‘ઈરા’ નામ સાંભળતા જ ધરાના મનમાં અંબર માટે વિવિધ પ્રશ્નો ઉદ્ભવી આવ્યા. કોણ હશે આ ઈરા? અંબરને અને ઈરાને શું સંબંધ હશે…? અને કાકાએ કહ્યું એમ તેની સાથે અંબરનું નામ અને જીવન જોડાયેલું છે, એ ક્યા અર્થમાં કહ્યું હશે…?’
અને ધરા કાકાને એવા અનેક પ્રશ્નો પૂછવા જ જતી હતી ત્યાં જ કાકા બોલ્યા, ‘દીકરા જાણું છું, મારી આ વાતથી તારા મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા હશે, અને હું એ દરેકનો સંતોષકારક જવાબ આપવાનો પ્રયાસ કરીશ… પણ એ પહેલા એક શરત છે, કે હું તને વાત કહું ત્યારે તું મને વચ્ચે કોઈ પ્રશ્ન નહી પૂછે. છેલ્લે તને જે પ્રશ્નનો જવાબ મેળવવાનો બાકી રહે એ પૂછી લેજે…!’
ધરાને શરત થોડી વિચિત્ર જરૂર લગી, પણ હમણાં એના માટે ‘ઈરા’ નામ પાછળ છુપાયેલ અંબરના જીવનનો અધ્યાય વિષે જાણવું હતું. એણે ડોક હલાવી હકારમાં સંમતી આપી ! અને મહેતા કાકાએ વાત કરવાની ચાલુ કરી.
‘ધરા અંબર જ્યારે ત્રણ વર્ષ પહેલા અહીં આવ્યો હતો. ત્યારે હું, તમારા બંને વચ્ચે બનેલ ઘટનાથી અજાણ હતો ! જો જાણતો હોત’તો અંબરને ક્યારેય અહીં આવવા જ ન દેત ! અંબર અહીં આવતા તો આવી ગાયો, પણ એનું મન તો ત્યાં ગામડે, તારી પાસે જ રહી ગયું હતું. તે છતાય એ ક્યારેય તેની એકલતાની અસર તેના કામ પર પડવા ન દેતો. એનું કામ એટલે મારે બીજી વખત જોવું પણ ન પડે. નવી બ્રાન્ચના દરેક સભ્ય, તેમજ બ્રાંચ પાર્ટનર પણ તેના કામથી ખુશ હતા. પણ મને નવાઈ તો ત્યારે લાગતી જ્યારે રજાઓ મા ઘરે દોડી જવા આતુર રેહતો અંબર, મુંબઈ આવ્યા બાદ એક પણ વખત ઘરે ગયો ન હતો. મેં કેટલીય વાર એને એ વિષે વાત કરવા પ્રયાસ કરેલ, પણ એ વાતને ટાળી જતો ! અંબર ઓફીસના કામ કરવાના સમય પતી ગયા બાદ પણ ઓફિસમાં બેસી રેહતો, અને બસ કામમા જ મન પરોવ્યા કરતો. મુંબઈ આવ્યે એને ઘણા મહિના વીતી ચુક્યા હતા, છતાં એ એક પણ વાર મુંબઈ સુદ્ધાં ફરવા ગયો ન હતો ! આ માયાનગરીના મોહમા આવ્યા વિના કોઈ કઈ રીતે રહી શકે એની મને પણ નવાઈ લાગતી હતી. થોડા મહિનાઓ બાદ હું પણ મુંબઈ રેહવા ચાલી આવ્યો, કારણ કે મોટી ઉમરે વારંવાર આવ-જા કરવું ભારે લાગતું હતું. માટે મેં આપણી ગુજરાતની કંપની પણ વેચી નાખી અને મુંબઈમાં જ ઇન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું.
