી માં પણ લસણ વીણે… હું રેકડીની કિનાર પર હડપચી ટેકવીને ચકળવકળ બધું જોઇ રહ્યો હતો… એવામા ટોળામા લસણ વીણી રહેલી અમારી સામે રહેતા સુથારની નાની વહુના વચેટ છોકરાએ લસણ જોખવા અને પૈસા વસુલવામા વ્યસ્ત “લસણની કોટેજ ઇંડસ્ટ્રી”ના માલિકની નજર ચૂકવીને લસણનો દોથો ભર્યો… અને સરકી ગયો… મને હવે રસ પડ્યો… અને જોયું તો બધાં બાળકો આવું જ કરતાં હતાં… બાળસહજ કહો કે વાનરવૃત્તિ કહો… મને પણ અનુકરણનો ચેપ લાગ્યો… બંદાએ પણ સુથારની નાની વહુના વચેટની માફક લસણ સેરવીને ચડ્ડીનાં ખિસ્સાં ભર્યાં… મા તો આ વાતથી સાવ જ અજાણ… લસણની ખરીદી પતી એટલે માની સાડીના છેડો પકડીને હું પણ ઘરે… ઘરે પહોંચીને ઉન્નત મસ્તકે માને કહ્યું કે “આંખ બંધ કર અને લાય તારો હાથ”… અને મેં માના હાથમા બઠાવેલું લસણ ખડકી દીધું… આંખ ખોલતા જ માનો ચહેરો સમૂળગો ફરી ગયો… “ક્યાંથી લાઇવોઓઓઓ ?” મેં તો બહાદૂરીપૂર્વક કહ્યું “બધા લેતા’તા, તે મેંય લીધું . . .” માની આંખમા કદી ન જોયેલું ખુન્નસ જોઇને મને સમજાયું નહીં કે મે શું ભૂલ કરી છે… માએ એક હાથથી મને લગભગ ઢસડ્યો અને લઇ ગઇ રેંકડી પર… “કાળજું કંપી જાય એટલી તીવ્રતા અને ગુસ્સાથી બોલી “દે પાછું અને માફી માંગ . . .” મને બીજુ કંઇ તો ના સમજાયું, પણ એટલું સમજાઇ ગયું કે મેં ધરતી રસાતાળ જાય એવો ગંભીર કોઇ અપરાધ કર્યો છે મેં… માએ જે કરવાનું કહ્યુ હતું તે કરતાં શરમ આવી, થતું હતું કે આના કરતા તો મરી જાવ એ સારૂ… ચોરી શું છે એ જાણવા જેટલું દુન્યવી જ્ઞાન તો નહોતું પણ માની નજરમા હું કંઇક ખોટું થઇ જવાથી સાવ ઉતરી ગયો છું તે પ્રતીતિ મને વધારે પીડતી હતી. ઘરે પાછા આવ્યા ને માએ ઉઠાવ્યું રબ્બરનું ચપ્પલ… “ બોલ કરીશ કોઇ’દી ચોરી… કરીશ… કરીશ… બોલ… ?” ત્યારે મને સમજાયું કે મેં જે કર્યુ હતું તે “ચોરી” નામનો અપરાધ હતો… ગાલ, બાવડાં, બરડા, થાપા અને સાથળ પર પડી રહેલો રબ્બરના ચપ્પલનો માર શરીરને જેટલી પીડા આપતો હતો એના કરતાં અનેક ગણી પીડા અંતરને આપતો હતો… મને મારના અપમાન કરતા માની નજરમા ચોર ઠરીને ઉતરી જઇશ તેની યાતના વધુ હતી…
માણસ છું તમારી સૌની માફક… એટલે તેંતાલીસ વર્ષની ઉંમરે ભુલથી કે ટીખળમા પણ જો કાંઇ બઠાવી લેવાનું મન થાય ત્યારે મને મારી માએ મારેલા ચપ્પલ નહીં, પણ માની એ નજર મને નિર્દોષ હોય તેવી ચોરી કરતાં પણ ડારે છે… આજે જ્યારે પણ આવી કોઇ બાબતે આત્મમંથન કરવાનું થાય છે ત્યારે બચપણમા માર મારતી જે મા મને કડવી વખ જેવી લાગતી હતી તે જ મા આજે મને સંસ્કાર આપતી એક જીવતી જાગતી શાળા જેવી લાગે છે… કડવાણી કોણ પાય… ? મા જ પાય ને ભાઇ… મને મારી જ સાથે મુલાકાત કરાવનાર મારી માને વંદન એવા શબ્દો મને કેમ સાવ અર્થવિહોણા લાગે છે… ?
~ ધર્મેન્દ્ર ત્રિવેદી
( ભાષાંતરકાર, ગુજરાત વિધાનસભા સચિવાલય )
Leave a Reply