કેટલાક અધ્યાપકનું : અહં બ્રહ્માસ્મિ
ઘરબાર, બૈરું-છોરાં ભૂલીને સાહિત્યમાં તમે આખી જિંદગી હથોડોલૉજી ચલાવો, ત્યારે અમુક ઉંમરે તમારામાં સર્વજ્ઞાતા હોવાનો એક ઘમંડી સ્વભાવ વિકસિત થઈ જ જાય.
સામે તમારા છોકરાંના છોકરાંની ઉંમરનો વિદ્યાર્થી ઉભો હોય ત્યારે એને તમે જ્ઞાન આપશો કે તમારું ઘમંડ ? એ જેતે માનસિકતા ઉપર નિર્ભર હોય છે.
2011માં હું વીર નર્મદ યુનિવર્સીટીમાં પ્રોફેસરનું ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો. એ ઇન્ટરવ્યૂમાં મેં જોયું કે 40 વર્ષથી વધારે ઉંમરના ઘણા ઉમેદવારો એક હૉલમાં બેઠા હતા. એ વખતે પણ મેં gpscની લેખિત પરીક્ષા આપેલી. એટલે હું તો ઇન્ટરવ્યૂનો અનુભવ થાય એ હિસાબે જ આ ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા ગયો હતો.
બધા જાતજાતની ચર્ચાઓ કરી રહ્યા હતા.
એક ભાઈ બીજાને પૂછી રહ્યા હતા. કે તું અંદર બુટ પહેરીને ગયો ?
બીજો ભાઈ કહે – તો શું છે બે ? અંદર ભગવોન બેઠા છે ? આ શું મંદિર છે ?
મને એમના સંવાદમાં જોરદાર કૉમેડી સીન જોવા મળ્યો.
મારો નંબર આવ્યો એટલે મેં ઇન્ટરવ્યૂ કક્ષમાં પ્રવેશ કર્યો.
પાંચ સાત તજ્જ્ઞ બેઠા હતા. એમની સામે હું બરાબર જોઈ શકું એ પહેલાં જ એમાંથી બેઠેલા એક સાહેબે મારો પરિચય પૂછ્યો.
મને બેસો એમ ન કહ્યું એટલે હું ઉભો જ હતો. એટલે એક તજ્જ્ઞ બેસો… બેસો… કહ્યું.
મેં આભાર એમ કહ્યું.
ત્યાં એક મેડમ બોલ્યા… આ બધું ફોર્મલિટીસ… કંટાળો આવી ગયો છે. તો ફટાફટ તમારો પરિચય આપો અને…
મતલબ સાફ હતો કે એ મને એમ કહી રહ્યા હતા કે તું જેમ આવ્યો એમ પાછો ગેટઆઉટ થઈ જા ! જા… ☺️
મને લાગ્યું કે એ મેડમનું માથું દુઃખી રહ્યું હતું. ન મને પરિચય આપવા મળ્યો કે ન કોઈ સવાલ જવાબ.
એટલે મને દુઃખ થયું. એટલે મેં એમને જણાવ્યું કે આ ઇન્ટરવ્યૂ આપવા માટે છેક દાહોદથી આવ્યો છું.
એટલે એક મોટા ચાંલ્લાવાળા મેડમ બોલ્યા
તો અમે શું કરીએ ?
બીજા મેડમ કહે આરતી ઉતારીએ તો ?
ત્યાં એક બીજા તજ્જ્ઞ બોલ્યા, અરે… એમ નહીં એવી રીતે ન બોલો. મને ખુબ પ્રેમથી એમને જણાવ્યું કે ભાઈ અહીં લગભગ સિલેક્ટ કરવાનું થઈ જ ગયું છે. એટલે હવે આ માત્ર પ્રક્રિયા જ છે. પણ તારે આ ઇન્ટરવ્યૂ આપવાનું આટલું જરૂરી કેમ છે ?
મેં જણાવ્યું કે મેં gpscની અધ્યાપકની પરીક્ષા આપી છે. એમાં ઇન્ટરવ્યૂ હોય છે. તો અહીં એ અનુભવ મળી શકે એ માટે.
પેલા તજ્જ્ઞ ઓહો… વાહ સરસ.
એ તજ્જ્ઞ મારી જોડે ચર્ચા કરી જ રહ્યા હતા કે એક મેડમ બોલ્યા કે સાહેબ એને જવા દો… આપણે આ મોડું થઈ જશે.
