મારી જ સાથે…?
આપણને ક્યારેક લાગે છે કે ઈશ્વરે આપણને વાંક વગર બહુ મોટો અન્યાય કર્યો છે. મારી જ સાથે કેમ…? મારી જ સાથે આવું વારંવાર કેમ…?
જે ઇશ્વરને હું દિલથી માનું છું, અને જિંદગી આખી દિલથી નમી છું તે ઈશ્વર પર થોડી શંકા થઈ ગઈ. એ પણ મારી પરિસ્થિતિ જાણે છે. હું મારા દુઃખી હૃદયથી કંઇક એને કહી દઉં તો પણ એને ખરાબ નહીં લાગે. ઇશ્વરને પણ આ જીવન નાશવંત લાગ્યું જ છેને…? રાજવૈભવ છોડીને આત્માના કલ્યાણ અર્થે ત્યાગને સ્થાન આપ્યું, ક્યાંય કોઈને નડ્યા નહીં તેમ છતાંય એમણે પણ બહુ દુઃખ સહન કરવા જ પડ્યા. એમને પણ એમની ઉપર આવી પડેલી તકલીફોમાંથી કોઈ ઈશ્વરે ના બચાવ્યા, અને બધું જ હસતાં હસતાં સહન કર્યું.
જીવ માત્ર આ પૃથ્વી પર આવીને એના ભાગના સુખ-દુઃખ ભોગવે છે. જીવનની વિસમતાઓથી કોઈ બાકાત નથી. દરેકે પોતાના ભાગનું જીવીને પસાર થઈ જવાનું હોય છે. નિમિત્ત પણ લખાયેલું જ હોય છે, સમય પણ નક્કી જ હોય છે. વ્યક્તિને પોતાને પણ ખબર નથી હોતી, કે એનો સમય કેટલો છે અને એની છેલ્લી ઘડી કઈ છે.
આ જ્ઞાન મને આજે જ નથી લાધ્યું. હું બધું જ જાણું છું, બધું જ સમજું છું. પણ જ્યારે આપણી જાત ઉપર વિતે છે, ત્યારે સહન તો નથી જ થતું. એમાંથી બહાર નીકળતાં સમય લાગે જ. કોઈ સલાહ ત્યારે કામ નથી લાગતી, મને કંઈ પણ માનવા તૈયાર જ નથી થતું. બધા જે કંઈ કહે છે, એ તમારા પ્રત્યેની લાગણીને કારણે જ કહેતા હોય છે. પણ એ બધું જ આપણે ખુદ જાણતા હોવા છતાં મન કોઈ વાત માનવા કે સમજવા નથી જ માંગતું. એને આક્રંદ કરવું જ હોય છે, એ કંઈજ સ્વીકારવા તૈયાર નથી થતું. જનાર વ્યક્તિ પ્રત્યે એટલો બધો પ્રેમ ( હું એને મોહ નહીં કહું) હોય છે કે એ જાય ત્યારે આપણાં માથેઆભ તૂટી પડ્યું હોય, વીજળી પડી હોય, એનાથી પણ વિશેષ એ દુઃખની ફીલિંગ હોય છે.
વ્યક્તિની ખોટ ક્યારેય નથી પુરાતી. જિંદગીમાં એક પછી એક આપણી પોતાની વ્યક્તિઓ સમય થતાં જતી હોય છે અને આપણે જોતા જ રહી જઈએ છીએ. એ વ્યક્તિના જવાથી સર્જાતો અવકાશ, ખાલીપો આપણે બીજી વ્યક્તિઓને વધારે ચાહીને પુરવાનો હોય છે. ઘરમાં બધા જ દુઃખી હોય તો દુઃખ માથે ચઢી જાય છે, એને ડાયવર્ટ કરવું જરૂરી છે. જનાર વ્યક્તિને ગમતું કંઈક કરીને એની યાદના દીપકને પ્રગટતો રાખી શકાય.મૃત્યુ એની હસ્તી મિટાવી શકશે એની યાદો તો અમર જ રહેશે, એના નામે સારા કાર્યો કરીને એની યાદો સદંતર જીવતી જ રહેશે.
પરમ કૃપાળું પરમાત્મા એને અહીં કરતાં વિશેષ સુખ અને શાંતિ આપે.
ચાલો, ફરી ક્યારેક
મનોમન
~ પ્રફુલ્લા શાહ
Leave a Reply