ઈશ્વરે સર્જેલા જિંદગીના રહસ્યો : આશીર્વાદ કે અભિશાપ.
આવનારા દરેક સમયથી આપણે અજાણ છીએ. હવે પછીની ક્ષણે શું થશે એ ઈશ્વરને જ ખબર હોય છે. તમે આવનારા સમય માટે ઘણું બધું વિચાર્યું હોય પણ એ પ્રમાણે થવું કે ના થવું એ ઈશ્વરના હાથની વાત છે. જિંદગીના દાખલાનું તમે ગમે એટલું પરફેક્ટ ગણિત ગણ્યું હોય પણ ઈશ્વર ક્યારેક એનો જવાબ જુદો જ લાવીને મૂકી દે છે. તમારું પ્લાનિંગ ખૂબ જ સચોટ હોય પણ એ સફળ તો જ થાય જો એના ઉપર ઈશ્વરની અમી દ્રષ્ટિ હોય.
તમારા સારા- ખોટા નસીબનું, તમારા સારા-ખોટા સમયનો સર્વોપરી ઈશ્વર જ છે. આખી જિંદગી પ્રમાણિક રહ્યાં હોય, જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવ રાખ્યો હોય, દરેક કર્મમાં ધર્મભાવ રાખ્યો હોય, જિંદગી સરળ તાથી જીવ્યા હોય, કોઈનેય પણ મદદ કરવામાં પાછી પાની ના કરી હોય એવી વ્યક્તિના જીવનમાં પણ ક્યારેક અણધાર્યા જ ઉપરા-ઉપરી અસહય આઘાતો આવી જાય છે અને ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે કે જેના લીધે ઈશ્વર ઉપરની શ્રદ્ધા ડગી જતી હોય છે અને ત્યારે જિંદગી માણસને રહસ્યકથા જેવી લાગે છે. ઈશ્વરના આ રહસ્યો અચરજભર્યા લાગે છે. માણસનો જિંદગી પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે અનુરાગની જગ્યાએ વૈરાગ્ય આવી જતો હોય છે.
બધા જ સાથે આવું બને જ એ કહેવું સત્ય નથી, પણ જિંદગીમાં ક્યારેક ક્યારેક આવા પરચા દરેકને વધારે – ઓછા પ્રમાણમાં મળી જતાં હોય છે.
ઇશ્વરની આ રહસ્યલીલા માણસને સમજાતી નથી ત્યારે કર્મનો સિદ્ધાંત માનવાનું મન થાય છે. ચોર્યાસી લાખ અવતારમાંથી કોઈ પણ ભવમાં કરેલાં કર્મ ક્યારે સામે આવી જાય છે તેની આપણને ખબર નથી. જિંદગીમાં દરેક વ્યક્તિ ઋણાનુબંધ પ્રમાણે જ મળે છે અને એની સાથેના ઋણાનુબંધ પુરા થઈ જાય, એની સાથેના સારા કે ખોટા કર્મો ખપી જાય ત્યારે આપોઆપ કોઈ પણ નિમિતે, એના ચોક્કસ જવાના સમયે એ વ્યક્તિ કે આપણે પોતે જીવનમાંથી જતાં રહીએ છીએ અને આ જીવનમાંથી પરસ્પર છૂટી જઈએ છીએ. આવું ક્યારે, કેમ, કેવી રીતે બને છે તે રહસ્ય માત્ર ને માત્ર ઈશ્વર જ જાણે છે અને એ જાણવાનો અવસર આપણને ક્યારેય મળતો નથી.
હવે સવાલ એ થાય કે જિંદગીના આ રહસ્યો માણસ માટે આશીર્વાદરૂપ છે કે અભિશાપ છે. આ રહસ્યોની આગળથી ખબર પડી જાય એ સારું…? કે ખોટું…? આવા રહસ્યો માણસને આનંદમાં ગરકાવ કરી નાંખે એવા પણ હોઈ શકે અને દુઃખમાં ડુબાડી દે એવાં બે પ્રકારના હોઈ શકે.
ઈશ્વરે સૃષ્ટિની જે રીતે રચના કરી છે એ પણ અલૌકિક છે. ઇશ્વરની કોઈ પણ રચનાને કે એના કોઈ પણ કાર્યને પડકારી શકાય એમ નથી જ. ઈશ્વર જીવ માત્રની જિંદગીનાં જે રહસ્યો પોતાની પાસે રાખે છે તે ચોક્કસ માણસ માટે આશીર્વાદ જ છે, આપણને આપણી જિંદગીમાં જે કંઈ સારું બનવાનું હોય છે એની જે તે સમયે ખબર પડે તો એ આનંદ અવર્ણનીય હોય છે. એ વાતની તમને પહેલેથી જાણ થાય તો જે તે સમયે એ આનંદ પૂરતો અનુભવી શકતાં નથી. એ જ રીતે તમારી સાથે જો કંઈક ખોટું બનવાનું હોય અને એની પહેલેથી જાણ હોય, તો તમે ખોટું બનવાના સમય પહેલાથી જ દુઃખી રહ્યાં કરશો. જેથી અત્યારની સારી રીતે જીવાઈ રહેલી જિંદગી જીવવાની મજા પણ જતી રહેશે.
આમ સારું કે ખોટું જે કંઈ બનવાનું હોય એની ખબર જે તે સમયે જ પડે તે જ યોગ્ય છે. ખોટું બને, ઓચિંતા જ બને એનો આઘાત સહન ના થાય અને એ વધુ આઘાત આપે એવું બને પણ વહેલી જાણ થવી એનો મતલબ કે વહેલાં દુઃખી થવું. ક્યારેક કોઈક દુઃખ માટે મનને તૈયાર કરવાનો મોકો મળે છે, ત્યારે પણ આઘાત તો લાગે જ છે.
સ્વપનાં અધૂરાં રહી જાય છે, કાર્યો અધૂરાં રહી જાય છે અને જીવવાનું પણ અધૂરું રહી જાય છે. તો એ જ રીતે ક્યારેક અણધાર્યું, જેની કલ્પના પણ ના કરી હોય એવી સુખોની વણઝાર પણ આવી જાય છે અને જિંદગી ખુશીઓથી છલકાઈ જાય છે.
આમ ઈશ્વરે કોઈ પણ જીવ માટે સર્જેલા જિંદગીના રહસ્યો માણસ માટે આશીર્વાદ જ છે, અભિશાપ નથી જ નથી. સુખ જોઈને છકી ના જવું ને દુઃખ જોઈને ડરી ના જવું, કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિતિપ્રજ્ઞ રહેવું એ માણસે શીખવા જેવું છે કારણ કે ઈશ્વર ક્યારે પત્તા બદલશે અને પરિસ્થિતિ ક્યારે બદલાઈ જશે એની કોઈનેય જાણ નથી.
“ગુજારે જે શિરે તારે,
જગતનો નાથ તું સ્હેજે.
ગણ્યું જે પ્યારું પ્યારએ,
અતિ પ્યારું ગણી લેજે”
ચાલો, ફરી ક્યારેક
મનોમન
~ પ્રફુલ્લા શાહ
Leave a Reply