આજે તારીખ ૨૭મી ડિસેમ્બર મિર્ઝા ગાલિબનો જન્મદિવસ. ઘણા વર્ષોથી હું મિર્ઝા ગાલિબની ગઝલોનો આશિક છું. ગુલઝાર નિર્દેશિત “મિર્ઝા ગાલિબ” માં નસીરુદ્દીનશાહે ભજવેલું મિર્ઝા ગાલિબનું પાત્ર અને જગજીતસિંહના અવાજમાં ગવાયેલી એમની ગઝલોને લીધે જ હું સીરીયલ લાઈનમાં પડ્યો હતો. મારી આ યાદગાર સીરીયલ અને હું પોતે પણ નાસીરીદ્દુન શાહનો જબજસ્ત ચાહક છું. શ્રી રુસ્વા મઝલુમીએ મારામાં સિંચેલા ગઝલ સંસ્કાર એ દીપી ઉઠયા મિર્ઝા ગાલિબથી જ. હા, જોકે બાલાસિનોરના ઉર્સે મને વધારે ગઝલ ચાહક બનાવ્યો છે એમાં બેમત નથી.
આજ અરસો હતો જયારે હું મીર તકી મીરની પણ ગઝલો સાંભળતો અને વાંચતો હતો, માત્ર ૧૩ વર્ષની જ વયે સમજણો થયો. મોટો થતો ગયોએમાં આ સીરીયાલે તો સોનામાં સુગંધ ભેળવી દીધી. મિર્ઝા ગાલિબ મારા આદર્શ બની ગયાં. સોશીયલ મીડિયા પર લખવું જ હતું. આજે એ મોકો કેમ જવા દેવાય, હજી મારું વિવેચન તો પુસ્તકમાં જ આવશે પણ ઈન્ટરનેટમાં ફરતાં ફરતાં આજે અર્ત્યારે જ એમના વિષે મસ્ત માહિતી મળી છે, જે આપ સૌની સમક્ષ મુકું છું.
‘હુઇ મુદ્દત કે ગાલિબ મર ગયા, પર યાદ આતા હૈ,
વો હર એક બાત પે કહના, જો યૂં હોતા તો ક્યા હોતા’.
ગાલિબ તો ગાલિબ જ હતા. એમના આ શેર સાથે કોણ અસંમત થઈ શકે…? સદીઓથી એ પોતાની રચનાઓના કારણે લોકોને યાદ છે અને રહેશે. ઈ. સ.૧૭૯૭ના ડિસેમ્બર માસની, સત્તાવીસમી તારીખે આગરામાં જન્મેલા- ‘મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન’ ઉર્ફ ‘મિર્ઝા ગાલિબ’ની ગઝલો- પર્શિયન અને મુખ્યત્વે ઉર્દૂ ગઝલોના રચનાત્મક ક્ષેત્રમાં એક આગવું આદરણીય સ્થાન ધરાવે છે. ઉર્દૂ-ફ઼ારસી ભાષાના મહાનતમ અને સૌથી વધુ પ્રચલિત શાયરો, રચનાકારોમાં તેમનું નામ મુખ્ય છે.
પિતા અને કાકાના મૃત્યુ પછી એમનું પાલન પોષણ નૈનિહાલમાં (મોસાળમાં) થયું હતું. એમના શિક્ષણ વિશે તો બહુ માહિતી નથી. પણ એમની ગઝલોમાં જ્ઞાનની ઊંડી ગહન વાતો જે રીતે ભરેલી પડી છે, એ જોતા એમ લાગે કે એમને સારું એવું શાસ્ત્ર અને વિદ્યાઓનું શિક્ષણ પ્રાપ્ત હશે. ઈરાનના એક મોટા વિદ્વાન ’અબ્દુલ સમદ’ પાસેથી તેઓ ફારસી ભાષા શીખ્યા હતાં. જ્યારે સ્કૂલમાં ભણતા હતા અને ૧૦ – ૧૧ વર્ષના હતા ત્યારથી જ તેઓ અદભુત શેર કહેતા હતા. ઘણી બધી પ્રખ્યાત ગઝલો એમણે ૧૯ વર્ષ સુધીની ઉંમરમાં જ લખી કાઢી હતી.
