મઝહબીએ ડાયલપેડ પર હાથ મૂકી દઈ રાઠોડને તેના ભાઈને ફોન જોડતા અટકાવ્યો હતો. અને એ જોઈ રાઠોડનો પિત્તો છટક્યો હતો. તેણે ઓનડ્યુટી ઓફિસરની કામગીરીમાં દખલગીરી કરવા બદલ તેને ચેતવી હતી. અને એ પોતે પણ એની એ હરકતના અંજામથી વાકેફ હતી. પણ એ ક્ષણે તેના ભાઈને આ વિશે કંઇ પણ ખબર પડે તો તેનું આવી જ બને ! માટે તેણે હવે શાંતિથી કામ લેવું નક્કી કર્યું, અને ધીરેથી સમજાવટના સૂરથી બોલી,
“સર… આપ જે કહી રહ્યા છો એનો મને પણ ખ્યાલ છે જ ! અને તમારી કામગીરીમાં દાખલ દેવાનો મારો કોઈ ઈરાદો પણ નથી. પણ તમે ફક્ત એક વખત મારી વાત શાંતિથી સાંભળી લો, માત્ર એટલું જ હું ઈચ્છુ છું !”
“જી સર… મને પણ લાગે છે કે, આપણે તેની વાત એક વખત સાંભળી લેવી જોઈએ !”, ગીરધરે ટાપસી પૂરતા કહ્યું. જે રાઠોડને સહેજ પણ ન ગમ્યું. કારણ તેના મત મુજબ તેની નીચે કામ કરનાર ‘આવા પ્રેમીઓ’ની તરફેણ કરે એ તેનાથી સહન થતું નહીં. પણ જરૂરી તો નથી જ ને કે બધાના અભિપ્રાયો સરખા જ હોય !
પણ ગીરધરનું વચ્ચે બોલવું સફળ થયું. રાઠોડે પણ શાંતિથી વાત પતાવવાનું નક્કી કર્યું, અને ઊંડો શ્વાસ લેતાં બોલ્યો,
“ઓકે… હવે તારે જે કંઇ કહેવું હોય એ ઝડપથી કહેવા માંડ… અને પછી ચાલતી પકડ !”, અને રાઠોડ ખુરશીમાં ગોઠવાયો.
ટેબલ પાસે ઉભી મઝહબી વાતની શરૂઆત ક્યાંથી કરવી એની પળોજણમાં પડી. અને એ જ વચ્ચે રાઠોડને બીજો પ્રશ્ન થયો અને એ બોલ્યો,
“વેઇટ અ સેકન્ડ… મને જે પ્રમાણેની માહિતી મળી હતી એ મુજબ તને તારા ભાઈએ ઘરમાં જ નજરકેદમાં રાખી હતી. બરાબર ? તો તું અહીં સુધી આવી કઈ રીતે….!?”
અને રાઠોડના એ પ્રશ્ન સાથે મઝહબીને વાત શરુ કરવાનો છેડો મળ્યો. અને એણે બોલવું શરુ કર્યું,
“યસ સર… તમને બરાબર માહિતી મળી છે ! મારા ભાઈએ મને ઘરમાં જ નજરકેદ કરી હતી. અને એ કામ માટે તેણે આધેડ વયની એક સ્ત્રીને રોકી હતી. બધા તેને ‘ખાલા’ કહીને બોલાવતા. અને તેને કામ સોંપાયા બાદથી જ એ મારી જોડે પડછાયાની જેમ રહેતી હતી. અલબત્ત આ બધુ અમારા પકડાઈ ગયા બાદ થયું હતું. એ બાદ મને સ્ટેશન પર બયાન આપવા સિવાય એકવખત પણ ઘરની બહાર કાઢવામાં નથી આવી. અને એ ખાલા તો સ્ટેશન પર પણ ભાઈની જોડે આવતી, અને બહાર જ ઉભી રહી જતી. તમે કદાચ તેને જોઈ પણ હશે…”
“લિસન મિસ….”, રાઠોડે તેને બોલતી અટકાવી, “મને એ ખાલામાં કોઈ રસ નથી. મને તારામાં રસ છે.” અને તરત જ બીજી તેણે તેનું છેલ્લું વાક્ય સુધારતા કહ્યું,
“આઈ મીન, તારી વાતમાં રસ છે. તું કઈ રીતે ભાગી આવી એ જ મારે જાણવું છે બસ !”
