અંબર સાથે વિતાવેલા પોતાના દિવસો યાદ કરી રહેલ ધરા રસોઈઘરમાં પ્રવેશી. એનું મન તો બસ અંબરની યાદોથી જ ધરાવવા માંગતું હતું, પણ શરીરને તો ખોરાકની જરૂર પડે જ ને…! આવા સમયે ભૂખ હોવા છતાં ખાવું ન ગમે એ સ્વાભાવિક વાત છે, પણ ટાઇમ પર ખાઈ લેવાની ફરજ પણ ધરાને અંબરે જ પાડી હતી.
‘મને આવવામાં મોડું વહેલું થાય તો તારે રાહ ન જોવી, તારે ખાઈ જ લેવું…’ ને આ આદત જાણે ધરાના જીવનમાં વણાઈ ચુકી હતી. ધરાએ ચૂલો ચાલુ કરી તવી ગરમ કરવા મૂકી. અને લોટ બાંધી રોટલી વણવા લગી. પણ એનું મન તો બીજે જ ભમતું હતું. ગરમ ફૂલેલી રોટલીને તવી પરથી ઉતારતા એની આંગળી તેની ગરમ વરાળથી દાઝી ગઈ, અને એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ ! પણ એ એમ જ ત્યાં બેસી રહી… જાણે કોઈના આવવાની રાહ ન જોતી હોય એમ ! હમણાં અવાજ સાંભળી અંબર બાજુના રૂમમાંથી દોડી આવશે અને મારી પર મીઠો ગુસ્સો કરતા પાણીમાં હાથ ધોવડાવી, મલમ લગાવી આપશે…! પણ હવે અંબર છે જ ક્યાં તે દોડી આવે !
લગ્ન બાદ, એક રાત્રે વરસાદમાં પલળવાથી ધરાને ખુબ તાવ આવ્યો હતો એને એ વાત યાદ આવી ગઈ ! એ રાત્રે અંબર એને અડધી રાત્રે પણ એક ડોક્ટરને બતાવવા લઇ ગયો હતો. અને એટલું જ નહિ, આખી રાત એની પાછળ જાગ્યો પણ હતો ! ધરા એને કહેતી રહી હતી,
‘અંબર હુઈ જાઓ તમ પણ… દવા લીધી સે, તે આપે હારું થી જાહે…!’
‘ચુપ… એકદમ ચુપ ! કોણે કીધું’ તું વરસાદમાં નાહવા માટે, હવે ચુપચાપ સુઈ જા તું… તારે આરામ કરવાનો છે. વાતો પછી કરજે ! સુઈ જા !’ અને ફરી અંબરે એની પર પ્રેમભર્યો ગુસ્સો કર્યો હતો.
અને આવી બીજી કેટલીય નાની-મોટી તકલીફોમાં અંબર એની પડખે ઉભો રહ્યો હતો.
પણ આજે…! આજે અંબર છે જ ક્યાં…? તો એની ધરા માટે દોડતો આવે !
‘ધરાબુન… ઓ ધરાબુન…’ ઘરની બહાર બનાવેલ લોખંડની જાળી પરથી કોઈએ ઘરમાં બુમો પાડવા માંડી. અને એનાથી ધરાનું ધ્યાન તૂટ્યું. આંગળી સુઝીને ફૂલી ગઈ હતી, એણે ફટાફટ પાણીમાં હાથ મૂકી દઈ, થોડોક મલમ લગાવી, સાડીના પાલવમાં હાથ છુપાવી લઇ બહાર જઈ દરવાજો ખોલ્યો.
બારણે ડેરીમાં કામ કરતી એક છોકરી ઉભી હતી.
‘અરે ધરાબુન હવારની બપોર થઇ જી. તમ હજી લગી ડેરી પર નો આવ્યા એટલે મુ જ ચાવી લેવા ઘેર આઈ જી !’
‘આજ રેહવા દ્યો, આજે બધાને રજાનું કહી દેહ્જો !’ ધરાએ ડેરીએ જવાનું ટાળ્યું.
‘એ ભલે તાણ…મુ જાઉં હવ’ રજા મળ્યાના ઉત્સાહમાં ટૂંકમાં જવાબ આપી એ ચાલી નીકળી.
