સાઉથની ફિલ્મો માટે એક કથા કાલિદાસના સમયથી જાણીતી છે. ફિલ્મમાં એક હિરો હોય છે. હિરો હોય એટલે વિલન હોય છે. વિલનો ખટારા ભરીને હોય છે. આ વિલનની જ કોઈ છોકરી હોય છે, જે સામેથી આપણા કાળીયા હિરોના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મ અડધે રસ્તે પહોંચે એટલે આપણો હિરો હિરોઈનને તેના ભૂતકાળની સેડ સ્ટોરી નીરૂપા રોયની જેમ સમજાવે છે. આપણને થાય કે કહાં ગઈ વો રિક્ષા ઉડા દેને વાલી તેરી યે મર્દાનગીં ? હિરોઈનની આંખોમાં ગ્લીસરીનના આંસુ આવે છે અને તે બોલી ઉઠે છે, ‘મારા બાપાને જીવવાનો કોઈ અધિકાર નથી.’ એટલે હિરોને ભાવતું હતું અને વૈદ્યે કીધુ જેવો ઘાટ થાય, છેલ્લે વિલનનું મૃત્યુ, હિરો હિરોઈનના લગ્ન અને વિલનની વધેલી મિલ્કત હિરોઈન થ્રૂ હિરોના હાથમાં આવી જાય છે. બાકી ગરીબ હિરો શૂટબૂટમાં કેવી રીતે આવે ? મસ્તમજાનો કોમેડીયન હોય છે. એક નહીં બે નહીં પૂરા ત્રણ ત્રણ હોય છે. હિરોની નટખટ માતાજી અથવા તો મૃત્યુ પામેલી માતાજી હોય છે. બાપુજી હોય તો કાં ધારાસભ્ય હોય અથવા સાઉથમાં આ પદની ઉત્પતિ જ વિલન બનાવવા માટે થઈ હોય તો વિલન જ ધારાસભ્ય હોય. અને હિરો બે કલાક પાંત્રીસ મિનિટની ફિલ્મમાં એટલું જ બોલતો હોય, ‘એમએલએ શિવાશંકર રેડ્ડીને મેરી માં કો મારા, મેરી સારી જાયદાદ લેલી…’
હવે થોડુ ઘરની બરણીમાં જુઓ. વર્ષો પહેલા બનતી આપણી બીબાઢાળ ગુજરાતી ફિલ્મો. પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જવાબદાર છે ગામનો જાલીમ જમીનદાર. સ્વર્ગસ્થ થયેલા પિતાજી કોણ છે, તે આપણા કેડિયુ ચોયણીવાળા હિરોને નથી ખબર, કારણ કે આખા ફિલ્મમાં તેને છાપુ વાંચતા નથી બતાવતા. અન્યથા બેસણું કે અવસાનનો ફોટો પણ આપી શકે. પણ આપણા હિરોની મા એટલી અમીર નથી કે છાપામાં બેસણાના એ સમયે લેવાતા 200 રૂપિયા પણ આપી શકે. બીચારી એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત છે. આ જમીનદારની દિકરી મારૂ, જમના કે સવીતાના પ્રેમમાં આપણો હિરો પડે છે. અને એને જ પામવા જમીનદારનો ડાબો હાથ ગણાતો કોઈ નટખટીયો વિલનનો દિકરો હોય છે. જેને ઉપરના ત્રણ નામમાંથી એક નામને પોતાની બનાવવાની હોય છે. ફિલ્મ અધવચ્ચે પહોંચે એટલે માતા દિકરાને ભૂતકાળનું સત્ય બતાવી દે છે. અને એ પણ કહે છે કે, ‘હું તો તારા મોટા થાવાની જ રાહ જોતી હતી, તુ મોટો થા, પછી જાલીમ જુમાનસિંહનો કોળિયો કરી નાખ.’ અને આપણા હિરોનો જન્મ જ આવા સદકાર્ય કરવા માટે થયો છે. જે છેલ્લે વિલનને મારી નાખે છે. અફકોર્સ વચ્ચે વચ્ચે દર પંદર મિનિટે આવતો એક કોમેડીયન.
