ધરમની સેલની સામેની સેલમાંથી કેદીની બુમ સાંભળી રાઠોડ અને અન્ય થોડાક કોન્ટેબલ ધરમની સેલમાં ધસીને પંહોચ્યા હતા. રાઠોડે જાતે જ ધરમની નાડ તપાસી હતી અને જણાવ્યું હતું કે, ‘એનું મોત થઇ ચુક્યું છે…!’
પણ એનું મોત કઈ રીતે થયું એ તેને ખુદને પણ મૂંજવતો પ્રશ્ન હતો !
તેને એના મોત પાછળ કોઈક ભયંકર કાવતરાની ગંધ આવતી હતી… અને એની છઠ્ઠી ઇન્દ્રિ તો તેને ત્યાં સુધી કહી રહી હતી કે, આ એક સામાન્ય મોત ન હતું, પણ મર્ડર હતું ! એક સમજી વિચારીને કરવામાં આવેલું ખૂન !
પણ તે થયું કઈ રીતે અને તેની પાછળ કોણ હોઈ શકે તેનો તેની પાસે કોઈ જવાબ ન હતો… તે બસ માત્ર એટલું જ જાણતો અને સમજતો હતો કે આ સામાન્ય મોત તો ન જ હતું !
તેણે જયારે એ વાક્ય ઉચ્ચાર્યું કે, ‘ઇટ્સ અ મર્ડર…”, ત્યારે ગીરધર કંઇક ભળતું જ સમજ્યો હતો, અને એ હમણાં તેના ચેહરાના અસ્પષ્ટ હાવભાવ પરથી સ્પસ્ટ વર્તાતું હતું… પણ રાઠોડ તેને હમણાં પોતાના મનમાં ચાલતી ગડમથલ સમજાવી શકતો ન હતો !
થોડીક મીનીટો સુધી એ ધરમની લાશ તરફ એકીટશે તાકી રહ્યો, પણ વાદળો વચ્ચે વીજળીનો ચમકારો થાય તેમ તેને એકાએક ભાન આવ્યું હતું કે, પોતે એક ઇન્સ્પેકટર હતો, અને મર્ડરના કેટલાય કેસ તે ભૂતકાળમાં ઉકેલી ચુક્યો હતો, અને હજી આવા કેટલાય કેસ ભવિષ્યમાં ઉકેલવાના પણ રેહશે ! અને આવા સમયે એ પોતાની ફરજથી પાછો પડે એ કેમ કરીને ચલાવી લેવાય !
તરત જ એ સેલમાંથી બહાર આવ્યો, પોતાની ઓફિસર કેપ ચઢાવી, અને ઓફિસમાં આવીને ત્યાં ઉભા સ્ટાફને ઉદ્દેશીને એક પછી એક ઓર્ડર છોડવા માંડ્યા.
“યુ…! કોલ ધ એમ્બ્યુલન્સ… આપણે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવી પડશે !”
“અને તમે બે જાવ, અને એમ્બ્યુલન્સ આવે ત્યારે ધરમની લાશને લોકઅપમાંથી કાઢવામાં મદદ કરજો…, પણ એ પહેલા લાશ હમણાં કઈ રીતે પડી છે એની નોંધ ટપકાવી લેજો !”
“તમે બંને….! તમારે ધરમની લાશ લેવાઈ જાય બાદ એ સેલને સીલ કરવી પડશે… ત્યાંથી કોઈ પણ ચીજ આડીઅવળી ન થાય તેનું ધ્યાન રાખવું પડશે…!”
“અને ગીરધર તું….! તું જલ્દીથી જા, અને આપણી જીપ તૈયાર કરાવ, કદાચ આપણે પણ હોસ્પિટલ જવું પડશે…”
એક પછી એક ઓર્ડર છુટવા માંડ્યા હતા, અને આખુ પોલીસસ્ટેશન ધમધમી ઉઠ્યું હતું. રાઠોડ હવે પોતાના અસલ ઓફિસર મિજાજમાં આવી ચુક્યો હતો !
“બસ એકવખત ખબર પડી જાય આ મર્ડર થયું કઈ રીતે… એ ખૂનીને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ….!”, તે સ્વગત જ બોલી ઉઠ્યો.
