જીવનનો સાગર ખુશીઓના મોજાથી ઉછાળા મારી રહ્યો છે. સ્વપ્નના મહેલો ઊંચાને ઊંચા વધી રહ્યાં છે. હાસ્યના રંગો ચારે બાજુ ફેલાઈ રહ્યાં છે. જિંદગીની શતરંજ ખંતથી અને નિશ્ચિન્ત થઈને રમી રહી છું, જીતીશ જ, એવા વિશ્વાસ સાથે. જિંદગીનો દામ્પત્ય જીવનનો બીજો અધ્યાય શરૂ થઈ રહ્યો હતો.
મન આજે પાછું ચગડોળે ચઢ્યું. એને કોણ સમજાવે કે વેળા- કવેળાએ એમ ચગડોળે ના ચઢાય, વારંવાર ચગડોળે ચઢવાથી ચક્કર આવે. ઢગલો કામની વચ્ચે પણ મારે એની સાથે વાતો કરવી જ રહી. આજે પણ સદનસીબે ઘરમાં એકલી જ હતી. વિચારતી હતી કે ઘર-ઘર રમતાં રમતાં જે કામ હોંશથી કરતી હતી કે નાની હતી, ત્યારે જે કામ કરવાની મમ્મી પાસે જીદ કરતી હતી. એ બધા કામ અત્યારે મન વગર જ કરતી, કારણ કે એ કામ કરવાની ફરજ પાડવામાં આવતી અને નાની ઉંમરે પણ વહુની મોટી પદવી હોવાથી જવાબદારી પણ મોટી આપી હતી. મનને સવાલ થતો, કે જે વ્યક્તિઓ સામે હું ફ્રોક અને સ્કર્ટ પહેરીને મોટી થઈ એમણે મને સાડી પહેરીને માથે ઓઢવાની ફરજ કેમ પાડી? વિશ્વાસ નહોતો બેસતો, કે આ એ જ લોકો છે જે મને દીકરી માનીને હસાવતા અને ચિઢવતા…? કોઈ છોકરી વહુ બનીને આવે, એટલે ઓલ રાઉન્ડર બની જાય…? શક્તિમાન બની જાય…? ઘરની સૌથી જવાબદાર વ્યક્તિ બની જાય? એવું કેમ?
આજે આ મનને શું થયું છે…? શું શું યાદ કરે છે…? આટલા વર્ષો પછી આ તાંડવઃ શેનું છે…?
ત્યારે મનમાં ઘૂંટાતા મારા શબ્દો નિર્જીવ કેમ બની ગયા હતા…? આજે કેમ બધું એકાએક સજીવન બની રહ્યું છે…? મનને મારતાં શીખી ગયેલી હું, આજે મનને કેમ જગાડી રહી છું…?
કોઈ સાથે વાતો નથી કરી, કોઈ મારી સાથે બહુ વાતો ના કરતું. હું ઓછું બોલતી એટલે મને બોલતા જ નથી આવડતું, બુદ્ધિ ઓછી છે એવા અર્થ થવા માંડ્યા, બંડ પોકારવાનું, મનને ઠાલવવાનું, મારામાં પણ બુદ્ધિ છે અને હું શક્તિમાન નથી એવું કહેવાનું મન વારંવાર થયું. પણ, હોંશે હોંશે શક્તિમાન બનેલી હું હવે પીછેહઠ કેવી રીતે કરું…?
નવજીવનનું જે સ્વપ્ન સેવ્યું હતું, એ છિન્નભિન્ન થઈ ગયું અને વાસ્તવિકતા તેમજ જીવનસંઘર્ષએ મને સદાય શક્તિમાન જ રાખી.
આને હું ઈશ્વરનો આશીર્વાદ જ સમજુ છું. વાસ્તવિકતાએ મને સભાન બનાવી દીધી. મનોમન જોયેલા સ્વપ્ન, મનોમન માંડેલી વાતો, મનોમન જોયેલી રંગીન જિંદગી, મનમાં સજાવેલી પ્રિયતમ સાથેની સુંદર સૃષ્ટિ, મનમાં ગાયેલા ગીતો અને ઇ બધું જ મનના કૂવામાં પધરાવી દીધું અને વાસ્તવિકતાને પ્રેમથી સ્વીકારી લીધી.
આજે મનોમંથન કરતાં કરતાં બધું નીકળતું જાય છે, અને યાદ આવતું જાય છે. કોલેજમાં હતી ત્યારથી મનમાં જન્મેલી લેખક બનવાની ઈચ્છાને દબાવી દીધી પણ ઊંઘ અને આરામના ભોગે પણ વાંચવાનું ચાલુ રાખ્યું. જ્યારે હું કંઈ વાંચતી એ મારી મનની મરજીથી, એ સમયખંડ મારો પોતાનો હતો અને એમાં હું સાચું જીવતી હતી.
અહીં અટકું…? મન તો નહીં અટકે, એને આરામ કરવાનું નથી ગમતું પણ મારું બીમાર શરીર આરામ માંગે છે. એટલે આજે પણ મનને તાળું મરવું જ પડશે.
ચાલો, ફરી ક્યારેક
મનોમન
~ પ્રફુલ્લા શાહ
Leave a Reply