અને મારી બાજુ જોઈને એ જાણે ગુસ્સામાં બોલ્યા ! તારે અનુભવ જોઈએ છે ને ! હા, તો બોલ તને શું પૂછીએ ?
મેં કહ્યું કે એતો તમને ખબર ! તમે જે પૂછશો એનો હું જવાબ આપીશ.
તો એમણે તો AK47 બંદૂકની જેમ એક પછી એક સવાલોનો મારો ચલાવી દીધો.
મને જવાબમાં મોઢું ખોલવાનો પણ અવસર ન આપ્યો.
હું હસવા લાગ્યો.
એમણે કહ્યું કે હશે છે કેમ ?
જવાબમાં મેં કહ્યું કે હું તમને મળવા છેક દાહોદથી આવ્યો. તમે સીધું કહી શક્યા હોત કે ઇન્ટરવ્યૂ લેવાનું નથી. તો આમ ખાલી અંદર આવવાની તકલીફ ના લેતો ને ? અરે પહેલેથી જ જણાવ્યું હોત તો પણ અહીં સુધી આવતો જ નહીં.
ખેર ! તમારા જેવા મહાનુભાવોના દર્શન થયા એટલે ફેરો ફોગટ ગયો એમ તો ન જ કહી શકાય.
એમ આ મારો ઇન્ટરવ્યૂ સંબંધિત પહેલો અનુભવ હતો.
બીજો અનુભવ પણ આ વીર નર્મદ યુનિવર્સિટીમાં જ મળેલો. એ વર્ષ 2012નું હતું. Phdના ઇન્ટરવ્યૂ થઈ રહ્યા હતા. મેં પણ એમાં અરજી કરેલ.
એ જ વર્ષ 2011 વાળો હૉલ પણ હવે ત્યાં પેલા કાકાઓ નહોતા. Phdનું ઇન્ટરવ્યૂ હોય એટલે ત્યાંતો બાળક જેવા માસૂમ અને ડર અનુભવી રહેલા વિદ્યાર્થીઓ ! સાચું કહું છું એ ફફડતા ભારતીય યુવાનો જોવા હોય તો કોઈક યુનિવર્સિટીમાં ખાલી ખાલી phdનું ફોર્મ ભરજો. અને જજો…☺️
ઇન્ટરવ્યૂ પહેલા પેટમાં ગલગલિયા જેવું થાય એ આતુરતા અલગ બાબત છે પણ તમે ડરો… ફફડો એ શું છે ?
એ આજ કે તમને કૉલેજમાં એવું શિક્ષણ આપવામાં આવ્યું છે. ડરવાનું શિક્ષણ આપવામાં આવ્યું છે. કે સામે કોઈ અધ્યાપક રુઆબમાં બેઠો હોય કે બેઠી હોય તો તમારે એનાથી ડરવાનું !
મેં એ વિદ્યાર્થીઓને સાંભળ્યા કે આ તો બૉવ ખતરનાક છે. કોઈને નથી છોડતા !
નંબર મુજબ બેન્ડબાજા શરૂ થયા !
ઇન્ટરવ્યૂ લેનાર ભયંકર લાગ્યા. એ બિચારા વિદ્યાર્થીઓને સાવ ઉતારી પાડતા બોલી રહ્યા કે તું જે વિષય ઉપર phd કરવા હાલી નીકળ્યો છે, એમાં તે કેટલા પુસ્તક વાંચ્યા છે ? વિદ્યાર્થીઓ તો ડરથી જ ડઘાઈને રહી જતા. અમુક તો પાન ફફડે એમ ફફડી રહ્યા હતા. (આપણા દેશનું ભાવિ☺️ આપણા દેશનું યુવાધન ☺️) ખાસ નોંધવું કે આવી હાલત સાહિત્યક્ષેત્રમાં વધારે જોવા મળે છે. બિચારા સાહિત્યના અભગિયા વિદ્યાર્થીઓ.
સાહિત્ય જગતના બિચારા વિદ્યાર્થી…
આજદિન સુધી B.A. અને M. A માટે જોડતોડ કરીને ભણી રહ્યા હોય એમનું ક્યાંથી એ 50 વર્ષના અધ્યાપક જેવું વાંચન હોય ?