એકાદ વર્ષ બાદ મેં મુંબઈની કંપનીમાંથી પાર્ટનરશીપ પાછી ખેંચી લીધી, અને એના નફામાંથી તેમજ ગુજરાતમાં વેચેલી કંપનીના પૈસામાંથી મારી એક કંપનીની શરૂઆત કરી. અને આ કંપનીમાં અંબરને મેં એઝ અ બ્રાન્સ હેડ મેનેજરની પોસ્ટ પર રાખેલ. હવે હું અંબરની વધુ નજીક આવતો જતો હતો, એ મને એના પિતાના સ્થાને માનતો હતો. એક સાંજે મેં એને મારા ઘરે ડીનર માટે આમંત્રણ આપ્યું હતું, એ સાંજે ડીનર બાદ ડ્રીંક લેતા લેતા અંબર ઈમોશનલ થઇ ગયેલ, અને મને તમાર બે વચ્ચે બનાવ અંગે કહેલ ! નવાઈની વાત તો એ હતી કે જે વ્યક્તિના જીવનમાં આટલો ખાલીપો અને હતાશા ભરાઈ આવેલ એ વ્યક્તિએ ક્યારેય એના કામ પર એની લગીરેય અસર થવા દીધેલ ન હતી. મને અંબરની એક વાત દિલ સુધી સ્પર્શી ગયેલ. અને હું ત્યારે જ અંબરને તારી પાસે પાછો મોકલી આપવા માંગતો હતો, પણ મારી અંદર રહેલ સ્વાર્થી બીઝનેસમેન મને તેમ કરતા રોકી રહેલ હતો. અંબર જેવો કુશળ અને વિશ્વાસુ મને બીજો કોઈ મળવાનો ન હતો, અને આખરે મારા પ્રેમભાવ પર સ્વાર્થી વૃત્તિની જીત થઇ. અંબરની એકલતાથી હું પણ અંદરથી કોરાતો હતો, પણ સ્વાર્થ સામે મજબુર હતો.
નવી કંપનીના છ મહિના વીત્યા બાદ એક નવી એમ્પ્લોયી જોબ પર આવેલ… ઈરા !
ઈરા, પોતાના મનને જેમાં સંતોષ મળે એ કામ કરવામા જ માનતી છોકરી ! ભારતમાં જન્મેલ, પણ અમેરિકામાં ભણેલ અને ઉછરેલ ! સ્વભાવે તદ્દન અલ્લડ, અને મસ્તમૌલા ! નહિતર કોણ અમેરિકાની જોબ ઓફર છોડી મુંબઈમા કામ કરવા માંગે, એ પણ ફક્ત એટલા માટે કે સંઘર્ષ શબ્દને વ્યવસ્થિત રીતે સમજી જીવનમાં ઉતારવા માટે ! અમેરિકા રીટર્ન ઈરા અમારી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની જોબ પર લાગેલ. શરૂઆતમાં તો આખી ઓફીસ તેના વ્યક્તિત્વથી અંજાઈ ગયેલ… સિવાય કે અંબર ! એ છે જ એવી… ગોરી લીસી ચામડી, જેના એક એક કોષમાંથી તેની જવાની સાફ વર્તાતી હોય, તેની બોલકણી આંખો, જે વગર પલક ઝબકાવ્યે પણ ઘણું કહી જાય, તેની કામણગારી કાયા, જેના થકી એ ભલભલી બોલીવુડ એક્ટ્રેસ ને પણ પાછળ છોડી દે. અને જેમ સોનામાં સુગંધ ભળે તેમ તેનામાં અમેરિકી કલ્ચરમાં ઉછરેલ છતાં ઇન્ડીયન વેલ્યુસની ભરમાર…! બાકી આજના સમયમાં તો કોઈ વિદેશમાં છ મહિના માત્ર રહી આવે તો એને આપણા દેશ અને તેની સંસ્કૃતિની સુગ આવવા માંડે છે ! હવે આવું વ્યક્તિત્વ હોય તો ભલભલી વ્યક્તિ અંજાઈ જ જાય !
