અમારી ડોકટર ટોળકી કેરળમાં ફરતા ફરતા પ્રખ્યાત ગુરુવાયર મંદિરે પહોંચી ત્યારે દર્શન માટે લાંબી લાઈન જોઈને મેં દર્શન કરવાનું જ માંડી વાળ્યું.સાથીઓ દર્શનની લાઈનમાં ઉભા રહ્યા અને મેં દોઢ-બે કલાક લોકલ બજારમાં રખડવાનું પસંદ કર્યું. અને મનમાં ઘમંડ સાથે વિચારતો રહ્યો કે ‘હું બુદ્ધિજીવી રેશનલ છું. આ લોકો મૂર્તિના દર્શન માટે બે કલાક બગાડે છે અને હું નવું નવું જોવા-શીખવામાં સમય ઇન્વેસ્ટ કરું છું.’ રખડીને થાક્યો-કંટાળ્યો ત્યાં અમારી ટોળકી પણ દર્શન કરીને આવી ગઈ. અને મેં નિરીક્ષણ કર્યું કે એ કોઈને થાક નહોતો લાગ્યો. બધાનાં ચહેરા પર આનંદ હતો.અને સામેપક્ષે મેં પણ રેશનલ બનીને બે કલાકમાં કોઈ મહાન કાર્ય કર્યું નહોતું. હા,બન્ને પક્ષે આનંદ હતો એ વાત જ મહત્વની હતી.
જીવનનું કેન્દ્રબિંદુ તો આનંદ જ છે. આનંદને પામવા દરેકના રસ્તા જુદા જુદા હોય એટલો જ ફરક. મને એક ફિલ્મમાંથી આનંદ આવતો હોય તો કોઈને બે કલાક પૂજાપાઠ-સત્સંગ કરવાથી પણ એટલો જ આનંદ આવી શકે. એમાં એ વર્ગ મૂર્ખ અને હું જ હોશિયાર એમ તો કેમ સાબિત થાય! મને એક પુસ્તકમાંથી જે મજા આવી શકે એટલી જ મજા કોઈને એક કથા સાંભળવાથી આવી શકે.
તર્ક-વિતર્ક એક એવો વિષય છે જેનું તીર ગમે એ દિશામાં છોડી શકાય છે,પોતપોતાની સગવડતા મુજબ. અને થોડોક હોશિયાર માણસ એ તર્ક-વિતર્ક રજૂ કરતો હોય ત્યારે એ બધી દિશામાંથી સાચા લાગી શકે છે.પણ અમુક વિષયોમાં પોતપોતાના અંગત લોજીકો રજૂ ના કરતાં બહુમત સામાન્ય લોકોની દ્રષ્ટિએ વિચારવું જોઈએ.
દેશનાં હજારો સામાન્ય માણસો પાસે તમે વિદ્વાન રેશનલ કે ફિલોસોફર બની જવાની અપેક્ષા ના રાખી શકો. અને એમ ન હોય તો એમને હડધૂત પણ ના કરી શકો અને ડફોળ પણ માની ના શકો. અને અહીંયા વાત ધાર્મિકતાના આનંદની છે, અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાની નથી. આપણે સોશિયલ મીડિયામાં કલાકો કાઢીને સમાજને કે દેશને કયો મોટો ફાયદો કરવી આપીએ છીએ કે કથા-સત્સંગમાં અમુક કલાકો વિતાવનારને ડફોળ કે મુર્ખના સ્ટીકરો ચોંટાડી દઈએ છીએ! ઘણીવાર તો આપણી પોતાની બુદ્ધિ ખુદ આપણા પાડોશી કે આપણા કુટુંબ અને આપણી જાતને પણ ફાયદો નથી કરાવતી. ત્યારે ધાર્મિકતાની બિનઉપયોગીતાનાં તર્કો રજૂ કરવાનો પણ કોઈ ફાયદો નથી.
હજારો લોકો સાથે બેસીને આનંદ-ઉત્સવ કરતાં હોય એ કોઈ ગેરકાયદેસર કામ તો નથી જ. તો પછી સતત શું કામ નવરા બેઠા નખ્ખોદ વાળ્યા કરવું! રેશનલ બનવું, બુદ્ધિજીવી બનવું એ ખરેખર પોઝિટિવ બાબત છે. પણ એટલા માત્રથી બીજાઓ મૂર્ખ નથી થઈ જતા, એ પણ એટલી જ સાચી વાત છે.
ધર્મનાં ટાઇટલ હેઠળ પણ દેશનો સામાન્ય માણસ આનંદ કરી શકતો હોય, હિંમત મેળવી શકતો હોય કે હજારો તકલીફો વચ્ચે કોઈક અદ્રશ્ય શકિતને સહારે શાંતિથી જીવ્યા કરતો હોય એમાં આપણને તકલીફ શેની! હોસ્પિટલમાં જ્યારે હું ગંભીર રોગોથી પીડાતા,દેવાદાર બની ગયેલાં અને દુનિયાનાં સુખી લોકોથી અલગ પડી ગયેલા વર્ગને પ્રાર્થના કરતાં જોઉં છું અને ‘ઉપરવાળો બેઠો છે હજાર હાથનો…’ કહેતાં સાંભળું છું ત્યારે મને થાય છે કે મારા નકામાં રેશનલ વિચારોનાં બોજ કરતાં આ માણસની શ્રદ્ધા ચડિયાતી સાબિત થઈ છે!
અંધશ્રદ્ધામાં જીવતા,અંધશ્રદ્ધાને જ સર્વસ્વ માનનાર અને લોભિયા-ઘુતારા બાવસાધુઓના ચરણે જીવનારા મૂર્ખાઓનો વિરોધ કરીએ અને સમાજને જાગ્રત પણ કરીએ. પણ સો વાતની એક વાત મગજમાં સતત રાખીએ કે ધાર્મિકતા એ અંધશ્રદ્ધા નથી,નથી અને નથી જ. ધાર્મિકતાનો પણ ભૌતિકતા અને આધુનિકતા જેવો જ એક પરમઆનંદ હોય છે અને એ કોઈ ખોટો રસ્તો નથી. એ પોતપોતાની અંગત ચોઇસ છે.
– ભગીરથ જોગીયા
Leave a Reply