જિંદગીએ ઘણાં બધાં રહસ્યો સર્જ્યા, એ રહસ્યો છતા થયાં ત્યારે ખૂબ અચરજ થતું, મન વિમાસણમાં પડી જતું, આવું બધું પણ બની શકે એ મારા વિચારોની સીમાની બહાર હતું, જેટલા રંગ બતાવ્યા જિંદગીએ, બધા રંગ અપનાવ્યા, ક્યાંય નથી હારી, હસતાં હસતાં બધું ઝીલ્યું , એક અભિમાન હતું કે જે બનશે, જિંદગી જે આપશે તે હું સ્વીકારીશ. કંઈ પણ સહન કરી બતાવીશ. ક્યારેક બાંયો પણ ચઢાવી છે જિંદગી સામે, પડકારી છે, એની સામે પણ થઈ છું પણ હું હારી નથી, એના બધા પડકારો ઝીલ્યા છે, દરેક પડાવ ઉપર નવા નવા પડકારો આપ્યા છે જિંદગીએ મને. ક્યાંય મને છોડી નથી પણ આજ સુધીની એની બધી પરીક્ષામાં પાસ થઈ છું. એને નવાઈ લાગતી હશે કે હું આટલી મુશ્કેલીઓ વચ્ચે હસતાં હસતાં કેવી રીતે જીવું છું…? એણે લીધેલી બધી પરીક્ષાઓ મેં ઈમાનદારીથી પાસ કરીને એને મેં સરપ્રાઈઝ આપ્યું છે, એવું હું માન્યા કરતી હતી. મુશ્કેલીઓના ઢગલા વચ્ચેથી હું ખુશીથી બહાર નીકળી જતી અને જાતને જ શાબાશી આપતી. મને થયું કે હવે તો જિંદગી મારી પરીક્ષા લેતાં લેતાં થાકી હશે, મારી ઉપર ગૌરવ કરશે અને હવે મને એની અઘરી પરિક્ષાઓમાંથી મુક્ત કરશે. થોડી હળવી રહેવા લાગી હું, થોડી વધારે ખુશ રહેવા લાગી, ચહેરા પર પ્રસન્નતા છવાયેલી રહેતી. મને થયું,” હાશ, જિંદગી ક્યારે મૃત્યુના દરવાજે પહોંચાડે તે નક્કી નહીં તો મન મુકીને ભરપૂર જીવી લઉં”.
કોઈ જ એવું કાર્ય કે એવો કોઈ ખરાબ વિચાર કે જીવ માત્રને દુઃખ થાય એવું વર્તન જાણી જોઈને ક્યારેય ના કરતી કે જિંદગી મારી ઉપર ગુસ્સે થાય અને મને ફરી કોઈ મુશ્કેલીમાં મૂકી દે. પણ આ વાત પણ એનાથી ના સહન ના થઇ અને મારું અમૂલ્ય રતન, મારું યુવાધન, મારા હસીને સુંદર સંસાર માનતા મારા વ્હાલા દીકરાને જ મૃત્યુને કારણ વગર અણધાર્યો જ સોંપી દીધો અને મૃત્યુ દેવતા પણ ખુશ થતાં ફટાફટ એને લઈને ભાગી ગયા. મૃત્યુને પકડવાની, એને હંફાવવાની કોઈ તક જિંદગીએ ના આપી, રાતે દિકરો ઘેર ના આવે ત્યાં સુધી જાગતાં રહેતાં બાપના તો જાણે ધબકારા જ બંધ થઈ ગયા. ખૂબ ખબ રડાવ્યા, જિંદગીએ અને મૃત્યુએ અમને. જિંદગીએ જે પડકાર આપ્યો એ ઝીલવાની ક્ષમતા જાણે મરી પરવારી છે.
આજે મને ભાન થાય છે કે જિંદગીના કોઈ પણ પડકારને પાર કરીને ખુશ ના થવું, કારણકે દરેક પડાવ પર જિંદગી પરીક્ષા કરશે જ અને જેમ જેમ પરીક્ષા પસાર કરતા જશો એમ એમ એ અઘરું પેપર આપશે, એટલે હવે જીવનમાં કોઈ પરીક્ષા નહીં આવે એવું ક્યારેય ના માનવું. ક્યારેક અમુક વ્યક્તિઓને જીવનભર એ પરિક્ષામાંથી મુક્ત નથી કરતી.જેમ વધારે પરીક્ષા પાસ કરો એમ ડીગ્રી વધતી જાય અને પેપર અઘરા આવતા જાય એ રીતે જિંદગી પણ ક્યારેક શ્વાસ લેવાનો પણ સમય નથી આપતી અને સરપ્રાઈઝ પરીક્ષા લે છે. તમને તૈયારી કરવાનો કોઈ જ ટાઈમ ના રહીને પાસ થવાની પણ કોઈ તક ના મળે એ રીતે ત્રાટકે છે. ક્યારેય ન વિચાર્યું હોય એવી ઘટનાઓ સર્જે છે, અર્ધપાગલ થઈ જવાય એટલી હદે પીડા આપી દે છે. એ વિચારતી હશે કે જોઉં કે હવે હસતાં હસતાં એમાંથી કેવી રીતે હું નિકળીશ? કોઈ તક જ નથી રહેતી. આપણાં હાથમાં કંઈ જ નથી રહેતું કે એને મ્હાત આપી શકાય.
જોઈએ સમય મને આમાંથી બહાર નીકળવા માટે કેટલો અને ક્યારે સાથ આપે છે. જિંદગીએ આપેલો આ ઘા જીવનભરનો છે. એક જ પ્રાર્થના છે ઇશ્વરને કે અમારો દીકરો જ્યાં પણ હોય ત્યાં અહીં કરતાં વધારે સુખ શાંતિમાં હોય.
આનો પણ સામનો કરવો તો પડશે કારણકે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી નવી પરીક્ષા આવતી રહેશે અને એ માટે જાતને તૈયાર કરવી જ પડશે.
જીવન અને મૃત્યુની ઈચ્છા શિરોમાન્ય.
ચાલો, ફરી ક્યારેક
મનોમન
~ પ્રફુલ્લા શાહ
Leave a Reply