ધરા અંદર આવી અને એને તેની ડેરી સાથે જોડાયેલી વાતો યાદ આવવા માંડી !
‘મા… મુ એમ કેતી’તી ક આપણ આ ડોબોનું દૂધ ઇમ જ આપી દીયે સીએ, ઈન કરતો આપણ નોના પાયે ડેરીનું કોમ ચાલુ કરીઅ તો…?, ઓછુ ભેણેલી છતાં વ્યવહારુ કુશળ ધરાએ એના સાસુ સમક્ષ એ પ્રસ્તાવ મુક્યો હતો.
‘પણ છોડી, આપણ ક્યોં પૈસાની ખોટ સે…’’
‘વાત પૈસાની નથ મા… પૈસા કમોવવા માટ મુ નથ કઈ’રી. આ તો એ કોમ નો લીધે બહાર રી સે, અન ઘેર કામ પરવાર્યા પસી પડોસમાં વાતું કરવા સીવાય કાંઈ નથ થતું… એટલે મારું મન લાગી રે એ માટે કુ સુ… પણ જો તમ રજા આપો તો જ હોં કે… બાકી તો નથ કરવું !’
સહેજ ખચકાટ સાથે એણે એનો આખો પ્રસ્તાવ સાસુને કહી સંભળાવ્યો.
‘છોડી તે મારી રજા મોંગી ઈ જ ઘણું સે… તું તારે આગળ વધ… પૈસાની જરૂર પડે તે મોંગી લે જે… આ ડોહી હજી ઘણું કરી સકે ઈમ સે!’
અને એકાદ મહિના બાદ ધરાએ ગામમાં, એની નાના પાયાની ડેરીનો કારોબાર શરુ કર્યો !
‘જો તો આ છોડીને, હાહુ અન ધણી, બેયને વશમો કર લીધા સે… ઈનું ધાર્યું કરવી જ લે સે!’ ગામમાં ધરા વિરુધ ટીકાનો એક નવો દોર શરુ થયો હતો. આખરે લોકોના મોઢા ક્યાંથી બંધ કરાવવા ! પણ લોકો કહેતા એમ એ કોઈ વશીકરણ નહોતું, એ તો ધરા પ્રત્યેનો પ્રેમ હતો, એના પતિનો અને એની સાસુનો !
અને સમય વિતતા ગામમાં ધરાની ડેરીનું વર્ચસ્વ જમવા લાગ્યું. પૈસા કમાવવા એ ક્યારેય એનો ઉદ્દેશ હતો જ નહી, માટે એ બજાર ભાવથી ઓછામાં અને પોતાને પણ ખોટ ન જાય એમ ધંધો કરતી !
‘માર તે છોરો ઘણું હારું કમાય સે, અન હવ તો માર વહુ દીકરા પણ કમાય સે, બસ હવ આ ડોહીને ઈમના છોરાનું મૂઢુ જોવા મળ તે શોંતિથી છેલ્લા શ્વાસ લેવાય…, ધરાના સાસુ અવારનવાર ગામની સ્ત્રીઓ સામે ધરા-અંબર પર ગૌરવ લેતા અને પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતા કહેતી.
અંબર ધરાના લગ્નને જોતજોતામાં બે વર્ષના વહાણા વાઈ ગયા હતા. અને આ બને વર્ષ એમણે કોઈ સોનેરી સ્વપન જોતા હોય એમ વિતાવ્યા હતા. પણ હજી ઘરમાં નાના બાળકની કિલકારીઓ સંભળાઈ ન હતી. સામાન્ય દિવસોમાં ધરા, ઘર અને ડેરીના કામોમાં વ્યસ્ત રેહતી, અને જ્યારે અંબર ઘરે આવે ત્યારે એની સાથે સમય પસાર કરવામા વ્યસ્ત રેહતી. અંબરનું ઘરે હોવું, અને ધરાને ફુરસદ હોય એવું ભાગ્યે જ બનતું. અંબર આવે ત્યારથી માંડી જાય ત્યાં સુધી ધરામાં જ રચ્યો-પચ્યો રેહતો. એ એની હવસ નહોતી, કે નહોતું એનું પઝેશન, એ તો એનો ધરા પ્રત્યે નો પ્રેમ હતો !