“જી સર… હું એ વાત પર જ આવી રહી હતી. અમારા પકડાયા બાદ હું ‘એક આખરી વખત’ ધરમને મળવા આવવા ઈચ્છતી હતી… પણ ભાઈને કહીને એ શક્ય ન હતું, અને બીજી તરફ આ ખાલાથી પીછો છોડાવવો તો એનાથી પણ કઠીન !”
“વેઇટ… શું કહ્યું હમણાં ! એક આખરી વખત મળવું હતું મતલબ…!?”, રાઠોડ સાબદ થઈને બેઠો. તેને કોઈ અવળી જ શંકા થતી હતી. આખરે શંકા કુશંકા કરવો એ તો તેના અફસરી સ્વભાવમાં જ હતું.
“યસ સર… એક આખરી વખત ! જે નિકાહના ડરથી અમે ભાગવાનું નક્કી કર્યું હતું, એ નિકાહ હજી પણ બરકરાર છે. બે અઠવાડિયા બાદ મારે નિકાહ પઢવા જ પડશે…. એ સિવાય મારે કોઈ છુટકો પણ નથી !” મઝહબીએ નિસાસો નાખતાં કહ્યું.
અને ફરી આગળ વધાવ્યું, “પણ આજે અલ્લાહ પણ કદાચ એ જ ઈચ્છતા હતા કે હું ધરમને મળી શકું. એટલે જ તો જુઓને હું અહીં સુધી આવી શકી ! સાંજે જ ખાલાને ઓચિંતા જ એક રાત માટે વતન જવાનું થયું. અને તેણે ભાઈ સાથે વાત કરી પોતાની જગ્યાએ તેના કોઈ નજીકના સગાની છોકરીને મૂકી જવા કહ્યું. એ મારાથી માંડ બે વર્ષ મોટી છે. પણ ઘણી ચબરાક છે.
ખાલના ગયા બાદ મેં એને વાતોમાં પલોટી હતી, અને દોસ્ત બનાવી લઇ, મૈત્રીના સોગંદ પર મને માત્ર થોડા સમય માટે ઘર બહાર જવા દેવાની રજામંદી માંગી હતી. અલબત્ત એ માટે પણ મારે ઘણી વિનંતીઓ કરવી પડી હતી, પણ આખરે એ માની હતી. કરીબ પોણા અગ્યારની આસપાસ હું ઘરેથી, બુરખામાં, પાછલા દરવાજેથી નીકળી હતી. એ દરવાજો ફોગાઇ ગયેલ હોવાની કારણે લગભગ ખુલ્લો જ રેહતો અને એ ભાગ તરફથી ઘરનું કોઈ અવરજવર પણ કરતું નહીં.
કોટ વટાવી હું બહાર આવી, અને ત્યાં પણ મેં ધાર્યું હતું એમ તદ્દન નિર્જનતા વ્યાપતી હતી. પણ તેનાથી વિરુદ્ધ હિન્દુ વિસ્તાર તરફથી ફટાકડા, આતશબાજીના અવાજો હજી પણ આવતા હતા. અને અહીં અમારી બાજુ એ એક સામાન્ય રાતથી વિશેષ કંઇ જ ન હતી. અને પાછલા દિવસોમાં જે બન્યું એ પછી તો…”
“તો એ બધું બનવા માટે તમે બંને જ જવાબદાર નહોતા…!?”, રાઠોડે કટાક્ષમાં કહ્યું.
