સમય નથી…? કંઈ વાંધો નહીં, કોઈ વાતો પણ નથી? કોઈ વાંધો નહીં. મારી જેમ નવરાશ પણ ના હોય ને!! અરે, હું પણ ખાસ નવરી નથી હોતી, મારે પણ બહુ કામ હોય છે જ. પણ ઘણી વાર મનમાં એટલી બધી વાતો ઉભરાવા માંડે કે એનો આથો આવી જાય, ત્યારે જો હું એ વાતોના વડા ના બનાવી લઉં તો મનમાં આફરો ચઢી જાય અને પેટ બગડે.
ના, ના, હું કોઈનો સમય ના બગાડું, કોઈનું મન હોય તો જ એની સાથે વાતો કરું, પરાણે વાતો કરવાની મજા થોડી આવે? ત્યારે હું એકાંત શોધી લઉં, બધું એકબાજુ મૂકીને શાંતિથી નોટ પેન લઈને બેસી જઉં, મન સાથે વાતો કરતાં કરતાં કંઈક નોટમાં ટપકાવી પણ લઉં. એકાંતમાં હું એકડાના લાખ બનાવી નાખું, પાતાળ કુવો ઉલેચીને ખોદી નાખું, ઉતરી જઉં અંદર અને ખેતરની જેમ ખેડી નાખું. ઓહોહો, કેટલું બધું જડે અંદરથી જે હું બહાર શોધતાં શોધતાં ભૂલી પણ ગઈ હતી
એકાંતના કૂવામાં મારી ખાંખાખોળી ચાલુ થઈ જાય.
સૌથી પહેલાં તો બાલમંદિરમાં રોજ સાથે નાસ્તો કરતાં એ ભાઈબંધ યાદ આવ્યો. જે દિવસે હું ના ગઈ હોઉં એ દિવસે એ એનો લંચ બોક્સ એમ જ નાસ્તો કર્યા વગર પાછો લઈ જાય અને એ ના આવે એ દિવસે જે વિદ્યાર્થી નાસ્તો ના લાવ્યો હોય એને હું મારો નાસ્તો આપી દઉં. બંને એક બીજા વગર સુનમુન બની જતાં. એક આખું વર્ષ, ત્રણસો પાંસઠ દિવસ સાથે જીવ્યા, ખાધું, મોજ- મજા કરી અને ભણ્યાં
મકાનમાલિક મકાન ખાલી કરાવતાં હોવાથી બીજા એરિયામાં રહેવા ગયાં. સ્કૂલ પણ બદલાઈ ગઈ, થોડા દિવસ ખૂબ રડી, બહુ યાદ આવતો મારો એ મિત્ર. એના વગર નાસ્તો કરવાનું ગમતું નહીં. રસ્તામાં કોઈક ભિખારીને આપી દેતી. પણ સમય જતાં ભૂખ લાગવા માંડી, એક નવી છોકરી સાથે ફાવવા લાગ્યું અને જૂના ભાઈબંધને અંદર ને અંદર ધકેલતી ગઈ.
હાઉસિંગ બોર્ડ ના મકાન હતા એટલે ખાલી કરવાની ચિંતા નહોતી. સાત ધોરણ સુધી ખેંચી કાઢયું. ક્યારેક બાલમંદિર વાળો મિત્ર બહુ યાદ આવી જતો. એ મને યાદ કરતો હશે? પડોશમાં રહેતાં છોકરાઓ સાથે, લખોટી, ગિલ્લી-ડંડા, નાગોલચુ, થપ્પો, સાતતાળી અને ઘર- ઘર બધું જ રમતી. એ બધા વર્ષો પણ એકાંતની એકલતામાંથી નીકળ્યાં, મનોમન બહુ ખુશી થઈ, ધીમે ધીમે બધા જ નામ યાદ આવી ગયા. ક્યાં હશે આ બધા? મને યાદ કરતાં હશે?આ બધાં જ મને યાદ છે અને હું પણ એમને યાદ હોઈશ જ.
પાછું મકાન બદલ્યું, પપ્પાએ પોતાનું એક નાનું ઘર લીધું. આઠમા ધોરણથી અગિયારમાં ધોરણ સુધી હાઈસ્કૂલ. બહુ બધા મિત્રો. મારી વાચળતાએ અને સામે ચાલીને હસીને બોલાવવાની ટેવે બહુ મિત્રો આપ્યા. નવા પડોશી અને પડોશમાં પણ નવા મિત્રો. આ બધું મને આજે જ કેમ યાદ આવે છે?
એક છોકરો ગમી ગયો, હું પણ એને ગમી ગઈ. એક જ જ્ઞાતિ, પણ કુટુંબનો વિરોધ. કોલેજ પત્યા પછી જાતે લગ્ન કરી લીધા અને જિંદગીમાં સંઘર્ષનો સમય શરૂ થયો.
એકાંતમાં બધું જ રજોરજ યાદ આવી ગયું. આવી અંતરંગ વાતો મન સાથે જ કરવાની મજા આવે. બીજાને આપણી વાતમાં શું કામ રસ પડે. આ બધો મારો અસબાબ અને મારો રાગ, એકાંતમાં જ માણું અને ખુશ થાઉં જાણે કોઈ ખજાનો મળી ગયો.
આજે આટલું જ મિત્રો. બ્રેક તો પાડવો પડે ને?
ફરી ક્યારેક આગળની વાત……
ચાલો, ફરી ક્યારેક
મનોમન
~ પ્રફુલ્લા શાહ
Leave a Reply