ગણતરીની મીનીટોમાં સ્ટેશનના પ્રાંગણમાં એમ્બ્યુલન્સ પ્રવેશી હતી. ધરમની લાશને તેમાં ગોઠવીને હોસ્પિટલ તરફ લઇ જવામાં આવી. પાછળ જીપમાં રાઠોડ ગીરધર અને અન્ય થોડા કોન્ટેબલ પણ એમ્બ્યુલન્સ પાછળ થયા.
સુરજ ઉગી ચુક્યો હતો. અને ગામમાં ચહલપહલ પણ શરુ થઇ ચુકી હતી. કેટલાય લોકો સવારના પહોરમાં એકબીજાને નવા વર્ષના વધામણા દેવા પંહોચી ચુક્યા હતા. અને એ બધાના આશ્ચર્ય વચ્ચેથી સાયરન વગાડતી એમ્બ્યુલન્સ અને તેની પાછળ પોલીસની જીપગાડી ભયાનક વેગેથી ગામના બજારમાંથી પસાર થઇ હતી.
લોકોએ જાતજાતની અટકળો માંડવી શરુ કરી દીધી હતી. અને કેટલાક તો અમસ્ત જ તપાસ કરવાના હેતુથી સ્ટેશનમાં પણ પંહોચી ચુક્યા હતા. પણ રાઠોડે વાતને કોન્ફીડેન્શીય્લ રાખવાની સૂચનાઓ આપી હતી, પણ અમુક કોન્સ્ટેબલસે વાતવાતમાં આખી ઘટના કહી જણાવી હતી. અને રાઠોડની ગાડી અને એમ્બ્યુલન્સ હોસ્પિટલ પંહોચે એ પહેલા આખા ગામમાં ધરમની મોતના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ચુક્યા હતા !
એમ્બ્યુલન્સ ભયંકર વેગથી હોસ્પીટલના પ્રાંગણમાં દાખલ થઇ અને તાબડતોબ બે વોર્ડબોય તેમની મદદ અર્થે આવી લાશને સ્ટ્રેચરમાં ગોઠવવા માંડ્યા. રાઠોડ પણ ઝડપથી જીપમાંથી ઉતર્યો અને પેપરવર્કની કામગીરીમાં પડ્યો. થોડી જ વારમાં ધરમનું સ્ટ્રેચર પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું, અને રાઠોડને થોડીક હાશ થઇ !
તેને પોસ્ટમોર્ટમ રીપોર્ટસ પર ઘણી મોટી આશા હતી. તે એટલું તો સમજતો જ હતો કે જો આ મોત સામાન્ય મોત નહિ હોય તો તેનું કારણ આ રીપોર્ટમાં બહાર આવવાથી રેહવાનું નથી. અને ત્યાર બાદ ખૂની સુધી પંહોચવા એકાદ કડી તો મળી જ શકશે ! પણ મનના એક ખૂણે તેણે એ પણ થડકાટ થતો હતો કે ‘ક્યાંક ધરમનું મોત એનું એણે ઢોરમાર મારવાને કારણે તો નહિ થયું હોય ને…!?’
રાઠોડના આવ્યા અને ધરમને અંદર ખસેડવામાં આવ્યો ત્યારથી જ હોસ્પીટલમાં ઉભા લોકો જુદી જુદી અટકળો કરવા માંડ્યા હતા. અને એમાં પણ કેટલાયના શબ્દો રાઠોડે સાંભળ્યા હતા. એમાં એકાદ અટકળ એવી પણ હતી કે રાઠોડના માર ના કારણે ધરમનું મોત થયું હશે, અને એવી અટકળો રાઠોડને ઘાવ પર નીમકનું કામ કરતા હતા ! પણ એ કરી પણ શું શકે… કેટલાના મોઢા બંધ કરાવવા…! અલબત્ત રાઠોડની ધાકથી કોઈ એની નજીક તો ફરકતું પણ નહોતું, પણ અન્ય ઓળખીતા કે ઢીલાપોચા દેખાતાં કોન્સ્ટેબલ્સ પાસેથી વાત વાતમાં લોકો વાતો કઢાવી રહ્યા હતા…!
