લગ્ન જીવનને બે-અઢી વર્ષ વીત્યા છતાં ઘરે પારણું ન બંધાતા, અંબર અને ધરા બંનેએ પોતપોતાની રીતે પ્રયાસ કરવાનું નક્કી કર્યું. ધરા વિવિધ મંદિરોમાં અને દરગાહમાં જઈ મન્નતો માનવા લગી હતી. અને ધરાની ખુશી માટે અંબરે પણ એ વાતનો કોઈ વિરોધ કર્યો ન હતો. પણ એણે ધરાને, એનો પ્રયાસ – મેડીકલ હેલ્પ માટે પણ કન્વીન્સ કરી લીધી હતી. અને આખરે બંને જણ મેડીકલ હેલ્પ લેવાની વાતે પણ સહમત થયા. અંબર ધરાના મહેસાણાના મુખ્ય દવાખાનામાં આંટા-ફેર વધી ચુક્યા હતા. જેના થકી ગામ લોકોએ બે વત્તા બે કરી, વાતનો હાર્દ મેળવી લીધો હતો.
ગામ આખામાં વાતો થવા લાગી હતી ‘લ્યો, બોલો હવ, છોરા પણ દવાઉ ગળી ગળીને પેદા કરશે…! હું જમાનો આવ્યો સે…!’
પણ અંબર-ધરાએ બધાની વાતોને અવગણવી જ યોગ્ય ગણી.
થોડા દિવસો બાદ બંનેના રીપોર્ટ પણ આવી ગયા. અને ધરાના રીપોર્ટ અનુસાર એને ‘ટ્યુબર બ્લોકેજ’ હતું, જેને કારણે એ ક્યારેય મા નહી બની શકે ! અને આટલા શબ્દો જ ધરાને જીવતે જીવ ચીરી નાખવા પૂરતા હતા…!
જેટલું દુઃખ ધરાને હતું એટલું જ અંબરને પણ ! એ ક્યારેય પિતૃત્વ નહી પામી શકે એ વાત એના માટે આઘાતથી ઓછી નહોતી. અને અંબરના મા, તેમની તો છેલ્લી ઈચ્છા જ એ હતી કે તેમના પૌત્રનું મોઢું જોવે ! પણ કદાચ હવે એ શક્ય જ નહોતું. ધરા માટે તો જાણે એની દુનિયા જ ઉજળી ચુકી હતી. પોતાનું અસ્તિત્વ એને વ્યર્થ લાગતું હતું.
એક સ્ત્રી માટે માતૃત્વ પામવું અને એની ઉણપ અનુભવવી, એ બે લાગણી કદાચ એક સ્ત્રી જ સારી રીતે સમજી શકે છે !
એકએક ધરા, જાણે ઘરમાં હતી ન હતી થઇ ગઈ ! અંબર સાથે ચહેકીને વાત કરતી ધરા, માની પ્રેમથી સેવા કરતી ધરા, એમને ગ્રંથો વાંચી સંભળાવતી ધરા, ડેરીનું નાનાથી માંડી મોટામાં મોટું કામ એકલા હાથે જ પતાવી નાખતી ધરા, અને ધરાના આવા બીજા અનેક રૂપ જાણે ઘરમાંથી ગાયબ થઇ ગયા. રહી ગઈ તો બસ ખાલી એક શૂન્ય ધરા !
અંબરે તો જેમ તેમ કરી આ દર્દ પચાવી પાડ્યું. એણે વધુ ચેકઅપ, ટ્રીટમેન્ટ, તેમજ સંતાન દત્તક લેવા સુધીની તૈયારી બતાવી ધરાને એ આઘાતમાંથી બહાર લાવવા ચાહી. પણ એના દરેક પ્રયાસ એક વ્યર્થ પ્રયાસ નીવડતા હતા. ધરા સાથે વાત કરો તો હા કે ના સિવાય કઈ બોલે જ નહી. આટલી ઉદાસ ધરા ક્યારેય મા દીકરાએ જોઈ નહોતી.