લગભગ તેર વર્ષની ઊંમરે એમના લગ્ન દિલ્હીની ઉમરાવ બેગમ સાથે થઈ ગયા હતા. થોડાંક વર્ષો આગરામાં ગાળીને આખરે તેઓ દિલ્હી આવી ગયા અને ત્યાં જ કાયમ માટે વસી ગયા. દિલ્હીમાં શાયરીનું વાતાવરણ અદભુત રહેતું. નિયમિતપણે ત્યાં શેરો-શાયરીની મહેફિલો યોજાતી રહેતી. ગાલિબ એમાં જતા અને પોતાના અવ્વલ દરજ્જાના શેર રજૂ કરતા.
‘હૈ ઔર ભી દુનિયામેં સુખનવર બહોત અચ્છે,
કહતે હૈં કિ ગાલિબકા હૈ અંદાજે બયાં ઔર…’
ગાલિબ કહેતાં કે, દુનિયામાં આમ તો કેટલાંય કવિઓ અને શાયરો છે પણ, પોતાનો શેર કહેવાનો અંદાજ સૌથી નોખો જ છે. હકીકતે આ અનોખા અંદાજને કારણે તેઓ કેટલાય મુશાયરાની શાન બની રહેતા.
ઉર્દૂ શાયરીમાં ઉસ્તાદ અને શાગિર્દની પરંપરા રહેલ છે. ગાલિબના વખતે પણ હતી. પણ ગાલિબ કોઇના શાગિર્દ ક્યારેય નહોતા. એમ છતાં મોટા મોટા ઉસ્તાદ શાયરોની બિન્દાસપણે આલોચના કરી દેતા. ગાલિબ તો ઉસ્તાદોના પણ ઉસ્તાદ હતા. દરેક રચનાકારને પોતાની નબળી રચના પણ પોતાના સંતાન જેટલી વહાલી હોય છે એમ ગાલિબને નહોતું. પોતાની શાયરીના કઠોરમાં કઠોર આલોચક એ પોતે જ હતા. એમનો એક એક શેર જિંદગીની હકીકતોને ઊંડાણપૂર્વક અનોખી મસ્તી સાથે સમજાવે છે.
ગાલિબની શાયરી ઉર્દૂ શાયરીના ઊંચામાં ઊંચા મૂલ્યોને એવી રીતે સ્પર્શે છે કે, એને ચુંબન કરીને આંખે અડાડવાનું મન થઈ જાય. ગાલિબની શાયરીને ભાષા કે બીજા કોઇ જ પ્રકારની સીમા રેખામાં બાંધી નહોતા શકાતા. નાની-નાની સંવેદનાઓ પણ ભરપૂર સજાગ રહીને પોતાની ગઝલોમાં ઊતારતા. એ શબ્દોના જાદુગર હતાં. કલમમાં માણસાઇની શાહી ભરી-ભરીને ગાલિબે કેટલાંય યાદગાર શેર આપ્યાં છે. એમના શેર હંમેશા સામાન્ય માણસના દુખ દર્દને વાચા આપતા આવ્યા છે.
ઉર્દૂના પ્રખર કવિ ‘મીર તકી મીરે’ અગિયાર વર્ષની ઉંમરના ગાલિબની ગઝલ વાંચીને કહ્યું હતું કે ‘આ છોકરાને જો યોગ્ય ગુરુ મળશે તો ભવિષ્યમાં એ ઉર્દૂનો મહાન શાયર બનશે. ગાલિબે મીરની આ ભવિષ્યવાણી સાચી પાડી બતાવી. ગાલિબ માયાળુ અને રમૂજી સ્વભાવના હતા. શાયરીની ચીલાચાલુ, સાંકડી ગલીઓવાળી રસમને તોડીફોડીને ઉર્દૂ ગઝલને શણગારી છે. નવા શબ્દો અને નવીન પ્રયોગો દ્વારા ગઝલને ઉન્નતિની ટોચ પર મૂકી છે. ગાલિબના કહેવા મુજબ તે મુસ્લિમ હોવા પહેલા તે એક માણસ હતા. તે બીજા કોઇ ધર્મમાં માનતા ન હતા પરંતુ માનવધર્મમાં માનતા હતા. જીવનભર માનવતાવાદના ધર્મને માનતા રહ્યા.
