‘હાસ્યલેખક કે હાસ્ય કલાકાર પોતાની જાત પર તો હસવો જ જોઈએ.’ આમ કહી શાહબુદ્દીન રાઠોડે ડાયરામાં શિક્ષકોના બહારવટાની વાત કહી હતી. જેને સાંભળી મને લેખકો અને પત્રકારોને ભેગા કરી બહારવટુ કરવાનું મન થયું. જીવનમાં જ્યારે કંઈ ન હોય ત્યારે બહારવટુ જ કરવું, પણ આ માટે લેખકો તૈયાર થશે ? એ મારા માટે કડવું કારેલું ખાવુ કે નહીં એવી મૂંઝવણ હતી.
સૌ પ્રથમ છેલ્લા વીસ વર્ષથી ઉપરકોટની ગુફામાં નિવાસ કરતા કવિશ્રી આડેધડના કાને મેં આ વાત મુકી, તો તે તુરંત હાઈકુ સાંભળી ખુશ થયો હોય તેમ મોજમાં આવી ગયો. મને કહે, ‘જીવનમાં હવે એ જ બાકી છે. પણ હા એક શરત.’
હું દુવિધામાં મુકાયો, કારણ કે કવિઓ શરત રાખતા ક્યારથી થઈ ગયા. મેં પૂછ્યું, ‘કેવી શરત વળી ?’
મને કહે, ‘બહારવટામાં કોઈ એક વ્યક્તિનું આપણે અપહરણ કરીશું અને પછી આખી રાત હું તેને વીસ વર્ષથી મારા અપ્રકાશિત એવા કાવ્યો સંભળાવીશ. જો તમારી હા હોય તો આપણે બીજા વિદ્રોહી લેખકોની શોધમાં નીકળીએ.’
મેં કહ્યું,‘તો મારી પણ એક શરત છે કવિરાજ.’ મારાથી ઊંચા અવાજે આ વાક્ય બોલાતા કવિરાજ વધારે મૂંઝાયા. મગજમાં ખોવાયેલ ગઝલના પ્રાસને શોધતા હોય તેવી મુખમુદ્રા રાખી મને પૂછ્યું, ‘નવોદિતો ક્યારથી શરત રાખતા થઈ ગયા ?’
મેં એમની વાતનો છેદ ઉડાવતા કહ્યું,‘તમારા માટે એક અલગ ગુફાનો મેળ કરી લેજો. બાકી આ કવિતાઓ આપણા સાથી સભ્યોથી સહન નહીં થાય. રખે ને બહારવટીયાઓ ભાગી જાય તો ?’
બદલામાં મારી સામે હસીને કહે, ‘જેવી તમારી આજ્ઞા. આમેય મારી કવિતા જેવા તેવાને તો પચતી જ નથી.’
હું અને કવિરાજ ગુફામાંથી બહાર નીકળ્યા. અમારી ટૂકડીમાં એક નવલકથાકાર તો હોવો જ જોઈએ. નવલકથાકાર સમગ્ર ઘટનાને ઘડી કાઢે કે બહારવટુ કેવી રીતે કરવું ? આ વાત મેં કવિરાજ આડેધડને કહી. તેણે મારી વાતમાં સંમતિ દર્શાવતા કહ્યું, ‘તમારી વાત સાચી પણ ખૂબ લાંબી નવલકથા લખનારાને આપણે બહારવટાનું આયોજન ઘડવા નહીં લઈએ. તેનું કારણ પણ તેમણે જ આપતા કહ્યું, ‘તે ત્રણ ભાગમાં પથરાયેલ નવલકથા જેટલું લાંબુ આયોજન કરશે, તો પછી જે જાન લૂંટવાની હશે તેના છોકરાની જાન આવી જશે તો પણ એ આયોજન જ કરતો ફરશે. ઉપરથી તમે તેને તાબામાં રાખજો. નવલકથાકારોને અઠવાડિયામાં એક વખત જ મગજ દોડાવવાની આદત હોય છે. આપણા કામમાં વિલંબ થઈ શકે.’
મારા ધ્યાનમાં આવો એક નવલકથાકાર હતો. કહો કે નિષ્ફળ નવલકથાકાર હતો. તેની નવલકથાઓ કોઈએ પ્રકાશિત નહોતી કરી એટલે તે બળવાની આગમાં સળગતો હતો. ઉપરથી અમારે જોઈએ તેવી લઘુ નવલકથાઓ જ લખતો હતો. કવિરાજ આડેધડે કહ્યું તે મુજબ, અમારા માળખામાં ફિટ બેસતો હતો. એનું નામ લખલખુ.