‘અંબર ક્યારેક તમારો મારા પ્રત્યે આવો પ્રેમ મને ગૂંગળાવી મુકે છે…’
‘એમ…? તો તો ચાલ આજે તને એ જ ગુંગળામણ મા મારી નાખું….’ અને ફરી એક પરસ્પર એક થવાની ઘટના બનતી!
પણ હવે ધરાને પણ ક્યાંક કંઇક ખૂટતું હોય એમ લાગવા માંડ્યું હતું. હજી સુધી મા ન બની શકી હોવાની વાત એને અકળાવી મુકતી હતી. એણે ફરી મંદિરોમાં માનતાઓ માનવાની શરુ કરી દીધી હતી.
‘ધરા, મારી નોકરી જોખમમાં છે, મહેતા કાકાની કંપની ડૂબવાની અણી પર છે!’ રજાના એક દિવસે ઘરે આવેલ અંબરે એને કહ્યું હતું. આ પહેલી વખત હતું જ્યારે અંબર ઘરે આવ્યો હોય અને એટલો હતાશ હોય. ધરાને વાતની ગંભીરતા સમજાઈ રહી હતી.
‘અંબર, બધું ઠીક થી જાહે, મુ કાલ જ મંદિર એ મોનતા માની આવે. અન મુ સુ ને તમાર હારે, ઓમ નિરાશ હેના થાઓ સો…’
‘એમ માનતાઓ માનવાથી કઈ ઠીક ના થાય મારી ભોળી…’ અને અંબર ખડખડાટ હસવા માંડ્યો. પણ ધરાના ‘હું છું ને તમારી સાથે’ શબ્દોથી એના પર પ્રેમ ઉભરાઈ આવ્યો, અને તેને ભેટી પડયો.
ભલે શારીરિક રીતે એ એના કામમાં કોઈ મદદ ન કરી શકવાની હોય, પણ માનસિક તાકાત પૂરી પડતા એને બરાબર આવડતું હતું. હતાશાની દરેક પળે એ અંબરની સાથે ઉભી રેહતી !
અને કદાચ એની માનતાની અસર કહો કે અંબરનું સદનસીબ, પણ અંબરની સુઝબુઝના કારણે મેહતા કાકાની કંપનીને મોટું નુકસાન થતા બચી ગયું અને મહેતા સાહેબ એના પર ખુબ ખુશ થઇ ગયા. અને અંબરને એક અઠવાડિયાની રજા અને સાથે ભારેખમ બોનસ પણ ભેટમાં આપ્યું હતું.
‘ધરા… ઓ ધરા… બહાર આવીને જો તો… હું તારા માટે શું લાવ્યો છું!’ એ દિવસે અંબર બોનસના પૈસામાંથી એક નાનકડી કાળી વાછરડી લઇ આવ્યો હતો.
‘અર આ રેલ્લી હું કોમ લાવ્યો સે. આટલો બધોં ડોબા સે તે ખરો.’
‘આ તો હું મારી ધરા માટે ભેટ લાવ્યો છું…’ અને ધરાને ખોળામાં ઊંચકી લઇ, ગોળ ગોળ ફેરવતા કહ્યું, ‘ધરા… ધરા… મારી નોકરી બચી ગઈ અને મહેતા કાકાએ મને મોટું બોનસ પણ આપ્યું છે ! આ બધું તારા કારણે થયું છે ગાંડી… અને આ તારા માટે એક નાનકડી ભેટ… તારા અંબર તરફથી…’ કહી એને ગાયના નાનકડા વાછરડાની બાજુમાં ઉતારી હતી. એ નાનું વાછરડું જોઈ ધરા તો જાણે આજુબાજુનું ભાન જ ભૂલી ગઈ હતી, અને અંબરને બાજુએ મૂકી એને વહાલ કરવા લાગી !
‘ઓની હુ જરૂર હતી અંબર…’ એની મા એ પૂછ્યું.