ગાલિબે એક એકથી ચડિયાતા એવા શેર આપ્યા છે કે, તે સાંભળનારના દિલ પર કાયમી સ્થાન જમાવે છે. સામાન્ય માણસ હોય કે મોટા મોટા લોકપ્રિય નેતાઓ કે પ્રખ્યાત વ્યક્તિઓ, પોતાની વાતમાં કે ભાષણમાં એક વજન લાવવા માટે બધા ગાલિબના શેરનો પુષ્કળ માત્રામાં ઉપયોગ કરતા આવ્યાં છે.
પોતાની બધી આપવીતી ગાલિબે પોતાના પુસ્તક ‘દસ્તંબો’માં લખી છે. ’બેદિલ’ કરીને એક ખ્યાતનામ શાયર હતા. એમનાથી પ્રભાવિત એવા ગાલિબે કમસે કમ ૨, ૦૦૦ જેટલા શેર તો લગભગ પચીસેક વર્ષની ઊંમરે જ લખી નાંખેલા.
સામાન્ય માનવીની વાતોને પોતાની શાયરીઓમાં અગ્રસ્થાન આપતા ગાલિબે ક્યારેય ભગવાન બનવાનો પ્રયત્ન નથી કર્યો. એ પણ માનવીય કમજોરીથી ભરપૂર હતાં અને કોઇ જ શરમ-સંકોચ વગર એનો સ્વીકાર પણ કરી લેતા.પણ સ્વમાન માટે અતિ આગ્રહી હતા. સ્વમાનની સાચવણી કરવા માટે એ સામેવાળા વ્યક્તિના હોદ્દાની શેહ-શરમમાં આવ્યા વગર સણસણતી સંભળાવી પણ દેતા. દિલ્હી કૉલેજમાં ફારસી અધ્યાપકની જરૂર પડી. ગાલિબને આમંત્રણ મોકલાવ્યું. પાલખીમાં બેસી ગાલિબ નોકરી આપનાર ટોમસન સાહેબને મળવા ગયા. મનમાં હતું કે પોતાનો સંદેશો મળતાં જ ટોમસન પાલખી સુધી આવશે. ખાસો સમય રાહ જોયા પછી તે આવ્યા ને ટોણો માર્યો કે, ‘તમે અહીં નોકરી માટે આવ્યા છો. તેથી હું તમને સત્કારવા આવું એવી નાહકની આશા ના રાખો” ગાલિબે કહ્યું, ‘નોકરી કરવાનો મતલબ જો ઇજ્જ્ત ઘટાડવાનો હોય તો મને એવી નોકરી ના ખપે.‘ આટલું કહી પાલખીમાં બેસી પાછા ચાલ્યા ગયા. આવી જ ખુદ્દારી એમના આ શેરમાંથી ભારોભાર ટપકે છે..
‘હું હાક મારું એટલે પ્રિયાના ઘરનો દરવાજો ઊઘડે
એ તો અપમાન છે, એ રીતે પ્રિયાને ઘેર કોણ જાય ?
બંધ દ્વાર પર અવાજ આપે એ ગાલિબ નહિ.‘
ગાલિબના સાત સંતાનો હતાં જે બધાય મૃત્યુ પામેલા. એ પછી ગાલિબે આરિફ નામનો છોકરો દત્તક લીધેલો હતો. એ પણ નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો. એ વખતે મરસિયારૂપે એક ગઝલ લખેલી જેનો એક શેર..
