“સર… કાગળ કોરો છે !”, કહી લક્ષ્મીએ કાગળને ક્ષણભર માટે ગીરધર અને રાઠોડ તરફ ફેરવ્યો અને તરત જ ગડી વાળીને, પરબીડિયું ઉઠાવી તેમાં સેરવી દઈ ટેબલ પર મૂકી દીધું !
કાગળ કોરો જોઈ રાઠોડને જેટલું આશ્ચર્ય થયું હતું તેથી વધારે આશ્ચર્ય ગિરધરને થયું હતું. એ પરબીડિયામાંથી એક કોરો કાગળ નીકળશે તેવી એ બંનેએ કલ્પના પણ કરી ન હતી. અને એથી પણ વિશેષ વિચારવા જેવી વાત તો એ હતી કે મઝહબી ઈટલી બધી મુશ્કેલીઓ વ્હોરીને એક કોરો કાગળ માત્ર પંહોચાડવા માટે આવી હતી !
કાગળ મુક્યાની બીજી જ ક્ષણે ગીરધરને રાઠોડના એક વિચિત્ર જ પાસાનો ખ્યાલ આવ્યો હતો. જે માણસ હમણાં જ્વાળામુખીની જેમ ઉકળી રહ્યો હતો, એ કાગળ જોયા બાદ તદ્દન નાના બાળકની જેમ ખડખડાટ હસી રહ્યો હતો. ગિરધરને એના હસવાનું કારણ કદાચ મઝહબીની મુર્ખામી લાગતી હતી.
સાહેબને હસતા જોઈ લક્ષ્મી પણ ચાપલુસી કરતી હોય એમ મંદ મંદ હસવા માંડી હતી. તેને તો એ પણ નહોતી ખબર કે રાઠોડ હસી કેમ રહ્યો છે !
રાઠોડ અને લક્ષ્મીને હસતા જોઈ મઝહબી કંઇક ગુસ્સામાં આવી ગઈ અને બોલી, ”સાહેબ એમાં હસવા જેવું શું હતું…?”
પણ રાઠોડે જાણે એનો પ્રશ્ન જ ન સાંભળ્યો હોય એમ હસવું ચાલુ રાખ્યું, ગીરધર હજી પણ કંઇક અસમંજસમાં રહી ટેબલ પર પડેલ એ પરબીડિયા તરફ તાકી રહ્યો હતો.
હસતા હસતા રાઠોડની આંખે પાણી તરી આવ્યું, માંડ એણે હસવું રોક્યું, અને ગિરધરને કહી રહ્યો હોય એમ બોલ્યો, ”ધીસ ઇસ ટુ મચ… ખરેખર આ લોકો નવલકથામાં આવતા પાત્રો જેવા છે ! યુ નો વ્હોટ, આ લોકો લખકો અને કવિઓની કલ્પનાઓમાં રાચનારા પ્રેમીઓમાંના છે !”, અને ફી થોડીક વાર હસ્યો, અને પેટ દબાવી હસવું રોકતો હોય એમ મઝહબીણે જોઈ બોલ્યો, “તું છોકરી ખરેખર એક અદ્ભુત ‘નંગ’ છે ! તું આટલું બધું સાહસ કરી માત્ર એક કોરો કાગળ આપવા આવી…? અને તને શું લાગે છે, તું કોરો કાગળ મોકલીશ, અને ધરમ એ જોઈ એમાં તારી લાગણી રૂપી શબ્દો વાંચી લેશે એમ…? યુ મસ્ટ બી જોકિંગ !”, અને એ ફરી હસવા માંડ્યો.
રાઠોડ તરફથી ચોખવટ સાંભળી લક્ષ્મીનેપણ તેના હસવાનું કારણ સમજાયું અને એ પણ ખુલીને હસવા માંડી !
“સર, પહેલી વાત તો એ કે તમારે કોઈનો અંગત કાગળ જ ન વાંચવો જોઈએ ! અને રહી વાત મારી, તો કાગળમાં શું લખવું કે શું ન લખવું એ મારો અંગત પ્રશ્ન છે ! તમે ધરમને માત્ર એટલું કહેજો કે,કાગળ મઝહબીએ મોકલાવ્યો છે… એ ચોક્કસ કોરા કાગળ દ્વારા પણ મારી લાગણીઓ વાંચી શકશે…!”
“ઓહ… તો તેં એ પણ જાતે જ નક્કી કરી લીધું કે હું આ કાગળ ધરમને મોકલાવી રહ્યો છું…! મેં હજી એ માટે ‘હા’ ક્યારે પાડી…!”, રાઠોડ હવે સ્વસ્થ થયો, અને એ પ્રશ્ન કરી તેણે મઝહબીને ગૂંચવી.
“આઈ નો ધેટ સર, કે તમે ‘હા’ નથી જ પાડી ! પણ તમે ‘ના’ પણ ક્યાં પાડી છે…!”, મઝહબીએ બખૂબીથી વળતો જવાબ આપ્યો, અને ઉમેર્યું, “…અને મણે નથી લાગતું કે એક કોરા કાગળથી તમને કોઈ તકલીફ હોઈ શકે !”
