જીવન… શું છે જીવન?
રહસ્ય છે?
શેનું રહસ્ય, કેવું રહસ્ય?
દરેકની જિંદગીનું અલગ રહસ્ય.
એ રહસ્ય જ્યારે ઉકલે ત્યારે જ સમજાય..
રહસ્ય કથાની જેમ એમાં પણ જાત જાતની ઘટનાઓ જાત જાતનું રહસ્ય સર્જે છે. એક રહસ્ય ઉકેલાય ત્યાં જ બીજું ઉભું થઈ જાય. ના સમજાય એવી રીતે અચાનક અવનવી ઘટનાઓ ઘટે છે, જે મનને ખૂબ આશ્ચર્ય પમાડે છે. ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોય, ક્યારેય કોઈ કલ્પના પણ કરી ના હોય એવા રહસ્યો જીવનમાં ગમે ત્યારે સર્જાય છે. અમુક ઘટનાઓ સુખદ આશ્ચર્ય આપે છે તો અમુક ઘટનાઓ ધરતીકંપ જેટલો આંચકો આપે છે, અને એ ઘટનાઓ સાથે રહેલી બધી જ વ્યક્તિના જીવનને ભરપૂર અસર કરે છે. એ પછી જીવન થોડો સમય અસ્તવ્યસ્ત થઈ જાય છે, નવેસરથી, નવી રીતે જીવતાં શીખવું પડે છે. આપણે જે જીવતાં હતાં એમાં ધડમૂળથી ફેરફાર થઈ જાય છે અને જિંદગીમાં આવા રહસ્યો, આવા અણધાર્યા પરિવર્તનો કેમ સર્જાતા હશે એ સમજવા માટે મન રાત-દિવસ મથામણ કરે છે. પણ એનાથી કંઈ વળતું નથી, મનને જ વાળવું પડે છે. જે બન્યું છે એ સ્વીકારવા માટે મનને બહુ મહેનત કરીને તૈયાર કરવું પડે છે.
જીવનમાં સર્જાતા રહસ્યો કેમ સર્જાય છે, એ પ્રશ્ન સદાય અસ્થાને છે. એ ક્યારેય ઉકેલી શકાય એવા સરળ નથી હોતા, રહસ્ય કથાની જેમ એનો પર્દાફાશ પણ નથી થતો. એ રહસ્ય અકબંધ જ રહે છે, અને એને સ્વીકારીને જીવવું પડે છે. આમ જીવન એક રહસ્ય છે, એવું કહી શકીએ.
ક્યારેક જીવન એક રમત લાગે. ક્યારેક પત્તાની રમત લાગે. તમારા ભાગે ક્યારે ક્યાં પત્તા આવશે…? અને જે પત્તા આવે એ પત્તા તમને જીતાડી શકે એવા ના હોય તો પણ જીતવાનો પૂરો પ્રયત્ન કરવો પડે. ક્યારેક સામેવાળાની અણઆવડતના લીધે નબળાં પત્તા છતાંય તમારી આવડત તમને જીતાડી દે, આમ પત્તા સારા આવે એટલે જીત નક્કી એવું કહી ના શકાય. જીવનમાં પણ નસીબ કામ કરે છે. નસીબ સારું હોય તો પલટાયેલી બાજી પણ સુધારી શકાય છે.
ક્યારેક શતરંજ લાગે જીવન. એ પાસા અને પ્યાદા બંને ઉપર આધારિત રમત છે. પાસા પડે એ પ્રમાણે પ્યાદા ચલાવવાના હોય છે. એમાં પણ બાજી ક્યારેક અણધારી જ પલટાઈ જાય. કુદરત પણ આપણને શતરંજ રમાડતી હોય એવું લાગે છે. તમે સીધું અને સરળ જ જીવતાં હોવ, પણ તમારા પાસા ઓચિંતા જ ફરી જાય અને જીવન સાવ બદલાઈ જાય.
કોઈ પણ રમત સાથે તમે જિંદગીને સરખાવી શકો છો. ક્યારેક સંતાકૂકડી રમતા હોવ એવું લાગે છે, તો ક્યારેક તમારો થપ્પો થઈ જાય. ક્યારેક ચેસની રમતમાં ઘોડો અને વજીર જ હારી જાવ એમ તમારી જીવનરમતમાં તમારા મુખ્ય પાત્રો તમને છોડીને જતાં રહે.
અકાળે જીવન ટૂંકાઈ જાય અને પાછળ રહેલા સૌ વલોપાત કરે. નાના બાળકોને માં કે બાપ કે બંને સાથે જતા રહે. યુવાન દીકરો કે દીકરી ગુજરી જાય અને એમનાં સંતાન માથાપરનું છત્ર અને જીવન જીવવા માટે મળતી હૂંફ અને પ્રેમ ગુમાવે, ક્યારેક કોડભરી કન્યા પતિવિહોણી ( વિધવા શબ્દ મને બિલકુલ નથી ગમતો) થઈ જાય તો ક્યારેક અસહ્ય પીડા ભોગવતા અસાધ્ય રોગનો ભોગ બનેલા કમનસીબો મૃત્યુની પળે પળે રાહ જોતાં હોય પણ મૃત્યુ એમને મોક્ષ ના આપે અને જીવન એમને પીડિયા જ કરે.
આ છે જીવન
આ છે જીવન અને મૃત્યુનું આપણી ઉપરનું આધિપત્ય.
આ છે સત્ય
જેને તમે કંઈ પણ કહી શકો.
એક ભરપૂર રહસ્ય
એક રોમાંચક રમત
એક યાત્રા,
જેમાં ચઢાણ- ઉતરાણ- કઠીનતા – મુશ્કેલીઓ બધું જ આવે.
અને ક્યારેક આ જીવનયાત્રા અધવચ્ચે જ સમાપ્ત થઈ જાય. આમ આપણાં જીવનનો માલિક ઈશ્વર છે, અને એની મરજી હોય ત્યાં સુધી જ કે ત્યાં સુધી જીવવું જ રહ્યું.
ચાલો, ફરી ક્યારેક
મનોમન
~ પ્રફુલ્લા શાહ
Leave a Reply