‘જો તો ખરી મા… ધરા એને કેટલું વહાલ કરી રહી છે, જાણે એનું જ સંતાન ન હોય એમ…! તને શું લાગે છે, મને એના હાસ્ય પાછળનું દર્દ નથી સમજાતું એમ…! એની દરેક વાત હું સમજુ છું મા…’
‘પણ પોતાના છોરાની કમી એક અબોલકુ જીવ તે પૂરી નો જ કરી સકે ને…’ કહેતા એની મા ના ગળે ડૂમો બાજી આવ્યો.
‘એની એ ઈચ્છા પણ પૂરી થશે મા… ચોક્કસ થશે…!’
એ રાત્રે અંબરે વારંવાર એની પડખે ઉભી રેહવા બદલ આભાર માન્યો હતો, અને ધરાએ નિષ્ઠાવાન પત્ની બની એને પોતાનું કર્તવ્ય ગણાવ્યુ હતું.
બીજા દિવસે સવારે મેહતા કાકા અંબરના ઘરે આવ્યા હતા.
‘આવો… આવો… અંબરના બાપાના ગીયા બાદ તમ તે જોણે અમાર ઘરનો રસ્તો જ ભૂલી ગ્યા સો!’ કહી અંબરના માએ એક મીઠી ફરિયાદ સાથે એમણે આવકાર્યા.
‘ના… ના એવું નથી… જરા કામ વધારે પડતું હોય છે એટલે! અને અંબરને ઓફિસમાં જોઉં એટલે એમ જ લાગે, કે મારો જીગરી યાર મારી હારે કામ કરી રહ્યો છે…!’
‘અરે સર તમે આવો આવો.’ કહી અંબર અને ધરા એમને પગે લાગ્યા.
‘તારો સર હું ઓફીસ મા. ઓફીસ બહાર તો તારો કાકા જ…!’
‘અરે ભાભી ધરા તો ખાસ્સી બદલાઈ ગઈ છે ને… લગ્નમાં તો હાવ અલગ લગતી હતી. અને હમણાં તો રંગ પણ ખીલ્યો છે, અને શરીર પણ ભરાયું છે. સદા સુખી રહેજે દીકરા…!’ કહી કાકાએ ધરાને આશીર્વાદ આપ્યા.
‘મુ તમાર હારુ ચા-નાસ્તો લી આવુ…’ કહી ધરા નાસ્તાની વ્યવસ્થામાં પડી.
‘ભાભી આ લ્યો, મો મીઠું કરો… અંબર તું પણ લે, અને ધરા દીકરીને પણ આપ…’ સાથે લાવેલ મીઠાઈને ડબ્બો સામે ધરતા તેમણે કહ્યું.
‘આ મીઠાઈ કઈ ખુશીનો સે…!’ મોમાં એક કટકો મુકતા અંબરની માએ પૂછ્યું.
‘ભાભી અંબરની સુઝબુઝ ના કારણે, મારી કંપનીને મોટું નુકસાન થતા બચી ગયું. અને ઉપરથી એક ફાયદો પણ થયો છે. મુંબઈમાં રેહતા એક બિઝનેસમેને, એની સાથે ભાગીદારીમાં એક નવી કંપની મુંબઈમાં લોન્ચ કરવાની ઓફર મૂકી છે. મેં એ ઓફર સ્વીકારી લીધી છે અને મારી પાસે અંબર માટે પણ એક પ્રસ્તાવ છે…’
‘કેવો પ્રસ્તાવ કાકા…?’
‘દીકરા તું તો જાણે છે, હવે મારી પણ ઉમર થઇ ચુકી છે. અને હવે જોઈએ તેટલું કામ થઇ શકતું નથી. હું ચાહું છું કે તું મુંબઈની નવી બ્રાન્ચમાં મારા વતીનું મોટા ભાગનું કામ સંભાળે. હું પણ આવતો જતો રહીશ. પણ તારા જેવા, એક વિશ્વાસુ માણસનો સપોર્ટ હશે તો મનમાં તણાવ નહી થાય.’
‘પણ કાકા… અહીં ઘરા, ધરા અને માને છોડી એટલી દુર મુંબઈ… કઈ રીતે…?’