અને એ ભારે ઘમંડી અવાજમાં પૂછવામાં આવતા સવાલનું વજન જ એવું હોય કે બિચારો ગભરાહટમાં જવાબ આપવાનું જ ભૂલી જાય.
ત્યાં મારા પહેલા એક અધ્યાપકનો નંબર હતો. એ ભાઈ GPSC પાસ અધ્યાપક હતા. એ એક જ અમારામાં સૌથી મોટી ઉંમરના વિદ્યાર્થી લાગી રહ્યા હતા. એટલે એમનો તો વારો કાઢી નાંખ્યો !
ઇન્ટરવ્યૂ લેનાર બોલ્યા પણ ખરા કે આ વિદ્યાર્થીઓ છે એટલે એમને જવા દઉં પણ તમે ! તમે તો અધ્યાપક છો… એ પણ GPSC ! તમે GPSC પાસ કેવી રીતે કર્યું ?? આમ અને તેમ… એ ભાઈની ફાઇલ તો જાણે એમના માથે જ મારી…(મતલબ મેં વિચાર્યું કે બિચારા વિદ્યાર્થીઓની બેન્ડબાજા કરી રહ્યા હતા એને તમે જવા દેવાનું કહી રહ્યા છો ? તો તમે જેની બેન્ડબાજા કરતા હશો એ તો આત્મહત્યા જ કરી લેતો હશે ને ?)
અને તરત જ વિરામ મળ્યો, મેં જોયું કે એ ભાઈ ગુસ્સામાં કશુંક બબડતા બબડતા જઈ રહ્યા. (B & D)☺️
વિરામ બાદ મારો નંબર આવ્યો. એટલે મને કંઈ સવાલો પૂછે એ પહેલાં જ મેં મારું વિષય પરત્વે વાંચન શું એ જણાવતા પહેલાં એમને જણાવ્યું કે માનનીય હું છેક પહાડી વિસ્તાર રહું છું. નાની ઉંમરે જ જવાબદારી ઉઠાવવાની હોવાથી PTC કરીને હાલ પ્રાથમિક શિક્ષકમાં છું. પણ સાહિત્યમાં રસ હોવાથી ઍકસ્ટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો છે. કુંભારનો દીકરો છું, મારા પિતા બીમાર રહે છે થાય એટલું માટીકામ કરે છે પણ એમાં ખાસ આવક નથી. જેમતેમ ઘર ચાલે છે. 2500/- રૂપિયાના પગારમાં લૉન લીધી હતી. કેમ કે PTCની ફી ભરવા ઉછીના રૂપિયા પાછા આપવાના હતા. કૉલેજ શરૂ કરી ત્યારે તો ભાઈના લગ્ન થયા, એ ભેટમાં મળેલ બે સોનાની વીંટી ગીરવે મૂકીને હું FY. B.A. માં ઍડમીશન લઈ શકેલો. અને લાઇબ્રેરીમાં તો અમને ઍકસ્ટર્નલવાળાને પ્રવેશ જ ન મળે ! એટલે ચોપડીઓ ખરીદવાની તાકાત જ ન હતી. માંડ કોઈક મિત્રની ઓળખાણથી જે વાંચવા મળી છે, એની વાત કહી શકું છું. અને હા, હમણાં જ મારો પગાર વધ્યો છે. ગયા મહિને જ મેં એ પગારમાંથી પુસ્તકો વસાવ્યા છે.
એ મારી સામું જોઈ જ રહ્યા !
મને લાગ્યું કે હું આમ બોલ્યો એ એમને ગમ્યું કે ન ગમ્યું ? એટલે મેં કહ્યું કે હવે હું પુસ્તકો વસાવી શકું છું… તો સંશોધનને ન્યાય આપીશ.
પણ છતાંય એ બોલ્યા નહિ.
મારી ફાઇલ એક અન્ય સાહેબને આપતાં એમણે કશુંક જણાવ્યું.
મારી સામે જોઈને બસ સાદું ફિસ્સું હસ્યા…
મારા પછી બીજા વિદ્યાર્થીનો નંબર આવ્યો. હું ત્યાં મારી ફાઇલ અને બધું એકઠું કરવાના બહાને ખંડની પાછળ ખાલી જગ્યાએ જઈને બેઠો. મેં બાકીના બે ત્રણ વિદ્યાર્થીના ઇન્ટરવ્યૂ જોયા પણ પ્રક્રિયામાં શાંતિ જણાઈ.
