ગાલિબ ઉર્ફે અસદ ઉર્ફે મિર્ઝા અસદુલલ્લાહ બૈગ ખાન ઉર્ફે પૃથ્વીના પ્રલય સુધી જીવનારો શાયર ઉર્ફે…
તમારે તમારા ફાલતુ સુવિચારો પણ સ્વીકાર્ય બનાવવા હોય તો એને ‘ગીતા’ના નામે ફોરવર્ડ કરી દો અથવા તો નવી ફેશન પ્રમાણે મોરારીબાપુના ફોટા નીચે ‘સાહેબ’ના કેપશન સાથે વહેતાં મૂકી દો. અને શાયરીઓ લખવાના રવાડે ચડી ગયા હો પણ કોઈ દાદ આપનારો કોઠું ના દેતો હો તો એ રચનાને ‘ગાલિબ’નાં નામે ઠાલવી દો. થોડો ઘણો બેડો પાર થઈ જવાની ગેરેન્ટી…☺️
આજે સવા બસ્સો વર્ષે પણ ગાલિબનો જન્મદિવસ સાહિત્ય-કવિતાપ્રેમીઓ યાદ રાખીને સોશિયલ મીડિયામાં અંજલીઓ આપે એ પરથી ગાલિબની સર્જક તરીકેની મજબૂતાઈ તો સાબિત થઈ જાય. પણ સાથે સાથે એક મુંઝવતો પ્રશ્ન થાય કે એ જમાનામાં કે આજના જમાનામાં પણ સામાજિક જીવનમાં એમની સ્વીકૃતા કેટલી?
હોમર હોય કે ગાલિબ હોય, કે આપણા ગુજરાતી મરીઝ હોય, એમનાં સર્જનને જેટલી વાહવાહી મળે છે એટલી સામાજિક પ્રતિષ્ઠા એમના જીવનકાળ દરમિયાન નથી મળતી એ કડવી..આમ તો સર્વમાન્ય અને સર્વસ્વીકૃત હકીકત છે…😐
कर्ज की पीते थे मय लेकिन समझते थे कि हाँ,
रंग लाएगी हमारी फाकामस्ती एक दिन।
ધારો કે તમારા પાડોશમાં કોઈ મુફલિસ માણસ રહે છે, કામધંધો કરતો નથી,દેવાદાર થઈ ગયો છે, છતાં શરાબ પીવાનું બંધ નથી કરતો,જુગારને કારણે બે વાર જેલમાં જઇ આવ્યો છે. ઘરની બહાર ખાસ નીકળતો નથી કારણ કે એકાદ કેસમાં ગિરફ્તાર થવાનો ભય છે. ઉધાર માંગશે એ ભયથી સગાવહાલાઓ એને ખાસ બોલાવતા નથી.ગપ્પાગોષ્ટિને લીધે મિત્રોમાં એ પ્રિય છે પણ અંદરખાનેથી મજાકનો વિષય પણ છે જ. કારણ કે મુફલિસ થઈ ગયો હોવા છતાં એને કોઈ નોકરી કરવી નથી કે મોંઘો દારૂ અને જુગાર મુકવો નથી. બસ,એ તો એની નિજમસ્તીમાં કંઇક લખ્યા કરે છે.. આવા માણસને આલને પાડોશી,સ્વજન કે સામાજિક સ્થાપિત વ્યક્તિ તરીકે સ્વીકારી શકીએ ખરા?અપને દિલ પર હાથ રખકર પુછોગે તો જવાબ મિલ હી જાયેગા…😉
આવા જ હતા મિર્ઝા ગાલિબ.. ખુમારી તો ક્યાં કોઈની કાયમ રહી છે કે ગાલિબની રહે! જે ગાલિબ સાહેબ પ્રોફેસરની નોકરી ફક્ત એટલા માટે ઠુકરાવે કારણ કે કોલેજનું મેનેજમેન્ટ એને ઇન્ટરવ્યૂ વખતે સામે લેવા આવવા જેટલું સન્માન ના આપે. એ જ ગાલિબ પેન્શન માટે બે ચાર શહેરોમાં આંટા પણ મારે અને બહાદુરશાહ ઝફરનાં બાળકો માટે ટ્યુશન પણ કરાવે.અરે બાદશાહો માટે પ્રશંશા કરતી શાયરીઓ પણ લખે ને દોસ્તો પાસે કરગરતા પત્રો લખીને મદદ પણ માંગે.
