Movie Review – દબંગ કેવી છે
મિડ-ડે, તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત
દમામદાર
સલમાનના સ્ટારપાવર પર ઉભેલી આ ફિલ્મ ટિપિકલ મસાલા એન્ટરટેઈન્મેન્ટની અપેક્ષા સાથે જનાર દર્શકને જલસો કરાવશે.
રેટિંગ – ત્રણ સ્ટાર
બાયલાઈન – શિશિર રામાવત
દેવીઓ, સજ્જનો, બચ્ચાપાર્ટી, વડીલો! ઓડિટોરિયમમાં છાળવા માટે ઘરમાં જેટલું હોય એટલું પરચૂરણ એકઠું કરી લો અને આજુબાજુવાળાના કાનના પડદામાં ભો ચીરો પડી જાય એવી જોરદાર સીટી વગાડવાની પ્રેક્ટિસ કરી નાખો… ‘દબંગ’ જોતી વખતે તમને આ બધાની સખ્ખત જરૂર પડવાની છે. સાથે સાથે એક દાબડો પણ ખરીદી રાખજો. કલાત્મકતા, એસ્થેટિક્સ, બૌદ્ધિક ખોરાક, નિતાંત રસાનુભવ, પડદા પરની કવિતા, ‘હટ કે’ વગેરે જેવા અઘરા અઘરા કોન્સેપ્ટ્સને પેલા દાબડામાં બંધ કરી કબાટમાં સાચવીને મૂકી દેજો, કારણ કે ‘દબંગ’ જોતી વખતે આમાંથી કશાની જરૂર પડવાની નથી.
હેલ્દી ફૂડ ખાવું એ સારી વાત છે, પણ ક્યારેક ડાયેટના નીતિનિયમોની એૈસીતૈસી કરીને રસ્તા પર ભા ભા પાણીપુરી ઝાપટવામાં જલસો પડે છે. ‘થ્રી ઈડિયટ્સ’ અને એ પ્રકારની સારા માંહ્યલી ફિલ્મોને જો સોફિસ્ટીકેટેડ રેસ્ટોરાંનું ફેન્સી મેનુ ગણીએ તો ‘દબંગ’ મોંમાં પાણી છૂટે એવાં મસ્સાલેદાર વડાપાઉં-રગડા-પેટીસ-પાંઉભાજી છે. ચોઈસ ઈઝ યોર્સ!
બ્રૅન્ડ ન્યુ બોટલમાં જૂની મદિરા
સૌથી પહેલાં તો, આ ‘દબંગ’ શબ્દ બડો કમાલનો છે. એનો અર્થ છે બિન્ધાસ્ત, નીડર. ઉત્તર પ્રદેશના કોઈ નાના નગરમાં રહેતો સલમાન કરપ્ટ પોલીસ ઓફિસર બન્યો છે. પ્રોમોમાં ભલે સમ ખાવા પૂરતીય ઝલક દેખાડવામાં આવતી ન હોય, પણ આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા (ઉંમર વર્ષ બાવન) પણ છે, જે સલમાન ખાન (ઉંમર વર્ષ ૪૫)ની ઠોંઠોં કરીને ખાંસ્યાં કરતી મા બની છે. વિનોદ ખણા સાવકો બાપ છે અને અરબાઝ ખાન સાવકો ભાઈ છે. ૧૯૮૦ના દાયકાની મસાલા ફિલ્મમો જોવા મળતા તેવાં તમામ સ્ટોક કિરદારો અને સિચ્યુએશન્સ અહીં છે. નમણી નાગરવેલ જેવી હિરોઈન, એનો માંદલો બાપ, લાચાર ભાઈ, હનુમાનજી જેવો વિલન, માં કી મમતા, ખૂન કા બદલા, ઘરના ગમે તેમ તોય ઘરના છે તે પ્રકારનો મેસેજ, હેપી એન્ડિંગ, બધું જ.
