ભેંસના શરીર પર ક્રિમ લગાવો તો તે સફેદ થઈ જાય ? પ્રશ્ન થોડો મુશ્કેલ છે, પણ એક વ્યક્તિ આ પ્રયત્ન કરી ચુક્યા છે. ચંદ્રકાંત બક્ષીની નવા અર્થઘટન નીતિ પ્રમાણે સફેદવાળમાંથી કાળા વાળ તોડવા એટલે જેવુ છે તેવુ બતાવવુ. થોડા સમય પહેલા જય વસાવડા પોતાના આર્ટીકલમાં લખી ગયા, ભારતીય સ્ત્રીઓની ચામડીનો કલર સફેદ નથી કે ન તો કાળો છે, તે માટી જેવા રંગનો છે. કોપર જેવો. અને તેમના લખ્યા પછી થોડુ ધીંગાણું થયુ. અત્યારે જે પ્રકારનું ફેરનેસ વાતાવરણ અભય દેઓલે ઉભુ કર્યુ છે, તે મુતાબીક તો જય વસાવડાએ આ લેખ બચાવીને રાખવાની જરૂર હતી. અત્યારે આર્ટીકલને બહાર લાવવાનો સાચો સમય છે. અભય દેઓલના મુજબ સ્ટાર્સે કોઈપણ પ્રકારની ફેરનેસ પ્રોડક્ટનો પ્રચાર કરવો જોઈએ નહીં. જેટલા પણ સ્ટાર્સ આ પ્રોડક્ટનો પ્રચાર કરે છે, તે લોકોની અભય-નીંદા કરે છે. આ યાદીમાં સોનમ કપૂર, શાહરૂખ ખાનથી લઈને એ થી સી ગ્રેડના બધા કલાકારો આવી જાય.
સંદેશમાં સફરનામા દ્વારા બક્ષીબાબુના આર્ટીકલો નવજીવન કરવામાં આવતા હતા. જેમાં કાળી છોકરી પર, આમ તો રંગ પર તેમણે સુંદર લખેલુ. બક્ષીબાબુ હંમેશા કાળા કલરના હિમાયતી રહ્યા. કાળી છોકરીને તન્વીશ્યામા કહેવામાં આવે. રંગ કાળો છે સફેદ નથી, તેમના મત પ્રમાણે સફેદ રંગ ધરાવતી સ્ત્રીઓ મરેલી લાશ જેવી હોય છે. જો કે આ આર્ટીકલ ઘણો લાંબો હતો. તે પછી છપ્પનવખારીમાં તેજસ વૈદ્યે કાળાની પરિભાષા સમજાવેલી. કાળીચૌદશ, કાળમીંઠ, કાળોતરો, કળિયુગ…. આમ લિસ્ટ લાંબુ છે, પરંતુ જ્યારે પણ વાત રંગની કરવામાં આવે તો સફેદ કોઈ જગ્યાએ હાજર જ નથી. હંમેશા કાળો રંગ જ હાજરી દર્શાવે છે. કોઈ પણ સુંદર સ્ત્રી કે પુરૂષ પર કાળો રંગ સારો લાગે છે. ધોળિયા લોકો પર કોઈ સાહિત્ય નથી લખાયુ પણ હા, અમેરિકામાં જેમને નિગ્રો કહેવાની મનાઈ છે, તેવા કાળિયા લોકો પર અંકલ ટોમ્સ કેબીન થી લઈને વોક થ્રુ ડાર્કનેસ જેવી નવલકથાઓ લખવામાં આવી છે. તો ગુજરાતીમાં નવલકથામાં નાયકનું નામ પણ કાળુ છે. જ્યારે વકિલ, ન્યાયાધીશનો પોશાક કાળો હોય, અને રાજકારણીને તેના કાળાકરતૂત માટે હરહંમેશ કાળી શાહી પોતવામાં આવે છે. આ અત્યારનું નથી 1813માં નેપોલિયન શાસન કરતો હતો અને તેનો વિરોધ કરવા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. બ્રિટીશરો ભલે ધોળિયા રહ્યા પરંતુ તેમની એક રેઝીમેન્ટનું નામ બ્લેક છે. પોર્ટુગલના રાજકારણમાં ડાબેરી સંઘ કાળો, ઈટાલીમાં ફાસીવાદનો શર્ટ કાળો ઉપરથી નાઝી સેનાનો કાળો પટ્ટો જેના પર એસ.એસ લખવામાં આવેલુ હોય, જેનો અર્થ થાય કે તે લોકો કથ્થઈ રંગનો વિરોધ કરે છે.
કાળા સફેદની આ ભાગદોડમાં ઉદય ચોપરાએ પોતાની બુધ્ધિનું પ્રદર્શન કરતુ વિધાન આપ્યુ, સફેદ દેખાવુ એ તો સ્વમાનની વાત છે. કોઈપણ વ્યક્તિ ફેરનેલસ ક્રિમનો ઉપયોગ કરે તો તેની પર્સનલ ચોઈસ છે. પુરૂષ સ્ત્રી સામે હેન્ડસમ દેખાવા અથાગ મહેનત કરતો હોય છે. તેવા લોકો માટે સુંદરતાની વ્યાખ્યા સંસ્કૃતમાં સુંદર રીતે કહી છે. કોઈપણ ફેરનેસ ક્રિમનો ઉપયોગ કર્યા વિના સિંહ અને સિંહણમાં સિંહ તેની કેશવાળીના કારણે સુંદર દેખાય છે. નર મોર કળા કરે એટલે તે સુંદર છે. ઉપરથી તેના પર જ ગીતો લખાય છે. ઢેલ પર નહીં ! માદા કોયલ નહીં પણ નર કોયલનો અવાજ સુંદર હોય છે. આ કોઈ લોકો ફેરનેસ ક્રિમ યુઝ કરતા નથી… જેથી અભય નિંદાનો સવાલ પણ ઉત્પન થતો નથી.
~ મયુર ખાવડુ
Leave a Reply