‘ધરા, છોડી જી નસીબ મોં લખ્યું હતું ઈ થી જયું. હવ ઓંમ ઉદાસ રેવાથી ક્યોં કંઇ બદલવાનું સે ! તારા નસીબ મોં માતૃત્વ લખ્યું હશ, તે ઈ તન મળવાનું જ સે. અન જો તમ બંન રાજી હોવ તે મુ તમન છોરું દત્તક લેવાની પણ રજા દેવા તીયાર સુ. અરી ધરા કંઇક તે બોલ, છોડી !’ પણ ધરા હજી પણ એવી જ સુનમુન !
અંબરે તો જેમ તેમ કરી આ આઘાત જીરવી લીધો. પણ કદાચ મોટી ઉમરે ‘પોતાની છેલ્લી ઈચ્છા ક્યારેય પૂરી નહી થાય’નું દુખ તેની માને અંદરથી હચમચાવી ગયું. અને એક શાંત રાત્રે તેઓ તેમના છેલ્લા શ્વાસભરી ચાલી નીકળ્યા !
અંબર-ધરા પર તો જાણે મુશ્કેલીના વાદળા તૂટી પડય હતા. કોણ જાણે કુદરતને શું મંજુર હતું, પણ પહેલા એ દર્દનાક આઘાત અને હવે ઘરના એકમાત્ર વડીલની છત્રછાયા પણ એ બંને ગુમાવી બેઠા !
ગામના મુખીનું નિધન થયું હોવાથી, ગામ ઉપરાંત આજુ બાજુના ગામ લોકો પણ તેમની અંતિમ વિધિ તેમજ બેસણામાં ઉમટી પડ્યા હતા. અને દરેકના મોઢે એક જ વાત રમતી. ‘ડોહીની ઈક જ ઈચ્છા હતી, કે એના છોરાના છોરાનું મૂઢું જોઇને મરઅ. પણ એ પણ અધુરી રી જી ! કોણ જાણે, ડોહીને મોક્ષ મળસ પણ કે ની !’
ગામના લોકો ના આ શબ્દો ધરા માટે ફક્ત શબ્દો નહી પણ એક ધીમું ઝેર હતું, જે એને અંદરથી ધીરે ધીરે મારી રહ્યું હતું.
માના સંસ્કાર વિધિ પત્યા બાદ પણ ધરાની વેદના ઘટી ન હતી. ઉપરથી તેમાં વધારે ઉમેરો થયો હતો.
એ ક્યારેક મનોમન સ્વગત જ બોલી ઉઠતી,
‘કેવી બાઈ સો તું…પોતાના ધણીને એક બાળક પણ નથ દઈ હખતી. એટલું તો ઠીક પણ તાર મા જેવા હાહુની સેલ્લી ઈચ્છો પણ તું ન પૂરી ન કરી હકી… ધિક્કાર છે તાર પર… ધિક્કાર છે તાર અસ્તિત્વ પર !’
મા ના ગયા બાદ અંબર ધરા પ્રત્યે વધારે ધ્યાન આપતો હતો. એની નાની નાની વાતનું ધ્યાન રાખતો. અને ભૂલથી પણ એના ઘાવ તાજા કરે એવી વાત ન થાય એનું ખાસ ધ્યાન રાખતો. પણ હવે એ જ્યારે પણ ધરાની નજીક જતો, ત્યારે ધરા પોતાને છોડાવી ચાલી જતી. અંબર અને ધરા ને એક થયે પણ ઘણો સમય વીતી ચુક્યો હતો.
ધરા હવે ધાર્મિક ગ્રંથો વાંચવામા અને મંદિરોમાં ભજન સત્સંગ કરવામાં વધારે સમય વિતાવવા લાગી હતી.
પણ એના પતી અને સાસુની ઈચ્છા પૂરી ન કરી શકવાનું દુખ એને અંદરથી કોરી ખાતું હતું. અને એ પીડાની લાગણીનો એક રાત્રે ઉભરો આવ્યો, જેના થકી એ ન કરવાનું કરી બેઠી.
