એક સમયે પ્રવીણ તોગડીયા ગુજરાતના હાલના પીએમ નરેન્દ્ર મોદી સાથે એક સ્કુટરમાં બેસીને જતા હતા. રસ્તામાં ક્યાંક ચાની કિટલી આવતી હશે, તો ચા પાણી પણ કરી લેતા હશે ? આ સમયે પ્રવીણ તોગડીયા હંમેશા પોતે જ સ્કુટર ચલાવતા અને તેમની પાછળ મોદી બેસતા. બંન્ને મણિનગરમાં આવેલી સંઘની શાખામાં એકસાથે જતા. સંઘનો પ્રચાર તેમણે એવી રીતે કર્યો જ્યારે ઉંદર એક જગ્યાએથી નીકળે એટલે તેને ત્યાં બીજીવાર આંટો મારવો જ પડે. આ ઉંદરની પ્રકૃતિ છે, કોઈવાર ઘરમાં ઉંદર ઘુસે એટલે ધ્યાનથી તેના અટકચાળાનું નિરીક્ષણ કરવું. એ જ્યાંથી નીકળ્યો હોય ત્યાં જ પાછો વળે છે. મોદી અને તોગડીયાની પ્રચારવિધિ પણ કંઈક આવી જ હતી. સંઘમાં એકવાર આવી જાય એટલે કોઈપણ માણસને ત્યાં ફરી આવવુ પડે. બંન્ને એકસાથે કામ કરતા હતા, સમાનતા પણ એટલી જ.
આ બંન્નેમાં અસમાનતા એક જ ! તોગડીયાએ 1983માં વીએચપી જોઈન કરેલું, મોદી સાહેબે 1984માં બીજેપી જોઈન કરેલું. પણ આગળ આપણે ટીંગાતી બંદુક ફોડી તે માફક, કામ બંન્નેનું સંઘનો પ્રચાર કરવાનું. કહેવાયને સિંહ પાંજરામાં રહે કે, પાંજરાની બહાર, સિંહને હંમેશા સિંહ જ કહેવામાં આવે છે.
મોદી પાસે પોલીટીકલ સાયન્સની ડિગ્રી છે કે નહીં, તે રાજકિય મુદ્દો બનેલો, પણ તોગડીયા સાહેબ પાસે કેન્સર સર્જનની ડિગ્રી છે અને રહેશે, તે માનવું રહ્યું. 1995ની સાલ ન આવી ત્યાં સુધી આ બંન્ને એકબીજાની મદદ કરતા. કોઈવાર તોગડીયા સાહેબનું સ્કુટર ખોટકાઈ જતું હશે, તો મોદી સાહેબ પણ મદદ કરતા હશે એવી બંન્ને વચ્ચે દોસ્તી હતી. પણ દોસ્તીની વ્યાખ્યા મારા સિવાય તો કોઈ સારી આપી નહીં શકે, હે !
મીડિયામાં કે કોઈપણ ક્ષેત્રમાં તમે કામ કરતા હો, ત્યાં તમને તમારી સાથે કામ કરનારો વ્યક્તિ નહીં ગમે, પણ બીજા ડિપાર્ટમેન્ટના માણસ સાથે તમે ચા પીવા જશો. એવુ જ કે, નજીક રહીએ એટલે દોસ્તીમાં ખટાશ તો આવવાની. અને એ ખટાશનું કારણ ઈર્ષ્યા પણ હોવાનું. એક આગળ વધી જાય અને એક પાછળ રહી જાય. તર્ક સાચો જાય છે ને… કહેજો હો….
1995માં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. કેશુભાઈ ‘’નામના’’ મુખ્યમંત્રી બન્યા. જેની કોર કમિટિમાં તોગડીયા અને મોદી સાહેબ હતા. બંન્નેના હાથમાં મેઈન ડિસીઝન પાવર હતો. બળવાખોર શંકરસિંહ વાઘેલાએ કેશુબાપા પર ત્રાસ વર્તાવવાનો શરૂ કરેલો. કેશુબાપા કારણ વિનાના દબાવા માંડ્યા. એ સમયે શંકરસિંહ વાઘેલાએ તોગડીયાને મોકલી દીધા જેલમાં. ત્યારે મિત્ર મોદી તેમના પક્ષે આવેલા. આ કારણે જ મોદીને પણ 1995 પછી રાજ્ય નિકાલ કરવામાં આવ્યા. અને બીજે મોકલી દીધા.
આ એ સમય હતો જ્યારે તોગડીયા કેશુબાપાની નજીક આવી ગયા. તેમની સાથે ભળવા લાગ્યા. અને શક્તિઓનું સંતુલન જરૂરી છે, તે પણ વિશાલ ભારદ્વાજ પહેલા સમજવા લાગ્યા. તોગડીયા અડવાણીની નજીક હોવા છતા નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવી દીધા. તોગડીયાને આ બદલાવ સહી તો ગયો, પણ બાદમાં તેમણે પોતાના રાઈટ હેન્ડ ગોરધન ઝડફિયાને કેબિનેટમાં સ્થાન અપાવી દીધુ. ત્યાં તો 2002 આવી ગયું. ગોધરા કાંડ થયું, અને તોગડીયાએ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ઓસ્કર લઈ લીધો હોય, તેવી પોલીસબેડામાં ચર્ચા થવા લાગી.
પરંતુ થોડો તો સમજોતો કરવો પડેને, તોગડીયાએ બે અઠવાડિયા સુધી 100 રેલીઓ ગજવી ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કર્યો, જેની પાછળનું કારણ હતું, ચૂંટણી નજીક આવી ગઈ હતી. અને લોકોની માનસિકતા બીજેપી તરફી કરવી જરૂરી હતી. તોગડીયાના કારણે બીજેપી ફરી સત્તા પર આવવાની વિરોધ પક્ષને પણ ખાતરી થઈ ગયેલી. જેવી ચૂંટણી પતી અને મોદી સાહેબ સેન્ટરમાં આવ્યા કે તોગડીયાના રાઈટ હેન્ડ ઝડફિયાને પેલા કાઢ્યો. એટલે ચોખ્ખુ ચટ હતું કે, હવે દખલગીરી કરોમાં… મને મારી રીતે લડવા દો, તમે હિન્દુત્વવાદમાં ઉંડા ઉતરો.
સુપ્રીમ કોર્ટના આદેશને માનીને મોદીએ વીએચપી અને બજરંગ દળની ગોધરાકાંડ દરમિયાન થયેલી ગુંડાગીરીને ખુલ્લી મુકી. અનુમતિ આપવામાં આવી કે આપ આ લોકો પર કામગીરી કરી શકો છો, સંબંધો વણસેલા હતા, તે હવે વધારે બગડ્યા. પછી તો અશોક સિંઘલે મોદીને ગઝની પણ કહી દીધેલા… સદભાવના ઉપવાસ સુધી તોગડીયા મોદીના બોલવાના સંબંધો પણ ન રહ્યા અને આજની ઘટનાથી લાગી રહ્યું છે કે તોગડીયા સાહેબને કદ પ્રમાણે વેતરી જ દીધા છે.
ક્યાંક વાંધો તેમને ત્યાં તો નથી પડ્યોને જ્યારે નરેન્દ્ર મોદી તેમની આગળ નીકળી ગયા અને ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા. કારણ કે ત્યારથી પેલી ચા પીવાનું બંધ છે. કોઈવાર સાથે ચા પીવાનો મોકો મળતો હશે, તો પણ બંન્ને કળવુ કરિયાટુ પીતા હશે.
~ મયુર ખાવડુ
Leave a Reply