“ધેર યુ આર રાઈટ મિસ મઝહબી…! એક વખત કાગળ ચકાસી લેવો એ મારી ફરજ હતી, હવે મને આ કાગળ પંહોચાડવામાં હવે કોઈ તકલીફ નથી ! ઉપ્સસ… સોરી, કાગળ નહીં કોરો કાગળ !”, અને એ ફરી હસવા માંડ્યો.
“ગીરધર, આ કાગળ જઈ આના પ્રેમીને આપી આવ ! બિચારો એ પણ તડફડતો હશે એની પ્રેમિકાના બે બોલ સાંભળવા, પણ બિચારાના ફૂટેલા કરમ… એની પ્રેમિકા આવી તો આવી પણ જોડે કોરો કાગળ લાવી ! તું જા ભાઈ જા… આ પ્રેમીઓની વાતો આપણી સમજની પરે છે !”
ગીરધરે પરબીડિયું ઉઠાવ્યું અને કંઇક શંકાઓ કરતો એને જોઈ રહી ધરમની સેલ તરફ ચાલવા માંડ્યું.
“થેંક યુ સર…”, મઝહબીએ કઇંક કટાક્ષમાં કહ્યું, અને દરવાજા તરફ આગળ વધી. અને ક્ષણભર અટકીને પછી આવી અને રાઠોડ તરફ કંઇક તિરસ્કારથી જોઈ બોલી, “અને સર એક વાત મારે તમને કહેવી જ જોઈએ, કે તમે માત્ર એક વાર પણ આ ‘અમારા વાળા’ અને ‘તમારા વાળા’ નો ભેદ ભૂલી, માત્ર અમારા પ્રેમને સમજવા પ્રયાસ કર્યો હોત, તો કદાચ તમે અમને સમજી શક્યા હોત !” અને રાઠોડના જવાબની રાહ જોયા વિના એ બહાર ચાલી ગઈ !
એ શબ્દો માત્ર શબ્દો ન હતા. એ એક તમાચો હતો ! રાઠોડની રૂઢીચુસ્તતા પર ! અને રાઠોડને જાણે કોઈએ પોતાની જ હકીકતથી વાકેફ કરવતો અરીસો બતાવી દીધો હોય એમ એ મોં ફાડીને જોઈ રહ્યો ! મઝહબીના ચાલ્યા ગયા બાદ પણ એ ક્યાંય સુધી દરવાજા તરફ તાકી રહ્યો !
***
ગીરધર જયારે પરબીડિયું લઇ ધરમની સેલ પાસે પંહોચ્યો ત્યારે એ લગભગ અર્ધનીન્દ્રસ્થ અવસ્થામાં જાગતો પડી રહ્યો હતો. બે સેલ વચ્ચે બહારની બાજુએ લગાડેલ ટ્યુબલાઈટ દરેક સેલમાં અડધે સુધી અજવાળું આપતી હતી. દિવાળીના શકનના હિસાબે બારણાની કિનારી પર લગાવેલ મીણબત્તી થોડીક જ વારમાં પતવાની અણી પર હતી. ગીરધરે તેની સેલની ચાવી કાઢી તાળું ખોલ્યું, અને અંદર પ્રવેશ્યો. લોખંડથી બનેલ સેલનું બારણું ખુલવાના અવાજથી એ સફાળો જાગીને બેઠો થયો. તેણે તો હજી એમ જ હતું કે રાઠોડ જ તેની મરમ્મત કરવા આવ્યો હશે, પણ તેના આશ્ચર્ય વચ્ચે તેની સામે ગીરધર ઉભો હતો !
ગીરધરે કંઈ પણ બોલ્યા વિના તેની તરફ એ પરબીડિયું લંબાવ્યું, અને એ જોઈ ધરમ એને આંખોથી પ્રશ્નો પૂછી રહ્યો. એ પણ જાણે તેની આંખોની ભાષા સમજતો હોય એમ જવાબ આપતો બોલ્યો, “લઇ લે… તારી માટે જ છે ! મઝહબી આપી ગઈ છે તારી માટે !”
મઝહબીનું નામ લેવું અને ધરમનો કાગળ આંચકી લેવો !
કાગળને છાતીએ ચાંપતા બોલ્યો, “હેં… સાચે જ મઝહબીએ મોકલાવ્યો છે…? એ જાતે આવી હતી આપવા..?”
“હા…”
“તો એને મણે મળવા કેમ ન મોકલી…?”
“અરે જવા દે ને ભાઈ ! તારી એ હુસ્નપરી પણ કંઇ ઓછી નથી. આવી તો તને મળવા જ હતી, પણ સાહેબે ઢીલ ણ મૂકી એટલે કાગળ આપીને ચાલી ગઈ !”
એ વચ્ચે ધરમે અંદરથી કાગળ કાઢીને ખોલ્યો હતો, અને કોરો કાગળ જોઈ, ક્ષણભરમાં જ વાળીને પાછો મૂકી દીધો હતો !