જૂનાગઢની હોસ્પિટલમાં લોહીના બાટલા ચડાવવાનો ધંધો કરતો. મેં અને કવિરાજ આડેધડે તેને વાત કહી, તો તે રાજીના રેડ થઈ ગયો. મને કહે, ‘સાહિત્યમાં બહારવટા ઓછા ખેડવા મળે. પણ તમે કહો એમ હોય તો હું તમારી સાથે જ છું.’ આમ કહી એ પણ જોડાણો. અમે ત્રણે નીકળ્યા. નવલકથાકાર લખલખુને મેં કહી દીધેલું કે આપણે એક લલિત નિબંધકારની પણ જરૂર રહેશે. જે વૃક્ષોની પાછળ સંતાયને દૂરથી આવતી જાનને જોઈ શકે.
લખલખુએ કહ્યું, ‘તીક્ષ્ણ નાક, ચપટા કાન અને સૂક્ષ્મ આંખો ધરાવતો એક યુવક મારા ધ્યાનમાં છે. જૂનાગઢ જંગલમાં અગિયાર મહિના ઉપર કરાર આધારિત ફોરેસ્ટ ગાર્ડ છે.’ ભલે કહી એની પાસે ગયા. લખલખુ એ જે પ્રમાણેનું વર્ણન કરેલું એવો જ હતો. બળવાનું નામ લીધું ત્યાં તો એ ઉછળી પડ્યો. દંડો મુકીને અમારી સાથે ચાલતો થઈ ગયો.
જાનને રોકવા માટે અમારે એક નાટ્ય લેખકની જરૂર હતી. જે અણીના સમયે જાનૈયાઓ સામે એવું નાટક કરે કે થોડી વાર માટે આખી જાન સાચું માની લે. મેં આ વિશે નિબંધકારને કહ્યું તો મને કહે, ‘ગાંડાની હોસ્પિટલમાં છે.’
મેં તુરંત માથું હલાવી ના પાડી દીધી.
મને ગુસ્સામાં કહે, ‘અરે… ગાંડાની હોસ્પિટલમાં ચોકીદાર છે. ગાંડો નથી.’
તેની વાત મને આશ્વાસન આપવા પૂરતી હતી. વાત કાને પડી કે તેણે એક નાટક લખેલું. એ અતિશય ભંગાર હોવાથી તેના પર ઈંડા અને ટામેટાનો વરસાદ થયેલો. એ સમયે બંન્નેના ભાવ ખૂબ મોંઘા હતા, છતાં દર્શકોએ ખરીદ્યા ! આ વાતથી સળગી ઉઠેલા નાટ્યકાર શ્રી મિથ્યાચંદે આ ઘટનાનો ભવિષ્યમાં બદલો લેવાની વાત મુકેલી. મિથ્યાચંદ અમારી સાથે જોડાયો અને તેની પાસેથી જ જાણ મળી કે તેમનો એક વાર્તાકાર મિત્ર પણ છે. એ પણ બળવાની આગમાં સળગે છે. મેં પૂછ્યું, ‘કોણ ?’
મને કહે, ‘ભળભાંખળુ નામ છે. સૂર્યોદય અને સૂર્યાસ્તનાં ફોટા પાડી વેચવાનું કામ કરે છે.’ એને પણ સાથે લીધો.
કટાર નામનો મારો એક પત્રકાર મિત્ર હતો. જે વર્ષોથી છાપામાં કટાર લખવાનો પ્રયત્ન કરતો હતો પણ વારો નહોતો આવતો. એ પણ બહારવટામાં જોડાયો. મહત્વનું નામનો ટીવી એન્કર હતો. તેણે એટલી વખત બોલવામાં ગોટાળા કરેલા કે તેને નોકરીમાંથી તગેડી મુકવામાં આવેલ. એ ખૂદને તો લાવ્યો સાથે તેના પરમ મિત્ર અને બહારવટુ કરવા થનગની રહેલા કેમેરામેન દૂરદ્રષ્ટીને પણ લાવ્યો.