બિન્ધાસ્ત એટિટ્યુડ
‘દબંગ’નો સલમાન પછીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એનો એટિટ્યુડ છે. ફિલ્મ એના ટાઈટલ જેવી જ છે એકદમ દબંગ, બિન્ધાસ્ત. તે ‘હટ કે’ હોવાના કોઈ દંભી દાવા કરતી નથી. પ્રોમોથી લઈને એન્ડ ક્રેડિટ્સ સુધી તે હાડોહાડ ટિપિકલ કમર્શિયલ મસાલા હિન્દી સિનેમા છે. આ ફિલ્મે જે હવા પેદા કરી છે તે ચોખ્ખું કહે છે કે આ માઈન્ડલેસ એન્ટરટેઈનર છે, પસંદ હોય તો મોસ્ટ વેલકમ, ન પસંદ હોય તો હુ કેર્સ? ‘ચાલુ’ મનોરંજનની અપેક્ષા સાથે ગયેલા દર્શકોને ‘દબંગ’ ખુશખુશાલ કરી દે છે. મતલબ કે આ રજનીકાંત-બ્રૅન્ડ ફિલ્મ પોતાની કેટેગરીને સંપૂર્ણપણે વફાદાર છે અને તેનામાં ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકવાની, તેના પૈસા વસૂલ કરવાની તાકાત છે.
‘ગજની’ અને ‘વોન્ટેડ’ જેવી ફિલ્મમોએ હિંદી સિનેમામાં મૅચો મારધાડને નવેસરથી ઈન્ટ્રોડ્યુસ કરી કરી હતી. ‘દબંગ’ એ જ સૃંખલાની આગલી કડી છે. અહીં એકશન ઉપરાંત ઈમોશન્સ, કોમેડી, રોમાન્સ અને ગાનાબજાના પણ ઠાંસી ઠાસીને ભરવામાં આવ્યા છે. ડાન્સ હોય કે ફાઈટ, સીધાસાદી સિચ્યુએશન હોય કે ભારેખમ ઈમોશનલ સીન્સ – સ્માર્ટ સંવાદોને પ્રતાપે પદડા પર રમૂજનું તત્ત્વ સતત તરતું રહે છે. મોટા ભાગના સીનમાં કાં તો તાળીબજાવ ફાઈટ છે, કોમેડી પંચવાળા ડાયલોગ છે યા તો પછી કશુંક ઈમોશનલ ટાયલું છે. જોકે પોલીસ સ્ટેશનમાં સોનાક્ષીને હસાવવાની હરીફાઈવાળું દશ્ય દમ વગરનું, ભડક અને વલ્ગર છે. ફિલ્મ શરૂઆતથી અંત સુધી પોતાની રિધમ જાળવી રાખે છે. હા, વચ્ચેના હિસ્સામાં વાર્તાનો મસાલો ખૂટી પડ્યો હોય તેવી અસર જરૂર ભી થાય છે.
સલમાન ખાન અહીં ફુલ ફોર્મમાં છે. ચુલબુલ પાંડેના પાત્રને સલમાન જેટલી અસરકારકતાથી બોલીવૂડનો બીજો કોઈ હીરો ઉપસાવી શક્યો ન હોત. સલમાનને આપણે પોલીસના વેશમાં અગાઉ જોઈ ચૂક્યા છીએ, પણ તોય અહીં તે જુદો લાગે છે. કદાચ આંજણ કરવાની પેન્સિલથી હોઠ ઉપર કાળી લીટી દોરી નાખી હોય તેવી કાર્ટૂન જેવી મૂછોને કારણે. વાસ્તવમાં તે મૂછો નહીં, પણ મૂછોનું બચ્ચું છે, જે પાછું આખી ફિલ્મમાં શેપ અને સાઈઝ બદલતું રહે છે. સાચું પૂછો તો આ ગેટઅપમાં સલમાન ભારે વિચિત્ર લાગે છે, પણ એના ચાહકોને તોય એ બહુ ગમવાનો.
