જીવતા પાત્રોને જોઈને મારા મનમાં રોજ વાર્તા સ્ફૂરે અને હું રોજ એને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન કરું.
એમાં જીવનતત્વ હોય, જીવનની કરુણતા હોય પણ વાર્તા તત્વ ઉમેરતાં બહુ ના આવડે, જે જોઉં, જે અનુભવું, જે એહસાસ થાય એ શબ્દો રૂપે મુકું. એ કોઈને ગમે, કોઈને ના પણ ગમે. જીવતી, રઝળતી, અથડાતી-કુટાતી જીન્દગીઓ ક્યારેક સાચી છતાંય સારી વાર્તા નથી બનતી.
આજ સુધી મારા દ્વારા લખાયેલી દરેક નાની-મોટી વાર્તાઓ માત્ર અને માત્ર સત્ય ઘટનાઓ જ છે, જે મને આવડે એ રીતે હું રજૂ કરું છું. પણ મારે થોડું વાર્તા તત્ત્વ અને થોડી નાટકીયતા ઉમેરતાં શીખવું પડશે.
મને વાર્તા બનાવતા નથી આવડતી પણ દરેક વ્યક્તિમાં હું એક વાર્તા જોઈ શકું છું. વ્યક્તિએ વ્યક્તિએ એ અલગ, રોમાંચક, રહસ્યમય હોય છે, એ રહસ્યને જાણવાનો અને પામવાનો મારો પ્રયત્ન સતત ચાલું છે. હું કોઈ કાલ્પનિક પાત્રો ઉભા કરીને કાલ્પનિક ઘટનાઓ નથી ઉપજાવી શકતી એ મારી નબળાઈ જ હશે, પણ મને જીવંત પાત્રોમાં વધારે રસ પડે છે. એમના સુખ, દુઃખ, તકલીફો, અસહય વેદના, એમનો પ્રેમ, એમનો પરોપકાર, એમની છાની-છુપી બીજાને મદદ કરવાની ટેવો અને સહન ના કરી શકાય એવી કુટેવો… પણ હું ખામોશીથી જોઈ શકું છું. અને મારી રીતે, મારા શબ્દોમાં, મારા ભાવમાં વ્યક્ત કરું છું. ઘણું બધું શીખું છું, હું આવા જીવંત પાત્રો પાસેથી. આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન લાવી દે છે આવી જીવંત કથાઓ.
શું કરવું જોઈએ મારે? મન કહે એ લખું કે નિયમો જાળવીને લખું?
મનોમન મુંઝાઉં છું……
મનોમન સમજુ છું બધું…….
મનોમન
ચાલો, ફરી ક્યારેક
મનોમન
~ પ્રફુલ્લા શાહ
Leave a Reply