રાઠોડને એ બધું અટકાવવું હતું, એ વાત જેટલી ગુપ્ત રહે એ તેની માટે જ સારું હતું, જ્યાં સુધી રીપોર્ટ ન આવે ત્યાં સુધી તો ખરું જ ! પણ એ બધું અટકાવવું તેની માટે શક્ય ન હતું… હવે જયારે આગ લાગી જ હતી તો ધુમાડો તો ઉઠવાનો જ હતો !
એણે એ બધાને જે કરવું હોય એ કરવા દઈ, પોતે મગજના ઘોડા દોડાવવા માંડ્યા…! તેની વિચારવાની શક્તિ ખરેખર દાદ માંગી તેવી હતી. પણ અત્યારે તેના મનમાં કોઈ પણ રીતે કડીઓ ગોઠવતી ન હતી.
‘આખરે બંધ લોકઅપમાં, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક કેદીનું મોત થઇ કઈ રીતે શકે…?’, તે અટકળો લગાવતો રહ્યો,
‘શું કોઈ અંદરનો માણસ જ ફૂટી ચુક્યો હશે…? અરે એ ગીરધર તો નહિ હોય ને…?’ વિચારતા તેણે ગીરધર પર શંકા આવી.
એ હમણાં થોડેક દુર ચેહરા પર ચિંતાના ભાવ સાથે એક ખૂણો પકડીને ઉભો હતો. એની નજર પી.એમ.રૂમ તરફ જ મંડાયેલી હતી. હા, એ થોડોક ભાવુક ખરો પણ વર્દી પ્રત્યે પણ એટલો જ ઈમાનદાર ! રાઠોડ તેની તરફ જોઈ રહ્યો અને મનોમન નક્કી કર્યું,
‘આ શ્ક્યતા પણ સાવ નાંખી દેવા જેવી તો નથી જ… આની મારે ઉલટ તપાસ લેવી જ પડશે…!’
પણ રાઠોડને ટ્રેનીંગમાં શીખવવામાં આવ્યું હતું, કે જ્યાં સુધી ગુનેગાર હાથમાં ન આવે ત્યાં સુધી એને જોડતી બધી કડીઓનો વિચાર કરી જ લેવો… ક્યારેક નાની માંથી અવગણી નાંખવા જેવી બાબત જ મોટામોટા ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ થતી હોય છે !
તેણે બીજી કડીઓ પર વિચાર કરવા માંડ્યું, પણ તેની હાથમાં હમણાં એવી એક પણ કડી નહોતી જેના થકી એ આગળ વિચારતો થઇ શકે. એ જેમ જેમ વિચારતો રહ્યો તેમ તેમ એનું માથું ફાટતું ગયું !
મનોમન તો એ ખૂનીને પણ એના પ્લાનિંગ માટે દાદ આપી ચુક્યો હતો. રાઠોડે સાચે જ ઘણી મોટી ઘીંસ ખાધી હતી ! આ કેસ તો એને જિંદગીભર યાદ રહી જવાનો હતો !
એ ગુસ્સાથી લાલપીળો થઇ એક હાથમાં બીજા હાથની મુઠ્ઠી પછાડી આમથી તેમ ફરી રહ્યો હતો. અને એ જોઈ ગીરધર રાઠોડ માટે તેના માટે અમૃત સમાન ‘ચા’ લઇ આવ્યો હતો. ચા પીધા બાદ રાઠોડ વધારે સારી રીતે વિચારી શકશે, એ વાત ગીરધર સમજતો હતો… પણ એના આશ્ચર્ય વચ્ચે રાઠોડે હથિયાર કજ હેઠા મૂકી દીધા હતા !
ખૂણામાં એક ખુરસી પકડી બેસી જઈ એકીટસે પોસ્ટમોર્ટમ રૂમ તરફ જોઈ બેસી રહ્યો…! જેમ મરુભૂમિમાં તરસ્યાને જેમ પાણીની જરૂર પડે જીવી જવા માટે, તેમ હમણાં રાઠોડને આ રીપોર્ટસની જરૂર હતી, આગળ વિચારવા માટે !