“ના સર… એ બધુ બનવા પાછળ ભૂલ એ લોકોની હતી જેમણે પ્રેમને ધર્મના ચોખટાઓમાં ફીટ બેસાડીને જ જોવાનો પ્રયાસ કર્યો. અને રહી વાત અમારી, તો અમારી ભૂલ માત્ર એટલી હતી કે અમે થોડીક ઉતાવળ કરીને પગલું ભર્યું… અન્યથા કોઈ અમારો વાળ પણ વાંકો ન કરી શકત !”
“ત્યાં તારી ભૂલ થાય છે છોકરી ! તું કદાચ હજી તારા ભાઈની લાગવગ અને ધાકને બરાબર પીછાનતી નથી.” કહી રાઠોડ હસ્યો, અને ફરી બોલ્યો,
“વેલ, તું આબદ રીતે છટકી તો આવી, પણ વિચાર કર્યો છે, જો તું ઘરે પંહોચે એ પહેલા ત્યાં કંઇ ગરબડ થઇ તો…?”
મઝહબી પાસે તેનો કોઈ જવાબ ન હતો. એ પરિસ્થિતિ આવે તો તેણે બધું સહન કરવું જ રહ્યું. પણ એવું કંઇ રાઠોડને કહી પોતાની દુખતી રગ તેના હાથમાં આપવા જેવું થાત. માટે એ મૌન જ રહી.
“નાવ, વ્હોટ ડુ યુ વોન્ટ ફ્રોમ મી…”, રાઠોડે અફસરી અદામાં કહ્યું.
“સર, એ હું તમને પહેલા પણ અનેક વખત કહી ચુકી છું !”, મઝહબીએ કંઇક તોછડાઈથી કહ્યું.
“મઝહબી, સંભાળીને બોલવાનું રાખ ! એ ભૂલવાની બિલકુલ જરૂર નથી કે તું પોલીસ સ્ટેશનમાં છું… આ તારું ઘર નથી !”
“સોરી સર… પણ હું આપને એ પહેલા પણ કહી જ ચુકી છું કે મારે ધરમને મળવું છે બસ…! મારે બીજું કંઇ નથી જોઈતું !”
“એ શક્ય નથી… નાવ યુ કેન લીવ…”, રાઠોડે ખુરશીમાંથી ઉભા થઇ દરવાજા તરફ હાથ બતાવતા કહ્યું.
તેણે પળભરમાં જ પોતાની વાત ઉડાવી મૂકી હતી, અને એ મઝહબીથી સહન ન થયું. તે ફરી બોલી, “હું ધરમને મળ્યા વિના ક્યાંય જવાની નથી…”, અને વાક્ય પૂરું થતાં પહેલાં જ એ, રાઠોડ જે તરફથી આવ્યો હતો એ તરફ લોકઅપરૂમ તરફ ધસી ! અને તરત જ પાછળ રાઠોડ તેની તરફ ધસ્યો. તેણે મઝહબીને હાથથી પકડી, અને પાછી ખેંચી. તરત જ કોઈ લક્ષ્મી નામની કોન્સ્ટેબલ માટે રીતસરની ત્રાડ નાંખી.
એ વખતે લક્ષ્મી લોકઅપ રૂમ તરફ વચ્ચે ક્યાંક સ્ટુલ પર બેસી ઊંઘ માણી રહી હતી, અને રાઠોડની બુમ સાંભળી સફાળી જાગી જઈ, વીજળીના વેગે આગળ તરફ દોડી હતી.
“જી સર અહીં જ હતી…” લક્ષ્મીએ પોતાનો બચાવ કરવા માટે કહેવા ચાહ્યું, પણ રાઠોડની ગુસ્સામાં લાલ આંખો જોઈ જ એ ઠરી ગઈ. રાઠોડે મઝહબીને તેની તરફ સહેજ ધક્કો માર્યો, અને બોલ્યો,
“લક્ષ્મી… પકડ આ છોકરીને ! નહીંતર જેવી આની કરતૂતો છે એ જોતા મારો હાથ ઉઠ્યા વિના રહે નહીં…!”
