એક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા લખવામાં આવતો એના પપ્પાને પત્ર જે મેં લખ્યો છે…..
જો કોઈ મિત્ર પિતા તરીકે આ પત્રનો જવાબ આપી શકે તો તે આવકાર્ય છે…..
પ્રિય પપ્પા,
આદર પ્રણામ.
ઘણા દિવસોથી તમારી જોડે વાત કરવા માંગતો હતો. પણ હિંમત ના કરી શક્યો. હું તમારું ખૂબ માન કરું છું. એટલે તમને દુઃખ પહોંચે એવું હું કંઈ જ ન કરી શકું. તમે હંમેશા પોતાની જાતને વ્યસ્ત રાખ્યા છે. અમારી ખુશી અને સુખ સુવિધા પુરી કરવા તમે જાતને ઘસી નાખી છે. એટલે જ મેં ક્યારેય તમારી કોઈ વાત નથી ટાળી. હું ક્યારેય તમને કહેતો નથી.. પણ પપ્પા તમારા માટે મારા દિલમાં ખૂબ જ પ્રેમ છે. જે હું ક્યારેય નહીં બતાવી શકું.
તમારું જ્યારે એકસિડેન્ટ થયું ત્યારે બધા રડતાં હતા.. ખાલી હું જ ચૂપ હતો. કેમકે હું માની જ નહોતો શકતો કે તમને કઈ થયું છે. જો રડવાથી પ્રેમ સાબિત થતો હોય.. તો હું આખું જીવન રડું તો પણ તમારા માટે નો મારો પ્રેમ વ્યક્ત ના કરી શકું. કદાચ એટલે જ હું આજ દિવસ સુધી ચૂપ હતો. હું ત્રીજા સેમેસ્ટરમાં નાપાસ થયો એટલે તમને ઘણું દુઃખ પહોંચ્યું છે. એટલે તમે મારી સાથે સરખી વાત પણ નથી કરતા. હું એ બદલ તમારી માફી માંગુ છું. મને માફ કરી દેજો પપ્પા. પણ આજે હું તમને ઘણું બધું કેહવા માંગુ છું.. જે મેં તમને ક્યારેય નથી કીધું.
હું ક્યારેય સાયન્સ લેવા માંગતો જ નહોતો. મને હંમેશાથી આર્ટસમાં રસ રહ્યો છે. પણ તમે ઘરમાં બધા એન્જિનિયર ભાઈઓને જોઈને મને પણ એન્જિનિયર બનાવવા ઈચ્છતા હતા. તમારી ઇચ્છા પૂરી કરવા જ મેં સાયન્સ લઇ લીધું. પણ મારું મન ત્યાં નહોતું લાગતું. એટલે જ મારા માર્ક્સ ધાર્યા કરતાં પણ ઓછા આવ્યા. અને તમે મારુ એડમીશન એન્જિનિયરિંગમાં કરાવી દીધું. હું શુ બનવા માંગુ છું એતો કોઈએ પૂછયું પણ નહીં.. મને લાગ્યું કે હવે બધું ઠીક થઈ જશે. કોલેજમાં તો જલસા જ હોય.
જે સપના મેં કોલેજ માટે જોયા હતા.. એમાનું અહીં કંઈજ નહોતું. બધા જ માર્ક્સ પાછળ ભાગી રહ્યા હતા. રોજ કંઇક નવું જ થતું. અહીં બસ રેસ ચાલી રહી છે.. જો તમે ઝડપ થી નહીં દોડો તો કોઈક તમને પાછળ છોડી ને આગળ વધી જશે. મને ઇંગલિશ એટલું બધું સારું નહોતું આવડતું. છતાં પણ મેં મારાથી બનતો પ્રયત્ન કર્યો જ હતો. અહીં કોઈ પણ કામ હોય તો તમારે 10 લોકો જોડે ધક્કા ખાવા પડે. તો જ કામ પતે.
ભવિષ્ય બનાવાના જે સપના સાથે લોકો અહીં આવે છે.. એ બધા ખોટા છે એ મને સમજાઈ ગયું હતું. ક્લાસમાં હું નોર્મલ જ હતો. નવા મિત્રો મળ્યા. પણ મને એકલું જ લાગતું. કેમકે મને તમારા બધાની યાદ આવતી હતી. અહીંનું જમવાનું પણ નહોતું ભાવતું. રોજ રાતે પથારી માં તમને યાદ કરી ને રડતો. દર અઠવાડિયે ઘરે આવુ તો તમને એમ થાય કે આ ભણતો નથી. પણ પપ્પા હું કોને જઈને કહેતો કે મને કોઈ એકલો ના મુકશો.. ? મારી સાથે રહો. હું ડરતો હતો. ક્લાસમાં પૂછાતાં સવાલ મને આવડતા નહોતા. અને હું ડરવા લાગ્યો. એટલે મેં ક્લાસ બંક કરવાના ચાલુ કરી દીધા.