‘આયે હો કલ, ઔર આજ હી કહતે હો કી જાઉં,
માના, કિ નહીં આજસે અચ્છા, કોઈ દિન ઔર.. ‘
મતલબ, હું પણ માનું છું કે કોઈ અજર-અમર નથી આ દુનિયામાં. પણ હજુ તો તું કાલે તો આ દુનિયામાં આવ્યો છે ને આજે કહે છે કે જાઉં એ વાત પણ વાજબી તો નથી જ ને ‘આરિફ’ થોડા દિવસ વધુ રોકાઈ જવું હતું ને..
મિર્ઝા ગાલિબને કેરીનું એટલું ઘેલું હતું કે કેરીની સિઝનમાં તેઓ સમગ્ર ભારતમાં રહેતા તેમના મિત્રોના ઘરે જતાં. જેથી દરેક જાતના આંબાની કેરીનો રસાસ્વાદ શક્ય બને. એક વાર તેમણે કલકત્તામાં રહેતા તેમના મિત્ર સરફરાઝ હુસેનને બંગાળની સુપ્રસિદ્ધ ગુલાબ કેરી મોકલવા ૧૫ પત્રો લખ્યા હતા. હુસેને પણ પ્રેમપૂર્વક તેમને બે ટોપલા ભરીને આંબા મોકલી આપ્યા હતા. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે, છેલ્લા મોગલ સમ્રાટ હયાત બક્ષ અને મિર્ઝા ગાલિબ એક વખત આંબાના બગીચામાં લટાર મારી રહ્યા હતા ત્યારે, ગાલિબની નજર વૃક્ષ પર લચી રહેલા એક એક આંબાનું રસપાન કરી રહી હતી. દરબારના ગઝલકારને આ રીતે કેરીઓ સામે જોઈને સમ્રાટને આશ્ચર્ય થયું. હયાત બક્ષે ઉત્સુકતાભાવે ગાલિબને પૂછ્યું કે, ” તમે આ રીતે કેરી સામે શા માટે જુઓ છો?” ત્યારે ગાલિબે કહ્યું હતું કે, ” ડાળ પર લટકતી પ્રત્યેક કેરી પર તેના ખાનારનું નામ લખેલું છે. હું આમાં મારું નામ ક્યાંય લખેલું છે કે નહીં તે શોધી રહ્યો છું.”
ગઝલસમ્રાટનો ત્વરિત ઉત્તર સાંભળીને તખ્તનશીન સમ્રાટે તેમને આંબા મોકલી આપ્યા હતા. કેરી ભેટ મોકલવા માટે તે સમયમાં ચોક્કસ નિયમોનું કડક પાલન કરવામાં આવતું. સમ્રાટોના આંબાવાડિયામાં ખાસ ઉગાડવામાં આવેલા આંબા માત્ર મિત્રોને અને શ્રીમંતોને જ મોકલવામાં આવતા. મિર્ઝા ગાલિબ શ્રીમંત પણ નહોતા અને મિત્ર પણ નહોતા. આમ છતાં તેમણે રાજદરબારની કેરીનો સ્વાદ માણ્યો હતો.
આગ્રામાં આર્થિક હાલત ઠીક ઠાક જ રહ્યાં. દિલ્હીમાં પણ ગુજરાન ચાલી જતું. નવાબ અહમદ બખ્શ તરફથી પેન્શન મળતું રહેતું. અલવરના રાજ્યમાંથી પણ થોડી ઘણી આર્થિક સહાયતા મળી રહેતી. પણ જ્યારે આર્થિક પરિસ્થિતિ બગડી ત્યારે બગડતી જ ચાલી. પેન્શન બંધ થઈ ગયું. કર્જદારોના કર્જાના બોજ નીચે રોજ વધુ ને વધુ દબાતા ચાલ્યા. નાનો ભાઈ પાગલ થઈ ગયો. ગાલિબ બેહદ ગભરાઈ ગયેલા. એક શેરમાં પોતાની હાલતને વર્ણવતા કહ્યું કે,
‘કર્જ કી પીતે થે મય (શરાબ) ઔર સમજતે થે કી
હાં, રંગ લાયેગી હમારી ફાકામસ્તી એક દિન…‘
એક દિવાની કેસમાં ફસાયા પછી એમણે ઘરમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દીધેલું. એ વખતે એવો નિયમ હતો કે કોઈ પણ નામી વ્યક્તિ દિવાની કેસમાં ફસાયા હોય અને જો એ રકમ ચૂકવી ના શકતી હોય તો, એને એના ઘરમાંથી તમે ગિરફતાર ના કરી શકો. એ ઘરબહાર નીકળે ત્યારે જ એમની ધરપકડ સંભવ બને.