કદાચ, આવી માનસિક વિસંગતિઓ જ એક કલાકાર હૃદયને બીજા સામાન્ય માણસૉથી જુદા પાડતી હશે. કહેવાતા ‘ધુની દિમાગ’ જ માણસને સર્જક બનાવતા હશે.બાકી એ આપણી જેમ સામાન્ય એંગલથી જ વિચારીને સામાન્ય સર્વસ્વીકાર્ય જીવન જ જીવે તો ઘરમાં જન્મીને ઘરમાં જ ગુજરી ગયા હોત! ‘રોકસ્ટાર’ ફિલ્મમાં શમ્મી કપૂર યુવા રોકસ્ટાર રણબીર માટે કહે છે એમ ‘યહ બડે પીંજરે કા પંછી હૈ..તુમ્હારે છોટે પીંજરે મેં કૈદ નહીં હોનેવાલા…’
કિસ્મતનો આભાર માનીએ કે દોષ આપીએ પણ કિસ્મત સર્જકોને એનું સર્જન બહાર લાવવા જેટલું દુઃખ ભેટમાં આપી જ દે છે. અને ઈશ્વરે આપેલું દુઃખ ઓછું પડે તો કલાકાર પોતાના જખ્મો પોતાના જ ન્હોરથી ખોતર્યા કરે છે. આ જ એની નિયતિ છે. અને ગાલિબ પણ એમાંથી બાકાત નથી. પાંચ વરસની ઉંમરે પિતાનું નિધન, એકમાત્ર સહારો એવા કાકાની છત્રછાયા પણ આઠ વર્ષે જ છીનવાઈ ગઈ. કાકાને મળતા પેન્શનમાંથી ગુજારો ચાલતો હતો એ પણ અંગ્રેજ સલતનતે બંધ કરાવી દીધું. એક પછી એક સાત બાળકો જન્મતાની સાથે જ અલ્લાહને પ્યારા થઈ ગયા. પત્ની સાથે પણ મનભેદ-મતભેદ ઘર કરી ગયેલો.
ટૂંકમાં કિસ્મતે ભેટ આપેલું દુઃખ હોય કે પોતાના હાથે ઉભા કરેલાં દુઃખો હોય,ગાલિબે એની વેદના ઓછી ના થાય અને સર્જન નબળું ના પડે એ માટે સજાગ રહેવામાં કોઈ કસર બાકી નથી રાખી. આટલી વેદનાં,આટલા સામાજિક દ્રષ્ટિએ કહેવાતા અપલક્ષણો અને…બદલામાં બસ્સો વરસ ઉપરાંત બીજા બે હજાર વરસો સુધી અમરત્વનો આશીર્વાદ.. વાહ કિસ્મત વાહ…😍
આટલા શબ્દોમાં ગાલિબને સમજવા સહેલા નથી. વધારે ઊંડા દરિયામાં ડૂબકી મારવા માટે 1990 આસપાસ દૂરદર્શન પર આવેલી સિરીઝ ‘ મિર્ઝા ગાલિબ’ જોઈ નાંખવી ફરજિયાત છે. ગુલઝારનું લેખન,નસીરુદ્દીન શાહનો અભિનય અને જગજીતસિંહના સંગીતમય ત્રિવેણીસંગમ થકી ગાલિબને જીવંત કરવામાં આ સિરીઝ પૂરેપૂરી સફળ થયેલી,જે હાલ યુટ્યુબમાં ઉપલબ્ધ છે.( અગાઉ સંજીવકુમારને ગાલિબનો રોલ આપવાની ઇચ્છા ધરાવતા ગુલઝારને નસીરુદ્દીને સામે ચાલીને રોલ માંગેલો. પણ સંજીવકુમારનું મૃત્યુ થતાં ત્રણ વરસ સુધી ગુલઝારે સિરિયલ બનાવવાનો વિચાર પાછો ઠેલ્યો અને અંતે નસીરુદ્દીન જેવો મજબૂત અને અસ્સલ ગાલિબ પડદા પર જીવતો થયો.)
