ડાયવર્ઝન
જિંદગીએ રસ્તો બદલ્યો છે અચાનક, પણ કંઈ વાંધો નહીં. ફરી હરિયાળો રસ્તો આવશે, અત્યારે હું સાચવીને ચાલીશ, ક્યારેક પહેલાં પણ આવો કાંટા અને કાંકરાવાળો રસ્તો આવ્યો હતો જીવનમાં. થોડી તકલીફ જરુંર પડી હતી, થોડો સંઘર્ષ પણ કરવો પડ્યો હતો એ રસ્તો પાર કરવામાં, થોડું વાગ્યું પણ હતું, થોડું અઘરું પણ લાગ્યું હતું અને બહુ બધું રડી પણ હતી. એ આકરો રસ્તો પાર કરવામાં બધાએ મદદ કરી જ હતી પણ અમુક ચઢાણ મારે એકલીએ જ ચઢવાનું હતું. હું ચઢી હતી, થોડો શ્વાસ ચઢ્યો હતો, નહીં ચઢાય, બેસી જાઉં, ઉતરી જઉં પાછી એવા બહુ વિચારો આવ્યા હતા. પણ હવે તો ઉતરી શકાય એમ પણ નહોતું. ચઢવું ફરજીયાત હતું. વચ્ચે ક્યાંય રોકાઈ શકાય એમ પણ નહોતું. એટલે ધીમે ધીમેય ચઢવું જ પડ્યું. છેવટે એ રસ્તો પૂરો થયો અને આરામદાયક, હરિયાળો, છાંયડાવાળો, ક્યાંક રોકાઈને આનંદ-કિલ્લોલ કરી શકાય એવો મનગમતો રસ્તો આવ્યો હતો, અને એ રસ્તો બહુ જલ્દીથી પસાર થઈ ગયો .
ફરી પાછો તન- મનને થકવી નાંખે એવો, કાંટા, કાંકરા અને ઝંખરાવાળો રસ્તો આવ્યો છે જીવનમાં. હવે તન અને મન બહુ થાકી જાય છે.નિરાંતનો શ્વાસ લઈને પાણી પીને જીવને શાંત કરી શકીએ એટલી મોકળાશ નથી મળતી.શ્વાસ લેવામાં તકલીફ પડે છે, હારી જવાશે એવું અનેકવાર લાગ્યું છે.હસતાં- હસતાં જ જીવવું છે એવો નિર્ણય છે પણ ચહેરા પરનો હાસ્યનો આ મુખવટો તરડાઈને ફાટી જશે તો? એવો ડર હવે હંમેશા રહે છે.આ રસ્તો પહેલાં આવેલાં રસ્તા જેટલો આકરો નહીં હોય, નથી જ તો પણ ફરી સરળ રસ્તો શરૂ થાય ત્યાં સુધી ચાલી શકીશ કે કેમ? એવી શંકા મનને વારંવાર થાય છે.કદાચ આ રસ્તે પહેલાં જેટલાં લોકો મદદ કરી શકે એમ નથી કારણકે બીજાને એમનો રસ્તો પાર કરવાનો હોય, કાયમ કોઈ મદદ ના કરી શકે, સાથ ના આપી શકે એ પણ સત્ય છે.
પણ હું મારા પ્રયત્નમાં ઉણી નહીં ઉતરું, ભરપૂર હિંમત કરીશ, થાકીશ પણ હારીશ તો નહીં જ, કદાચ એમ કરતાં કરતાં મંઝીલની ટોચે પહોંચી જાઉં અને આગળ કોઈ રસ્તો બાકી ના પણ રહે તો પણ ભલે… એનાથી રૂડું બીજું શું હોય…?
ચાલો, ફરી ક્યારેક
મનોમન
~ પ્રફુલ્લા શાહ
Leave a Reply