નવોદિત સોનાક્ષી શત્રુઘ્ન સિંહામાં દમ છે. તેના આ રોલ પરથી અભિનયક્ષમતાનું માપ તો ન મળે, પણ એક વાત ચોક્કસ કે આ કન્યા પાસે પાવરફુલ સ્ક્રીન પ્રેઝન્સ છે, કમર્શિયલ હિંદી ફિલ્મની હિરોઈનો જેવાં લટકાંઝટકાં કરતાં તેને આવડે છે અને તે ઓડિયન્સ તેની સાથે કનેક્ટ થઈ શકે છે. સરપ્રાઈઝ, સરપ્રાઈઝ… રૂપકડી સોનાક્ષી દેખાવમાં શત્રુઘ્ન સિંહા કરતાં રીના રોય જેવી વધારે લાગે છે! સોનુ સૂદ મજાનો છે, પણ અરબાઝની હિરોઈન તરીકે માહી ગિલ વેડફાઈ છે.
અરબાઝ ખાને એક્ટર બનવાના બહુ ઉધામા કર્યા, પણ બાપડાને એક્ટિંગ કરતાં ન આવડી તે ન જ આવડી. ‘દબંગ’માં પણ તેના કાષ્ઠમય મુખકમળ પર હરામ બરાબર એક પણ ઈમોશન સરખી રીતે ગતું હોય તો! તેના કિરદારનું નામ જોકે હાઈક્લાસ છે મખ્ખી. મખ્ખનચંદ પાંડેનું શોર્ટફોર્મ! અરબાઝ ‘દબંગ’નો પ્રોડ્યુસર છે. લાગે છે કે હવે તેણે સાચી લાઈન પકડી છે. સલમાન સિવાય ‘દબંગ’ના બીજાં બે હાઈ-પોઈન્ટ્સ છે ગીતસંગીત (સાજિદ-વાજિદ, લલિત પંડિત) અને એકશન (વિજયન). ફિલ્મની પ્રોડકશન વેલ્યુ સલમાનના સ્ટારપાવરને છાજે તેવી છે. ફર્સ્ટ-ટાઈમ-ડિરેક્ટર અભિનવ કશ્યપે લગભગ તમામ ડિપાર્ટમેન્ટ પાસેથી સારું કામ લીધું છે. અભિનવ કશ્યપ સિનેમેટિક તાસીરની દષ્ટિએ મોટા ભાઈ અનુરાગ ‘દેવ.ડી’ કશ્યપ કરતાં બિલકુલ વિરુદ્ધ અંતિમ પર ઉભા છે, પણ કમર્શિયલ સિનેમા વિશેની સમજણના મામલામાં તેમણે પહેલાં જ બોલમાં ચોગ્ગો ફટકાર્યો છે તેમ કહી શકાય.
આમિર ખાન ‘પીપલી (લાઈવ)’ના પ્રાઈવેટ સ્ક્રીનિંગ વખતે સલમાન ખાનને કહી રહ્યો હતો- ‘યાર, ‘દબંગ’ના પ્રોમો ધમાલ છે. તારી આ ફિલ્મ ‘વોન્ટેડ’ કરતાંય વધારે હિટ જવાની.’ આમિર પારખુ માણસ છે. તેની આગાહી ખોટી પડવાનું કોઈ કારણ નથી. સો વાતની એક વાત. જો તમે સલમાન ફેન હો અથવા તો ફિલ્મી ચાટમસાલા ખાવાના મૂડમાં હો તો આ ફિલ્મ ચૂકશો નહીં અને જો ‘ક્વોલિટી સિનેમા’ સિવાય બીજું કંઈ પચતું ન હોય તો થિયેટર તરફ ભૂલેચૂકેય જોશો નહીં.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2010 )
Leave a Reply