આમ જ જોતજોતાંમાં કલાક દોઢ વીતી ગયો, અને એ બાદ ડોક્ટર દેસાઈ પોસ્ટમોર્ટમ રૂમની બહાર આવ્યા. આમ તો દેસાઈ રાઠોડ કરતા ઉંમરમાં સીનીયર હતા પણ તેમની વચ્ચે મિત્રો જેવા, ‘તું’ કારે બોલવાના સંબંધો હતા. અવારનવાર રાઠોડને કોઈ કેસની કામગીરી અર્થે હોસ્પિટલમાં આવવાનું રેહતું. અને તેણે હંમેશાથી દેસાઈને નિખાલસતાથી હસતા જોયા હતા. પણ આજે તેમના ચેહરાના ભાવ કંઇક ગંભીર લાગતા હતા. અને એ જોઈ જ રાઠોડ ઠરી ગયો હતો !
દેસાઈએ ઇશારાથી રાઠોડને પોતાની કેબીનમાં મળવા બોલાવ્યો. જોડે ગીરધર પણ પાછળ ચાલી નીકળ્યો, પણ રાઠોડે એને બહાર જ અટકાવી દઈ એકલો જ દેસાઈને મળવા ગયો.
કોઈ પણ જાતની ઔપચારીકતા વીના સીધું જ દેસાઈએ રાઠોડને ખખડાવવા માંડ્યો…
“તમે લોકો કરવા શું ધારો છો..? અરે તમે પોલીસ છો… તેનું તો તમને ભાન છે કે નહી…?”
રાઠોડ એને આશ્ચર્યથી જોઈ રહ્યો, દેસાઈ શું બોલી રહ્યો હતો એ તેને સમજાતું ન હતું ! એ હજી પણ આગળ બોલતો જ જતો હતો…
“એક તો પહેલા એ છોકરાણે આટલો ઢોરમાર મારવાની જરૂર જ શું હતી… તમારી માટે તો જાણે એક આતંકવાદી જ હતો નહી…”
“એટલે ડોક્ટર…? માર ખાવાની કારણે એનું મોત થયું છે…?”, પૂછતા પૂછતા રાઠોડ એક ધબકારો ચુકી ગયો.
“ના હવે… એ કહું તને…”, રાઠોડને હાશ થઇ. હવે ફાયનલી એની પાસે પહેલી કડી મળવા જવાની હતી.
“દેસાઈ… આ મર્ડર છે ને…!?”, રાઠોડે પોતાને અત્યાર સુધી મુંજવી રહેલ પ્રશ્ન હળવેકથી ડોક્ટર સામે નાંખ્યો.
“ઓહ યસ…. ડેફીનેટલી ઇટ્સ અ મર્ડર…”, એ બોલતી વખતે દેસાઈનાં ચેહરા પર એક ગજબનો કોન્ફિડન્સ વર્તાતો હતો.
એ જોઈ ઘડીભર તો રાઠોડને પોતાની વિચારશક્તિ પર ગર્વ થઇ આવ્યો પણ બીજી જ સેકન્ડે ભાન થયું કે એના ડ્યુટી પર હોવાના સમયે એક કેદીનું મર્ડર થઇ જાય એ કોઈ નાનીસુની વાત તો ન જ કહેવાય… અને ગર્વ લેવા જેવી તો સહેજ પણ નહી… એ રાઠોડની મુર્ખામી કહેવાય !
“પણ એ થયું કઈ રીતે…?”
“એ તો તારે શોધવાનું છે ને રાઠોડ… ઈન્સ્પેક્ટ તું છે કે હું..!”, દેસાઈના શબ્દોમાં કતાક્ષ હતો, જે રાઠોડ બખૂબીથી સમજ્યો હતો.
“પણ પહેલા મને એમ કહે, તમે પોલીસ સ્ટેશનમાં ડ્યુટીના સમયે કામ કરો છો કે આરામ…? મને તો સમજાતું નથી તમે પગાર કઈ વાત નો લો છો…”
“દેસાઈ કામની વાત પર આવ… તું કહેવા શું માંગે છે એ સાફસાફ બોલ…”
“સાફસાફ કહીશ તો તને પોતાની જાતને ઇન્સ્પેકટર તરીકે ઓળખાવા પર પણ શરમ આવી જશે…! કમસે કમ આ વર્દીની તો ઈજ્જત રાખી હોત ! આખરે છેક પોલીસ સ્ટેશનના લોકઅપ સુધી કોઈ વ્યક્તિ કેદી સુધી પોઈઝનસ કેમિકલ્સ પંહોચાડી જ કઈ રીતે શકે…!?”
