રોડની બંન્ને સાઈડ મકાન હતા. એક વિધવાનું એક વિધુરનું. બંન્નેનો કોઈ આસરો ન હતો. વિધુર રોજ સમય મળે ત્યારે વિધવાના ઘરમાં તાક્યા કરતો અને પેલી વિધવા શરમ અને સમાજની મારી તેની સામે જોતી નહીં, પણ તેને અંદરથી તે વિધુરને જોવાનું મન તો હતું. વચ્ચેનો રોડ સાફ કરવા માટે વિધુરે આ વિધવાને કહેલું કે, ‘તું રસ્તો વાળી નાખજે, અને હું રોજ સવારે પાણીથી તેને ધોઈ નાખીશ.’
આવો ક્રમ રોજ ચાલતો હતો. પડોશના લોકોને થયું કે નક્કી વિધુર અને વિધવાનું લફરૂ ચાલુ છે. લોકોના તો બે મોઢા હોય ! એટલે વાત ફેલાતા વાર ન લાગી. સોસાયટીના એક સમજુ વ્યક્તિએ બંન્નેને કહ્યું કે, ‘તમારામાંથી કોઈ એક વ્યક્તિએ સોસાયટી છોડવી પડશે.’
બંન્નેના નાના એવા ઘર હતા અને આ છેલ્લો આસરો હતો. અહીં જ બંન્નેના અંજળપાણી લખેલા હતા તેવું મનમાં ઠાની લીધેલું.
એક મહિનો થયો પણ મકાન ખાલી ન થયું. રસ્તો સાફ કરવાનું ચાલુ રહ્યું. વિધવા સફાઈ કરે અને વિધુર પાણી નાખે. હવે અડોશપડોશના લોકોને પાણી માથાથી ઉપર જઈ રહ્યું હોય તેવું લાગ્યું. ફરી એકવાર હુકમ કરવામાં આવ્યો. થોડા સમયમાં વિધવાના ઘરે એક નોટીસ આવી. તેનું મકાન ગેરકાયદેસર હતું એટલે પાડવું પડે તેમ હતું. હવે જવું ક્યાં ? વિધવાએ વિધૂરના ઘરે શરણ લઈ લીધી. વિધવાના મકાનને તાડા લાગી ગયા. હવે રસ્તો વિધુર અને વિધવા બંન્ને મળીને સાફ કરતા હતા.
ફરી પડોશીઓના પેટમાં તેલ રેડાયું. શરમ નામની કોઈ વસ્તુ નથી. લગ્ન વિના આ બંન્ને સાથે રહે છે. આવું કહેનારાઓની કમી ન હતી. અને એ સમયે લીવ ઈન રિલેશનશિપનો શબ્દ પ્રકાશમાં નહોતો આવ્યો. એક દિવસ વિધુર લાઈટબીલ ભરવા માટે જઈ રહ્યો હતો. વિધવાને તેણે કહ્યું, ‘ખાનામાં લાઈટબીલ હશે.’ વિધવાએ ટેબલની તળિયાનું ખાનું ખોલ્યું. તેમાં એક કાગળ હતો. થોડીવાર સ્થિર નજરે તાકતી રહી. વિધુરનો અવાજ આવ્યો એટલે પાના ફંફોસી લાઈટબીલ નીકાળ્યું અને વિધુરના હાથમાં મુકી દીધુ. વિધુર લાઈટબીલ ભરવા ચાલ્યો ગયો.
વિધવા તેની પીઠ તાકતી રહી અને પોતાના મકાનને જોતી રહી. ઉંડો નિ:સાસો નાખી થોડુ બબડી, ‘મારા ઘર વિશે આને ફરિયાદ કરવાની શું જરૂર પડી ?’ વિધવાએ દરવાજો વાસી દીધો.
~ મયુર ખાવડુ
Leave a Reply