ઉર્દુ ના ફાવતું હોય અને ગુજરાતીમાં સમજવાની કોશિશ કરવી હોય તો ‘દીવાન-એ-ગાલિબ’આપણા પ્રસિદ્ધ અનુવાદક મનસુખલાલ સાવલિયાએ તૈયાર કર્યો છે.એમાં ભલે મૂળ ગાલિબ જેવી ધાર ના વર્તાય પણ ઉર્દુ શીખવા,શાયરીઓ લખવા કે પ્રેમપત્રો લખવા માટે અને ખાસ તો ઉર્દુ શાયરીઓ સમજ્યા વગર ‘વાહ વાહ’ કે ‘વન્સમોર’ ના કરવું પડે એ માટે મદદગાર છે..
ગાલિબની હાજરવાબી અને ચાબખાઓની સાબિતી આપતી એક વાત ટાઈપ કરવા ધરાર લલચાવે એવી છે. કોઈએ મઝહબ વિશે પૂછતાં ગાલિબે એના શેર જેવો જ ધારદાર જવાબ આપેલો કે ‘હું અડધો મુસલમાન છું. કારણ કે શરાબ પીઉં છું,પણ સુવર ખાતો નથી.’😛
ગાલિબ જેવો જ ધારદાર કટાક્ષ આપણા હાસ્યલેખક સ્વ.વિનોદ ભટ્ટ સાહેબે એક લેખમાં કરેલો કે ગાલિબના મકાનને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરનાર સરકારે ચોક્કસ કયુ એક મકાન સ્મારક તરીકે ગણવાની વાત કરી હશે? કારણ કે ગાલિબે તો દિલ્હીમાં જ સાત સાત મકાનો બદલ્યા હતાં! કે પછી જે મકાનમાં ગાલિબ ભૂખ્યા સુઈ રહેતા એ મકાનને???🤣
આ સિવાય,ગાલિબના પત્રો અને ગઝલોનું અનોખું આલ્બમ ‘તેરે બયાન ગાલિબ’ પઠન સ્વરૂપે ગુલઝાર અને જગજીતસિંહે તૈયાર કરેલું છે. શિયાળાની ઠંડીમાં ગુલઝારનાં કરકરા સ્વરમાં પત્રોનું પઠન અને જગજીતસિંહના દર્દ નીતરતા કાંઠે ગઝલનું કોકટેલ લોહીને ગરમ રાખવા માટે પૂરતું થઈ રહેશે. આ સમગ્ર આલ્બમ બે વોલ્યુમમાં યુટ્યુબ પર અવેઇલબલ છે.
ખેર,ગાલિબની એટલી વાતો કહેવાય ગઈ છે અને એટલી જ કહેવાની બાકી છે. બધું લખવા બેસીએ તો વરસો ના વરસ લાગે. ગાલિબને કાગળ પર ઉતારવા કરતાં ફોરવર્ડ શાયરીઓ અને પ્રેમીહ્ર્દયોમાં જીવે એ જ એ નામની સાર્થકતા છે. અરે, ઉર્દુમાં ‘ગાલિબ’ શબ્દનો અર્થ જ પ્રભાવશાળી અર્થાત છવાય ગયેલો એમ થાય છે.પછી એ અર્થનો વિસ્તાર કરવાની જરૂર જ રહેતી નથી.😊
हुई मुद्दत कि ‘ग़ालिब’ मर गया पर याद आता है
वो हर एक बात पर कहना के यूँ होता तो क्या होता
~ ભગીરથ જોગીયા
Leave a Reply