જૂનાગઢ જંગલમાં અમે બધા ભેગા મળી બહારવટાનું આયોજન કરતા હતા. ત્યાં ઉપેક્ષિત નામનો જૂનાગઢનો ખ્યાતનામ વિવેચક આવ્યો. જેના વિવેચનને કોઈ ગણકારતા નહોતા, કારણ કે કોઈને સમજાતું જ ન હતું ! એ પણ જોડાયો. સાથે બે ચાર સાહિત્યિક મેગેઝિનવાળા ભાઈઓ પણ જોડાયા. પ્રવાસ લેખક પાસપોર્ટ પણ આવ્યા. જેમને નિબંધકાર જાન આવી રહી હોવાની માહિતી આપે એટલે આગળનો રસ્તો કેવો છે એ વિશે કટ ટુ કટ જણાવવાનું હતું.
હથિયાર માટે કટાર લેખક કચ્છથી ખાસ કટાર લાવેલ. આ સિવાય અમારી પાસે કોઈ હથિયાર ન હતું. અમારા બધાના વાળ લાંબા. ઘણી વાર અમે અમને જ જોઈને ડરી જતા, બીજાની તો હું શું વાત કરું. જભ્ભાનું કંઈ માપ નહીં. એમાં મારો જભ્ભો તો પગરખાનું પણ કામ કરી લેતો હતો.
નવલકથાકાર અને વાર્તાકારે મળી બહારવટાનો પ્લાન ઘડ્યો. હું માહિતી લાવ્યો કે જૂનાગઢ નગરના પ્રકાશભાઈ પ્રકાશકની જાન અહીંથી નીકળવાની છે. સૌ ખુશ થયા. લૂંટના આગલા દિવસે અમે લાકડા સળગાવ્યા અને નર્મદની તેજાબી કવિતાઓનું પઠન કરી ઉત્સાહમાં વધારો કર્યો.
બીજા દિવસે સવારના સાતેક વાગ્યે લલિત નિબંધકાર જે વૃક્ષ પાછળ સંતાયેલો હતો. એ બાતમી લાવ્યો કે જાન આવે છે. પ્રવાસ લેખકે નાટ્યકારને કટ ટુ કટ માહિતી આપી. નાટ્યકાર તુરંત દોડીને ગયો અને જાનની આડે આવી બેભાન થઈ ગયો. પ્રકાશભાઈ સાથેના જાનૈયાઓ ચિંતાગ્રસ્ત થઈ ગયા અને નાટ્યકારની આ સ્થિતિ જોઈ તેમનું હૈયુ પીગળી ગયું. તેઓ મદદ કરવા માટે જતા હતા. એવામાં અમારી ટૂકડીએ સૌને ઘેરી લીધા.
નાટ્યકારે તેનું કામ બરાબર પાર પાડ્યું હતું. કટાર લઈ આગળ આવી વરના પિતાના ગળે છરી મુકતા નવલકથાકાર લખલખુ બોલ્યો, ‘આજે રક્તપિપાસુ એવી મારી કટારથી તારા દેહમાં વ્યાપી ગયેલી ધ્રૂજારીનું હું શમન કરીશ.’
પ્રકાશકને ખ્યાલ આવી ગયો કે આ મેઘાણીની કથામાં આવતા બહારવટીયા તો નથી જ. તુરંત તેને વિચાર આવ્યો કે આવા સાહિત્યની તો મારે જરૂર છે. જો આ બધા નિષ્ફળ સાહિત્યકારોનું પુસ્તક છપાય જાય, તો મજા આવી જાય. પણ ખાતરી કેમ કરવી કે આ સાહિત્યવટો ભોગવતા સાહિત્યકારો જ છે. વિચારીને પ્રકાશભાઈએ રાડ નાખી, ‘તમારી ચોપડી આપો, હું છાપી નાખીશ.’
અમારા બધાના હાથમાં રહેલ કટારો નીચે પડી ગઈ. ચહેરા પર સ્મિત આવી ગયું. અમે જાનમાં જોડાઈ ગયા. સાથે રહેલા કેમેરામેન દૂરદ્રષ્ટીએ પણ આ દ્રશ્યને ઉતાર્યું. આજે હું એંસી વર્ષનો ભાભો થયો છું. મારું પુસ્તક નથી છપાયું.
(હાસ્ય-વ્યંગ-કટાક્ષ)
~ મયૂર ખાવડુ
Leave a Reply