આમ એ કરજની રકમમાંથી શરાબ પીતા તો બીજી બાજુ એમને ધનિકોના શોખ -શતરંજ અને જુગાર રમવાનો બેહદ ચસકો લાગેલો. ચાંદનીચોકના મિત્રો સાથે જુગાર રમવામાં ને રમવામાં તો એક વાર ત્રણ મહિના જેલની ચક્કી પણ પીસવી પડેલી. ગાલિબ જેવા માટે તો આ સજા મોત બરાબર.. પણ એને પણ સહી લીધી અને કહ્યું, ‘મુશ્કિલેં મુજ પર પડી ઇતની કિ આસાન હો..’ પરેશાન ગાલિબ આખરે કંટાળીને બાદશાહ જફરને મળ્યા. એમણે ગાલિબને તૈમુર ખાનદાનનો ઇતિહાસ ફારસીમાં લખવાનું કામ સોપ્યું સાથે સાથે ‘નજ્મુદૌલા દબીદુલમુલ્ક નિજામ જંગ’ની પદવીનું સન્માન પણ આપ્યું. થોડી ઘણી આર્થિક સહાયતા મળવા માંડી. ગાડું ગબડવા માંડ્યું ત્યાં તો એ સહાયતાઓ છિનવાવા માંડી. અંગ્રેજ સરકારે બાદશાહ જફરને કેદ કરીને રંગૂન મોકલી દીધા ને ગાલિબ ગાતા રહ્યાં…
‘દો ગજ જમીન ભી ના મિલી કુચે યાર મેં’
ફાકા મારવાની આ હાલતમાં શરીર પણ લથડતું ચાલ્યું. શરીર પર ગૂમડાં ફૂટી નીકળેલા, પેટમાં ચૂંક આવ્યા કરતી. આંતરડા અમળાઇ જતા.. આ બધું છેક સુધી ચાલ્યું. એમણે લખ્યું. મારા પ્રિય મિત્ર, તને મારી ખબર છે? પહેલાં પરેશાનીઓ.. પછી અંધ થયો હવે તો બહેરો પણ થતો ચાલ્યો છું. થોડુંક લખું ને આંગળીઓ વળી જાય છે. અક્ષરોની સજાવટ અધૂરી રહી જાય છે. એકોતેર વર્ષ જીવ્યો.. બહુ જીવ્યો.. હવે જિંદગી વર્ષો નહીં પણ મહિના અને દિવસોમાં ગણાઈ રહી છે. આવી ભવિષ્યવાણી બાદ ગાલિબ બહુ લાંબું જીવ્યા નહીં. જિંદગીના આખરી વર્ષો દરમિયાન એ સતત મૃત્યુની રાહ જોતા. વરસોવરસ જયોતિષીઓ પાસે મરણની તારીખ કઢાવતા. શરીર અશક્ત બન્યું. અંતે ઈ.સ. ૧૮૬૯ના ફેબ્રુઆરી માસની પંદરમી તારીખે તેમનો નશ્વર દેહ નષ્ટ થયો. પાછળ છોડી ગયા એમનો એક પ્રખ્યાત શે’ર
‘પૂછતે હૈં વો કિ ‘ગાલિબ’ કૌન હૈ,
કોઇ બતલાએં કિ હમ બતલાયે ક્યા.?
અતિ લોકપ્રિય થયેલ ગાલિબના થોડાંક શે’ર સમજૂતી સાથે..