‘હું ક્યાં તને કાલેને કાલે જ લઇ જવા માંગું છું. નવી કંપની શરુ થતા હજી છ-સાત મહિના જતા રેહશે. ત્યાં સુધી વિચાર કરી લેજે. જીંદગીમાં વારંવાર આવી તકો હાથ નથી લગતી અંબર…!’
‘ભલે કાકા, હું તમને વિચારીને જવાબ આપીશ. અને તમે મારા પર વિશ્વાસ મુક્યો એ બદલ આભાર…!’
‘હું આશા રાખું છું, તારા જેવા મહત્વકાંક્ષી યુવકનો જવાબ હા મા જ હશે…!’
પ્રસ્તાવ સાંભળી અંબરને પણ આનંદ થયો હતો. અને તેના જેવા ગામડાના એક યુવક માટે એ એક સામાન્ય તક તો ન જ કહેવાય ! પણ એનું ગામનું ઘર, એની મા અને એની ધરાને છોડી જવાનો વિચાર જ એને કંપાવી જતો હતો.
‘અંબર તમ જાવ તે ય વોંધો ની જ…! મુ તો કુ સુ તમાર, જવુ જ જોઈએ ! ને ક્યોં હમેંશ માટ જવાનું સે… રજાઓમાં મળવા આવતા રહેજો…!’ થોડા દિવસ બાદ એ મુદ્દે ચર્ચા થતા, ધરાએ એનો અભિપ્રાય આપ્યો હતો.
‘જાણું છું, આ નિર્ણય મારી કારકિર્દી બદલાવી શકવા સક્ષમ છે, પણ ધરા તને છોડીને જવાનો વિચાર જ મને ડરાવી મુકે છે…!’
‘અંબર મુ ક્યોં આજીવન તમાર હારે રેહવાની સુ. કદાચ તમારથી પહેલા જ મુ ચાલી જાઉં તો…?’
‘ખબરદાર જો એવી કોઈ વાત કરી છે તો… જે મનમાં આવે બોલ્યા કરું છું…’ કહી અંબરે ધરા પર મીઠો ગુસ્સો કર્યો હતો.
પણ એ સાંજે ધરા જ્યારે ડેરીનું કામ પતાવી ઘરે આવી ત્યારે સાવ શૂન્ય બની ચુકી હતી… એકદમ ચુપચાપ !
‘શું થયું છે ધરા…’ એની એવી હાલત જોઈ અંબરે એને બાથમાં લઇ પૂછ્યું.
‘અંબર….’ એના આલિંગનની ગરમીમાં ધરાના આંસુઓ પીગળવા માંડ્યા, અને એ ચોધાર આંસુએ રડી પડી…!
‘અરે આમ કેમ રડે છે ગાંડી! થયું શું…? કોઈએ કશું કહ્યું તને…? બોલ તો ખરી શું થયું…?’ અંબર જાણે નાના બાળક પાસે વાત કઢાવતો હોય એમ પૂછવા માંડ્યો.
‘અંબર શું મુ હંમેશો વાંઝણી જ રે?’ ધરાએ એની આંખોમાં જોતા પૂછ્યું.
એનો પ્રશ્ન સાંભળતા જ અંબરના હ્રદયમાં ફાળ પડી અને એણે ધરાને પોતાનામાં સમાવી લેવા માંગતો હોય એટલી જોરથી બાથમા ભરી લીધી.
‘ગાંડી… ક્યાંથી આવું બધું જાણી લઉં છું. તું નામ બોલ, કોણે તને આવું કહ્યું. એના હાડકાં ન ભાંગી નાખું તો કહેજે ! અને એમ ક્યાં સુધી લોકોની વાતો સાંભળતી રહીશ…! ધરા તું પણ એક દિવસ મા જરૂર બનીશ… તું માતૃત્વનું સુખ પણ પામીશ!’
‘પણ ક્યારે અંબર… ક્યારે…? હવ માર ધીરજ ખૂટી પડી સે…!’
પણ ધરાના એ ક્યારે નો જવાબ અંબર પાસે તો ક્યાંથી હોય !
( ક્રમશઃ )
Leave a Reply