એ રાત્રે ધરાએ સ્લીપિંગ પિલ્સનો ઓવર ડોઝ લઇ લીધો હતો. એ એક આપઘાતનો પ્રયાસ જ હતો. અને એ સફળ પણ થઇ હોત, જો અંબરે એને ન જોઈ હોત તો ! અંબરે ધરાને પિલ્સ લેતા જોઈ લીધી હતી, અને તાબડતોબ દવાખાને લઇ ગાયો હતો. જ્યાં એને બચાવી લેવામા આવી હતી. બીજા દિવસે સવારે એને હોશ આવ્યો હતો. અને અંબર એને લઇ ઘરે આવ્યો હતો. અંબરને તેના પર ગુસ્સો પણ આવતો હતો, અને એની હાલતની દયા પણ આવતી હતી.
‘અંબર કેમ બચાવી મુને, મરી જવા દીધી હોત…! કેમ મારું આટલું ધ્યાન રાખો સો. મુ તમન અન તમાર પરિવારને કશુય જ આપી સકુ તેમ નથી. તે પછી કેમ…?’
‘ધરા, મારે તારી પાસેથી કઈ જોઈતું પણ નથી. આ તો મારો પ્રેમ છે ગાંડી.’
‘અંબર, તમે મને હાચે જ પ્રેમ કરો સો…?’
‘હા, આ પણ કઈ કહેવાની વાત છે…?’
‘તો સાબિત કરી બતાવશો…? મુ કહુ ઈ કરહો…?’
‘અરે ગાંડી પ્રેમની સાબિતીઓ ના હોય. પણ બોલ તું શું કરવું છે, કહે તો હમણાં જીવ આપી દઉં તારા માટે !’
‘અંબર, મારથી દુર ચાલ્યા જાઓ. ઘણે જ દુર…!’
‘ધરા આ શું બોલે છે. ગોળીઓની અસર ઉતરી નથી લગતી હજી !’ ધરા જે કહી રહી હતી, એ માનવા અંબરનું મન તૈયાર જ નહોતું.
‘અંબર… મુ પુરા હોસમાં બોલું સુ! મન હવે ગુંગળામણ થાય છે આ પ્રેમથી, તમ મને સ્પર્શો છો ત્યારે મને એ સ્પર્શ કોંટાની જમ ચુભે સે! મુ અપરાધી સુ તમારી, અને તમારી માની પણ….! અંબર જતા રયો અંબર… મુ તમન જ્યાર જ્યાર જોઉં સુ ત્યારે એ અપરાધભાવમા વધારો થયા કરે સે ! મુને કંઇ હક નથ, કારણ વગર તમને બાંધી રાખવાનો ! મુ જાણું સુ કે મુ ક્યારે મા ની બની હકું, છતાં મુ તમન પિતૃત્વથી વંચિત રાખું એ કઈ રીતે યોગ્ય કહેવાય ! મુ તમન મુક્ત કરવા માંગું સુ’
‘ધરા, એક યુગલ માતાપિતા બને એ જ કંઇ સંબંધોનું માપદંડ નથી હોતું ! અને મને તારી ‘આવી વાતો’ નથી સમજાતી ! અને તું મને મુક્ત કરવા માંગે છે મતલબ…?’
‘મતલબ… બસ હવે ઘણું થયું અંબર… તમ મુક્ત થાઓ. અને એક નવો સંસાર માંડો.’
‘જો ધરા કઈ પણ એલફેલ ન બોલ…’ ગુસ્સામાં આવી ગયેલ અંબરનો હાથ ધરા પર ઉપડતા ઉપડતા રહી ગયો.
‘અંબર… તમ મહેતા કાકાનો પ્રસ્તાવ સ્વીકારી મુંબઈ ચાલ્યા જાઓ. મારી હારે રહી તમન કઈ નથ મળવાનું, તમાર જીંદગીના થોડા વર્ષ મેં વેડફ્યા સે, પણ હવ માર કારણે તમ તમાર કારકિર્દી ન વેડફ્શો. તમન ફરી એવી તક નહી મળે, જાઓ અંબર, અને તમાર કારકિર્દીને એક નવો વળાંક આપો !’