સમગ્ર ઘટના માંડ દસેક સેકન્ડમાં આકાર પામી હતી. અને એ બધું જ જોતી વખતે ગીરધરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. મઝહબીની એ બીજી ભૂલ હતી, અને માટે જ ગીરધરને થડકાટ થતો હતો કે રાઠોડનો હાથ ઉઠ્યા વિના રહે નહીં. જે ક્ષણે મજહબી અંદર તરફ ધસી ત્યારે જ રાઠોડે પોતાના દાંત ભીંસ્યા હતા, અને બંને હાથની મુઠ્ઠીઓ વાળીને તેને પકડવા માટે તેની તરફ ધસ્યો હતો. એ ક્ષણે જો મઝહબીએ એક હરફ પણ ઉચ્ચારવાની ભૂલ કરી હોત તો… એની હડપચી અને સાહેબનો મજબુત હાથ…!
પણ રાઠોડે બખૂબીથી પોતાના ગુસ્સા પર કાબુ રાખ્યો હતો, અને માત્ર એટલું જ નહી લેડી કોન્સ્ટેબલને બોલાવી લઇ પોતાની દુરદ્રષ્ટિનો પરિચય આપ્યો હતો !
લક્ષ્મીએ આવીને મઝહબીને મજબુતાઈથી પકડી હતી, અને તેને ફરી ટેબલ સામે લઇ આવવામાં આવી.
અને એ હજી પણ એકની એક વાત જ બોલે રાખતી હતી, “સર… પ્લીઝ મણે એક વખત ધરમને મળી લેવા દો… પ્લીઝ સર !”
“તને એક વખતમાં વાત સમજાતી નથી…?” રાઠોડ તાડૂક્યો, “… અને લક્ષ્મી તું…! જોઈ શું રહી છું. રવાના કર આને ! આની એક ની એક લપ સાંભળી મારા કાન પાકી ચુક્યા છે. અને વધારે લાવારી કરે તો એકાદ લગાવી પણ દેજે…!”
“સર… કેટલાય અવરોધો વટાવી અને માથે ભયની તલવાર લટકાવીને હું અહીં આવી છું… પ્લીઝ મારી પરિસ્થિતિ એકવખત સમજો… પ્લીઝ એકવખત મને મળવા દો… પ્લીઝ સર.”
“તું જે કોઈ પણ રીતે આવી હોય એનાથી મને લેશમાત્ર ફેર નથી પડતો. જેમ આવી છું એમ જ પાછી ચાલી જા… નહીંતર હવે મારે બળથી કામ લેવું પડશે તો પણ હું પાછળ નહીં પડું !” અને રાઠોડના એ વાક્ય સાથે લક્ષ્મીની પકડ પણ મજબુત થઇ.
રાઠોડની ધાક અને લક્ષ્મીની પકડ જોતા હવે તેનાથી કંઇ થઇ નહી શકે એ મઝહબીએ સ્વીકારી લીધું… અને માટે હવે તેણે આખરી દાવ રમી લેવાનો નિર્ણય કરી લીધો !
તેણે લક્ષ્મીની પકડમાંથી પોતાને છોડાવી અને નિસાસો નાંખતી ઉભી રહી ગઈ અને બોલી,
“ઓકે સર… હું ધરમને મળ્યા વિના ચાલી જઈશ…”, અને એ સાથે રાઠોડના ચેહરા પર સ્મિત આવ્યું, “…પણ કમ સે કમ મારો આ કાગળ તેના સુધી પંહોચાડી દેશો તો હું આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું !” કહેતાં તેણે હાથમાંનું પરબીડિયું બતાવતા કહ્યું.
“હવે પાછું આ શું નવું નાટક છે…?”, રાઠોડે પરબીડિયા તરફ જોઈ રહી પૂછ્યું.
“નાટક નથી સર… પ્લીઝ મારી આટલી મદદ કરી દો, પ્લીઝ !” તેની આંખે પાણી તરી આવ્યું.
“પણ મારે પહેલા ચેક કરવું પડશે કે એમાં છે શું…!”, અને મઝહબી કોઈ દલીલ કરે એ પહેલા જ લક્ષ્મીએ રાઠોડની આંખનો ઈશારો સમજી લઇ એ પરબીડિયું આંચકીને ટેબલ પર મૂકી દીધું.