એના આવ્યા બાદ, શરૂઆતના એક અઠવાડિયા સુધી તો બધું બરાબર જ હતું, અંબર તેની તરફ કઈ ખાસ ધ્યાન આપતો ન હતો, અને ઈરા પણ તેના કામમા જ મસ્ત રેહતી. એ એ પણ જાણતી કે ઓફીસના લોકો એના વિશે શું વાતો કરે છે, અને અમેરિકા રીટર્ન હોવાથી એને હલકા ચારિત્ર્યની પણ ગણે છે, પણ એને એ બધાથી કોઈ ફર્ક નહોતો પડતો. એને કામ કરવું હતું અને એ એનું કામ કરતી !
એકાદ અઠવાડિયા બાદ એક મેં એક અરજન્ટ મીટીંગ બોલાવી હતી, મારે માર્કેટની એક કંપનીનું ટેકઓવર કરવું હતું, મેં એ માટે યોગ્ય ઉપાય જણાવવા કહ્યું, અને ત્યાં અંબર અને ઈરા ઝઘડી પડ્યા.
‘મી. અંબર તમારો આઈડિયા તદ્દન વાહિયાત છે…’
‘હા, અને તમારા આઈડિયાથી તો જાણે આપણે તાજમહેલ ખરીદી લઈશું નહી…?’
‘ઓબવિયસલી… મારો આઈડિયા જેન્યુન છે, તમારી જેમ તો નથી જ.’
‘મિસ. ડોન્ટ ટીચ મી માય વર્ક. હું આ ફિલ્ડમાં કેટલાય વર્ષોથી કામ કરું છું. અને મને મારી કંપનીના ગ્રોથની ચિંતા છે. સો પ્લીઝ !’
‘મી. અંબર, આ કંપની જેટલી તમારી છે એટલી જ મારી છે. પણ અગર તમે હોદ્દાનો રોબ જમાવવા જ માંગતા હોવ ધેન ગો અહેડ…!’
અને આ હતી એમની પ્રોપર પહેલી મુલાકાત ! બંને એકબીજા પર હદ પારના ગુસ્સે થયેલ હતા, અલબત બંને વચ્ચે મતભેદનું કારણ અંગત નહોતું, પ્રોફેશનલ હતું ! અને બંને પોતાની જગ્યા એ સાચા પણ હતા. અને આવા કર્મશીલ એમ્લોયી પામીને હું તો પોતાને ધન્ય જ માનતો હતો.
મેં અંબરના આઈડિયા સાથે આગળ વધાવનું નક્કી કર્યું, અને સદનસીબે અમે કંપની ટેકઓવર કરવામાં સફળ પણ રહ્યા હતા. એ સાંજે અંબર ઓફિસમાં લેટ સુધી બેઠો હતો, અને ઈરા પણ છેલ્લે સુધી રોકાઈ હતી.
‘મી. અંબર… આઈ એમ સોરી. મારો આશય તમારી કાર્યક્ષમતાને પડકારવાનો નહોતો…!’ એ સાંજે ઈરાએ અંબર સાથે વાત કરી હતી.
‘આઈ કેન અન્ડરસ્ટેન્ડ… એન્ડ આઈ મસ્ટ સે, તારું દિમાગ પણ તેજ ચાલે છે. તારો આઈડિયા પણ ખોટો તો નહોતો જ, પણ જો એક મફતની સલાહ લેવા તૈયાર હોવ તો કહી દઉં, કે બિઝનેસમાં એગ્રેશન સાથે લીધેલ નિર્ણય હમેશા નુકસાનીનો ધંધો કરાવતા હોય છે. સો સમજી વિચારીને નિર્ણય લેવો જ હિતાવહ છે !’
‘ઓહ… થેંક યુ સો મચ ફોર એપ્રીશીયેટીંગ માય આઈડિયા…’ કહી ઉત્સાહમાં આવી ઈરા અંબરને ભેટી પડી.