‘ધરા… ધરા… સંબંધો આમ ન તૂટે ! તારી સમજદારી તારી ત્યાગ વૃત્તિ પર હાવી થઇ રહી છે. હું તને છોડી ક્યાય નથી જવાનો બસ !’
‘તે પસી હવ મારું મરેલું મૂઢું જોવા તૈયાર રેજો…!’
‘ધરા…’ અંબરે ધરાને જોરથી તમાચો મારી દીધો !
ધરા પર હાથ ઉપાડી બેઠાનું ભાન આવતા એ ભાંગી પડયો અને જમીન પર ફસડાઈ પડયો.
‘અંબર, પ્રેમ નો અરથ ફક્ત એકબીજોને પામવું જ નથ હોતો. ક્યારેક એકબીજોનો વિરહ ભોગવીને પણ પ્રેમ બતાવવો પડતો હોય સે ! અને આ જ સમય સે તમાર તમારો પ્રેમ સાબિત કરવાનો…’
‘ધરા કેવી ઝીદ્દ છે તારી… તારે મને મુક્ત પણ કરવો છે, છતાં મને જીવતે જીવ મારી નાખવો છે. હું તારા વગર નહી રહી શકું ધરા…’
‘અંબર, મેં આજ લગી તમાર પાસ કશું નથ મોંગ્યું, આજ મોંગુ સુ… ચાલ્યા જાઓ મારથી દુર !’ અને ધરા તૂટી પડી અને અંબરને વળગીને રડવા માંડી. અને વારંવાર તેને પોતાનાથી દુર જતા રેહવાનું કહેતી રહી. અને અંબર એને બાથમા ભરી શાંત પાડતો રહ્યો.
એ બાદ પણ કેટલાય દિવસો સુધી એમની દલીલો ચાલી હતી. ધરાના માતાપિતા અને ગામના બીજા કેટલાક વડીલો એ પણ એને સમજાવી જોઈ પણ ધરા એની વાતથી ખસવા તૈયાર નહોતી.
એની ઝીદ સામે અંબરનું કઈ ચાલતું ન હતું. અને સ્ત્રીહઠ સામે તો સ્વયં મહાદેવ પણ ઝૂક્યા છે, તો અંબર જેવાની શી વિસાત !
‘ધરા હું તારી વાત માનવા તૈયાર છું… પણ મને એક વચન આપ. તું મારા ગયા બાદ કોઈ આડું અવળું કદમ નહી ભરે… તો અને માત્ર તો જ જઈશ !’ અને ધરા એ અંબરના માથાના કસમ લઇ એને વચન આપ્યું.
અને અંબરે મહેતા કાકાને પ્રસ્તાવ સ્વીકારી લઇ મુંબઈ જવા માટે હા પાડી.
‘અંબર હવ મુને ક્યારેય યાદ નો કરતા, અન તમ કહેસો તારે મુ તમન કાયદાકીય રીતે પણ છોડવા તીયાર જ રહે! પણ હવ તમ તમારા જીવનમાં આ ધરા નોમ પર હમેશો માટે પૂર્ણવિરામ મૂકી દે જો…!’
‘ધરા… તું મને ભલે તારાથી અલગ કરી રહી છે. પણ તું હજી મારામાં જીવે છે ધરા, તારી ઝીદ પૂરી થાય અને અહમ સંતોષાઈ જાય ત્યારે આ અંબરને એક સાદ પડજે, આ તારી માટે દોડતો આવશે…!’
અને ત્યારબાદ અંબરે ગામ છોડી દઈ મુબઈ ચાલ્યો ગયો.
અહી ધરા એ એને ઝીદ કરી મોકલી તો દીધો, પણ પોતે પણ અંબર વગર અધુરી થઇ ચુકી હતી. ઘરમાં લાગતો ખાલીપો એને કરડવા દોડતો હતો. માટે એ મોટા ભાગનો સમય ડેરીએ કામ કરવા મા જ વિતાવતી હતી.
અંદાજે એક મહિના બાદ અંબર નો એક નાનકડો પત્ર આવ્યો હતો.