કંઈ ફર્ક છે ? તો પણ સાઉથની ફિલ્મો તેની ટ્રીટમેન્ટ, તેની ડાઈલોગ ડિલેવરી અલબત્ત સાંભળવાની સાઉથની ભાષામાં, સમજાય તો ??? સિક્રેટ માટે રાહ જોવડાવતો એક એક સીન, હિરોનો ડાન્સ, હિરોઈનની કમર, વિલનનો ખૌફ અને અફલાતુન સ્ક્રિનપ્લે આ બધુ મિક્સર મસાલો થઈ ફિલ્મને યુટ્યુબ પર 100 મિલિયન વ્યુ પર પહોંચાડી શકે, જેમ કે ગયા વર્ષે રિલીઝ થયેલી સ્ટાઈલીશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ દુવ્વડુ જગ્ગનાથ.
પણ અહીં હોરરની વાત કરવી છે. અક્ષય કુમાર પેડમેનના પ્રમોશનમાં ટક્કો થઈને રખડે છે. તેનું કારણ સામે આવ્યું કે તે રાઘવ લોરેન્સની સાઉથ રિમેક ફિલ્મ કંચના-2માં કામ કરવાનો છે. ઓરિજનલી આ ફિલ્મનું ટાઈટલ મુન્ની હતું. અક્ષય કામ કરવાનો છે, એટલે જે સાઉથ રસીયાએ ફિલ્મ નથી જોઈ તે પણ ડાઉનલોડ કરી જોવા માંડશે, જીઓની મહેરબાની ! પણ કંચના-2 પહેલા તેનો ફસ્ટ પાર્ટ જોઈ લેવો. જે 2011માં બનેલો પછી 2015નો પાર્ટ જેની હિન્દી રિમેકમાં અક્કી કામ કરી રહ્યો છે.
બોલિવુડમાં એક સરખી બીબાઢાળ હોરર ફિલ્મો બને છે. સાઉથમાં પદ્માવત સામે જ કોઈ ડર વિના અનુષ્કા શેટ્ટી અક્કા દેવસેનાની ભાગમથી રિલીઝ થઈ. ફિલ્મે સાઉથમાં એટલો બિઝનેસ કરી લીધો છે કે, ગુજરાતમાં પાંચ વર્ષ સુધી એ બજેટમાં ફિલ્મો બનાવી શકાય. પણ ક્રિટિકલી ફ્લોપ ગઈ છે. આવી જ મિક્સ રિવ્યુ ધરાવતી ફિલ્મમાં ઉપરછાપરી હિટ આપી રહેલા શ્રીમાન અક્ષય કુમારને સાનો રસ પડ્યો ? આમ તો અક્ષય કુમાર છેલ્લા કેટલાય સમયથી દેશદાઝના રંગે રંગાયેલો છે. છેલ્લી પેડમેન સુધી તેણે કોમેડી નથી કરી પણ હવે પાછો હોરર, સસ્પેન્સ કોમેડી ફિલ્મ કરશે.