રાઠોડે તેણે હાથમાં લઇ ચારેય બાજુથી જોયું અને પછી ગીરધર તરફ સરકાવતા કહ્યું, “ખોલ આને… અને વાંચ શું લખ્યું છે !”
ગીરધરે પરબીડિયું ઉઠાવ્યું અને તેને કિનારી પરથી, જ્યાં અંદાજે ચાર પાંચ સ્ટેપલર પીનો લગાવી સીલ કરેલ હતો ત્યાંથી તેણે ફાડ્યો. પીનો લગાવેલ ભાગ કંઇક પટ્ટીની જેમ ફાટ્યો અને એનો છેડો હજી પણ પરબીડિયા સાથે જોડાઈ રહ્યો. તેણે અંદરથી ગળી વાળેલ એક કાગળ ખેંચ્યો, અને એ તેને ખોલે એ પહેલા જ મઝહબી એ એક આખરી દલીલ કરી,
“સર, આમ કોઈના અંગત કાગળ વાંચવા તમને શોભા નથી દેતું… અને તેમાં પણ એક સ્ત્રીનો કાગળ તો નહીં જ…!”
“ઓહ રીયલી…?”, રાઠોડે ઉદગાર કાઢ્યો, “આપણે એનો પણ રસ્તો કરીએ…” કહેતાં એણે ગિરધરને કહ્યું, “તું કાગળ લક્ષ્મીને વાંચવા આપી દે… આઈ હોપ, એમાં આ મેડમને કોઈ વાંધો નહિ હોય…”, અને મઝહબી તરફ તીરછી નજરે જોયું.
ગીરધરે ગળી વાળેલ કાગળ લક્ષ્મીના હાથમાં આપ્યો અને પરબીડિયું ટેબલ પર મુક્યું. એક ક્ષણે તો મઝહબીને કહેવાનું મન થઇ આવ્યું કે, ‘કાગળ લક્ષ્મી વાંચે કે ગીરધર… પણ તમારે કાગળ વંચાવો જ શું કામ છે ?’ પણ તેની દલીલ નો કોઈ ફાયદો થવાનો ન હતો. કારણ રાઠોડ એ કાગળ ખોલાવ્યા વિના કોઈ પગલું ભરવાનો ન હતો !
એ દરમ્યાનમાં લક્ષ્મીએ કાગળની ગળીઓ ઉકેલી હતી, અને કંઇક બગાસું ખાતાં તેણે કાગળ તરફ નજર કરી હતી. રાઠોડે તેને બુમ પાડીને બોલવી તેથી તેની ઊંઘમાં ખલેલ પડી હતી, અને એનું ચાલત તો હમણાં પણ સાહેબને અવગણીને સુવા ચાલી જાત !
એકાદ સેકન્ડ રાઠોડ એને બગાસું ખાતાં જોઈ રહ્યો અને બોલ્યો, “હવે વાંચવાનું પણ મારે કહેવાનું…?”
“શું વાંચું સર… કાગળ જ કોરો છે…!”, કહેતાં તેણે રાઠોડ અને ગીરધર તરફ કાગળ ફેરવ્યો અને ફરીથી તેની ગળીઓ વાળી લીધી. અને તરત જ ટેબલ પરનું પરબીડિયું ઉઠાવી કાગળ એમાં સરકાવી નાંખ્યો.
ક્ષણભર તો રાઠોડને વિશ્વાસ જ ન થયો કે કાગળ ખરેખર કોરો હતો… અને એથી પણ વધારે મુંઝવણ તો ગિરધરને થઇ હતી. જે પરબીડિયાણે મઝહબીએ આવી ત્યારથી જીવથી પણ વધારે વહાલું હોય એમ સાચવ્યો હતો, એમાંથી કોરો કાગળ !!! આ તદ્દન અણધાર્યું હતું…!
પણ એ જ હકીકત હતી. એમની આંખોએ દેખેલી હકીકત !
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |
Leave a Reply