————————————
ધરા…
હું તારી ઈચ્છાનું માન રાખીશ અને હવે ક્યારેય તને સમ્પર્ક પણ નહી કરું. પણ આ એક પત્રની ભૂલને માફ કરજે.
ધરા, મુંબઈ ઘણું વિશાળ છે. આ નગર ચોક્કસ તને ભુલાવી દેશે !
‘ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે,
ફિર ભી કભી અબ, નામ કો તેરે…
આવાજ મેં ના દુંગા, આવાઝ મેં ના દુંગા….!
ફક્ત તારો
અંબર.
————————————
પત્ર ભલે ખુબ ટૂંકો હતો, પણ છતાય ઘણું કહી જતો હતો. અને છેલ્લે લખેલ ‘ફક્ત તારો’ શબ્દોમા ‘ફક્ત’ શબ્દ સહેજ આછો પડેલ હતો. જે એ વાતની સાબિતી પૂરી પાડતો હતો કે અંબર આ પત્ર લખતા લખતા રડયો હતો. એ દિવસ ધરા પણ એ પત્રને છાતીએ ચાંપી ખુબ રડી હતી.
સામાન્ય રીતે, સંતાન ન આપી શકતી સ્ત્રીને પુરુષ ત્યજી દેતો હોય છે, પણ એ કદાચ એવી પહેલી સ્ત્રી હશે જે પોતાના પતિને સંતાન ન આપી શકતી હોવાથી એને મુક્ત કર્યો હતો.
આજે અંબર અને ધરાને છુટા પડએ ત્રણ વર્ષ વીતી ચુક્યા છે. આ ત્રણ વર્ષમાં ધરા કેટલી બદલાઈ ચુકી છે. એણે અંબર વગર જીવવાની આદત પડી દીધી છે.
ગામ લોકો અવારનવાર અંબર-ધરા વિષે અનેક પ્રકારની વાતો કરતા.
‘આ કદાચ એવી પહેલી સ્ત્રી સે, જેને ઘરસંસાર હોવા છતાય સંન્યાસીઓ જેવું જીવન જીવે સે’ ‘હું થયુ હશ બેય જણો વચ્ચે… અંબર ગીયો તે ગીયો, પણ એક પણ વખત પાસો નથ આયો !’ ‘હોમ્ભરયુ સે ક, મુંબઈમાં મોટી કંપનીમોં કોમ મળ્યું સે. અન એ માયાનગરીમાં કોઈ જુવાનીયો પરસ્ત્રીના મોહ વિનો આટલા વરહ ટકી જ નો હકે ! નક્કી કોઈ છોરીનું લફડું કર્યું હસે ઈણે ત્યો…’ જેવી વાતો પણ થતી, જે અંબરના ચારિત્ર્ય પર પણ પ્રશ્નો કરી જતી !
પણ સમયની સાથે ધરા એ પોતાની ફરતે એક અભેદ્ય કિલ્લો બનાવી દીધો હતો. જેને પાર કરી તેની સુધી પહોચવું કોઈ માટે શક્ય નહોતું.
પણ આજે…! આટલા વર્ષો બાદ અંબરે એને સાદ પાડયો હતો ! એને બોલાવી હતી. અને કોણ જાણે કેમ એને હમણાથી જ ત્યાં દોડી જવું હતું. વિરહ બાદના મિલનની ઉત્કંઠા કહો કે પછી એના પ્રેમ નો ઉભરો ! પણ એ તેની અને અંબર વચ્ચેની દીવાલો પાડી દઈ તેની પાસે દોડી જવા માંગતી હતી. અને શરીરથી ભલે એ અહી હતી, પણ એનું મન તો ક્યારનુંય અંબર પાસે પંહોચી ચુક્યું હતું.
‘માર જાવુ જ પડહે… માર અંબરે મુને બોલાવી સે ! મુ જહે… મુ આવુ સુ અંબર, મુ આવુ સુ !’ અને ધરાએ ફટાફટ થેલામાં બે-ત્રણ જોડ કપડાં લઇ, અસ્તવ્યસ્ત પેકિંગ કરી મુંબઈ તરફની વાટ પકડી !
( ક્રમશઃ )
Leave a Reply