કંચના. રાઘવ લોરેન્સ નામનો એક કાળો હિરો છે. અને તે પોતાની તમામ ફિલ્મોમાં એક જ ડાઈલોગ બોલે છે, ‘મને ગમે તે કહી દેવાનું, પણ મારા રંગ પર કોમેન્ટ નહીં કરવાની.’ આખો દિવસ ક્રિકેટ રમ્યા કરે છે. ઘરમાં માં, ભાભી, ભાઈ અને ભત્રીજો ભત્રીજીની જોડી છે. પણ હિરોને ફટકો મારી યુસૈન બોલ્ટ પહેલા સીમારેખાની પાર પહોંચાડી દેતો આપણો હિરો ભૂતથી કાફી ડરે છે. એવામાં હિરો જ્યાં ક્રિકેટ રમવા માટે જાય છે, ત્યાં હવે જગતભરના નિયમ મુજબ ગ્રાઉન્ડમાં બિલ્ડીંગ બની રહી છે. એટલે એક સમજદાર યંગસ્ટર બોલી પડે છે, ‘એક કામ કરીએ બાજુમાં એક ગ્રાઉન્ડ છે ત્યાં કોઈ નથી રમતું.’ બધા ત્યાં જાય છે, પણ તે જગ્યા શ્રાપિત છે, તેવું ફિલ્મની શરૂઆતમાં જ ખબર પડી જશે. જ્યાં સ્ટમ્પ ખોસવામાં આવે છે, ત્યાં જ ત્રણ લાશ દાટેલી છે. હવે થાય છે એવું કે, સ્ટમ્પ ખોસતા લાશમાં રહેલું લોહી સ્ટમ્પમાં ચોંટી જાય છે. હમણાં ચંદ્રગ્રહણ થયું તેવું દિવસના 10 વાગે આકાશ ઘેરવા લાગે છે. રાઘવને સૌથી પહેલા ડર લાગે છે, પણ એ મુર્ખ સ્ટમ્પ લીધા વીના ભાગતો નથી. સ્ટમ્પ ખેંચે છે એટલે પેલું લોહી પણ તેની સાથે જ ચોંટીને ઘરમાં આવી જાય છે. હવે જેના ઘરમાં એ ભૂતની કોઈ પણ વસ્તુ હોય ત્યાં ધમાલ મચાવાની જ. ત્યાં આપણા હિરો રાઘવ (ફિલ્મમાં પણ રાઘવ જ નામ છે) આખેઆખુ ખૂન ભરેલું સ્ટમ્પ જ લઈ આવે છે. હવે ઘરમાં ભૂત છે. એક નહીં બે નહીં ત્રણ છે. જે રાઘવના શરીરમાં કબ્જો લઈ લે છે અને પછી કોમેડી, સાથે હોરરનો મિક્સ ડોઝ શરૂ થાય છે. પણ ભૂતને કેવી રીતે ભગાવે છે…? આ કંચનાનું રહસ્ય શું છે…? તે તમારે કોઈને ફિલ્મ જોવી હોય તો, જોઈને તપાસી લેવું. પછી તો કંચનાની આત્માને મુક્તિ મળી જાય છે, પણ તે હંમેશા રાઘવના શરીરમાં જ રહે છે. શરીરમાં રહે તેનો અર્થ સિક્વલો બન્યા રાખવાની છે. અક્ષય કુમાર કે જોનારને પણ પહેલો પાર્ટ પસંદ નહીં આવ્યો હોય એટલે સીધા બીજા પાર્ટ પર નજર દોડાવી છે, પણ શું દર્શકોને હિન્દીમાં પ્રિક્વલ સમજાવ્યા વિના સીધી સિક્વલને રિમેક બનાવી સમજાવી શકશે ?