આહ કો ચાહિયે એક ઉમ્ર, અસર હોને તક,
કૌન જીતા હૈ તેરી, જુલ્ફ કે સર હોને તક..
માનવીના નિઃસાશાઓમાં અસર આવતા એક સમય જાય છે.પણ તારા કેશ ખુલતા સુધીમાં તો અમે મરી જઈશું…
લૂ દામ (કર્જ) બખ્તે ખુફ્તા (સૂતેલું નસીબ)સે,
યક ખ્વાબે-ખુશ વલે (આરામની નીંદર),
‘ગાલિબ’ યહ ખૌફ હૈ, કિ કહાં સે અદા કરું.
મારી સૂતેલી કિસ્મત પાસેથી એક રાત આરામની ઊંઘ ઉધાર તો લઈ લઊં, દુનિયાના બધા દુઃખોથી બેખબર થઈને સૂઈ જઊં.પણ તકલીફ એ છે કે એ ઉધારી જે લઈશ એ ચૂકવીશ કેવી રીતે?
બેતલબ દેં તો મજા ઉસમેં સિવા મિલતા હૈ,
વહ ગદા (ફકીર), જીસકો ન હો ખૂં (આદત)-એ-સવાલ અચ્છા હૈ. ‘
જે ફકીરને પોતાના મોઢે માંગવાની આદત ના હોય એ જ ફકીર સારો કહેવાય.
તમે પણ અમને માંગ્યા વગર જ આપી દો.
બાકી, હું માંગુ અને તમે આપો એમાં વાતની મજા ક્યાં છે?
ઉનકે દેખે સે, જો આ જાતી હૈ મુંહ પર રૌનક,
વો સમજતે હૈ કિ બીમાર કા હાલ અચ્છા હૈ..’
પ્રેમમાં પડેલ કોઈ પણ વ્યક્તિને આ શે’ર ખબર ના હોય એમ નહી બને. ખૂબ જ સરળ અને લાગણીસભર શે’ર છે.
દેખિયે પાતે હૈ ઉશ્શાક, બુતો સે ક્યા ફૈજ,
ઇક બ્રાહ્મણને કહા હૈ કિ યહ સાલ અચ્છા હૈ.’
ચાલો જોઈએ મારા આશિક મિત્રો. આ વખતે સુંદરતા પાસેથી તમને શું લાભ થાય છે. કારણ એક બ્રાહણે ભવિષ્યવાણી કરી છે, કે આ વર્ષ પ્રેમીઓ માટે સારું છે.
કતરા દરિયામેં જો મિલ જાયે, તો દરિયા હો જાયે,
કામ અચ્છા હૈ વહ જિસકા કિ મઆલ અચ્છા હૈ..’
પાણીની બૂંદ જો દરિયામાં મળી જાય તો એ દરિયો બની જાય.એનું પરિણામ શુભ છે. એમ જ માનવી જો પોતાની જાતને ઇશ્વરને સમર્પી દે તો એના જીવનનું પરિણામ પણ શુભ જ આવવાનું.
‘કજા ને થા મુજે ચાહા, ખરાબ-એ-બાદ-એ-ઉલ્ફત,
ફક્ત ખરાબ લિખા, બસ ન ચલ સકા કલમ આગે.’
મારા નસીબમાં તો આખી ઊંમર શરાબ પીવાનું અને બરબાદ થવાનું લખાવાનું હતું. પણ બરબાદ લખાયા પછી કલમ આગળ જ ના વધી શકી. આમ ના શરાબ મળી અને બરબાદ થઈ ગયો એ લટકામાં.
’મેરી કિસ્મત મેં ગમ ગર ઇતના થા,
દિલ ભી, યા રબ, કઇ દીયે હોતે.’
એક દિલ અનેકો ગમ.. યા રબ આ તો બેઇન્સાફી છે. આટલું દુઃખ જ આપવું હતું તો દિલ પણ બે-ચાર વધારે આપી દેવા હતાને..