અને દેસાઈના એ વાક્ય સાથે રાઠોડના પગતળેથી જમીન સરકી ગઈ. ઘડીભર તો તેનું મગજ સુન્ન મારી ગયું, પણ તરત જ એ ખુબ ઝડપથી વિચારવા માંડ્યો. તેના માનસપટ પર સેલમાં હાજર વેન્ટીલેટર દેખાતું રહ્યું. બની શકે કે કોઈએ એને ત્યાંથી એ કેમિકલ્સ સપ્લાય કર્યા હોય… પણ ત્યાં સુધી તો કોઈ સાત જન્મારે પણ નજરમાં આવ્યા વિના પંહોચી ન શકે… આગળ મોટો કોટ, તેની પર વીજળીના ઝટકા આપતી તારની વાળ, સાથે કાચના ટુકડાઓ, એ પછી CCTV કેમેરાની ચાંપતી નિગરાની, અને એક સેકન્ડ પણ એ ભાગ ખાલી ન રહી શકે તેવી કોન્સ્ટેબલસની 24*7ની ડ્યુટી તો ખરી જ…! તેણે મનોમન જ એ શક્યતા નકારી કાઢી !
દેસાઈએ ફરી એને સમજાવતા કહ્યું,
“દેખ રાઠોડ… પોઈઝન ખુબ ઓછી માત્રમાં અપાયું છે… પણ એની સાથે કંઇક એવું પણ આપવામાં આવ્યું છે જેનાથી વધુ ઈજાઓ થઇ શકે, અને એના બચવાના ચાન્સીસ બિલકુલ રહે જ નહી…!”
“એવું તો વળી શું અપાયું છે દેસાઈ…?”
“એ જ કહું છું તને… ચીજ ખુબ જ નાની અમથી છે. પણ ખુનીએ તેનો બખૂબી ઉપયોગ કર્યો છે… સ્ટેપલર પીન્સ…!”
“વ્હોટ નોનસેન્સ ઇસ ધીસ…!” રાઠોડ ટેબલ પર હાથ પછાડતો ઉભો થઇ ગયો, એ ગુસ્સાથી તપતો હતો, અને દેસાઈ જાણે હમણાં તેની સાથે મજાક કરતો હોય એવી વાત કરી રહ્યો હતો. પહેલા પોઇઝનની વાત અને હવે પીન્સ…!!
“લિસન રાઠોડ… હમણાં આપણે બંને ડ્યુટી પર છીએ. સો પ્લીઝ, મને મારું કામ કરવા દે, અને તું તારું કર…! હવે હું જે કહું છું એ ધ્યાનથી સાંભળ…”, અને રાઠોડ ઊંડો શ્વાસ લઇ ખુરશીમાં બેઠો, અને દેસાઈએ તેને સમજાવવા માંડ્યું.
“જો… રિપોર્ટસ હમણાં થોડીક વારમાં તૈયાર થઇ જશે. પણ તારાથી તપાસ શરુ કરી દેવાય માટે તને હું આ વાત કરી રહ્યો છું. એને જે સ્ટેપલર પીનો અપાઈ છે તેના કારણે તેને ઇન્ટરનલ બ્લીડીંગ થઇ છે, અને એ કારણે ઇન્ટરનલ બ્લડ કોટિંગ પણ…! અને અધૂરામાં પૂરું એને પોઈઝન પણ આપવામાં આવ્યું છે…! મને એ નથી સમજાતું કે તમારા બધાના હોવા છતાં એ ત્યાં સુધી પંહોચ્યુ કઈ રીતે…?
“હું પણ એ જ વિચારું છું ડોક્ટર…” કહેતાં રાઠોડે નિસાસો નાંખ્યો. અને પછી જાણે એકાએક કંઇક યાદ આવ્યું હોય તેણે બહારથી ગીરધરને બોલાવ્યો અને પાછો કેબીનમાં આવી બોલ્યો,
“દેસાઈ તારો ટેલીફોન યુઝ કરી શકું…?”, પણ દેસાઈ કંઇક જવાબ આપે એ પહેલા તેણે રીસીવર ઉઠાવી નંબર ડાયલ કરવા માંડ્યો.
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |
Leave a Reply