ફિલ્મમાં પરિવારની કોમેડી સિવાય કશું નથી. પણ કોમેડી છે માણવા લાયક. કારણ કે તેના સંવાદો 25 ટકા ગુજરાતીમાં ડબ કરવામાં આવ્યા છે. સૌથી વધારે મઝા રાઘવની મમ્મી બનેલી કોવાઈ સરલા તમને કરાવશે. કોવાઈ સરલાએ 135 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે અને મોટાભાગની ફિલ્મોમાં તે મહિલા કોમેડીયન તરીકે જ હોય છે. તે પણ માંના રોલમાં જ. બીજી બાજુ રાઘવ લોરેન્સ ભલે કાળો રહ્યો, પણ તેના અભિનય સામે સવાલ ન કરી શકો. શરીરમાં એક સામટી ત્રણ આત્માઓનો પ્રવેશ થાય પછી રિટેક લીધા વિના રાઘવ કેવી રીતે એક પછી એક રોલ અપરિચિતની જેમ પ્લે કરે છે, તે જોવાની મઝા જ અલગ છે. આમ તો તમે પ્રભૂદેવાને સારો ડાન્સર ગણો છો, પણ પ્રભૂદેવાની કરિયરની શરૂઆત જ રાઘવ લોરેન્સે કરી હતી. જેન્ટલમેન એટલે આપણું હમસે હૈ મુકાબલામાં ચીકુબુકુ… ચીકુબુકુ સોંગની કોરિયોગ્રાફી તેણે કરેલી. અને તેણે અભિનય સિવાય પોતાના આ શોખને જાળવી રાખવા ચીરંજીવીની 2017ની કમબેક અને 150મી ફિલ્મ કેદી 150માં પણ કોરિયોગ્રાફી કરેલી. તો 2004ની માસ… યાદ આવે છે, સુર્યવંશમનો જ્યારે સેટમેક્સ પર સુર્ય તપતો નહોતો ત્યારે નાગાર્જુનની માસ હિન્દીમાં મેરી જંગ ચલાવી ચલાવીને સેટ મેક્સે સીડી ઘસી નાખેલી, તેમાં પણ રાઘવની જ કોરિયોગ્રાફી હતી.
પણ આપણા અક્ષય ભાઈ જે રિમેકમાં કામ કરવાના છે, તે આ કંચનાનો બીજો પાર્ટ છે. રમેશ બાલાએ ટ્વીટ થકી કન્ફર્મેશન આપી દીધુ છે. જેની સ્ટોરી થોડી અફલાતુન છે. ફિલ્મમાં તાપસી પન્નુ છે એટલે હિન્દીમાં તાપસીનું ચાલે છે, તો એને જ લઈ લેશે. તેમાં કંચનાના ફસ્ટ પાર્ટની માફક રાઘવ સિવાયના કોઈ કલાકારોને રિપિટ કરવામાં નથી આવ્યા. પણ ઓરિજનલી જે કંચના સિરીઝનો પહેલો પાર્ટ જોશો ત્યારે તેનો બીજો ભાગ જોવાનું મન અચૂક થશે, પણ તમે બીજો ભાગ જોશો ત્યારે અક્ષય કુમાર શૂટિંગ સ્ટાર્ટ કરી દેશે અને તેનું શૂટિંગ પૂરૂ થશે તો તમિલમાં કંચનાનો ત્રીજો પાર્ટ જે આ વર્ષે રિલીઝ થવાનો છે, તે આવી જશે. બાકી આ બધુ જે ઠાલવ્યું તે કંચના સિરીઝના પહેલા પાર્ટમાં ફિલ્મ રસિયાને એન્ડ જોતા વધારે મઝા નહીં આવે. વચ્ચે જે મસાલા અને હોરર ઈફેક્ટ આપવામાં આવી છે, તે સારી લાગશે, હું કહેતા રહી ગયો, ફિલ્મમાં તમને ડરાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે ફિલ્મનું બેકગ્રાઉન્ડ. ન માનવું હોય તો રાતે એકલા જોઈ લે જો… ખબર પડી જશે.
આ તો બસ અક્ષય કુમારને ટકલો ઉપરથી સફેદવાળમાં જોવો સારો નહોતો લાગતો. પણ વેબસાઈટો અને રમેશ બાલાએ કન્ફર્મેશન આપી દીધુ એટલે ગઈકાલે ઓરિજનલ ફિલ્મ જોઈ લીધી. હવે અક્ષય જેમાં કામ કરવાનો છે, તે કંચના-2નો આજે રાતે વારો કાઢી લઈએ. ફિલ્મીસેન્સને એકબાજુ રાખીને જોશો તો મઝા આવશે, બાકી ભૂલો તો ફિલ્મમાં નીકળે તેટલી છે જ.
~ મયૂર ખાવડુ
Leave a Reply