‘ઇશ્ક ને ‘ગાલિબ’ નિકમ્મા કર દિયા,
વર્ના હમ ભી આદમી થે કામ કે.’
એક અતિ-પ્રખ્યાત શે’ર. પ્રેમે અમને બેકાર બનાવી દીધા..બાકી તો અમે પણ કામના માણસ હતા.
’ક્યા બયાઁ કરકે મિરા, રોયેંગે યાર,
મગર આશુફ્તા બયાની મેરી. ‘
મારા મર્યા પછી લોકો મારી કઈ વાત યાદ કરીને રડશે? એ જ કે, હું પાગલ જેવી વાતો કરતો હતો.
’હાં, ખાઇઓ મત ફરેબ-એ-હસ્તી,
હર ચંદ કહે, કિ કૈ, નહી હૈ.’
જિંદગીના ભૂલાવામાં ના આવતા. લોકો ભલે લાખ વખત કહે કે જિંદગી એક હકીકત છે. ના, જિંદગી એક ભૂલ-ભૂલામણી.. એક ધોખો જ છે.
’હુઇ જિન સે તવક્કો, ખસ્તગી કી દાદ પાને કી,
વહ હમસે ભી જ્યાદા ખસ્તા-એ-તેગ-એ-સિતમ નિકલે. ‘
મને જેનાથી ઉમ્મીદ હતી કે જે મારી સ્થિતિની દયા ખાઈને મારા પ્રત્યે હમદર્દી જતાવશે. એ લોકો પાસે જઈને જોયું તો તેઓ તો મારાથી પણ વધુ દયનીય સ્થિતિમાં હતા.
’દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન,
બૈઠે રહે તસવ્વુર-એ-જાનાં કિએ હુએ.’
‘આંધી’ ફિલ્મના આ અતિ લોકપ્રિય ગીતથી ભાગ્યે જ કોઈ ગીતોનો શોખીન માણસ અજાણ હશે. જિંદગીની પરેશાનીથી કંટાળીને આ દિલ, પોતાની પ્રેયસીના વિચારોમાં મગ્ન રહીને જેમ દિવસ-રાત વિતાવતા હતા; એ સમય ફરીથી ચાહે છે.
’દિલ -એ-નાદાન તુજે હુઆ ક્યા હૈ,
આખિર ઇસ દર્દકી દવા ક્યા હૈ..?’
ઓ નાદાન દિલ, તને થયું છે શું? આખરે આ દુ:ખ-દર્દની દવા-ઈલાજ શું છે?
’રગોમેં દૌડતે ફિરનેકે હમ નહી કાયલ
જબ આંખ હી સે ના ટપકા તો ફિર લહુ ક્યા હૈ?’
શરીરની રગેરગમાં ફર્યા કરવું ફક્ત એ જ લોહીનો ગુણ નથી, જો ખરેખર આંખમાંથી લોહી ના વહે તો એ લોહી શું છે?
’હઝારોં ખ્વાહિશેં ઐસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે,
બહુત નિકલે મેરે અરમાં લેકીન ફીર ભી કમ નિકલે.’
પ્રેમીજન વિશેની હજારો ઈચ્છાઓમાંની દરેક ઇચ્છા પર શાયરનો દમ નીકળે છે એવી બેનમૂન ગઝલનો એક શેર..
’હુએ મરકે હમ જો રુસવા, હુએ ક્યું ના ગરકે દરિયા
ન કભી જનાજા ઊઠતા, ન કહી મજાર હોતા…’
મરીને મારે તો બદનામ જ થવાનું હતું તો એના કરતાં દરિયામાં ડુબી ગયો હોત તો સારું થાત. જેથી ક્યારેય મારી નનામી ના ઊઠત અને ક્યાંય મારી કબર પણ ના હોત.
સંકલન – જનમેજય અધ્વર્યુ
( નોધ : માહિતી અક્ષરસહ એ ઈન્ટરનેટની જ દેન છે. શરૂઆતમાં મેં મારું લખ્યું હોવાથી હું મારું નામ મુકું છું )
Leave a Reply