અંબરને થોડું અજુકતું લાગ્યું, પણ એણે ખુદ પર કાબુ રાખ્યો.
‘કેન વી હેવ કોફી ટુ-ગેધર…?’ ઇરાએ તેની સામે પ્રસ્તાવ મુક્યો.
‘સ્યોર…’ અને અંબરે તેને સાહજીકતાથી વધાવી લીધો.
ત્યારબાદ કંપનીમાં આવી તેમની આવી અનેક નાનીમોટી તકરારો થયા કરતી, જેના થકી ઈરા અંબરની સુઝબુજના પ્રભાવમાં આવી ચુકી હતી. અલબત હવે બને સારા મિત્રો પણ હતા જ, અને તેઓ અવારનવાર કોફીશોપ, મુવીઝ, શોપિંગ, વગેરે કામમા સાથે સમય વિતાવવા. અને હવે ઓફિસમાં પણ બને વિષે આડી અવળી વાતો શરુ થઇ ચુકી હતી. પણ એ બંને પરસ્પર સારા મિત્રથી વિશેષ કઈ જ નહોતા. કેટલાય સમય બાદ મેં અંબરને ફરી હસતા અને મજાક કરતા હળવા મૂડમા જોયો હતો, હું અંબર માટે ખુશ હતો !
પણ એક અન્ય બાબત મેં ધ્યાનમાં લીધી હતી અને એ એમ હતી કે અંબર જ્યારે ઈરા સાથે હોતો ત્યારે ખુબ જ ખુશ અને નોર્મલ રેહતો હતો, પણ જ્યારે તે એકલો પડતો ત્યારે તેની આસપાસ નિરાશાના વાદળો ચાવી રેહતા, એ ધરાની યાદોમાં જ ગળાડૂબ રેહતો. ધીરે ધીરે અંબરને આવી બેવડી પરિસ્થિતિની આદત પડતી જતી હતી. મને તેના પ્રત્યે ચિંતા થવા લગી હતી, પણ ઈરા આવી અંબરને ફરી હસાવી દઈ મને મારી દરેક ચિંતા માંથી મુક્ત કરી જતી !
અંબર અને ઈરાની બેલડીએ મને તો બિઝનેસમાં લાભ અપાવ્યો જ હતો, પણ સાથોસાથ ઓફીસના લોકોની નજરોમાં પણ હવે માન મેળવ્યું હતું. તેમની મિત્રતાની ચર્ચાઓ થતી તેમજ તેના ઉદાહરણો પણ અપાતા. ‘ધે આર મેડ ફોર ઈચ અધર…’ ત્યાં સુધી પણ લોકો કહી દેતા.
પણ ઈરા હજી અંબરના અતીતથી અજાણ હતી.
તેમની એક સાંજની મુલાકાત દરમ્યાન અંબરે તેને દરિયાકાંઠે વોક કરવા જવાની વાત કરી. અને એ સાંજે અંબરે ઈરાને તેના ભૂતકાળ વિષે વાત કરી. ઈરાને તેના માટે સહાનુભુતિ થઇ આવી કે પછી તેની મિત્રતા પાછળ છુપાયેલ પ્રેમની લાગણીનો ઉભરો હશે, જે ઈરા અંબરને ભેટી પડી… અને આ વખતે અંબરે પણ તેને ચુસ્ત રીતે પોતાના બાહુપાશમાં જકડી લીધી. મુંબઈની ફૂલગુલાબી સાંજ, અને લહેરાતો દરિયો અને ક્ષીતીજે આથમતો સૂર્ય, તેમના પ્રથમ ગાઢ આલિંગનના સાક્ષી હતા, અને એ બાબતની પણ સાબિતી પૂરતા હતા કે આ આલિંગનમા મિત્રતાથી વિશેષ અન્ય લાગણીનો પણ ઉમેરો થયેલ હતો… જે કદાચ પ્રેમ જ હતો !’
( ક્રમશઃ )
Leave a Reply