સંસ્કૃત સાહિત્ય સાથે જોડાયેલા મારા મિત્રોના કારણે એક જાણ્યો છતા અજાણ્યો એવો ખ્યાલ યાદ આવે છે, સ્ત્રી અને પુરૂષ આ બંન્નેમાંથી સુંદર કોણ ? દુનિયાની તરફેણમાં સ્ત્રી હોવાની, પણ અમારા સંસ્કૃતના મિત્રોના હિસાબે પુરૂષ હોવાનો. કારણ કે તેઓ પ્રાણીઓ પર આધાર રાખીને ચાલે છે. જોવા જઈએ તો મનુષ્ય એ સામાજીક પ્રાણી જ છે. એ હિસાબે જોવામાં આવે તો, કોયલમાં નર કોયલનો ટહુકો તમારી સવારને સુંદર બનાવે માદાનો નહીં, ઢેલ અને મોરમાં મોરની કળા અને તેના દેખાવના કારણે તે સુંદર હોય. અને છેલ્લે સિંહ અને સિંહણમાં સિંહ પોતાની કેશવાળીના કારણે અતિ દેખાવડો હોય છે. ગિરમાં તમને ક્યાંય સિંહણ જોવા મળી હોય તો એક વખત તો મોંમાંથી શબ્દ નીકળી જ જાય સિંહ… સિંહ… કારણ કે આપણી જીભ એ બોલવા ટેવાઈ ગઈ છે. પણ કથા સરિતા હવે શરૂ થાય છે.
સિંહ સિંહ છે બરાબર, પરંતુ પોતાના આક્રામક મિજાજ માટે સિંહણ ઓળખાય છે. જે પોતાના બચ્ચાની પાસે બીજા પ્રાણી તો શું સિંહને પણ જવા નથી દેતી. સિંહનું ભરણપોષણ કરવાની જવાબદારી પણ સિંહની જ હોય છે. જંગલી પ્રાણીઓમાં નર હજુ તમને કંઈ ન કરે, પણ માદાના મૂડ પર આધારિત હોય છે, એ ગમે ત્યારે હુમલો કરે અને મારી નાખે. પ્રાણી શાશ્ત્રનો આ નિયમ માનવોમાં પણ રહેલો છે, બાય ધ વે આપણે છીએ તો વાનર જાતિ જ. પણ તે ગુસ્સાના સ્વભાવમાં બહાર આવે છે, અને ક્યારે તેને છંછેડવામાં આવે અને તે બહાર નીકળે તે શ્રીલંકાને પૂછવું જરૂરી છે. ક્રિકેટના મેદાનમાં હાર્દિક પંડ્યા ક્યાંક છંછેડાયો હશે તો જ તેણે આટલો ગરમ મિજાજ બતાવ્યો ને ! કે પછી તેને પાકિસ્તાન સામેની મેચની ઈનીંગ યાદ આવી ગઈ.
ક્રિકેટના મેદાનમાં તમને એવા ક્રિકેટર પસંદ આવશે જે લોકો અટેકિંગ હશે. રાહુલ દ્વવિડના રેકોર્ડ બરાબર જે હોય તે… પરંતુ જો તે કોઈવાર પોતાના આક્રામક મિજાજનો પરચો આપે, જેવી રીતે છેલ્લી મેચમાં થોડો ઘણો આપેલો અને બાકીનો 1993માં શ્રીલંકા સામે, તેના કારણે દ્વવિડ આજે પણ સૌ કોઈને યાદ છે. મહત્વનું એ નથી કે ગાંગુલી ભારતની ટીમને 2003ની ફાઈનલમાં પહોંચાડે મહત્વનું એ છે કે, તે લોર્ડસ ગ્રાઊન્ડમાંથી ટીશર્ટ ફરકાવે, જે આક્રામકતા તેની આઈડેન્ટિટી બની જાય. આ આક્રામકતાના કારણે જ સ્ટેડિયમમાં ક્રાઊડ ઊભુ થાય છે. અને આ માટે જ T-20 કરવામાં આવી. લોકોને ઓછું પણ અટેકિંગ જોવામાં ઈન્ટ્રેસ્ટ છે, નહીં કે તમારી ધીમી રમત. દુનિયાભરના ક્રિકેટરો પર નજર કરી લો. ભારતમાંથી વિરેન્દ્ર સહેવાગ, પાકિસ્તાનમાં જેટલા નહીં હોય તેટલા શાહિદ આફ્રિદીના ફેન્સ ભારતમાં છે. ઓસ્ટ્રેલિયામાંથી એડમ ગિલિક્રિસ્ટ તો વેસ્ટ ઈન્ડિઝમાંથી વિન્ડીઝ થયેલી ટીમના પોલાર્ડ અને ગેઈલ. દરેક ટીમમાં આવા એક બે ખેલાડી હોય છે, અને આવા એક-બે નંગ હોય તો જ પાછળની ટીમમાં કંઈક જોશ અને જુસ્સાનો સંચાર થાય.
દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર લઈ લો અટેકિંગ ઈઝ ઈમ્પોર્ટન્ટ. તમને શારાપોવા યાદ હશે. આજની તારીખે પણ સેરેના વિલિયમ્સ અને મારિયા શારાપોવા કોર્ટમાં રમતી હોય ત્યારે તેના અવાજથી તેની આક્રામકતાનો ખ્યાલ આવી જાય કે ટેનિસ બોલની શું હાલત થતી હશે. પોતાના પ્રતિદ્વંદ્વીને હરાવવો તેના કરતા પોતાના કમ્પેટીટરની સામે છેલ્લે હારેલા મેચનો હુંકાર કરવો જેનાથી તે થોડો ડરેલો લાગે.
સાહિત્યની દુનિયામાં પણ આવુ જ થતું હોય છે. પણ તેમાં આક્રામકતાનો મિજાજ માઈન્ડ દ્વારા મળે બાકી સંબંધ તો સો’દાડાના રાખવાના હોય. અર્નેસ્ટ હેમિંગ્વે અને વિલિયમ ફોકનરને સાહિત્યના દૂરંદેશીઓ ઓળખતા હશે. પોત પોતાની રીતે બંન્ને મહાન પરંતુ બંન્ને એકબીજાના ફેન નહીં. કોઈ દિવસ બોલાવવાના નહીં. અત્યારની જેમ ત્યારનું મીડિયા સક્રિય નહતું. જો કે સાહિત્યમાં તો હજુ પણ સક્રિય નથી. ત્યારે હેમિંગ્વે અને વિલિયમ એકબીજા પર તિક્ષ્ણ પ્રહારો કરતા અને પાછા છાપામાં પણ છપાતા.
લિલિયન હેલમેન નામના રાઈટરે 1979માં મેરી મેકક્રેથી વિશે કહેલું કે, ‘તેના શબ્દોમાં સત્ય જ નથી. ત્યાંસુધી કે તેણે પોતાના પુસ્તકમાં લખેલ THE અને AND પણ ખોટા છે.’ માર્ક ટ્વેઈને જેન ઓસ્ટિનની કૃતિ પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ વાંચીને કહેલું કે, ‘તે તેના ખૂદના હાંડકા સાથે પણ સ્પર્ધામાં ન ઊતરી શકે.’
ઊપરના સાહિત્યક ધડાકા પણ આક્રામકતાનો પરિચય છે. એક તરફથી વિરોધીઓની ટીપ્પણીની સામે તેમના ગુસ્સાથી લખાયેલા પત્રો આવે છે. વોટ્સએપ પર તમે લખ્યા બાદ પાછળ ઈમોજી ન મુકો તો મહાન વાંચક એમ માની લે કે મારૂ અપમાન કરવામાં આવ્યું છે. પરંતુ વિરોધીઓ સામે ટકીને પણ ઊપરના લેખકોએ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓ આપી જ છે. એક પ્રકારનું મૌન આક્રમણ ! અરે, એ શું છે એક મેગેઝિને તો બક્ષીબાબુને દેડકા ચિતરેલા, પરંતુ બક્ષીબાબુએ પોતાની આક્રમક શૈલીનો પરિચય લખાણોમાં આપી દીધો. એ વસ્તુ ક્યાંક બક્ષીનામામાં છલકાતી પણ દેખાઈ.
કોલમ રાઈટીંગ જુઓ. ગુજરાતી છાપામાં છપાતી કોલમોમાં પ્રણવ ગોવલેકરના વાંચકોનું પ્રમાણ વધી રહ્યું છે. એવું નથી કે બીજા લખતા નથી કે પછી વંચાતા નથી, પરંતુ જે આક્રામક શૈલી જોઈએ, જે લોકો ખૂદ ન કહી શકતા હોય, પણ બીજો કોઈ કહી દે તો મઝા આવી જાય. સ્ક્રિન પર અમિતાભ લડતો હોય, પરંતુ આપણે તે જગ્યાએ હોઈએ તેવુ મહેસૂસ થાય. એટલે પત્રકારત્વની કોલમ રાઈટીંગમાં પણ આક્રામકતા છે. કોઈવાર રાજકોટના અકિલા ન્યૂઝની ક્રાઈમ સ્ટોરી વાંચવી, એટલી આક્રામકતા જગત ઘૂમતા નહીં મળે.
પ્રધાનમંત્રી સાહેબને તમે ફેકુ કહો કે તેમને કાકા સાહેબ કાલેલકરના પુસ્તક રખડવાના આનંદ સાથે સરખાવો. પણ માનવું પડે તેમનામાં જે લડાયકવૃતિ છે, તેવી અત્યારે તો પ્રોટોન અને ઈલેક્ટ્રોન ટકરાય તો પણ જોવા ન મળે.
મનોવિજ્ઞાનની ભાષામાં કોઈવાર માણસ પોતાની જાતની રક્ષા કરવા માટે પોતનો ટેમ્પર ગુમાવે અથવા તો પોતાના બચાવ માટેના શશ્ત્રોનો ઊપયોગ કરે તેને આક્રામકતા કહેવાય. આવી પરિસ્થિતિમાં ક્યાંક તે નબળો પડી ગયો હોય અને ક્યાંક તે પ્રતિસ્પર્ધીની સાથે માઈન્ડ ગેમ રમતો હોય ! અને આવી આક્રામકતાના દર્શન કરવા હોય તો UFCની પ્રિ-મેચ ઈવેન્ટ જોઈ લેવી. બરાબરની આક્રામકતા જોવા મળશે.
~ મયુર ખાવડુ
Leave a Reply