આ મારી ભૂલ હતી કે મુશ્કેલીઓનો સામનો કરવાના બદલે હું એનાથી ભાગી રહ્યો હતો. આટલી બધી પરીક્ષા… અસાઈનમેન્ટ… વાઈવા… પ્રોજેકટ.. ગ્રુપ વર્ક.. હું ટેન્શનમાં આવી ગયો હતો.. અને એમાંને એમાં જ હું ફેઈલ થઈ ગયો. પણ મેં હિંમત કરી અને પહેલું વર્ષ પાસ કરીને બતાવ્યું. પણ પપ્પા આ બધું મારાથી નથી થઈ રહ્યું. હું થાકી ગયો છું. બીજા સાથે લડવાનું હોત તો તમારો દીકરો હાર ના માનતો. પણ અહીં લડાઈ પોતાની જાત સાથે છે. જેમાં મને મારો પરિવાર જ મારો સાથ નથી આપી રહ્યો.. કેટલી વાર મને એમ થયું કે આત્મહત્યા કરી લઉ. અથવા ક્યાંક ભાગી જાઉં. પણ જયારે તમારો ચહેરો સામે આવે તો હું ભાગી પડું છું. અને ભાગવું એ કોઈ ઈલાજ નથી. મારે આનો સામનો કરવો જ રહ્યો.
મારે મારુ જીવન ખુશીથી પસાર કરવું છે. જીવવું છે મારે.. પણ મને મરવાના જ વિચારો આવે છે.. કાસ કોઈક માપી શકતું કે અમારા દિમાગ પર કેટલું ટેન્શન હોય છે. તો કદાચ દરેક બાળકના માતાપિતા પોતાના બાળકને સમજી શકતા. જ્યારે તમારી યાદ આવે તો હું ઘરે આવું છું. પણ બધા ભેગા થઈને મને પૂછ્યા કરે છે કે ભણવાનું કેવું ચાલે છે.. જ્યારે તમે મને લડો છો ત્યારે હું હારી જાઉં છું. મને એમ થાય કે હું કેમ ઘરે આયો..? એટલે હવે હું તહેવારોમાં પણ એકલો હોસ્ટેલમાં બેસી રહું છું. હંમેશાની જેમ એકલો અને ચૂપ…
મને નથી સમજમાં આવતી એન્જિનિયરિંગ.. અને જો હું બન્યો તો પણ કઇ કરી નહીં શકું. હું પોતાની જાતને માફ નહી કરી શકું. જે કામમાં મન નથી એ કામમાં ક્યારેય તમે સફળ ના થઇ શકો.
મારે લેખક બનવું છે. હા હું કદાચ ઓછું કમાઇસ. પણ ખુશ તો રહી શકીશ ને? લોકો શુ કહેશે એનાથી મને ફર્ક નથી પડતો પપ્પા.. તમે શુ વિચારો છો એનાથી ફર્ક પડે છે. એવું નથી કે તમે ના કહેશો તો હું આત્મહત્યા કરી લઇશ. એવું હું કઈ પણ નહીં કરું.
મેં હંમેશા તમારી વાત માની છે.. બસ જીવનમાં એક વાર મારા દિલની વાત માનવા માગું છું. લોકો થોડા દિવસ વાતો કરશે.. પણ લોકોના ડરથી હું મરી જાઉં? પણ જો મેં હજુ પણ કઇ ના કર્યુ તો જીવનભરનો અફસોસ રહી જશે કે મોકો હતો મારી જોડે છતાં પણ હું કઈ ના કરી શક્યો. હું પોતાને માફ નહીં કરી શકું.
હું પણ પોતાની જાતને સજા આપી રહ્યો હતો એન્જિનિયર બની ને…
પણ અમુક વાર સરળ રસ્તા પસંદ કરવા સારા હોય છે. એ પણ ત્યારે જ્યારે આપણે મુસીબતોનો સામનો કરવા માટે સક્ષમ ના હોઈએ.
હું છેલ્લા એક વર્ષથી સહન કરી રહ્યો છું. પણ એ સહન કરવાનો શુ મતલબ.. જો તમે જાણતા જ ના હોવ કે મારી હાલત શુ છે.?
જ્યારે નફરત કરવા માંગી ત્યારે પણ હિંમત ના કરી શક્યો.. તો હવે પ્રેમ કઇ રીતે કરી શકું? હવે ભણવાને પ્રેમ કરવા માગું છું તો ખબર પડે છે કે કઈ ફીલિંગ જેવું રહ્યું જ ક્યાં છે? દિલ ખોલીને તમને કહી ના શક્યો… ક્યારેય રડી ના શક્યો. તો હવે તમારા માટે નો પ્રેમ કઇ રીતે બતાવું?
પ્લીઝ તમે મારી જોડે વાત કરવાનું બંધ ના કરો. મને લડો.. મારો.. પણ વાત કરો.
તમે કહેશો હું એ જ કરીશ. તમારાથી વધારે મારા માટે કઈ નથી. મમ્મીને મારી યાદ આપજો.
– આપનો લાડકો.
લેખિકા – માનસી વાઘેલા.
Leave a Reply