ત્યારબાદ હું બહાર નીકળી આવ્યો. પણ મારે એક મિત્રને મળવાનું હતું, જેનું ઇન્ટરવ્યૂ હજી બાકી હતું. એટલે હું એની રાહ જોતો બહાર ઉભો હતો. એ અડધા કલાક પછી બહાર આવ્યો અને મને ભેટી પડતાં બોલ્યો. આભાર દોસ્ત !
અને પછી તો gpscની પરીક્ષા બાદ ઇન્ટરવ્યૂ આવવાનું છે એમ જાણકારી મળી. એટલે પછી ત્યાં phd કરવા બાબતે મેં ખુદ વિચાર માંડી વાળ્યો. વીર નર્મદ યુનિવર્સિટીમાં ત્યારબાદ પછી કદી જવાનું થયેલ નહિ.
જો કે ત્યાર બાદ મેં ઘણી જગ્યાએ phd માટે અરજી કરી હતી. પણ એ બાબતે અનુભવ પછી ક્યારેક કહીશ. પણ હા, બધું ગાઇડના હાથમાં હોય ! એમ લોકો વાત કરે. પણ આજકાલ તો પ્રવેશપ્રક્રિયા સુધરી છે. એટલે પરીક્ષાઓ થાય છે. અને phd પ્રવેશ મળી જાય છે. છતાં પણ ક્યારેક કશુંક રંધાયાની બૂમાબૂમ સંભળાતી રહે છે.
મેં હાલમાં જ એ બાબતે વિચાર્યું કે અધ્યાપકોમાં આ માનસિકતા કેવી રીતે ઘડાતી હશે ? એ બાબતે એમની જ પાસે સાંભળેલું કે એમના ગુરુ એમને શાકભાજી લેવડાવતા ! પોતું કરાવતા ! પગચંપી કરાવતા… વખાણ કરાવતા…ઘણું બધું…☺️
મતલબ, મને સવાલ એ થાય છે કે શું એ બધું આજે નથી ચાલી રહ્યું એટલે એમને એનો ખટકો હશે ??
આજે એ બધા પગચંપી કરનારા અધ્યાપક ગુરુ બન્યા ત્યારે એમને કોઈ પગચંપી કરનારો વિદ્યાર્થી કેમ મળી રહ્યો નથી એનું દુઃખ હશે ?
મને લાગે છે કે એમના મનમાં એક અહં બ્રહ્માસ્મિ ઘર કરી ગયો છે કે વિદ્યાર્થીઓ આપણને સવાલો કરે છે ? આપણે આટલું વાંચ્યું હોય ! આપણે આમ કેટકેટલી પગચંપી કરીને મહાન જ્ઞાતાદ્રષ્ટા થયા હોય ! અને આજકાલના બચ્ચાં આપણને સવાલો કરી જાય છે ? એમની ઔકાત શું ?
કદાચ એ પણ બની શકે કે એમને આ ચેલાચમચા વાળી સિસ્ટિમ જ ગમતી હોય ! બાકી, આ બકવાસ સાહિત્ય ભણીને તમે ગમે એટલા જ્ઞાની બની જાવ, તો એનાથી દુનિયાને શું ફરક પડે ??
હું તો કહીશ કે તમે આ બેમતલબના જ્ઞાનનું શું કરશો ? કોરોના મહામારીમાં તમે હાસ્ય મુકાબલા કરો છો ! અથવા એ થવા દો છો… અન્યાય કે ખોટા સામે તમે બોલી નથી શકતા. બિલાડી જેવા તમે ચૂપચાપ ચાપલૂસી કરીને પોતાને વિદ્વાન કહો છો ? એ તમારી સમજણ છે ? એ તમારું સાહિત્યનું જ્ઞાન કેવું ? તમે તમારા વિદ્યાર્થી સાથે નિખાલસતાથી ભળી ન શકો એ તમારું કેવું અજ્ઞાન ? અને હું તો પૂછું છું કે તમારા ઘમંડ ભેળવેલા સાહિત્યિક જ્ઞાનની ઉપયોગીતા શું ?
એનાથી દુનિયાને શું ફરક પડે ?
– જયેશ વરિયા
– 27-05-2020
Leave a Reply