ગીરધર હજી પણ બોલી રહ્યો હતો, “… સાલું એક વાત તો માનવી જ પડે ! છોકરીમાં દમ તો છે જ… એ જે રીતે સાહસ કરીને આવી, અને પાછી બે વાર તો સાહેબની સામે પણ થઇ…! પણ એક વાત ના સમજાઈ કે એક કોરો કાગળ આપવા માટે એણે આ બધું શું કામ કર્યું…?”
“એ તમને નહીં સમજાય… તમે કોઈને પ્રેમ કર્યો છે…?”
“હવે ક્યાં પ્રેમ કરવાની ઉંમર જ છે. કર્યો હતો ત્યારે આગળ વધવાની હિમ્મત ના કરી શકયા… એટલે જ તો જો ને વાંઢા ફરીએ…”, ગીરધરે મજાક કરતા કરતા પોતાના મનની ભડાશ કાઢી., અને ઉમેર્યું,
“દોસ્ત, બધા તમારી જેમ સાહસ ન પણ કરી શકે…!” અને નિસાસો નાંખ્યો.
“સારું ચાલ, હવે તું આરામ કર… હું જાઉં નહીંતર સાહેબ નાહકના અકળાશે…!”, કહી ગીરધર બહાર નીકળ્યો, અને બારણા પર તાળું વાસ્યું.
ગીરધરના ગયા બાદ થોડીવારે તેણે ફરી એણે પરબીડિયું ખોલ્યું અને તેમાંથી કાગળ કાઢી તેને જોઈ રહ્યો. એણે પણ મઝહબીને આવા કેટલાય કોરા કાગળ લખ્યા હતા… પણ મઝહબી પણ ક્યારેક આવો કોરો કાગળ મોકલશે એવું તેણે કલ્પ્યું પણ નહોતું…! એકાએક એ ભૂતકાળની ગર્તામાં સરતો ગયો !
***
લગભગ અડધા કલાકમાં જ મઝહબી પોતાના ઘરે પંહોચી હતી. જે રીતે પાછલા બારણેથી એ ઘરની બહાર છટકી હતી એ જ રીતે એ હેમખેમ ઘરમાં પાછી દાખલ થઇ. અને પોતાના રૂમમાં પંહોચી. રૂમમાં ખાલાએ મોકલેલી છોકરી અદ્ધર શ્વાસે તેની જ રાહ જોતી બેઠી હતી, અને મઝહબીને પાછી આવેલ જોઈ એને હાશ થઇ હતી. એણે તો ત્યાં સુધી અનુમાન કરી લીધેલ કે મઝહબી હવે ગઈ તે ગઈ… એ હવે પાછી નહીં આવે…! પણ એને ખોટા પડ્યાનો આનંદ હતો, અન્યથા મઝહબીનો ભાઈ તેની શું હાલત કરતો એ તો એની કલ્પના બહારની વાત હતી.
એ રાત્રે મઝહબીનું નસીબ સારું હતું કે હજી સુધી કોઈ ગરબડ થઇ ન હતી. અલબત્ત તેના આવ્યાની થોડીક જ મીનીટો બાદ તેનો ભાઈ તેના રૂમમાં અમસ્તા જ આવી ચડ્યો હતો, અને એ બંને હજી સુધી કેમ જાગી રહી છે એ અંગે પુછપરછ કરી હતી. એના આવ્યાની થોડીક જ વાર પહેલા મઝહબીએ બુરખો કાઢી નાંખી સંતાડી દીધો હતો, અને પેલી છોકરી પણ હવે સુવાની જ તૈયારી કરી રહી હતી. શરૂઆતમાં તો તેના ભાઈને જોઈ બંને છોકરીઓ ચોંકી ઉઠી હતી, પણ મઝહબીએ બાજી સંભાળી લેતા, તેમને પલોટયા હતા, અને કહ્યું હતું કે, “ભાઈજાન… આજે ઊંઘ નહોતી આવી રહી, એટલે અમે બંને વાતો કરવામાં પડ્યા હતા… બસ હવે સુઈ જ રહ્યા છીએ…!”
“તું…”, મઝહબીના ભાઈએ પેલી છોકરીને ઉદ્દેશીને કહ્યું, “…તું આની બહેનપણી નથી સમજી…! તારે આની પર માત્ર નજર રાખવાની છે. કાલે ખાલા આવે કે તરત તારી છુટ્ટી કરી દેવામાં આવશે… વધારે દોસ્તી યારીના સંબંધો બાંધવાની કોઈ જરૂર નથી.”, અને એ છોકરીએ મૂંગા રહી વાત પતાવી હતી.
ભાઈના ગયા બાદ બંને એ નિરાંતનો શ્વાસ ખેંચ્યો હતો. અને ત્યારબાદ એ છોકરી સુઈ ગઈ, ત્યાં સુધી મઝહબી અમસ્તી જ પથારીમાં જાગતી પડી રહી. કારણકે મઝહબીને હજી થોડાક કામ કરવાના બાકી હતા !
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |
Leave a Reply